મહાભારતના શાંતિપર્વમાં જ્યારે પિતામહ ભીષ્મ શરશય્યા પર પોઢીને યુધિષ્ઠિરને રાજધર્મનો બોધ આપી રહ્યા હતા, ત્યારે તેમણે એક અત્યંત ગહન વાત કહી હતી. તેમણે વૃક્ષનું ઉદાહરણ આપતાં સમજાવ્યું હતું કે, જે વૃક્ષને કાપવા માટે કઠિયારો કુહાડી લઈને આવે છે, તે વૃક્ષ પણ તે કઠિયારાને પોતાનો છાંયડો આપવાની ના નથી પાડતું, એ જ રીતે તમારો શત્રુ કે વિરોધી જ્યારે તમારા ઘરે, તમારા કાર્યસ્થળે કે તમારા સારા-નરસા પ્રસંગે આવે ત્યારે તેને ઉચિત આદર આપવો. ભીષ્મની આ વાત માત્ર કોઈ પૌરાણિક ઉપદેશ નથી, પરંતુ આધુનિક યુગમાં લીડરશિપ અને સ્પોર્ટ્સમેનશિપનો સૌથી મોટો પાયો છે. આ કથન આપણને એ શીખવે છે કે વિરોધ કે શત્રુતા એ વ્યક્તિના ગુણ હોઈ શકે, પણ એક શ્રેષ્ઠ વ્યક્તિત્વનું લક્ષણ તો એ જ છે કે તે પોતાના પાયાનાં મૂલ્યો ક્યારેય ન છોડે. ખાસ કરીને જ્યારે આપણે પ્રોફેશનલ જગત કે નેતૃત્વની વાત કરતા હોઈએ, ત્યારે સ્પોર્ટ્સમેનશિપ એ માત્ર રમતગમતના મેદાન પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ તે એક જીવનશૈલી બની જાય છે.
સ્પોર્ટ્સમેનશિપનો મૂળ અર્થ એ નથી કે તમે હારી જાવ કે નમતું જોખો, પણ એનો અર્થ એ છે કે તમે પ્રક્રિયાનો આદર કરો અને તમારા પ્રતિસ્પર્ધીના અસ્તિત્વને સ્વીકારો. કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે તમે તમારા વિરોધીનો ઉચિત આદર કરો છો, ત્યારે તમે વાસ્તવમાં તમારી પોતાની ગરિમામાં વધારો કરો છો. જે રીતે વૃક્ષ કઠિયારાને છાંયડો આપીને પોતાની `વૃક્ષતા' સાબિત કરે છે, તેમ એક સાચો લીડર કે સ્પોર્ટ્સમેન પોતાના વિરોધી પ્રત્યે ઉદારતા દાખવીને પોતાની `ઉત્કૃષ્ટતા' સાબિત કરે છે. જે ક્ષેત્રમાં સ્પોર્ટ્સમેનશિપનો અભાવ હોય, ત્યાં માત્ર અહંકારનાં યુદ્ધો ખેલાય છે. જો કોઈ ખેલાડી કે લીડર જીતવા માટે અનૈતિક રસ્તાઓ અપનાવે અથવા હાર પચાવી ન શકે, તો તે લાંબા ગાળે પોતાની વિશ્વસનીયતા ગુમાવી બેસે છે. સ્પોર્ટ્સમેનશિપ આપણને એ શીખવે છે કે મેદાન પરના વિરોધી એ તમારા દુશ્મન નથી, પણ એવા લોકો છે જે તમને વધુ સારું પ્રદર્શન કરવા માટે મજબૂર કરે છે. જો વિરોધી જ ન હોય, તો તમારી ક્ષમતાની કસોટી કેવી રીતે થાય?
એક લીડર માટે સ્પોર્ટ્સમેનશિપનું મહત્ત્વ એટલા માટે વધી જાય છે, કારણ કે લીડર એ આખી ટીમના વિચારોનું પ્રતિબિંબ હોય છે. લીડરશિપમાં જ્યારે સ્પોર્ટ્સમેનશિપ ભળે છે, ત્યારે તે `ગ્રેસ' (ગરિમા) બની જાય છે. જો કોઈ લીડર પાસે આ ગુણ ન હોય, તો તે અત્યંત અસુરક્ષિત અનુભવે છે. અસુરક્ષિત લીડર ક્યારેય બીજાની પ્રગતિ જોઈ શકતો નથી અને હંમેશાં પોતાના વિરોધીઓને કચડી નાખવામાં શક્તિ વેડફે છે. તેનાથી ઊલટું, જે નેતામાં સ્પોર્ટ્સમેનશિપ છે, તે પોતાના વિરોધીના સારા વિચારોનો પણ સ્વીકાર કરશે. તે જાણતો હોય છે કે સાચું નેતૃત્વ સત્તામાં નહીં, પણ સંબંધોની ગરિમા જાળવવામાં છે.
જે લીડર પાસે સ્પોર્ટ્સમેનશિપ નથી હોતી, તે ટીમને એકસૂત્રે બાંધી શકતો નથી. તે હંમેશાં દોષારોપણની રમતમાં વ્યસ્ત રહે છે. વિજયનું શ્રેય પોતે લેવું અને પરાજયનો ટોપલો બીજા પર ઢોળવો એ નબળા નેતૃત્વની નિશાની છે. સાચો ખેલદિલી ધરાવતો લીડર પરાજય વખતે ઊભો થઈને કહેશે કે, `આજે વિરોધી પક્ષે આપણા કરતાં વધુ સારું કામ કર્યું છે, આપણે તેમાંથી શીખવાની જરૂર છે.' આ અભિગમ તેને હાર્યા પછી પણ વિજેતા બનાવે છે. ઇતિહાસ ગવાહ છે કે જે નેતાઓએ પોતાના શત્રુઓ સાથે પણ મર્યાદા અને સન્માન સાથે વ્યવહાર કર્યો છે, તેમને લોકોએ સદીઓ સુધી યાદ રાખ્યા છે. ભીષ્મ પિતામહનું પેલું સૂત્ર અહીં સચોટ બેસે છે, કારણ કે તે શત્રુના કૃત્યને નહીં, પણ તમારા ધર્મને પ્રાધાન્ય આપે છે. કઠિયારો કાપવાનું કામ કરે છે, કારણ કે એ એનો સ્વભાવ છે, પણ વૃક્ષ છાંયડો આપે છે, કારણ કે એ એનો ધર્મ છે. લીડર તરીકે તમારો ધર્મ ઉદારતા અને ન્યાયપ્રિયતા હોવો જોઈએ, પછી ભલે સામે પક્ષે ગમે તેટલો મોટો વિરોધી હોય.
વર્તમાન કોર્પોરેટ જગતમાં `કટ-થ્રોટ કોમ્પિટિશન' શબ્દ બહુ વપરાય છે, પણ વાસ્તવમાં ત્યાં `કટ-થ્રોટ' નહીં પણ `સ્પોર્ટ્સમેન સ્પિરિટ'ની જરૂર છે. જ્યારે એક લીડર સ્પોર્ટ્સમેનશિપ દાખવે છે, ત્યારે તે સંસ્થામાં એક એવી સંસ્કૃતિ ઊભી કરે છે જ્યાં લોકો ડર વગર પ્રયોગો કરી શકે છે. હારનો ડર એ પ્રગતિનો સૌથી મોટો અવરોધ છે. સ્પોર્ટ્સમેનશિપ આ ડરને દૂર કરે છે. તે શીખવે છે કે મેદાનમાં ઊતરવું અને પૂરી તાકાતથી લડવું એ મહત્ત્વનું છે,
પરિણામ તો સંજોગોને આધીન હોઈ શકે છે. જો તમે તમારા વિરોધીનો આદર કરો છો, તો તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝેરને બદલે તંદુરસ્ત સ્પર્ધાનું વાવેતર કરો છો. આ સ્પર્ધા જ આખરે ઇનોવેશન અને શ્રેષ્ઠતા તરફ દોરી જાય છે.
જો લીડર તરીકે તમારી પાસે સ્પોર્ટ્સમેનશિપ નહીં હોય, તો તમારી જીત પણ હાર સમાન ગણાશે. એવી જીતનો શું અર્થ જેમાં તમે તમારી માનવતા અને નૈતિકતા ખોઈ બેઠા હોવ? જે નેતા વૃક્ષની જેમ અડીખમ રહીને પોતાના વિરોધીઓને પણ સન્માનિત કરી શકે છે, તે જ નેતા લાંબા ગાળાનાં સામ્રાજ્યો ઊભાં કરી શકે છે. ભીષ્મ પિતામહનો આ બોધ આજે દરેક ઓફિસના કેબિનમાં અને દરેક મેદાનના ડ્રેસિંગ રૂમમાં લખવા જેવો છે. વિરોધીની હાજરીમાં તમારા વર્તનની શુદ્ધતા જ તમારી ખરી લીડરશિપ ટેસ્ટ છે. યાદ રાખો, કુહાડી ગમે તેટલી ધારદાર હોય, પણ જે છાંયડો આપી શકે છે એ જ પૂજાય છે. જો તમે તમારા વિરોધીનો પણ ઉચિત આદર કરી શકો, તો જ તમે સાચા અર્થમાં નેતૃત્વના શિખરે બિરાજમાન છો તેમ કહી શકાય. સ્પોર્ટ્સમેનશિપ એ કોઈ કૌશલ્ય નથી, પણ એ આત્માનો અવાજ છે, જે તમને બીજા કરતાં અલગ પાડે છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો