સામેની વ્યક્તિના મનમાં અત્યારે કયા વિચારો રમતા હશે એ જાણવાનું કુતૂહલ થાય તમને? તમારી આસપાસની વ્યક્તિઓ મનમાં શું વિચારે છે એ જાણવાની શક્તિ ભગવાન તમને આપી દે તો તમારા પોતાના જીવનમાં કેવા અને કેટલા ફેરફારો સર્જાય?
કવિ ડબ્લ્યુ. એમ. ઑડને એક ઈન્ટરવ્યૂમાં કબૂલ કર્યું હતું કે લોકો મને ચાહે એ માટે હું બીજાઓના મનમાં મારી જે છાપ ઊભી કરવાની કોશિશ કરું છું એના કરતાં મારા મનમાં રહેલી મારા વિશેની છબી તદ્દન જુદી છે.
માનસશાસ્ત્રીઓને કૂથલી માટે નહીં, પણ એકેડેમિક ઈન્ટરેસ્ટને ખાતર રસ છે કે લોકોના મનમાં કેવા કેવા ખાનગી વિચારો ઊઠતા હોય છે. આ વિશે તેઓ સંશોધનો કરતા રહે છે. તેઓ કહે છે કે દરેક માનવીના મનમાં એક એવો જણ બેઠેલો હોય છે જેનું કામ અગત્યની બાબતો વિશેના નિર્ણયોને દૂર ઠેલ્યા કરવાનું હોય છે. જિંદગીને લગતા મોટા મોટા નિર્ણયો કરવાની ટેવ કોઈને નથી હોતી. પરિસ્થિતિનું દબાણ ખૂબ વધી જાય અને નછૂટકે નિર્ણય કરવો જ પડે એમ હોય ત્યારે માણસો નિર્ણય કરતા હોય છે. બાકી મોટા ભાગનાઓનો એક જ સિદ્ધાંત હોય છે : પડશે એવા દેવાશે.
કૉલેજિયન છોકરાઓના ખાનગી વિચારોમાં ચાર ડર મુખ્ય હોય છે : જે છોકરીને હું ચાહું છું એ મને રિજેક્ટ કરશે, મારાથી કોઈ છોકરી પ્રેગ્નન્ટ થઈ જશે, પરીક્ષામાં નાપાસ થઈ જઈશ અને કોઈ મને ફસાવીને જેલમાં પૂરી દેશે.
કૉલેજિયન છોકરીઓને પોતાનાં મા-બાપ મરી જશે, પોતે પ્રેગ્નન્ટ થઈ જશે અને પરીક્ષામાં નાપાસ થઈ જવાશે એવા ડર સતાવતા હોય છે. છોકરા-છોકરી બેઉને પોતાના મૃત્યુ કરતાં વધારે ડર પોતાનાં મા-બાપના મૃત્યુનો સતાવતો હોય છે.
તમે જો સફળ વ્યક્તિ હો અને દુનિયા પણ તમને સક્સેસફુલ માનતી હોય તો એક વિચાર તમને વારંવાર સતાવતો હશે એવું માનસશાસ્ત્રીઓ માને છે. આ વિચાર : `મેં ખૂબ લોકોને છેતર્યા છે, હું ફ્રોડ અને ફેક આદમી છું.' આ ડર વર્ષો સુધી તમારો પીછો છોડતો નથી. હું બનાવટી છું અને મારી સફળતાઓ મારી બનાવટોને જ આભારી છે એવો અપરાધભાવ દરેક સફળ વ્યક્તિને કોરી ખાતો હોય છે. પોતાની સફળતા પોતાનાં જુઠ્ઠાણાંઓને અને માત્ર નસીબને આભારી છે, એવું દરેક જાણીતી અને સફળ વ્યક્તિ મનોમન સ્વીકારતી હોય છે. પછી બહારથી ભલે તેઓ એવો દેખાવ કરે કે પોતાની મહેનત, આવડત અને અક્કલને કારણે સફળતા મળેલી છે.
નિષ્ફળતાની ચિંતાનો ભાર માથે લઈને કામ કરતા લોકોનું કામ પાર પડે ત્યારે તેઓ માનતા થઈ જાય છે કે આવી ચિંતા માથા પર રાખી હોય તો જ સફળતા મળે. દરેક નવું કામ હાથમાં લેતાંની સાથે જ ચિંતા શરૂ કરી દેવાની એમને ટેવ પડી જાય છે. કામમાંથી આનંદ મેળવી શકાય કે મેળવવો જોઈએ એ વાત જ તેઓ સમજી શકતા નથી.
અત્યારે તમે શું વિચારો છો એવો સવાલ તમને પૂછવામાં આવે તો તમારો તરત જવાબ હશે : `બસ ખાસ કંઈ નહીં.' શક્યતા એવી છે કે મોટાભાગના લોકો જ્યારે વિચારોમાં ડૂબેલા હોય છે ત્યારે તેઓ આ પાંચમાંથી એક મુદ્દા વિશે વિચારતા હોવાના આર્થિક બાબતો, સંબંધો, ક્રાઈમ, સેક્સ અથવા
જૂનાં અપમાનો.
પુસ્તકનું અવલોકન કે રિવ્યૂ વાંચીને તમને એ અવલોકનકાર કે રિવ્યૂઅર વિશે કેવા વિચારો આવતા હોય છે? પુસ્તકની ખૂબ ટીકા કરવામાં આવી હોય તો અવલોકનકાર બુદ્ધિશાળી, નિષ્ણાત અને કાબેલ હશે એવી છાપ તમારા પર પડતી હોય છે, પણ સાથોસાથ તમને મનોમન એ અવલોકનકાર માટે છૂપો અણગમો પણ પેદા થતો હોય છે. સારું અવલોકન કરનારા કે પુસ્તકનો સુંદર પરિચય કરાવનારા તમને ગમવા માંડે છે એવું મનોવૈજ્ઞાનિકોનું સંશોધન કહે છે.
બે વિજાતીય વ્યક્તિઓ એટલે કે એક સ્ત્રી અને એક પુરુષ એકબીજા પર વિશ્વાસ રાખીને પરસ્પરનાં દુ:ખ-દર્દ એકમેકને કહેતાં થાય છે ત્યારે રૉમેન્ટિક પ્રેમનાં મંડાણ થતાં હોય છે એવું દિમાગના દાક્તરસાહેબોનું કહેવું છે. જે વ્યક્તિ કોઈનીય સાથે, દુનિયા આખીની કોઈ પણ એક વ્યક્તિ સાથે, પૂરેપૂરી ખૂલીને પોતાની હન્ડ્રેડ પર્સન્ટ વાતો શૅર નથી કરી શકતી એના વ્યક્તિત્વમાં કંઈક મૂળભૂત ખામી હોય છે. કમ સે કમ એક કે પછી નજીકના વર્તુળમાં હોય એવી એકથી વધુ વ્યક્તિઓ આગળ સંપૂર્ણપણે પોતાનું હૃદય ઠાલવી શકનાર લોકો સારી માનસિક તંદુરસ્તી ધરાવનારા કહેવાય. કેટલાક લોકો દેખાવ હૃદય ઠાલવવાનો કરે, પણ એમાં નરી બનાવટ અને નકરાં જુઠ્ઠાણાં હોય એવું પણ બને. આવા લોકો માનસિક વિકૃતિઓથી પીડાતા હોવાના. સંશોધકો એક વાત પર સહમત છે કે દરેક માણસને કોઈક એવી વ્યક્તિનો સથવારો જોઈએ છે જેની આગળ મન મૂકીને બધું જ ખુલ્લી રીતે કહી શકાય. ખૂબ એકલા પડી ગયા હોવાની લાગણી માણસને ક્યારેક થતી હોય છે. મનમાં ચાલતી મૂંઝવણોને જ્યારે બીજાની સાથે શૅર નથી કરી શકાતી ત્યારે પોતે સાવ એકલા પડી ગયા હોવાની લાગણી જન્મે છે. એકલા પડી જતા લોકો ઘણી વખત તદ્દન અજાણી કે ઓછી પરિચિત વ્યક્તિ આગળ પોતાના મનનો બધો જ મૂંઝારો વ્યક્ત કરી દે એ વાત ઘણી સામાન્ય કહેવાય એવું સર્વેક્ષણ કહે છે.
મનોશાસ્ત્રીઓ કહેતા હોય છે કે ફૅમિલી ડૉક્ટર પાસે જેમ સૌથી વધારે ફરિયાદો શરદી-ખાંસીની આવતી હોય છે એમ અમારી પાસે વધુમાં વધુ લોકો એકલા પડી ગયા હોવાની મૂંઝવણ લઈને આવતા હોય છે. છાતી ભીંસાતી હોય કે પછી છાતીમાં કોઈ કૂચડો ફેરવતું હોય કે જીવ બળ્યા કરતો હોય એવી લાગણી લોન્લી માણસોને થતી હોય છે. મુખ્ય વર્તુળના પરિઘમાંથી ફેંકાઈને કેન્દ્રથી ખૂબ દૂર જતા રહ્યા હોય એવી લાગણી લઈને જીવતા લોકો પોતાને ખૂબ એકલવાયા માનતા હોય છે. એમની પાસે પોતાની લાગણીઓ વ્યક્ત કરવાનું કોઈ માધ્યમ નથી હોતું. એકલવાયાપણાને કારણે આમ કંઈ બહુ મોટું નુકસાન નથી થતું, કારણ કે ઘણી વખત આવા દૌરા કામચલાઉ હોય છે.
બીજા શહેરમાં રહેવા ગયા પછી, છૂટાછેડા પછી, નોકરી બદલાયા પછી કે જીવનની અગત્યની વ્યક્તિના અવસાન પછી કે એવી વ્યક્તિ સાથેના સંબંધ તૂટી ગયા પછી ટેમ્પરરી ધોરણે આવો ગાળો આવી જતો હોય છે. નિકટની કોઈ વ્યક્તિના અવસાન પછી આસપાસના લોકો આગ્રહ કરતા હોય છે કે તમારે હવે ઘરની બહાર નીકળવું જોઈએ, લોકોમાં હળવુંમળવું જોઈએ, લગ્નો-સમારંભો અને પાર્ટી-નાટકો-સિનેમાઓમાં જવું જોઈએ. માનસશાસ્ત્રીઓ કહે છે કે આવું કરવાથી કંઈ એકલતા દૂર થતી નથી. કોઈક નવો અંગત સંબંધ બંધાય તો જ ઘા રુઝાતા હોય છે. સ્વિસ સાઇકોલોજિસ્ટ કાર્લ યુંગે કહ્યું હતું: વ્યક્તિની દરેક ખાનગી વાતમાં પાપ અથવા અપરાધભાવનો છાંટો રહેલો હોય છે.
સાયલન્સ પ્લીઝ
ભરપૂર જીવવા માટે ભરપૂર પ્રેમ કરવો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
