અમેરિકાનો `ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ-1952' જે આજે આટલાં વર્ષો બાદ એમાં થયેલા સુધારાવધારા સાથે અમલમાં છે, એ ઈમિગ્રેશનને લાગતો ખાસ કાયદો ટૂંકામાં `આઇએનએ' તરીકે ઓળખવામાં આવે છે.

 કોલંબસે અમેરિકા ખંડની શોધ ઈ.સ. 1492માં કરી હતી, પણ અમેરિકાના ઈમિગ્રેશનને લગતા કાયદાઓ તો કંઈકેટલાંય વર્ષો બાદ ઘડવામાં આવ્યા હતા. વર્ષ 1952માં જે `ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ' ઘડવામાં આવ્યો એ હજુ સુધી અમેરિકાના ઈમિગ્રેશનને લગતા બધા જ કાયદાઓ આપણને જણાવે છે.

આ `ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ'ના પ્રથમ ટાઈટલમાં જનરલ પ્રોવિઝન્સ છે. એની કલમોની શરૂઆત એક, બે, ત્રણથી નથી થતી. એની શરૂઆત 101, 102, 103થી થાય છે.

બીજું ટાઈટલ છે ઈમિગ્રેશનનું. એમાં સૌપ્રથમ ચેપ્ટર `સિલેક્શન ઓફ સિસ્ટમ'નું છે.

બીજું ચેપ્ટર `ક્વોલિફિકેશન્સ ફોર એડમિસન્સ ઓન એલિયન્સ ટ્રાવેલ કંટ્રોલ એન્ડ સિટીઝન્સ.', `ટ્રાવેલ કંટ્રોલ ઓફ સિટીઝન્સ એન્ડ એલિયન્સ' આને લગતી બધી કાયદાની કલમો આ ટાઈટલ બેના ચેપ્ટરમાં આપવામાં આવી છે.

ટાઈટલ બેના ચેપ્ટર ત્રણમાં `ઈન્સ્યોરન્સ એન્ડ એન્ટ્રી ડૉક્યુમેન્ટ્સ' વિશે કાયદો જણાવવામાં આવ્યો છે.

ચેપ્ટર ચારમાં `ઇન્સ્પેક્શન, એપ્રિએનશન, એક્ઝામિનેશન, એક્સ્ક્લુઝન અને રિમૂવલ' આ સઘળા કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી છે.

પાંચમા ચેપ્ટરમાં `એડજસ્ટમેન્ટ અને ચેન્જ ઓફ સ્ટેટસ' વિશે જાણકારી આપવામાં આવી છે.

ચેપ્ટર છમાં `સ્પેશિયલ પ્રોવિઝન્સ રિલેટિંગ ટુ એલિયન ક્રુમેન' એટલે કે ખલાસીઓ માટેના કાયદાઓ આપવામાં આવ્યા છે.

સાતમામાં `રજિસ્ટ્રેશન ઓફ એલિયન્સ'ના કાયદાઓ જણાવવામાં આવ્યા છે.

ચેપ્ટર આઠમા `જનરલ પેનલ્ટી પ્રોવિઝન્સ' એ સઘળા દર્શાવવામાં આવ્યા છે.

ચેપ્ટર નવમા `મિસેલિનેસ' એટલે કે પરચૂરણ બધા જુદા જુદા કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી છે.

એ પછી ટાઈટલ ત્રણ એના પહેલા ચેપ્ટરમાં `નેશનાલિટી એટ બર્થ અને ક્લેક્ટિવ નેચરલાઈઝેશન' વિશે લગભગ નવ જેટલી કાયદાની કલમો આપવામાં આવી છે.

ટાઈટલ ત્રણના ચેપ્ટર બેમાં `નેશનાલિટી થ્રૂ નેચરલાઈઝેશન' વિશે કયા કયા કાયદાઓ લાગુ પડે છે એ સર્વે આપવામાં આવ્યા છે.

ટાઈટલ ત્રણના ચેપ્ટર ત્રણમાં `લોસ ઓફ નેશનાલિટી' એટલે કે તમે અમેરિકાની નેશનાલિટી કયા સંજોગોમાં ખોઈ શકો એ વિશે કાયદાકીય કલમો દર્શાવવામાં આવી છે.

ચેપ્ટર ચારમાં `પરચૂરણ વિગતો' વિશે શું શું કાયદાઓ છે એ જણાવવામાં આવ્યા છે.

ટાઈટલ ચાર હેઠળ `મિસેલિયનસ એન્ડ રેફ્યુઝી આસિસ્ટન્સ' આ વિષય ઉપર જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે એ આપવામાં આવ્યા છે.

ટાઈટલ ચારના ચેપ્ટર પહેલામાં `મિસેલિનેસ' એટલે કે પરચૂરણ બાબતોના કાયદાઓ જણાવવામાં આવ્યા છે.

એ પછી ટાઈટલ પાંચ જેની હેઠળ `એલિયન ટેરરિસ્ટ રિમૂવલ પ્રોસીજર' એટલે કે આતંકવાદીઓને અમેરિકામાંથી બહાર કેમ કાઢવા, એની શું પ્રક્રિયાઓ છે, કયા સંજોગોમાં, કઈ વ્યક્તિઓને અમેરિકા બહાર મોકલી શકાય એના વિશે કાયદાની શું શું કલમો છે એ જણાવવામાં આવ્યું છે.

છેવટે `મિસેલિનેસ ફ્રી સ્ટેન્ડિંગ પ્રોવિઝન્સ ઓફ ટાઈટલ એઇટ યુએસ કોસ રિલેટિંગ ટુ ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ' એને લગતા જે કાયદાઓ ઘડવામાં આવ્યા છે એ સઘળી જાણકારી આપવામાં આવી છે.

આમ આઈએનએમાં તમને અમેરિકાના ઈમિગ્રેશન વિશે સંપૂર્ણ કાયદો શું છે એ જણાવવામાં આવ્યો છે. આ `ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ-1952'માં વારંવાર સુધારાવધારા થયા છે. એ બધા જ આમાં સમાવી દેવામાં આવ્યા છે. એટલે આ કાયદો તમે જ્યારે વાંચશો ત્યારે તમને ખૂબ જ અટપટો લાગશે. ઘડીએ ઘડીએ વચ્ચે વચ્ચે કંઈક નવું ઉમેર્યું છે એવું તમને જણાઈ આવશે, પણ આ `આઈએનએ' જ અમેરિકાનો સંપૂર્ણ ઈમિગ્રેશનને લાગતો કાયદો છે.

આમ તો અમેરિકાના ઈમિગ્રેશનને લગતા અનેક કાયદાઓ ઘડવામાં આવ્યા છે. `ચાઈલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ', `ફેમિલી સ્પોન્સર ઈમિગ્રેશન એક્ટ', `રિલિજિયસ વર્કર્સ એક્ટ', `ઈન્ટરનેશનલ પેશન્સ એક્ટ', `ચાઈલ્ડ સિટીઝનશિપ એક્ટ', `ઈન્ટ્રા કંપની એડોપ્શન એક્ટ', `નર્સિંગ રિલીફ ફોર ડિસએડવાન્ટેજ એરિયાસ એક્ટ'. આમ જુદા જુદા અસંખ્ય કાયદાઓ અમેરિકાના ઈમિગ્રેશનને લગતા ઘડવામાં આવ્યા છે.

પણ અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાને લગતો મુખ્ય કાયદો `ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ' છે. જેને આપણે સૌ ટૂંકમાં `આઇએનએ' તરીકે ઓળખીએ છીએ. જો તમારે અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાઓ વિશે જાણકારી મેળવવી હોય તો તમારે સૌપ્રથમ તો આ `આઈએનએ' વાંચવો જોઈએ. આ `આઈએનએ' કાયદો બોલવામાં જેટલો સહેલો લાગે છે વાંચવામાં એટલો જ અઘરો અને સમજવામાં અટપટો છે. એને ખૂબ જ બારીકાઈથી વાંચવો પડે છે. એકેએક શબ્દોનો શું અર્થ થાય છે એ જાણવો પડે છે. એ અર્થનું ઘટન અમેરિકાની કોર્ટોએ કેવું કર્યું છે? એ પણ જાણવાની જરૂર રહે છે.

     ટૂંકમાં એટલું જણાવી દઉં કે અમેરિકાએ એના આ `ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ-1952'માં પરદેશીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બધા જ પ્રકારની સગવડો, છૂટછાટો દાખલ કરી છે. અમેરિકા કાયમ રહેવા જવું હોય તો કઈ રીતે જઈ શકાય? અમેરિકા ટૂંક સમય માટે કોઈ ખાસ કારણસર જવું હોય તો કઈ રીતે જઈ શકાય? એક વર્ષમાં કેટલા ઈમિગ્રન્ટ વિઝા કયા કયા કારણસર મળી શકે? નોન ઈમિગ્રન્ટ વિઝા પર કોણ કોણ અમેરિકામાં કઈ રીતે જઈ શકે? એ વ્યક્તિની લાયકાત શું હોવી જોઈએ? એ અમેરિકા જે કારણસર જતો હોય એ કારણસર કેટલા દિવસ રહેવાની છૂટ મળી શકે? નોન ઈમિગ્રન્ટ વિઝાની અરજી એણે પોતાના દેશમાં જ કરવાની રહે કે અમુક પ્રકારના નોન ઈમિગ્રન્ટ વિઝા મેળવવા માટે અમેરિકામાં પિટિશન દાખલ કરવાની રહે? આ સઘળું આ `આઈએનએ'માં જણાવવામાં આવ્યું છે.

જો તમારે અમેરિકા જવું હોય તો આ કાયદાનો અભ્યાસ કરો, પણ બધા માટે એ શક્ય નથી હોતું. આથી સલાહ એ છે કે તમે અમેરિકા જતા પહેલાં તમે એના કયા વિઝા મેળવવા લાયક છો? એ વિઝા મેળવવાની શું શું લાયકાતો હોવી જોઈએ? આ સઘળું જાણવા અમેરિકાના ઈમિગ્રેશનના કાયદાના જાણકાર અને અનુભવી એડવોકેટની સલાહ મેળવો. જો આવું કરશો તો તમને વિઝા સહેલાઈથી મળી જશે.