ગત સપ્તાહે ભારે વરસાદે આખા દક્ષિણ ગુજરાતમાં ભારે ખાનાખરાબી સર્જી. એમાં વળી 23 જુલાઈની રાત્રે સુરત નજીક ભૂકંપનો હળવો આંચકોય આવી ગયો. આ બધામાં બે ઘટનાઓ જરા અલગ તરી આવે એવી છે. વલસાડના કપરાડા ખાતેના એક ગામમાં ભૂકંપને કારણે ખેતરની જમીન ધસી પડી. બીજી ઘટના સુરતની છે, જેમાં ખાડી પૂરને કારણે ઊભરાયેલી ગટરમાંથી ગુલાબી રંગનું પાણી નીકળ્યું! સ્વાભાવિક છે કે નિયમોની ઐસીતૈસી કરીને કોઈક ઇન્ડસ્ટ્રીવાળાએ ટ્રીટમેન્ટ કર્યા વિનાનું કેમિકલયુક્ત પાણી સીધું જ ડ્રેનેજ લાઈનમાં વહાવી દીધું હશે.  

હવે ખેતરમાં જમીન ધસવાની અને સુરતની ગટરમાંથી ગુલાબી પાણી નીકળવાની બે સાવ જુદી જુદી ઘટનાઓ વચ્ચેનો સંબંધ શું? આમ કશો નહિ, પણ ભવિષ્યમાં આવનારી સંભવિત કુદરતી આફતને સમજવા માટે આ બંને ઘટનાઓ ઉપયોગી સાબિત થાય એમ છે.  

ભૂકંપના હળવા અમથા ઝાટકામાં ખેતરમાં માટી ધસી પડી એ દર્શાવે છે કે જમીન ઘણી જગ્યાએ અંદરથી `પોલી' હોય છે. ચોમાસામાં રસ્તા પર ઘણીવાર મસમોટા ભૂવા પડી જાય, એની પાછળ ભ્રષ્ટાચાર સિવાય આ કારણ પણ જવાબદાર હોય છે અને કેમિકલયુક્ત પાણીને આપણે જે રીતે બેજવાબદારીપૂર્વક ગમે ત્યાં છોડી મૂકીએ છીએ, એ જમીનને પ્રદૂષિત કરીને વધુ નબળી પાડી દે છે. પરિણામે ભવિષ્યમાં આવી જમીન અચાનક ધસી પડવાની શક્યતા પૂરેપૂરી. હવે જરા વિગતે આખી વાતને સમજીએ.  

સિંકહોલ. જો તમે સમાચારો વાંચતા હોવ કે ભૂસ્તરશાસ્ત્ર, એટલે કે જ્યોગ્રાફીના વિષયમાં રસ લેતા હોવ, તો તમને આ શબ્દ જાણીતો લાગશે. સિંકહોલ એટલે જમીનની સપાટી પર અચાનક પડતો મોટો ખાડો. જ્યારે જમીનની નીચેનો ભાગ ખાલી થઈ જાય અથવા નબળો પડી જાય ત્યારે ઉપરની જમીન પોતાનું વજન સહન કરી શકતી નથી અને ધસી પડે છે. સિંકહોલનું કદ થોડા ફૂટથી લઈને આખા ફૂટબોલ મેદાન જેટલું પણ હોઈ શકે. તેની ઊંડાઈ પણ ઘણી વખત અનેક માળની ઇમારત જેટલી હોય છે. આ વિશાળ કદ જ સિંકહોલને `ખતરનાક'ની કેટેગરીમાં મૂકે છે. સિંકહોલ પડવા પાછળ એકથી વધુ કારણો જવાબદાર છે.  

ઘણા વિસ્તારોની જમીનની નીચે ચૂનાનો પથ્થર (Limestone), ડોલોમાઇટ અથવા જિપ્સમ જેવા પાણીમાં ધીમે-ધીમે ઓગળતા ખડકો હોય છે. આવા પ્રકારની જમીન ટેક્નિકલ ભાષામાં `કાર્સ્ટ ટોપોગ્રાફી' તરીકે ઓળખાય. વરસાદનું પાણી જ્યારે જમીનમાં ઊતરે ત્યારે જમીનમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ સાથે ભળીને થોડું એસિડિક બને છે. આ એસિડિક સંયોજન વર્ષો સુધી પેલા ચૂનાના ખડકોને ઓગાળતું રહે છે. વર્ષો સુધી થતા આવા ધોવાણ બાદ જમીનની નીચે મોટી ગુફા જેવી ખાલી જગ્યા બની જાય છે. જમીન અંદરથી પોલી થઇ જાય એટલે એની લોડ બેરિંગ કેપેસિટી-વજન ગ્રહણ કરવાની ક્ષમતા પણ આપોઆપ ઘટવાની જ. એક સમય એવો આવે જ્યારે જમીનનો પોપડો તૂટી પડે અને મોટો ખાડો, એટલે કે સિંકહોલ સર્જાય છે. આ થયું કુદરતી કારણ. મોટાભાગના સિંકહોલ પાછળ આ પ્રકારની કાર્સ્ટ ટોપોગ્રાફી જવાબદાર હોય છે.  

કોઈક વાર વળી અતિશય ભારે વરસાદને પગલે પણ જમીનનું મોટા પાયે ધોવાણ થાય છે. આવા સમયે પણ સિંકહોલ સર્જાવાની શક્યતા ખરી, પણ આ કુદરતી કારણો વચ્ચે અવળચંડી માણસજાત પણ એવાં કારનામાં અવિરતપણે કરતી રહે છે, જેના કારણે જમીન અંદરથી પોલી થતી જાય! દાખલા તરીકે ભૂગર્ભજળનો વધુ પડતો ઉપયોગ.  

કૃષિ, ઉદ્યોગ અથવા શહેરોમાં મોટા પ્રમાણમાં ભૂગર્ભ જળ ખેંચવામાં આવે ત્યારે જમીનની અંદર ખાલી જગ્યા ઊભી થઈ શકે છે. તે પણ સિંકહોલનું કારણ બની શકે છે. એ ઉપરાંત જૂની ગટરલાઇન તૂટી જવી, પાણીની પાઇપ લીક થવી, ખાણકામ, મેટ્રો ટનલ અથવા અન્ય બાંધકામની ભૂલો પણ જમીન નબળી બનાવી શકે છે.  

2013માં અમેરિકાના ફ્લોરિડા રાજ્ય ખાતે એક ઘરની નીચે અચાનક મોટો સિંકહોલ બન્યો. ઘરમાં રહેતો એક વ્યક્તિ એ વખતે બેડરૂમમાં આરામ કરતો હતો. દુર્ઘટના બની ત્યારે અચાનક આખેઆખો બેડરૂમ પેલા વ્યક્તિ સમેત જમીનની અંદર સમાઈ ગયો! આ ઘટના વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની હતી. 2010માં ગ્વાટેમાલાની રાજધાનીમાં લગભગ સંપૂર્ણ ગોળાકાર અને અત્યંત ઊંડો સિંકહોલ પડેલો. એમાં અનેક માળની ઊંચાઈ ધરાવતી મોટી ઇમારત ધરબાઈ ગઈ હતી. 

આજે પણ તમને એની તસવીરો ઈન્ટરનેટ પર જોવા મળશે.  

સિંકહોલ પડવાની ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે દેખાવમાં મજબૂત લાગતી ધરતીની નીચે પણ સતત પરિવર્તન ચાલતું રહે છે. કુદરતી પ્રક્રિયાઓ અને માનવસર્જિત પ્રવૃત્તિઓ મળીને ક્યારેક એવી પરિસ્થિતિ ઊભી કરે છે કે પળવારમાં રસ્તો, કાર કે મકાન જમીનમાં સમાઈ જાય. આવી દુર્ઘટનાઓ ક્યારેક મોટા પાયે જાનહાનિ સર્જે છે.  

જો મોટા નુકસાનથી બચવું હોય તો નિયમિત ભૂસ્તરીય સર્વે, જૂની પાણી અને ગટરલાઇનોની તપાસ, ભૂગર્ભ જળનો જવાબદારીપૂર્વક ઉપયોગ અને બાંધકામ પહેલાં જમીનનું વૈજ્ઞાનિક પરીક્ષણ કર્યા સિવાય છૂટકો નથી. હવે જરા સામાન્ય બુદ્ધિ અને અનુભવોને આધારે જવાબ આપજો, આમાંનો એક્કેય નિયમ આપણે પાળીએ છીએ? 

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો