વેલ્યૂ શબ્દ જીવનના દરેક તબક્કે મહત્ત્વનો છે. ખાસ કરીને ફેમિલી વેલ્યૂઝ પરિવારના દરેક સભ્યોનાં વિચાર, વાણી, વર્તન, નિર્ણય અને વલણને ઓપ આપે છે. એના દ્વારા વ્યક્તિના ચારિત્ર્યનું નિર્માણ થાય છે. એક સપોર્ટિવ, હેલ્પિંગ, રિસ્પોન્સિબલ, કેરિંગ અને લવિંગ વ્યક્તિત્વનું ઘડતર કરવાની તાકાત ફેમિલી વેલ્યૂઝ છે. ફેમિલીરૂપી આર્મીને જે વણલખ્યા નિયમો-આદર્શો અને ગુણો તાકાતવર બનાવે છે એનું નામ છે ફેમિલી વેલ્યૂઝ. જેનાથી ચારિત્ર્યનું ઘડતર થાય છે, નિર્ણયો લેવામાં માર્ગદર્શન મળે છે, બોન્ડ્સને મજબૂત બનાવે છે, ઇમોશનલ સપોર્ટ આપે છે, ભવિષ્યની જનરેશન માટે ઉદાહરણ સેટ કરે છે.
ફેમિલી વેલ્યૂઝમાં પ્રથમ ક્રમે આવે છે રિસ્પેક્ટ
રિસ્પેક્ટ એ પરિવારની મજબૂતીનો ગોલ્ડન રૂલ છે. જેમાં માતા-પિતાની વાતો સાંભળવી, ભાઈ-બહેન સાથે સારી રીતે રહેવું. બોલવામાં નમ્રતા રાખવી, બીજાનાં અભિપ્રાય અને સ્પેસનો સ્વીકાર કરવો એ રિસ્પેક્ટ છે. જેઓ ઘરમાં એકબીજાને રિસ્પેક્ટ આપે છે એ બહારના લોકોને પણ રિસ્પેક્ટ આપે છે અને આ ગુણ એના માટે કરિયર અને સંબંધોમાં વીન-વીન સિચ્યુએશન ઊભી કરી શકે.
બીજા ક્રમે વેલ્યૂઝમાં આવે છે ઓનેસ્ટી
જે અઘરો, પરંતુ આવશ્યક ટાસ્ક છે. પરિવારમાં પતિ-પત્ની એકબીજાને ચીટ ન કરે, આર્થિક વ્યવહારોમાં ગોટાળો ન કરે, ઘરની વાત ઘરમાં રાખે અને ઇમોશનલી હર્ટ ન કરે, એ ફેમિલી ઓનેસ્ટી છે. જે સંતાનોએ પરિવારના વડીલોમાં અહમ્, લાલચ કે સ્વનિયંત્રણના અભાવે જાતજાતની અનીતિ જોઇ છે તેઓ ખુદના અને બહારના લોકો સાથે ખોટું કરવામાં અચકાતા નથી, પરંતુ જેમણે પરિવારમાં ઉચ્ચ મૂલ્યો અને પ્રામાણિકતા જોઇ છે તેઓ અંગત અને વ્યવસાયિક બંને જીવનમાં પ્રામાણિક રહી આગળ વધે છે. સ્વાર્થ કરતાં સ્નેહ ને વિશ્વાસનું પલ્લું એમના જીવનમાં હંમેશાં ઊંચું રહેશે અને તેઓ બીજા માટે પ્રેરણાદાયક બનશે.
ત્રીજા ક્રમે આવે છે સહાનુભૂતિ
જે પરિવારની તાકાતનું રહસ્ય છે. જ્યારે તમે બીજાની લાગણીને સમજો છો, એમના પેગડામાં પગ નાખીને વિચારો છો ત્યારે સામી વ્યક્તિનું સાચું મૂલ્યાંકન કરો છો. સાચું મૂલ્યાંકન માત્ર સંબંધોને મજબૂત નથી બનાવતું, પરંતુ સાચી દિશા આપે છે, કડવાશ ઓગાળે છે, સમજણ અને સંવેદનાનો સ્પર્શ આપે છે. અહંનો ટકરાવ નથી થતો અને સ્પર્ધા-સરખામણીની રેસ નથી જામતી. એક સકારાત્મક-સપોર્ટિવ અને સાચુકલા સંબંધોનું સર્જન થાય છે અને માણસ તરીકે પણ એ વ્યક્તિનું પાસું મજબૂત બને છે.
આજના સમયમાં પરિવારમાં જેનો દુકાળ છે તે છે જવાબદારી. જવાબદારી આમ તો ભારેખમ શબ્દ છે, પરંતુ એ નિભાવનાર દ્વારા પરિવારનો વિકાસ તથા બોન્ડિંગ જળવાઈ રહે છે. કોઇના માટે ઊભા રહેવું, એમને સપોર્ટ કરવાની જવાબદારી પરિવારના સભ્ય તરીકે લેવી એ પરિવાર માટેનું કમિટમેન્ટ દર્શાવે છે. હા, જવાબદારી નિભાવવા સમય-શક્તિ, તન-મન અને પ્રેમ-લાગણીથી ઘસાવું પડે. જેને તમે ચાહો છો, જે તમારાં સુખ-દુઃખ સાથે જોડાયેલા છે કે જેઓ તમારા પર નિર્ભર છે એમની જવાબદારી લેવામાં પાછીપાની ન કરાય.
જવાબદારી જેટલો જ અગત્યનો ગુણ છે ઉદારતા. ઉદારતા એટલે વિના કોઇ અપેક્ષાએ પરિવારને આપવું. એમાં સમય, પ્રેમ અને ભૌતિક વસ્તુઓનો પણ સમાવેશ થઇ શકે. અગર પરિવારના દરેક સભ્યમાં ઉદારતા હોય તો પરિવારના દરેક સભ્ય ખુદને સલામત અને મૂલ્યવાન સમજશે, જેથી પારિવારિક રાજકારણ અને દાવપેચનું અસ્તિત્વ ન રહે. જોકે, પરિવારમાં લોકો એકબીજાની સપોર્ટ સિસ્ટમ બનીને લાંબો સમય સુધી તો જ ટકી શકે. જો એમનામાં કૃતજ્ઞતાનો ભાવ હોય. કોઇ વ્યક્તિ બીજી વ્યક્તિ માટે હંમેશાં ઢાલ બનીને ઊભી રહે અને બીજી વ્યક્તિને એની કદર જ ન હોય, ક્યારેય આભારની લાગણી વ્યક્ત ન કરે અને સામી વ્યક્તિના પ્રયાસોને ટેકન ફોર ગ્રાન્ટેડ જ લેવાય તો ધીરે ધીરે સામી વ્યક્તિના પ્રયાસો મંદ પડે.
અગર પરિવારના લોકોમાં ઉક્ત ગુણો હશે તો વ્યક્તિગત રીતે પણ તેઓ સફળ બનશે, કારણ કે આ ગુણો એમને ટફ નિર્ણય લેવા અટકાવતા નથી. કોઇનું ખરાબ કરવા નથી દેતા. એમને એ ભરોસો હોય છે કે હું સાચો હોઇશ તો તો પરિવાર મારી સાથે રહેશે જ, પરંતુ મારાથી કોઇ ભૂલ હશે તો પણ મારો પરિવાર મારો હાથ નહીં છોડે બલકે મને સાચો રસ્તો બતાવશે. હા, પરિવારનું આ બોન્ડિંગ રાતોરાત નથી થતું, એ માટે ખાસ્સી ધીરજ રાખવી પડે. દરેક વ્યક્તિને વ્યક્ત થવાની તક આપવી પડે. એમના મન સુધી ઊંડા ઊતરવું પડે અને સમજણ કેળવવી પડે. વિશ્વાસ મૂકવો પડે અને તરત જ જજમેન્ટલ બનવાની વૃત્તિ છોડવી પડે. જે પરિવારના લોકોમાં ધીરજ હોય છે તેઓ વાતે વાતે લડતા નથી. ઉતાવળે બોલીને દિલમાં ઘા નથી કરતા.
સો, ધીરજ એ અન્ય પારિવારિક મૂલ્યોના વિકાસના પાયાનું પગથિયું છે અને જ્યાં ધીરજ હોય ત્યાં ઉત્પાત નહીં વિનમ્રતા હોય છે. અન્યની વાતને સાંભળવાની, સ્વીકારવાની, માનવાની. ભૂલ થાય ત્યાં ચૂપચાપ સુધારી લેવાની નમ્રતા. હું જ કંઇક છું એવો ફાંકો નહીં, પરંતુ જે છું એમાં સહુનો ફાળો છે એવું સ્વીકારવાની નિખાલસતા. બીજાને ક્રેડિટ આપવાની ઉદારતા અને નમ્રતાની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે એ ખુદના ઇગોને સાઇડ પર કરી બીજાના ઇગોને પેમ્પર કરી બાજી બદલી નાખી છે. ઘરને વારંવાર સમરાંગણ થતું અટકાવે છે.
અગર પરિવારના સભ્યો તરીકે આટલી બાબતો આત્મસાત્ કરીએ તો જીવનના મેદાનમાં સફળ યોદ્ધા બનવાની તાકાત આપોઆપ આવી શકે.
