માણસ છેલ્લાં પાંચસો-છસો વર્ષથી ઘડિયાળ બનાવે છે. સદીઓ સુધી ટકી શકે એવાં ચિત્રો છેલ્લાં હજાર વર્ષથી બનાવે છે. વાસ્કો-દ-ગામાએ યુરોપ-આફ્રિકાથી ભારત આવવાનો સમુદ્રી રસ્તો શોધ્યો અને ભારતવર્ષની ધરતી ઉપર પગ મૂક્યો એ સાલ ઈ.સ. 1498ની હતી. તેની પહેલાં પણ મોટાં મોટાં જહાજો દુનિયા આખી ધમરોળતાં હતાં.
યુદ્ધોમાં મિકેનિકલ બનાવટની તોપના વપરાશનો ઈતિહાસ કેટલીયે સદીઓ જૂનો છે. ચલણી સિક્કા અને નકશીદાર કલાત્મક કૃતિઓ તો ઇસુ ખ્રિસ્તના સમયથી બનતી. તાજમહાલ હોય કે ઈજિપ્તના પિરામિડ, બધું ઘણી સદીઓ પહેલાં બની ચૂક્યું છે. તો સવાલ એ છે કે આટલા મોટા તોસ્તાન અને આવાં સરસ સ્થાપત્યો ઘડનારી માનવજાત જેણે મિકેનિકલ ફોર્સ ઉપર સારી એવી હથોટી મેળવી લીધી હતી તો તેને સાઇકલ બનાવતા આટલો બધો સમય કેમ લાગ્યો?
છેક 19મી સદીમાં સાઇકલો બનવાની ચાલુ થઇ અને 19મી સદીના અંત સુધીમાં સાઇકલનું તબક્કાવાર માસ પ્રોડક્શન ચાલુ થયું. 20મી સદીના મિડલ ક્લાસ કે ગરીબ માણસ પાસે ટ્રાન્સપોર્ટેશનનું અંગત વાહન સાઇકલ જ હતું. જો આ સાઇકલ 19મી સદીના બદલે 17મી સદી કે 16મી સદીમાં શોધાઈ ગઈ હોત તો? બે વ્હીલ ને એ બે વ્હીલને જોડતી એક ચેઈન અને એની ઉપર એક સીટ મૂકતા માણસોને આટલો સમય કેમ લાગ્યો? સાઇકલની શોધ આટલી મોડી કેમ થઇ તેનો જવાબ સર્ચ કરતાં મળશે. જવાબમાં મોટા ભાગની થિયરી જ છે અને અમુક ઠોસ કારણો પણ છે. એ સમયે ચાલતી ઘોડાગાડી વધુ વજન ખેંચી શકતી. ઊબડખાબડ રોડ ઉપર સાઇકલ ન ચાલી શકે. સાઇકલ બનાવવા માટે ધાતુ સારી જોઈએ. વજનમાં હળવી પણ મજબૂત એવી ધાતુ અને તેનું મોલ્ડિંગ બહુ મોડું ચાલુ થયું. ચેઈન-ચક્કર બનાવી શકે એવી ટેક્નોલોજી એ સમયે હતી નહિ. ઘોડાગાડી જ્યારે વધુ માણસો કે વધુ વજન ખેંચી શકતી હોય ત્યારે ફક્ત એક માણસને બેસાડી શકે અને એમાં પણ એ બેઠેલા માણસે તેના પગથી પ્રયત્ન કરવો પડે એવું વાહન બનાવવાનું કોઈ કારણ ન હતું. આ બધાં કારણો છે અને સાચાં પણ હશે, પણ એ બધાં કારણો સામે દલીલ થઇ શકે એમ છે. મહત્ત્વનો સવાલ એ છે કે જો સાઇકલ પહેલાં બની ગઈ હોત તો આજે આપણે ક્યાં હોત?
સાઇકલ ન બનવાનાં ઘણાં કારણો છે. સાઇકલ શરૂઆતમાં એટલે બનાવવી પડી કે એક તંબોરાનો જ્વાળામુખી ફાટ્યો હતો અને દુકાળના લીધે ઘાસચારો ન મળતાં ઘોડા મરવા લાગ્યા હતા. જર્મન શોધક બેરોન કાર્લ વોન ડ્રેઈસે લાકડામાંથી `ડ્રેઝીની' કહેવાય એવી ડેન્ડી સાઇકલ બનાવી હતી (જેમાં પેડલ ન હતા). તેના પછી ઈ.સ. 1839માં મેકમિલને સાઇકલનું મોડલ બનાવ્યું. સાઇકલના શોધક તરીકે મેકમિલનનું નામ લેવાય છે, પણ એ વિવાદાસ્પદ છે. સાઇકલ ઘર ઘર સુધી પહોંચી એના માટે પીઅરી મીકો અને પીઅરી લાલ્મા નામના બે ફ્રેંચ ભાગીદારોને શ્રેય આપવું પડે. સ્કોટિશ વિજ્ઞાની ડનલોપે હવા ભરી શકાય એવાં ટાયર નાખ્યાં એટલે સાઇકલસવારી સ્મૂધ બની. આગલું વ્હીલ બહુ મોટું હોય અને પાછલું વ્હીલ નાનું હોય એવી પેની-ફાર્ધિંગ સાઇકલ પણ બહુ ચાલેલી.
હવે લેખના મુખ્ય સવાલનો જવાબ. જો સાઇકલ 15મી સદીની શરૂઆતમાં શોધાઈ ચૂકી હોત તો દુનિયા એ સમયથી માણસોને જ નાની લાગવા માંડી હોત. જેમ પ્લેનની શોધથી માણસને દુનિયા નાની લાગી અને દુનિયા નાની પડતાં પૃથ્વીની બહાર કૂદકો મારવાનું મન થયું એવું જ સાઇકલમાં થયું હોત. સાઇકલનાં પેડલ મારી મારીને થાકેલો માણસ પેડલ ન મારવાં પડે એવી શોધ તરફ વળ્યો હોત. ઘણી જાતના જુદા જુદા મિકેનિકલ ફોર્સથી મોટાં મોટાં વહાણો પાણી ઉપર ચાલતાં જ હતાં. સાઇકલ ચલાવવા માટે સહન કરવું પડતું પેડલનું પેઈન દૂર કરવા માણસો બહુ મથ્યા હોત અને શક્ય છે કે 16મી સદીના અંત પહેલાં જ ઔદ્યોગિક ક્રાંતિ થઇ ચૂકી હોત.
તો તો 18મી સદીમાં માણસ સાઇકલ બનાવવાના પ્રયત્ન ન કરતો હોત, પણ પ્લેનની શોધ ચાલુ હોત. રાઈટ બ્રધર્સને બદલે બીજા કોઈએ પ્લેન આજથી બસો-અઢીસો વર્ષ પહેલાં શોધી લીધું હોત. નીલ આર્મસ્ટ્રોંગના દાદાના પપ્પાના સમયમાં કોઈએ ચંદ્રયાત્રા કરી હોત. આખી દુનિયા કનેક્ટેડ થઇ ગઈ હોત તો કદાચ બ્રિટિશરોનાં સૂપડાં વહેલાં સાફ થઇ ગયાં હોત અને ગાંધીજીએ ભણવા માટે રાજકોટ ન આવવું પડ્યું હોત. પોરબંદરમાં જ જાવા કે પીએચપી ઉપર તે કમ્પ્યૂટરનું કામ કરી રહ્યા હોત અને ચરખાને બદલે તેને પ્રમોટ કર્યું હોત.
20મી સદીના અંત ભાગમાં મંગળ ગ્રહ ઉપર ગયેલા માલેતુજારો અને પૃથ્વી ઉપર રહેનારા મિડલ ક્લાસ લોકો વચ્ચે તણખા ઝરતા હોત અને પહેલા અવકાશી વિશ્વયુદ્ધના ભણકારા વાગી રહ્યા હોત. ખરાબ હવામાનને કારણે એરપોર્ટ ઉપર ફસાઈ જતા લોકો એરપોર્ટને બદલે યુદ્ધને લીધે મંગળના ગ્રીનહાઉસ રિસોર્ટમાં ફસાઈ ગયા હોત અને મોબાઈલ ફોનની ટેક્નોલોજી આઉટડેટેડ ગણાતી હોત. હા, તમે જે છાપું વાંચો છો એ છાપું તો ત્યારે પણ હોત જ. અમુક એવરગ્રીન વસ્તુઓ ક્યારેય આઉટડેટેડ થતી નથી. માનવજાતના સંગમાં અખબાર અમરત્વ સાથે જન્મ્યું છે.
શહેરોના પોશ વિસ્તારમાં અમીરીના સિમ્બોલ સમાન અને ઝૂંપડપટ્ટી પાસે ગરીબીની ચાડી ખાતી સાઇકલની બહુ મોડી થયેલી શોધે માનવજાતની પ્રગતિને બસો-ત્રણસો વર્ષની બ્રેક મારી દીધી. આપણા વડવાઓએ આપણને વારસામાં બહુ આપ્યું છે અને આપણે એમના આભારી છીએ, પણ જો તેઓએ થોડી વધુ દુરદૃષ્ટિ વાપરીને સાઇકલનો આવિષ્કાર વહેલો કર્યો હોત તો બની શકે અત્યાર સુધીમાં આપણું સરેરાશ આયુષ્ય દોઢસો વર્ષનું થઇ ગયું હોતને?