તા.8 જૂન, 2026. આ દિવસ ફિલિપાઈન્સને હચમચાવી ગયો, કેમ કે એ દિવસે સવારે દેશના દક્ષિણી પ્રદેશે 7.8ની તીવ્રતાનો ભૂકંપ વેઠવો પડ્યો. અનેક મર્યા, હજારો ઘવાયા અને સેંકડો લોકો લાપતા થઇ ગયા. મકાનો, હોસ્પિટલ, સ્કૂલ અને પુલોને ભારે નુકસાન થયું. હજારો લોકો વિસ્થાપિત થયા. 1976 પછી ફિલિપાઈન્સે વેઠવો પડેલો આ સૌથી મોટો ભૂકંપ હતો. દહેશત એવીય સેવાતી હતી કે આ ભૂકંપની અસર દરિયામાંય દેખાશે, જેને કારણે કદાચ ત્સુનામી આવી શકે.
આથી ફિલિપાઈન્સ સહિત ઇન્ડોનેશિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોને પણ એલર્ટ મોડ પર મૂકવા પડ્યા.
થોડા દિવસ જૂના આ સમાચાર અને ભૂકંપની વિનાશકતા વિશે અહીં વાત કરવાનું કારણ એટલું જ કે પૃથ્વીના અનેક શહેર `માનવ નિર્મિત' ભૂકંપ તરફ ધસી રહ્યા છે! અને આ સંભવિત ભૂકંપ કુદરતી રીતે આવનારા ભૂકંપની સરખામણીએ વધુ વિનાશક પુરવાર થઇ શકે છે.
જો વૈજ્ઞાનિક માહિતીની વાત કરીએ તો બધાને ખ્યાલ હશે જ કે ભૂકંપ આવવા પાછળ ટેક્ટોનિક પ્લેટ્સ, એટલે કે પૃથ્વીના મસમોટા પોપડાની હિલચાલ જવાબદાર હોય છે. આ આખી કુદરતી પ્રક્રિયા છે, જેને રોકવી માનવીના વશની વાત નથી. તેમ છતાં કુદરતની તાકાત પિછાણીને માપસર વિકાસ કરવાને બદલે માણસજાતે આડેધડ બાંધકામો તાણી બાંધ્યાં છે અને હવે પૃથ્વીને આ મેગાસ્ટ્રક્ચર્સનું વજન વર્તાય છે.
ડેમ વિશે જો તમે અભ્યાસ કર્યો હશે, તો એ વાતથી વાકેફ હશો જ કે ગંજાવર ડેમની આસપાસના વિસ્તારમાં ભૂકંપમાપક યંત્રની સોય વાઈબ્રેશન કરતી રહે છે, કારણ કે ડેમનો પોતાનો ભાર અને ડેમમાં સંગ્રહ કરાયેલા પાણીનો ભાર જમીનના પોપડા પર પ્રચંડ દબાણ પેદા કરે છે. જેના કારણે એ સ્થળ નજીકના પૃથ્વીના પોપડામાં વાઈબ્રેશન્સ અનુભવાતા રહે છે. કમનસીબી એ છે કે આવી ઘટનાઓમાંથી બોધપાઠ લેવાને બદલે આપણે એમને અવગણી નાખીએ છીએ.
યુએસએની દક્ષિણે આવેલા પડોશી દેશ મેક્સિકોની રાજધાનીનું નામ પણ મેક્સિકો જ છે. ત્રણ હજાર ચોરસ માઈલ વિસ્તારમાં ફેલાયેલ આ શહેરમાં આશરે સવા બે કરોડ લોકો વસે છે. મેક્સિકો વિશે આ વર્ષે જ નાસાએ ભયંકર આગાહી કરી છે : આ શહેર ડૂબી રહ્યું છે એટલું જ નહિ, પણ વિશ્વમાં સૌથી ઝડપથી ડૂબી રહેલાં શહેરોમાં મેક્સિકોનું નામ ટોચ પર છે.
અહીં પાણીમાં ડૂબવાની વાત નથી, બલ્કે શહેર પોતાની જ જમીનમાં ખૂંપી રહ્યું છે! કેટલાક વિસ્તારો તો દર વર્ષે 10 ઈંચ જેટલા ઊંડા ખૂંપતા જાય છે. આને કારણે લોકોનાં ઘરો, મોટાં બિલ્ડિંગ્સ, પાણીની તેમજ ડ્રેનેજની લાઈન્સ વગેરેને પણ ભારે નુકસાન પહોંચી રહ્યું છે, પણ આવું થવાનું કારણ શું? અમુક બાબતો સમજવા માટે ક્યારેક જે-તે સ્થળની ભૌગોલિક પરિસ્થિતિ અને એનો ઇતિહાસ જાણવા પડે. મેક્સિકો શહેરનો ઇતિહાસેય જાણવા જેવો છે. 1325માં અહીં એઝટેક સંસ્કૃતિના લોકોએ રાજ કર્યું. એ સમયે અહીં ટેક્સકોકો નામનું મોટું તળાવ - Lake Texcoco અસ્તિત્વ ધરાવતું હતું. એઝટેક સંસ્કૃતિના ઈજનેરોએ તળાવમાં કૃત્રિમ ટાપુઓ વિકસાવ્યા. આ ટાપુઓ વચ્ચે હોડીમાં બેસીને અવરજવર થઇ શકતી. એક અંદાજ મુજબ પંદરમી સદી સુધીમાં ટાપુઓના બનેલા આ શહેરની વસ્તી બેથી ત્રણ લાખ સુધી પહોંચી. એ સમયે એની સરખામણી વેનિસ શહેર સાથે થવા માંડી. અહીં સુધી કોઈ વાંધો નહોતો, પરંતુ સોળમી સદીમાં સ્પેનિશ પ્રજાએ આ સુંદર શહેર પર હુમલો કરીને પોતાનું શાસન સ્થાપ્યું.
એ પછી એમને કોણ જાણે કેમ એવી કુબુદ્ધિ સૂઝી કે ટાપુઓ પર વસવાટ કરવાને બદલે આખા તળાવને ખાલી કરી નાખવામાં આવે અને એના બદલે આખું નવું શહેર વસાવવામાં આવે. પછી તો એમ જ થયું અને તળાવને સ્થાને જે નવું શહેર વસ્યું, એ આજનું મેક્સિકો સિટી.
ટૂંકમાં સાર એટલો જ કે મેક્સિકો શહેર જ્યાં વસ્યું, એ મુખ્યત્વે એક તળાવના તળિયાની જમીન હતી, જે પ્રમાણમાં પોચી હોય. પછીનાં વર્ષોમાં એના પર તોતિંગ બાંધકામો થતાં ગયાં. હવે આજે પરિસ્થિતિ એ છે કે આ બધા વિકાસનું વજન વરતાઈ રહ્યું છે! જમીન વધુ બોજ લેવામાં કાચી પડી રહી છે. વર્ષ 1910માં મેક્સિકોની સ્વતંત્રતાને સો વર્ષ પૂરાં થયાં એની યાદગીરી તરીકે `એન્જલ ઓફ ઇન્ડિપેન્ડન્સ' નામક મોન્યુમેન્ટ બનાવવામાં આવેલું.
એ વખતે આ મોન્યુમેન્ટની ફરતે માત્ર નવ પગથિયાં હતાં, પણ પછી આસપાસની જમીન ધસતી ગઈ તેમ તેમ મોન્યુમેન્ટની આજુબાજુનો વિસ્તાર નીચો થતો ગયો. આજે આ મોન્યુમેન્ટમાં નવા ચૌદ જેટલાં વધારાનાં પગથિયાં ઉમેરવા પડ્યાં છે. એટલું જ નહિ પણ મેક્સિકોની અનેક ઈમારતો આજે પિઝાના ઢળતા મિનારાની માફક ઢળી રહી છે!
આ રીતે જમીન બેસી પડે એને લેન્ડ સેટલમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. મેક્સિકોમાં લેન્ડ સેટલમેન્ટ ક્યાં જઈને અટકશે એ માત્ર ભયાવહ કલ્પનાનો જ વિષય છે. વધુ ભયાવહ બાબત એ છે કે આ પરિસ્થિતિ માત્ર મેક્સિકો સિટીની જ નથી, બલ્કે ન્યૂયોર્કથી માંડીને તેહરાન જેવા અનેક મેટ્રો સિટીઝ આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે! માણસજાત જે રીતે જમીનના પેટાળમાંથી ભૂગર્ભજળ ખેંચી રહી છે અને મેગાસ્ટ્રક્ચર્સનો બોજો વધારી રહી છે, એ જોતાં નજીકના ભવિષ્યમાં વિશ્વના કોઈ મોટા શહેરમાં અચાનક જમીન ધસી પડે અને માનવસર્જિત ભૂકંપ આવી જાય તો નવાઈ નહિ.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
