આ વર્ષની શરૂઆતથી જ જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર અમેરિકાનું પ્રેસિડેન્ટ પદ ધારણ કર્યું છે ત્યારથી એમણે અમેરિકામાં વસતા ઈલિગલ ઈમિગ્રન્ટો પ્રત્યે ખૂબ કડક વલણ અખત્યાર કર્યું છે અને અનેક ગેરકાયદેસર અમેરિકામાં રહેતા પરદેશીઓને એમના દેશમાં પાછા મોકલી આપ્યા છે. શરૂઆતમાં જ એમણે ત્રણ મિલિટરી પ્લેનમાં સો-સો ભારતીયોને હાથમાં હાથકડી અને પગમાં બેડી પહેરાવીને અમૃતસર મોકલી આપ્યા હતા.

આમ, અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશતા, ગેરકાયદેસર રહેતા લોકો પ્રત્યે અત્યંત કડક વલણ અખત્યાર થઈ રહ્યું છે. આવા સંજોગોમાં આપણે ભારતીયોએ એ જાણી લેવું ખૂબ જરૂરી છે કે તમને અમેરિકામાં શું શું નડી શકે છે.

સૌ પ્રથમ તો તમે જ્યારે અમેરિકાના વિઝાની અરજી કરો, કોઈ પણ પ્રકારના નોન ઈમિગ્રન્ટ કે ઈમિગ્રન્ટ, એ માટે જે વિઝાનું અરજીપત્રક ભરો એમાં અનેકો સાચી બાતમી છુપાવે છે અને ખોટી બાતમી લખે છે. આ વાતની જો વિઝા મળેથી અમેરિકામાં જાવ પછી સત્તાવાળાઓને જાણ થાય તો તેઓ એવી વ્યક્તિઓના વિઝા રદ કરશે અને એમને અમેરિકા બહાર મોકલી આપશે.

અનેકોએ આવી રીતે વિઝા મેળવ્યા હોય છે અને વર્ષો બાદ તેઓ જ્યારે અમેરિકન સિટીઝન બનવાની અરજી કરે છે ત્યારે એમનું આ વર્ષો પહેલાં કરેલું ખોટું કાર્ય જો જાણમાં આવે તો એમને અમેરિકન સિટીઝન પદ આપવામાં નથી આવતું. ઊલટાનું એમનું જે ગ્રીન કાર્ડ હોય એ પાછું ખેંચી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે. એટલે તમે જો અમેરિકાના વિઝા માટે અરજી કરી રહ્યા હોવ, કોઈ પણ પ્રકારના, નોન ઈમિગ્રન્ટ યા ઈમિગ્રન્ટ, તો મહેરબાની કરીને વિઝાના અરજીપત્રકમાં કોઈ પણ બાતમી ખોટી લખતા નહીં અને સાચી બાતમી છુપાવતા નહીં.

તમે નોન ઈમિગ્રન્ટ વિઝા મેળવીને અમેરિકામાં પ્રવેશો ત્યારે જ્યારે પ્રવેશતા હોવ છો ત્યારે જો તમારે `બી-1/બી-2' વિઝા હોય એટલે કે બિઝનેસ કે ટૂરિસ્ટ વિઝા હોય તો બોર્ડર ઉપરનો ઈમિગ્રેશન ઓફિસર તમે અમેરિકામાં કેટલો સમય રહી શકો એ તમને જણાવે છે. આ ઓફિસરોને તમને અમેરિકામાં વધુમાં વધુ છ મહિના રહેવાની છૂટ આપવાની સત્તા છે, પણ જો કોઈ અનિવાર્ય કારણ આવી પડે તો અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં એવી છૂટ છે કે તમે અરજી કરીને તમારો અમેરિકામાં રહેવાનો સમય લંબાવી શકો છો. આવી અરજીઓ તમે એકથી વધુ વાર પણ કરી શકો છો, પણ `બી-1/બી-2' વિઝા ઉપર તમે એક વર્ષથી વધુ સમય અમેરિકામાં રહી નથી શકતા. અનેકો આ સગવડનો લાભ લઈને ખરાં-ખોટાં કારણો આપીને એમનો અમેરિકામાં રહેવાનો સમય લંબાવવાની અરજી કરે છે.

તમે અમેરિકામાં એક પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા મેળવીને પ્રવેશ્યા હોવ અને બીજા પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા ઉપર જે કાર્ય કરી શકો એવું ઈચ્છતા હોવ તો અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં તમારું સ્ટેટસ ચેન્જ કરવાની છૂટ છે. એના માટે સબળ કારણો હોવાં જોઈએ. આ છૂટનો અનેકો ગેરાલાભ ઉઠાવે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ જેમને `એફ-1' વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશવાનું હોય છે પણ તેઓ `બી-1/બી-2' વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશે છે અને અમેરિકામાં પ્રવેશ્યા બાદ ખરાં-ખોટાં કારણો આપીને એમનું `બી-1/બી-2' સ્ટેટસ ચેન્જ કરીને `એફ-1' સ્ટેટસ મેળવે છે.

એમનો સ્ટેટસ ચેન્જ કરવાનો પૂર્વ નિયોજિત ઈરાદો હોય તો એમના વિઝા કેન્સલ કરવામાં આવશે.

અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં ઘણી છૂટછાટો છે, પણ લોકો એનો ગેરલાભ ઉઠાવે છે. એથી તેઓ મુશ્કેલીમાં આવી પડે છે. આ સઘળું તમને નડી શકે છે. આપણા અનેક વિદ્યાર્થીઓ જેઓ અમેરિકામાં ભણવા જાય છે તેઓ જ્યારે સ્ટુડન્ટ વિઝાની અરજી કરે છે ત્યારે એવું જણાવે છે કે એમનો જે ખર્ચો છે એ એમનાં માતા-પિતા એમને આપશે, પણ પછીથી એ પૈસા કાયદેસર બેન્ક ટ્રાન્સફર દ્વારા મોકલવાને બદલે એમનાં માતા-પિતા હવાલા દ્વારા પૈસા પહોંચાડે છે. જેને આપણે મની લોન્ડરિંગ કહીએ છીએ એ ખૂબ ગંભીર ગુનો છે. આવું કરતા પકડાશો તો તમારા સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવશે.

અનેકો `એચ-1બી' વિઝા મેળવવા માટે ખોટાં, જુઠ્ઠાં, બનાવટી ડિગ્રી સર્ટિફિકેટો અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટો રજૂ કરે છે. આંતર કંપની ટ્રાન્સફરી `એલ-1' વિઝા મેળવવા માટે પણ અનેકો ખોટું કરે છે. બિઝનેસ પ્લાનમાં બધું જુઠ્ઠું જુઠ્ઠું જણાવે છે. અનેકોને તો ભારતમાં બિઝનેસ જ નથી હોતો. તોય એ લોકો અમે ભારતમાં બિઝનેસ કરીએ છીએ એવું ખોટું દેખાડે છે. ખોટા દસ્તાવેજો ઊભા કરે છે. અનેકો બનાવટી લગ્નો કરે છે, જેથી એમને ગ્રીન કાર્ડ મળે. ઘણા એમનાં બાળકોને દત્તક આપે છે, જેથી એમનાં બાળકોને ગ્રીન કાર્ડ મળે. સ્ત્રીઓ જ્યારે સગર્ભા હોય છે, ત્રણ-ચાર મહિનાની પ્રેગ્નન્સી હોય છે ત્યારે એ પ્રેગ્નન્સી છુપાવીને અમેરિકામાં `બી-1/બી-2' વિઝા ઉપર પ્રવેશે છે અને એમના બાળકને ત્યાં જન્મ આપે છે, જેથી એમને અમેરિકન સિટીઝનશિપ પ્રાપ્ત

થાય છે.

આવું નાનું-મોટું મોટાભાગના લોકો કરતા હોય છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ બાબતમાં ખૂબ જ સિરિયસ બની ગયા છે. આકરી સજા કરતા થઈ ગયા છે. તમે જો આવું ખોટું કરશો તો એ તમને નડી શકશે અને તમને અમેરિકામાં રહેવું ભારે થઈ પડશે. અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવશે. ફરી પાછા અમેરિકામાં પ્રવેશ ન આપવો એવો મનાઈ હુકમ થઈ શકશે. તમને શું શું નડી શકે? એ જાણી લો. પછી એવું કંઈ પણ ન કરો.