માનવ ઇતિહાસનો સૌપ્રથમ નોંધાયેલો અને ગ્રંથસ્થ થયેલો પોડકાસ્ટ આપણી પાસે છે. આપણે એને વાંચી શકીએ છીએ અને ભારતીયો તેને ભગવદ્ગીતા કહે છે. (આજના ઇન્સ્ટાગ્રામ જમાના મુજબ) પોડકાસ્ટ એટલે શું?

બે વ્યક્તિઓ વાતચીત કરે એ અને ગામ આખું સાંભળે એ. તો મહાભારતની ગીતા એ તો હતી. યુદ્ધનું મેદાન હતું, કૃષ્ણ જવાબ આપતા હતા, અર્જુન વિષાદયોગમાં સવાલો પૂછી રહેલા, એને સંજય સાંભળી રહેલા ને ધૃતરાષ્ટ્રને રિલે કરી રહેલા. ત્યારે માઈક હતાં નહીં, કારણ કે માઈકની જરૂર હતી નહીં. કૃષ્ણનો પ્રચંડ પણ સૌમ્ય અવાજ તેઓ ધારે તો આખી સૃષ્ટિ સુધી પહોંચી શકે એમ હતો. સેમ ગોઝ ફોર મહાવીર સ્વામી. અથવા તો કોઈ પણ તીર્થંકર. તીર્થંકરને જ્યારે કેવળજ્ઞાન થાય ત્યારે તેઓ પહેલું કામ સમવસરણમાંથી જ્ઞાન આપવાનું શરૂ કરે જેને ફક્ત દેવો કે માણસો નહીં, પરંતુ કોઈ પણ પ્રાણી કે જીવ સાંભળી શકે. ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામી વચ્ચે ઘણા બધા સવાલ-જવાબ થયા જે બીજાએ સાંભળ્યા પણ ખરા. એ શું હતું? પોડકાસ્ટ.

આજથી ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં એક જમાનો હતો કે છોકરો ખાસ કંઈ કરતો ન હોય એવું બને. એને પૂછવામાં આવે કે શું કરે છે બેટા? એટલે તરત એના પપ્પા જવાબ આપે: ભાઈ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનું કરે છે ને બસ એના માટે સારી ઓફિસ શોધીએ છીએ, તમારા ધ્યાનમાં હોય તો કહેજો. આવો જવાબ આવે એટલે આપણે આખું ચિત્ર સમજી જવાનું. એના પછી દશકો આવ્યો શેરબજારનો. જેને પણ પૂછીએ એ શેરબજારનું કરતા હોય. પછી આઈ-ટીની બૂમ આવી બોસ. કમ્પ્યૂટર સિસ્ટમ લઈને જાવા ને સીસી પ્લસ શીખીને લોકો પોતાનાં સેન્ટર સ્થાપવા લાગ્યાં. એના પછી અમુક એલઆઈસીના એજન્ટથી લઈને વોટ્સએપ ગ્રૂપના એડમિન સુધીના સ્ટેટસનો જમાનો આવ્યો. ટિકટોકનો સરદર્દીયો દશકો વહેલો પત્યો અને ઇન્સ્ટાગ્રામની રીલનો સમય આવ્યો, પણ નક્કર દશકો શરૂ થયો છે પોડકાસ્ટનો. દરેક ત્રીજો માણસ અત્યારે પોડકાસ્ટ કરી રહ્યો છે. બહાર કોઈ અજાણી વ્યક્તિને ફિલ્મના પ્રીમિયરમાં મળ્યા અને પૂછ્યું કે તમે શું કરો છો: જવાબ આવશે, ઈન્ફ્લુઅન્સર છું ને પોડકાસ્ટ કરું છું. આપણે કેમ છોનો જવાબ આપીએ એ પહેલાં તે પોડકાસ્ટર ભાઈ તેના સ્પોટિફાયની લિંક સાથે તેના કેટલા હજાર ફોલોઅર્સ કે લીસનર્સ છે એ કહી દેશે.

એક જમાને મેં જિસકો ઇન્ટરવ્યૂ બોલા કરતે થે, વો આજ કલ પોડકાસ્ટ હૈ. બે માણસો જે કદાચ પહેલી વખત મળે છે એ દુનિયાના દરેક વિષય ઉપર વાત કરે છે. એલિયન્સે ક્રિપ્ટો કરન્સી બનાવી છે, ઈરાનને રશિયાએ હાઇડ્રોજન બૉમ્બ આપ્યો છે, દુનિયાનો દરેક પુરુષ અને દરેક સ્ત્રી વાસ્તવમાં અનુક્રમે ગે અને લેસ્બિયન હોય છે વગેરે વગેરે જેવા કુછ ભી વિષયો ઉપર પોડકાસ્ટ થાય છે, કરી શકાય છે, થતા રહેશે. વિજય માલ્યાના પોડકાસ્ટ પછી તો જે છેવાડાનો માણસ પોડકાસ્ટ એટલે શું એ જાણતો ન હતો એ પણ જાણતો થઈ ગયો. ઇન્ટરવ્યૂમાંથી પોડકાસ્ટનું નામકરણ થયું કઈ રીતે? પોડકાસ્ટ કોઈ કેલિફોર્નિયાની સિલિકોન વેલીમાં બનેલા કોઈ સ્ટાર્ટઅપની દેન નથી. એમટીવીના સ્ટુડિયોમાં વીડિયો જોકી એડમ ક્યુરી અને સોફ્ટવેર ડેવલપર ડેવ વાઈનરે ઓડિયો ફાઇલ્સ માટે પ્રયોગાત્મક ધોરણે આ શરૂ કરેલું, ફક્ત આઈફોન/પેડ/પોડના યૂઝર માટે જ. માટે જ આ માધ્યમ આઈપોડ + બ્રોડકાસ્ટ = પોડકાસ્ટ કહેવાયું. તે

ટેક્નોસેવી નિષ્ણાતોનો પ્રયોગ હતો, પણ અગ્નિ અને પૈડાંની શોધની જેમ હવે તો પાણીના ગ્લાસમાં હળદર નાખવી અને પોડકાસ્ટ શરૂ કરવો, એ પણ માનવજાત માટે અતિ મહત્ત્વના ગણાવા લાગ્યા.

પ્રાચીન ગ્રીક શહેરોમાં ટાઉન સ્ક્વેર એટલે કે ગામના ચોકને અગોરા કહેવાતો. સોક્રેટિસ એ અગોરામાં જાય. કોઈ પથ્થર પર બેસે. પ્રગાઢ મૌન ધારણ કરે. અચાનક મૌન તોડીને મોટેમોટેથી બોલવા લાગે. એ જે બોલતા એ કોઈ ચોક્કસ વિષય વિશેનું ઊંડું આત્મચિંતન ને આત્મમંથન હોય. થોડા કલાકો બોલ્યા પછી સોક્રેટિસ એવું કહે, `હવે વધુ આવતા અંકે.' આ સોક્રેટિસનો પોડકાસ્ટ હતો. જિસસ ક્રાઇસ્ટ પણ પર્વત ઉપર શું કરતા? પોડકાસ્ટ જ સ્તો. બસ, માઈક હતું નહીં. માઈકની જરૂર હતી નહીં. બુદ્ધ, કબીર આવા મહામાનવો વોકિંગ પોડકાસ્ટર હતા. લોકો એમને સાંભળવા ઘરબાર બધું છોડીને એમના નકશેકદમ પર ચાલતા. લોકો એમને શ્રદ્ધાળુ કહેતા. પોડકાસ્ટના પ્રામાણિક શ્રોતાઓનું અંતિમ સ્વરૂપ એટલે શ્રદ્ધાળુ થતું હશે. આવાં બીજાં પચાસ ઉદાહરણો આપી શકાય. ગાંધીજીએ પણ પોડકાસ્ટ કરેલા-આપેલા. એ આજના ફોર્મેટમાં રેકોર્ડ નહીં થયા હોય બસ. અકબરના દરબારમાં નવ રત્નો હતાં અને એ નવે રત્નોની સભા રચાતી એ શું હતું? એક જાતનો પોડકાસ્ટ. બીરબલ એટલે તો અમર થઈ ગયો. ટૂંકમાં, માનવજાતને પોડકાસ્ટની જરૂર આદિ કાળથી હતી.

આ માનવસહજ પ્રકૃતિ છે. બીજા બે જણ શું વાત કરતા હોય એની વાતો દરવાજે કાન મૂકીને સાંભળવામાં મજા આવે છે.

પોડકાસ્ટ હવે પ્રમોશન, બિઝનેસ, રાજકારણ કે બીજા અમુક ઉદ્દેશો માટેનું માધ્યમ પણ બની ગયું છે. દરેક માણસ પોતાને નિષ્ણાત સમજતો હોય એવું પણ દેખાય, પણ પોડકાસ્ટે નોનસેન્સ અને ક્રિન્જ કન્ટેન્ટની સ્ક્રોલિંગની હારમાળા તોડી. કંઈક નક્કર કન્ટેન્ટ આવ્યું. એ સાચું કે ખોટું એ ચર્ચા અલગ છે, પણ લોકોનો અનુભવો, દરેક વ્યક્તિની પોતાની અલગ કહાની, તેનો અલગ પોઇન્ટ ઓફ વ્યૂ આ બધું જાણવાથી સમજશક્તિનો વ્યાપ વધે છે એ ચોક્કસ છે. અમુક સારા પોડકાસ્ટર પણ છે જે સાચે લાઈફ બદલી શકે છે.

ઓલમોસ્ટ સમકાલીન એવા મહાવીર અને બુદ્ધ બંને મળ્યા હતા કે નહોતા મળ્યા એ ઓથેન્ટિક માહિતી ક્યાંય નથી, પણ માની લો કે એ બંને વિભૂતિઓ-ભગવાનો મળ્યા હોત તો કેવો સંવાદ, કેવો પોડકાસ્ટ રચાયો હોત! એ બંને મૌન રહ્યા હોત. આવા વ્યક્તિત્વોના મૌનને સાંભળી શકે એવા પરમ શ્રોતા આપણે બની શકીશું?