એની સાથે તુચ્છકારભર્યું વર્તન કરવું, કારણ કે દલીલ દલીલને તોડી શકે, પણ દલીલ પ્રતિષ્ઠાને શી રીતે તોડી શકે? રમણભાઇ નીલકંઠ `તોછડાઇની કલા' વિશેના એક લેખમાં કહે છે અને પછી ઉમેરે છે :

 `ઊતરતી પંક્તિના લેખકો જ આ કળાનો ઉપયોગ કરે છે એવું નથી. સાપ્તાહિકો-વર્તમાનપત્રોના અધિપતિઓથી ચઢતા લેખકો બીજા કોણ છે? તોછડાઇમાં તેઓ આપણા ગુરુ છે એ કબૂલ કર્યા વિના છૂટકો નથી. મુંબઇનો એક પત્ર નવો સ્થપાયો ત્યારે સુધારાવાળાઓ સામે ટીકા કરવામાં આ તોછડાઇની કળા યથાયોગ્ય વાપર્યાથી તેને સહજ પ્રસિદ્ધિ મળી ગઇ. તેના અધિપતિની ઉંમર તે વખતે 21 વર્ષની હતી. 60 વર્ષના એક ગૃહસ્થે પોતાની જિંદગીનો ઘણો મોટો ભાગ પ્રામાણિકપણે પોતાના વ્યવસાયનું કામ કરવામાં અને સ્વાર્થ-ત્યાગથી દેશસેવાઓ બજાવવામાં કાઢ્યો હતો, પણ તેનો અપરાધ એ હતો કે તેમણે સુધારાનો આશ્રય કર્યો હતો અને તેમના મતને સર્વત્ર જે માન આપવામાં આવતું હતું તેની કિંમત ઓછી કરવા સારું તેમની પ્રતિષ્ઠા તોડવાની અધિપતિને જરૂર જણાઇ અને તે માટે તોછડાઇ સિવાય બીજો ઉપાય નહોતો.'

 માનવ સ્વભાવમાં રહેલા આ એક અંશ, તોછડાઇના અંશનું, આટલું સરળ વિશ્લેષણ કોઇ માનસશાસ્ત્રીએ પણ હજુ સુધી નથી કર્યું. રમણભાઇ નીલકંઠ જેવા લેખકો-સાહિત્યકારો પોતાના નિરીક્ષણમાંથી તારવેલાં સત્યો રજૂ કરે છે ત્યારે સામાન્ય વાચક તરીકે આપણે સહુ માણસના મનની થોડીક વધુ નજીક જઇને એને વધુ સારી રીતે સમજી શકીએ છીએ.

 માનવ સ્વભાવની બીજી એક ખૂબી ઉમાશંકર જોશી `વાર્તાલાપ' નિબંધમાં બહાર લાવે છે: `દરેક માણસ એક દ્વીપ જેવો છે. એની આસપાસ વાર્તાલાપનાં મોજાં અથડાયા કરે છે અને એ રીતે એની એકલતા કંઇક સહ્ય બને છે. એમ ન બને તો વાર્તાલાપ એ કેવળ ઘોંઘાટ છે. મને પૂછો તો હું તો વાતોમાંથી જ શીખું છું, એટલે કે માણસમાંથી. ચોપડીઓ વાંચીએ છીએ તે તો તાળો મેળવવા, (પણ) માણસ વાતો જ કર્યા કરે એ આરોગ્યની નિશાની નથી. નરી વાતો એ આત્માનો કાટ છે. આપણે જાણીએ છીએ કે હૅમ્લેટ એટલે વાતો, વાતો ને વાતો, અંતે તો એનું જીવન પાયમાલ થયું.'

 શું લખવું, કેવું લખવું જેથી વાચક દૂર જતો ન રહે એવી મૂંઝવણના જવાબમાં ઝવેરચંદ મેઘાણી `સાહિત્યકાર, સાવધાન રહેજે' શીર્ષક હેઠળના એક લેખમાં કહે છે :

 `સાહિત્યકાર કાલે એક વર્ગના મનોરંજનનું સાધન હતો, આજે બીજો વર્ગ તેની પાસે ફરમાવ્યા મુજબની ખુશામદ માગતો ભવાં ચડાવી ઊભો છે.' આવા સંજોગોમાં લેખકે શું કરવું? મેઘાણીએ કહ્યું, કલમના કારીગરનો જવાબ એમ જ હોઇ શકે કે હું આજે એકેય વર્ગની સરમુખત્યારી સ્વીકારવા તૈયાર નથી. મેં રાજ્યાશ્રયને તિલાંજલિ દીધી છે, તે નવી સત્તાનું શરણું સ્વીકારવા માટે નથી દીધી.

 `હું સ્વાધીતાનોય સ્વાધીન રહેવા માગું છું. મણિ-મંદિરો મહાલવાના અભિલાષ મેં સંઘર્યા નથી. મારે કોઇ પણ આશ્રયદાતાનો, વ્યક્તિનો કે સમૂહનો સોનાનો તોડો પહેરવો નથી.'

 મેઘાણીને મન પ્રગતિશીલ સાહિત્ય એટલે એ સાહિત્ય જેમાં લખનારના અંતરની સચ્ચાઇ ટપકી હોય :

 `લખાણમાંનો રણકાર જ આપોઆપ કહી દેશે કે રૂપિયાની અંદર બનાવટ છે કે પ્રમાણસરનું ધાતુમિશ્રણ છે. અંતરમાં પૂર્ણ પ્રતીતિ થઇ ચૂક્યા પછી કલમમાંથી જે ટપક્યું હશે તેના જ અંશો પ્રગતિશીલ હશે. બનાવટ હશે તો ચાહે તેવું કુશળ કળાવિધાન એને છુપાવી શકશે નહીં. કળાને અને કથનના આત્માને જુદાં અંગો રૂપે ઓળખવાની જબરી ભૂલ પ્રવર્તી રહી છે.'

 વિન્ડો-ડ્રેસિંગને કળા કહેશો નહીં એવા સ્પષ્ટ શબ્દોમાં સાહિત્યકારોની ફરજ વિશે લખીને મેઘાણી છેલ્લે ઉમેરે છે:

 `એવા અનુભવ ખજાનાના વારસદાર સાહિત્યકાર, તારી કલમને તું કોઇ પણ વાદની બાંદી ન બનાવજે. તું કોઇ દુકાનદારની જાહેરખબર ન બનજે.'

 લેખક જાણીતો હોય કે ઓછો જાણીતો કે પછી અજાણ્યો. એના લેખનમાં પોતે અનુભવેલી સચ્ચાઇ ભળી હશે તો કદાચ એનું નામ ભુલાઇ જશે, પણ એણે કહેલી વાત યાદ રહી જશે. લખતી વખતે આ વાંચીને કોણ શું કહેશે કે પછી કોણ કેવી રીતે ઇમ્પ્રેસ થશે એવો વિચાર લેખકના મનમાં કે ઇવન એના સબ-કોન્શિયસમાં પણ ન હોવો જોઇએ. વાચકોને આંજી નાખવા માટેની યુક્તિઓનો વઘાર કરેલી કૃતિઓને અનુભવીઓ તરત સૂંઘી લેતા હોય છે. જેમણે આવા વઘારોનું શાસ્ત્ર નથી જાણ્યું એવા વાચકો પણ આ પ્રકારના ડોળ ઘાલુ લખાણમાં કંઇક બનાવટ છે એવું પારખી જાય છે. એવા વાચકો પાસે કોઇ પણ લખાણ માટે બે જ ખાનાં હોય છે : ગમ્યું, ના ગમ્યું અને પાછલા ખાનામાં તેઓ આવા લખાણને પધરાવીને ભૂલી જાય છે, વખત જતાં ખુદ લેખક ભુલાઇ જાય છે. પ્રથમ ખાનામાં જેઓ રહે છે તેઓ અડધી સદી, એક સદી કે દોઢ સદી પછી પણ યાદ રહે છે - નર્મદની જેમ, મેઘાણીની જેમ, ઉમાશંકરની જેમ.

સાયલન્સ પ્લીઝ!

 સારો રાઇટર સારો ફ્રેન્ડ પણ હોય એવું મોટાભાગે શક્ય નથી હોતું. - ઇ. બી. વ્હાઇટ

(`એલિમેન્ટ્સ ઑફ સ્ટાઇલ' નામના દરેક લેખક પાસે હોવું જોઇએ એવાં પુસ્તકોના સહલેખક. જન્મ :1899, અવસાન : 1985)

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો