માણસ જીવનમાં પ્રેમ, સન્માન-સફળતા કે પ્રતિષ્ઠા મેળવે એની પાછળ મહેનત, એટિટ્યૂડ, સ્વભાવ અને હોશિયારી જેવાં અનેક પરિબળો ભાગ ભજવે છે.
આપણી આજુબાજુ એવી અનેક વ્યક્તિઓ હશે કે જેની પાસે બધું જ હોવા છતાં તેઓ કશું મેળવી શકતી નથી. એટલું જ નહીં લોકો એમનાથી દૂર ભાગે છે. કાં તો મજાક ઉડાવે છે કે અવગણે છે. વ્યક્તિનાં પોતાનાં કેટલાંક સ્વભાવગત કે વ્યવહારગત કારણો હોય છે કે જે એને પરાજિત કરે છે.
આવાં કારણોમાં પ્રથમ કારણ છે કામને ટાળવું. તેઓ `થઇ જશે'ના આશાવાદમાં જીવે છે. ગમે તેટલું મહત્ત્વનું કામ હોય તો પણ એ તો હું કાલે કરી લઇશ. અરે! બે મિનિટમાં પતી જશે. એવા વહેમમાં છેલ્લી ઘડી સુધી કામ ન કરે એટલે સ્ટ્રેસ વધે, કામ બગડે અને મગજ છટકે. એમના આવા સ્વભાવને કારણે કોઇ એમને કામ નહીં સોંપે અને સોંપવું પડે તો ભરોસો તો ન જ કરે. આજના સ્પર્ધાના સમયમાં કામનો કે પ્રશ્નોનો જે વ્યક્તિ ઝડપી ઉકેલ લાવે એ જ જીતે છે અને ગમે પણ છે.
બીજા ક્રમે આવે છે કમ્પ્લેઇન બોક્સ જેવા માણસો. એમના જીવનમાં ગમે તેટલી સુખની છોળો ઊડતી હોય, પણ તેઓ ફરિયાદ જ કરતા રહે છે. ઘડીકમાં માથું દુઃખે, પેટ દુઃખે, હાથ નીચેના માણસો બરાબર કામ નથી કરતા, મારું કોઇ સાંભળતું નથી કે પેલી વ્યક્તિને તો કોઇ સમજણ જ નથી પડતી વગેરે. જેઓ ફરિયાદ કરે છે તેઓ કામ નથી કરતા, ઉકેલ નથી શોધતા, પરંતુ નકારાત્મકતાને ફેલાવે છે. સાચી વાત તો એ છે કે Complaining is finding faults wisdom is finding a solution.
આત્મઘાતક વસ્તુઓમાં ત્રીજા ક્રમે આવે છે બહાનાબાજી. જેમની કામ કરવાની દાનત નથી હોતી, જેમને કામ આવડતું નથી અને જેને ખુદ પર ભરોસો નથી હોતો એવા લોકોએ બહાના બનાવવામાં પી.એચ.ડી. કરી હોય છે. પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટેનાં એટલાં બધાં કારણો એમની પાસે હોય છે કે સફળતા માટેનું કારણ તેઓ શોધી શકતા નથી. તેથી હોશિયારી હોય તો પણ વેડફાય છે. એમને કોઇ નાનકડી જવાબદારી પણ સોંપતું નથી. કોઇવાર તેઓ સામેથી કામ કરવા ઇચ્છે તો પણ લોકો તેમને અવગણે છે. જોઇને મોં ફેરવે છે.
ચોથું, આવા લોકો ખુદના અને બીજાના પાક્કા ક્રિટિક હોય છે. તેઓ સારું જોવાને બદલે ભૂલ જોઇને ટીકા કરે છે. ભૂલ અને અપરાધ વચ્ચેની ભેદરેખા ભૂલીને ભૂલ અપરાધ હોય એટલી હદે એનું વિશ્લેષણ કરે છે. દરેક માણસની લાયકાત અને સ્વભાવ અલગ હોય છે અને કોઇ અલગ હોય એટલે ખરાબ કે ખોટું નથી હોતું એટલી સીધી-સાદી સમજણ એમનામાં નથી હોતી. ભૂલ કે મતભેદને ખેલદિલીથી જોવાને બદલે આવા લોકો નકારાત્મકતા ફેલાવે છે. તેથી એમનો કોઇ અભિપ્રાય નથી લેતું. નિર્ણયોમાં ભાગીદાર નથી બનાવતું. કોઇક વાર તેઓ સાચા હોય તો પણ એમને ગણવામાં નથી આવતા. તેઓ બધાને ટીકાનો ટીકો એવી રીતે લગાવે છે કે લોકો એમનાથી દૂર ભાગે છે. આવા લોકો માત્ર બીજાની જ ટીકા નથી કરતા, પરંતુ પોતાની પણ કરે છે. એમને ખુદ પર ભરોસો નથી હોતો. એમનો સેલ્ફ-એસ્ટીમ એટલો ઓછો હોય છે કે પોતાના કામની ક્રેડિટ તેઓ બીજાને આપે છે. ખુદની ટીકા, ખુદનું અવમૂલ્યન, ખુદ પર અવિશ્વાસ કે ખુદના અસ્તિત્વને નકારવું એ આત્મઘાતક પગલાંઓ છે. એવી વ્યક્તિઓને ખુદને પીડા આપવામાં અને રોદણાં રડવામાં મજા આવે છે. લાચાર, વાંકદેખા, બહાનાખોર, ફરિયાદી અને સ્વપીડક-પરપીડક બનીને કરતા ફરતા લોકોની એક એવી ટોળી હોય છે કે તેઓ ન તો સુખથી જીવે છે અને ન બીજાને જીવવા દે છે. બધું બરાબર ચાલતું હોય ત્યાં જ તેઓ કોઇ નવા અભિપ્રાય-ટીકાની કે અનિર્ણયાત્મકતાની ઉપાધિ લાવીને મૂકી દે છે. વળી, આવા લોકો પરફેક્શન જેવી બાબતે ઓબ્સેશન ધરાવે છે. અગર તેઓ કામ કરવાનો નિશ્ચય કરશે તો પરફેક્શન સાથે કરશે, પણ એમનો આ આગ્રહ દુરાગ્રહમાં ફેરવાય એવું પણ બને. કામની સમયમર્યાદા પૂરી થઇ જાય, વધારે સમયને કારણે નુકસાન થાય કે બીજી વ્યક્તિએ હેરાન થવું પડે, પણ આ બધા સાથે એમને કોઇ લેવાદેવા નથી હોતી. એમના આવા સ્વભાવને કારણે તેઓ વારંવાર તક ગુમાવે, હારે, નિરાશ થાય અને હતાશામાં આવી એકલતાની ખાઇમાં ધકેલાય છે. ક્યારેક ખુદને નુકસાન પણ કરી બેસે.
આવાં આત્મઘાતક પરિબળો પાછળ એમના ભૂતકાળના અનુભવો, ગુણવત્તાનાં ઊંચાં ધોરણો સામાજિક દબાણ અને સરખામણી જેવાં કારણો જવાબદાર છે. એમનું આવું વર્તન વ્યવસાય, સંબંધો અને સ્વાસ્થ્યને અસર કરે છે.
આવા આત્મઘાતક વિચાર અને સ્વભાવથી બચવા માટે
આવી વ્યક્તિએ પોતાના વિચારોનું વિશ્લેષણ કરવું જોઇએ કે કયા સંજોગોમાં અને કેવા લોકો સાથે તેઓ નકારાત્મક વર્તે છે? કોની સામે એમનો વિશ્વાસ ડગી જાય છે?
જ્યારે પણ ખુદને નુકસાન કરતાં વિચારો આવે, ફરિયાદ જન્મે, બહાનાં મનમાં આવે ત્યારે થોડી ક્ષણો માટે રિએક્શન આપતાં અટકી જાવ. આ ક્ષણ તમને ખોટાં રિએક્શન આપતાં બચાવશે. ખુદની ભૂલ બતાવશે.
કોઇ પણ કામ કરવા માટે મોટું પ્લાનિંગ કરવાને બદલે નાના-નાના ટુકડાઓમાં એનું વિભાજન કરો.
કૃતજ્ઞતા અને આભારની લાગણી આપણને ઘણાં અનિષ્ટોથી બચાવશે. જે લોકોએ આપણી જિંદગીમાં અર્થપૂર્ણ કશું ઉમેર્યું છે એને યાદ કરીએ. એમનો આભાર માનીએ. ભગવાને આપણને જે કંઇ સારું આપ્યું છે એના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. આભાર અને કૃતજ્ઞતાનો ભાવ ટીકા, દોષારોપણ અને બિચારાપણાના ભાવથી બચાવશે.
