પિતામહ ભીષ્મે મહાભારતના `શાંતિપર્વ'માં ધર્મરાજ યુધિષ્ઠિરને જે જ્ઞાન આપ્યું, તે ફક્ત રાજકારણ કે યુદ્ધનીતિ પૂરતું સીમિત નહોતું. એ ઉપદેશ જીવનના મૂળભૂત સિદ્ધાંતોનો હતો, જેમાં દાન અને સહાયની ભાવનાને લીડરશિપનું એક અનિવાર્ય અંગ ગણાવ્યું છે. લીડરશિપ એટલે માત્ર સત્તાનું સંચાલન નહીં, પરંતુ પોતાની નીચે કામ કરનારા લોકો, એટલે કે કર્મચારીઓ કે પ્રજાના કલ્યાણ પ્રત્યેની નિસ્બત. ભીષ્મ આ બાબત પર ભાર મૂકે છે કે, એક રાજાએ (આધુનિક સંદર્ભમાં લીડર) પોતાના આશ્રિતોને મદદ કરવામાં અને દાન આપવામાં કેવા પ્રકારનો સંયમ અને અભિગમ રાખવો જોઈએ, જેથી તે ફક્ત શાસક જ નહીં, પણ ખરા અર્થમાં પાલક બની શકે.

ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે કે, કોઈ પણ લીડરે જ્યારે પોતાના કર્મચારીઓને કે પ્રજાને કોઈ પણ પ્રકારની મદદ, સહાય કે દાન કરવું હોય, ત્યારે તે કાર્યને ક્યારેય જાહેરમાં પ્રદર્શિત ન કરવું જોઈએ. દાન એ એક એવું ગુપ્ત કર્મ છે, જેનો ઢોલ પીટવાથી તેનું મહત્ત્વ ઘટી જાય છે. તેઓ સમજાવે છે કે, જેમ જમીનની અંદર રહેલું પાણી શીતળતા અને ફળદ્રુપતા લાવે છે, તેમ ગુપ્ત રીતે કરેલી સહાય લીડર અને કર્મચારીના સંબંધોમાં એક ઊંડો વિશ્વાસ સ્થાપિત કરે છે. જે લીડર પોતાના દાનનો કે મદદનો પ્રચાર કરે છે, તે ખરેખર તો દાન નથી કરતો, પણ પોતાના અહંકારનું પોષણ કરે છે. આવા પ્રચારથી જેને મદદ મળી છે, તેની આત્મ-સન્માનની ભાવના ઘવાય છે અને તેને જાહેરમાં શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. ભીષ્મના મતે લીડરશિપની આ વિનમ્રતા એટલે કે ગુપ્ત રીતે સહાય કરવી એ લીડરની શક્તિનું પ્રતીક છે.

આધુનિક લીડરશિપમાં પણ આ વાત એટલી જ પ્રસ્તુત છે. જ્યારે કોઈ કંપનીનો વડો પોતાના કર્મચારીને નાણાકીય સહાય કરે અથવા કોઈ મુશ્કેલીમાં અંગત મદદ કરે અને તે વાતને ગુપ્ત રાખે, ત્યારે કર્મચારીના મનમાં લીડર પ્રત્યે એક અહોભાવ અને સન્માન પેદા થાય છે. આ સહાય માત્ર આર્થિક મદદ પૂરતી સીમિત નથી, પરંતુ તે એક પ્રકારની સંવેદનાનું પ્રદર્શન છે, જે સાબિત કરે છે કે લીડર ફક્ત કામનો નિરીક્ષક નથી, પણ એક સાચો હિતેચ્છુ છે. ભીષ્મ કહે છે કે, લીડરે પોતાના રાજકોષ (કંપનીના ભંડોળ) પર સતત નજર રાખવી જોઈએ, પરંતુ જ્યારે દાન કે સહાયની વાત આવે, ત્યારે હૃદયને ઉદાર રાખવું જોઈએ.

પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને સલાહ આપે છે કે, રાજાએ હંમેશાં એ ધ્યાન રાખવું જોઈએ કે તેના કર્મચારીઓ કે આશ્રિતો કયા સંજોગોમાં જીવન જીવી રહ્યા છે. કોઈ પણ રાજાના રાજ્યની સાચી સમૃદ્ધિ તેના રાજમહેલની ઊંચાઈમાં નહીં, પણ તેના પ્રજાજનોના ચહેરા પરના સંતોષમાં છુપાયેલી હોય છે. કર્મચારીઓની નાની-નાની જરૂરિયાતો પ્રત્યે સજાગ રહેવું અને તેમને કોઈ પણ માગણી કર્યા વિના મદદ કરવી એ લીડરનું કર્તવ્ય છે. આ પ્રકારની સહાય કર્મચારીઓમાં માત્ર વફાદારી જ નહીં, પણ `આત્મપ્રેરણા' (Self-Motivation)ની ભાવના પણ જગાડે છે. તેઓ અનુભવે છે કે આ સંસ્થા કે આ લીડર તેમનો પોતાનો છે, જેના કારણે તેઓ પોતાનું કાર્ય વધુ ઉત્સાહ અને પ્રામાણિકતાથી કરે છે.

ભીષ્મ આ વાતને એક ઊંડા તત્ત્વજ્ઞાન સાથે જોડે છે. તેઓ કહે છે કે, જે રાજા કે લીડર પોતાના કર્મચારીઓને દાન કે સહાય કરીને પોતાનાં વખાણ કરાવે છે, તે ક્યારેય સફળતાના શિખરે ટકી શકતો નથી. સફળતા પ્રાપ્ત થયા પછી પણ શાંત અને વિનમ્ર રહેવું એ જ સાચા લીડરની નિશાની છે. ગુપ્ત દાન અને સહાય એ લીડરના ચારિત્ર્યને મજબૂત બનાવે છે. તે વ્યક્તિને અહંકારથી દૂર રાખે છે અને તેને વધુ ને વધુ લોકો માટે સારું કાર્ય કરવાની પ્રેરણા આપે છે. જ્યારે લીડર વિનમ્રતાથી પોતાનું કર્તવ્ય નિભાવે છે, ત્યારે તેની પ્રજા કે કર્મચારીઓ તેને ભગવાનની જેમ પૂજે છે અને તેમની વફાદારી અડગ રહે છે.

આમ, ભીષ્મની સલાહનો સારાંશ એ છે કે, દાન અને સહાય એ લીડર માટે કોઈ બોજ કે ફરજ નથી, પરંતુ તે એક ગુપ્ત રોકાણ છે, જે કર્મચારીઓના વિશ્વાસ અને આત્મવિશ્વાસના રૂપમાં પાછું ફરે છે. જે લીડર સંયમ સાથે ગુપ્ત રીતે અને નિ:સ્વાર્થ ભાવે પોતાના આશ્રિતોનું ધ્યાન રાખે છે, તે ક્યારેય સંકટમાં આવતો નથી, કારણ કે તેના કર્મચારીઓ જ તેની ઢાલ બની જાય છે. આ ગુપ્ત દાન જ એક લીડરને ભવિષ્યની મોટી સમસ્યાઓ સામે રક્ષણ આપે છે અને તેને રાજકીય કે વ્યાવસાયિક ક્ષેત્રમાં અજેય બનાવે છે. આ જ લીડરશિપની પરાકાષ્ઠા છે.