સેલ્ફ લવ યાને ખુદને ચાહવું એ જીવનમાં આનંદ-હકારાત્મકતા અને વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. જે પોતાની જાતને ચાહી શકે એ જ બીજાને ચાહી શકે. કશુંક અર્થપૂર્ણ કરી શકે અને એક જીવંત-ખુશનુમા વાતાવરણ સર્જી શકે.
સ્વ પ્રત્યેનો પ્રેમ હતાશા-નિરાશાથી બચાવી શકે, પ્રશ્નો સામે લડવાનું બળ આપી એક નવો આત્મવિશ્વાસ ઊભો કરી શકે. આમ જુઓ તો ઘણા બધા લોકો ખુદને ચાહતા હોય છે, પરંતુ જીવનમાં કશુંક અનિચ્છનીય બનતાં જ તેઓ ખુદને કોસવા માંડશે કે પોતાની શક્તિનું અવમૂલ્યન કરશે. ભૂલ અને અપરાધભાવના વમળમાં એવા અટવાઇ જશે કે ખુદનું સન્માન કરવાનું ભૂલી જશે. દરેક વ્યક્તિએ ખુદને ખુદથી દૂર કરનારાં આવાં પરિબળોને ઓળખી લેવાં જોઇએ.
આવાં પરિબળોમાં પહેલા ક્રમે આવે છે ટોક્સિક - નેગેટિવ રિલેશન. જે બાળકોનું બાળપણ માતા-પિતાના ઝઘડા-કંકાસ અને સતત ટીકા વચ્ચે પસાર થયું હોય તેઓ ખુદને ચાહી શકતાં નથી. નકારાત્મકતા એમને ખુદની અચ્છાઇ તરફ મીટ નથી માંડવા દેતી. એમને એવું જ લાગે છે કે દુનિયાનું બદ્નસીબ બાળક એ જ છે. એ જ રીતે લાઇફ પાર્ટનર સાથેના ટોક્સિક સંબંધો પણ ખુદનું અવમૂલ્યન કરાવે છે. જ્યારે એક પાર્ટનર બીજા પાર્ટનરને કંટ્રોલ કરે છે, દબાવે છે, સતત અપમાનિત કરે છે, આક્ષેપો કરે છે ત્યારે બીજા પાર્ટનરને ધીરે ધીરે એવું લાગવા માંડશે કે ખામી એનામાં જ છે. એનું દમિત વ્યક્તિત્વ અંદર રહેલા ગુણોને અને જીવનના સૌંદર્યને જોઇ શકતું જ નથી, તેથી એ ખુદને નફરત કરે છે. આવા સંબંધો પતિ-પત્ની, બે મિત્રો, ભાઇ-બહેન, દેરાણી-જેઠાણી કે સાસુ-વહુ કોઇ પણ વચ્ચે હોઈ શકે. જેમની સાથે સતત રહેવાનું હોય એવી વ્યક્તિ સાથેના નકારાત્મક સંબંધો આપણને ખુદથી દૂર કરી શકે. એનો ઉપાય એ જ છે કે આવા લોકોથી દૂર રહો. જેઓ તમને સરાહે, તમારા પર વિશ્વાસ મૂકે અને જીવંત હોય એમની સાથે સમય પસાર કરો.
કેટલાક લોકો આખી દુનિયાનો ભાર પોતાના માથે લઇને ફરશે અને ઘર-પરિવારમાં બનતી નાની-મોટી દરેક ઘટનાઓ માટે ખુદને જવાબદાર ગણશે. ધંધામાં નુકસાન થાય, ઘરમાં કોઇ બીમાર પડે, કોઇ વસ્તુ તૂટે બગડે, બાળકો કહ્યું ન માને કે લાઇફ પાર્ટનર સાથે ઝઘડો થાય તો એમને એવું લાગે કે આ બધું મારે લીધે જ થયું છે અને આખી જિંદગી એનું ગીલ્ટ લઇને ફરશે. વળી, આ ગીલ્ટની ભાવના એટલી તીવ્ર હોય કે એ ખુદને જ ભૂલી જાય. ગીલ્ટ એ વ્યક્તિત્વમાંથી ખુદ માટેનાં પ્રેમ અને સન્માનને કોતરી નાંખતી ઊધઇ છે. દુનિયામાં દરેક વ્યક્તિ પોતાનાં કર્મોનું ફળ ભોગવે છે. દરેકની પોતાની તકદીર અને સંજોગો હોય છે. અગર આપણાથી કંઇ જાણતાં-અજાણતાં, ખરાબ કે ખોટું થયું હોય તો આપણે એને સુધારવાનો પ્રયત્ન કરી શકીએ, ભૂલીને માફી માંગીને આગળ વધી શકીએ. આખી જિંદગી ખુદને નફરત કરવાથી કે અપરાધભાવમાં ડૂબ્યા રહેવાથી સ્થિતિ પલટાવાની નથી. દરેક ભૂલ અપરાધ નથી હોતી. અકસ્માત પણ હોય છે અને અકસ્માત કોઇની પણ સાથે થઇ શકે. સો... ગીલ્ટને ટાટા બાય કરી આનંદ અને સાવધાનીથી જીવનની નવી કેડી કંડારવી એ જ ડહાપણ છે.
કેટલાક લોકો પરફેક્શનના એટલા આગ્રહી હોય છે કે એમને ક્યારેક એમના વ્યક્તિત્વમાં કે કામમાં સંપૂર્ણતા કે વિશિષ્ટતા દેખાતી નથી. એમને એમના દેખાવમાં ખામી લાગે છે, સ્પીચ નથી ગમતી, ઇચ્છે છે તેવાં કપડાં નથી પહેરી શકતા. ખુદને આયનામાં પરફેક્ટ નિહાળવાની ઇચ્છા વ્યક્તિત્વના એક પણ ખૂણાને ચાહવાથી અળગા રાખે છે. કામ પરત્વે તેઓનો એવો જ એટિટ્યૂડ હોય છે. તેઓ ગમે તેટલું સારું પર્ફોર્મન્સ આપે, પરંતુ તેઓને હંમેશાં ઓછું જ લાગે છે. અધૂરપ અને અસંતોષની આ લાગણી ખુદને પ્રેમ કરતા રોકે છે. દુનિયામાં કશું જ પરફેક્ટ નથી અને સૌંદર્ય અને વિશિષ્ટતા ઇનપરફેક્શનની જ છે, તો જે કરીએ છીએ એના માટે ખુદને ધન્યવાદ આપીએ.
કેટલાક લોકો જીવનના પ્રશ્નો અને જંજાળમાં એવા અટવાઇ જાય છે કે પોતાનું એક અલગ વ્યક્તિત્વ છે, ખુદ માટેની પણ કંઇ ફરજ છે અને ખુદને પ્રેમ કરીને જીવનને વધુ અર્થપૂર્ણ બનાવી શકાય એવી સમજણ જ એમનામાં નથી હોતી. આ અણસમજ ખુદને ઇગ્નોર કરાવશે. આવા લોકોએ સમજવું જોઇએ કે તમારી શારીરિક, માનસિક અને ભાવનાત્મક જરૂરિયાતનો ખ્યાલ તમે ન રાખો તો તમને હર્ટ કરનારા લોકો વધશે. તમારો તમારા પર કંટ્રોલ ન હોય તો લોકો કંટ્રોલ કરવા આવશે અને તમારું જીવન કઠપૂતળી બની જશે. જ્યારે આવા લોકો પોતાની જરૂરિયાતને અવગણે છે ત્યારે તેઓ પોતાની નિજતા, ઓળખ અને સૌંદર્ય ગુમાવે છે. શરીર બીમાર પડે છે, મન સુષુપ્ત થઇ જાય અને લાગણીઓ થીજી જાય. ખુદને ફિટ અને પ્રેઝન્ટેબલ રાખનાર વ્યક્તિ એક હકારાત્મકતાની આભા ઊભી કરે છે, જ્યારે ખુદ પ્રત્યે લાપરવાહ અન્ય પ્રત્યે પણ લાપરવાહ જ રહે છે.
વળી, કેટલાક લોકો ઇનરવાઇસને નામે ખુદની ટીકા કરતા રહે છે. અંદરનો અવાજ સાંભળવો અને ખુદનું વિશ્લેષણ કરવું એ સારી વાત છે, પરંતુ આ વૃત્તિ જ્યારે એની સીમા અતિક્રમે ત્યારે ખુદની ખામીઓ એટલી મેગ્નિફાય થાય કે ખુદ માટે નફરત થવા માંડે અને એનું પરિણામ એટલે ખુદથી મોં ફેરવવું. દરેક સિક્કાની બે બાજુની જેમ વ્યક્તિત્વની પણ બે બાજુ રહેવાની. ખરાબ બાજુને સુધારી શકાય એના શોકમાં જીવનની ખુશીઓને ન ડુબાડાય.
અને જેઓ બીજાનાં સર્ટિફિકેટની અપેક્ષા રાખે છે, કોઇ એમને શ્રેષ્ઠતાનો ખિતાબ આપે ત્યારે જ જેમને પોતાનું મૂલ્ય સમજાય એવા લોકો પણ ખુદને ચાહી શકતા નથી. આવા લોકોએ સમજવું જોઇએ કે `To Fall in love with yourself is the first secret to happiness.'
