23 માર્ચ, 2017ની એ ગોઝારી સાંજ ન્યૂ જર્સીના મેપલ શેડ ટાઉનશિપ માટે કાયમ માટે એક કાળો ઇતિહાસ બનીને રહી ગઈ. બહારથી શાંત દેખાતા ફોક્સ મિડો એપાર્ટમેન્ટ્સના કોમ્પ્લેક્સમાં એક સામાન્ય દિવસ આથમી રહ્યો હતો, પણ ફ્લેટ નંબર 43ની બંધ દીવાલોની પાછળ જે ક્રૂરતાનો ખેલ ખેલાયો હતો, તેની કલ્પના પણ કોઈએ કરી નહોતી. અમેરિકન ડ્રીમ જીવવા માટે સાત સમુદ્ર પાર આવેલા એક ભારતીય પરિવાર માટે આ એપાર્ટમેન્ટ સપનાનું ઘર હોવું જોઈતું હતું, પણ તે દિવસે તે એક કબ્રસ્તાનમાં ફેરવાઈ ગયું હતું.
જ્યારે હનુમંત રાવ નર્રા કે જે એક પ્રતિષ્ઠિત આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે ફરજ બજાવતો હતો, તે સાંજે પોતાની ઓફિસની `હેપ્પી અવર' પાર્ટી પૂરી કરીને ઘરે પરત ફર્યો, ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તેણે જે દૃશ્ય જોયું તે કોઈ હોરર ફિલ્મથી પણ વધારે ભયાનક હતું. રસોડા અને બેડરૂમની વચ્ચેના ભાગમાં લોહીનું એક ભયાનક ખાબોચિયું ભરાયેલું હતું. તેની પત્ની, 38 વર્ષીય શશિકલા નર્રા અને તેમનો 6 વર્ષનો વહાલસોયો દીકરો અનિશ એ લોહીના સાગરમાં નિષ્પ્રાણ પડ્યાં હતાં. એક ક્ષણ માટે તો હનુમંતને લાગ્યું કે આ કોઈ દુ:સ્વપ્ન છે, પણ હવામાં ફેલાયેલી લોહીની ગંધે તેને વાસ્તવિકતાનું ભાન કરાવ્યું. તેમના ગળા અને ચહેરા પર કોઈ તીક્ષ્ણ હથિયારના એટલા બધા ક્રૂર ઘા ઝીંકવામાં આવ્યા હતા કે ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ હતી. અનિશ, જે હજુ તો દુનિયાની સમજ પણ કેળવી શક્યો ન હતો, તેનું ગળું એટલી બેરહેમીથી કાપવામાં આવ્યું હતું કે જાણે કોઈ રાક્ષસ તેના પર તૂટી પડ્યો હોય. આ માત્ર એક સામાન્ય હત્યા ન હતી; આ એક જઘન્ય કત્લેઆમ હતી, જેણે માનવતાના તમામ સીમાડા વટાવી દીધા હતા.
આ ઘટનાની જાણ થતાં જ મેપલ શેડ પોલીસ અને બર્લિંગ્ટન કાઉન્ટી પ્રોસિક્યૂટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સાયરનોના અવાજે શાંત પડોશને જગાડી દીધો હતો. પીળી ટેપથી ઘેરાયેલા એપાર્ટમેન્ટની બહાર ફોરેન્સિક ટીમના સફેદ સૂટ પહેરેલા અધિકારીઓ પુરાવા એકઠા કરી રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં જ પોલીસને એક વાત ખટકતી હતી. ઘરમાં કોઈ જબરદસ્તી પ્રવેશનાં નિશાન ન હતાં. દરવાજાનું લોક સલામત હતું, બારીઓ તૂટેલી ન હતી. ઘરમાંથી કોઈ કીમતી સામાન, રોકડ કે ઘરેણાં ચોરાયાં ન હતાં, જે સામાન્ય રીતે લૂંટના કેસોમાં જોવા મળે છે. આનો સીધો અર્થ એ થતો હતો કે હત્યારો કોઈ એવો વ્યક્તિ હતો જેને શશિકલા ઓળખતી હતી અને જેણે સરળતાથી ઘરમાં પ્રવેશ મેળવ્યો હતો અથવા તો હત્યારા પાસે ઘરની ચાવી હતી અને અહીંથી જ શંકાની સોય સીધી પતિ હનુમંત રાવ તરફ વળી હતી. લોજિકલ રીતે પણ મોટાભાગના આવા ઘરેલુ હત્યાકાંડમાં જીવનસાથીનો હાથ હોય છે, તેથી પોલીસની શંકા સ્વાભાવિક હતી. તપાસ જેમ જેમ આગળ વધી તેમ તેમ હનુમંતના અંગત જીવનનાં કાળાં પાનાં ખૂલવા લાગ્યાં, જે તેની વિરુદ્ધ એક મજબૂત કેસ બનાવતા હોય તેમ લાગતું હતું.
તપાસમાં બહાર આવ્યું કે હનુમંત અને શશિકલાનું લગ્નજીવન સુખી ન હતું. હનુમંતને ઓફિસમાં જ કામ કરતી દીપા અજીતકુમાર નામની મહિલા સાથે પ્રેમસંબંધ હતો. ઈ-મેલ અને મેસેજીસના રેકોર્ડ્સ બતાવતા હતા કે હનુમંત શશિકલાથી છૂટો થવા માંગતો હતો, જેથી તે દીપા સાથે નવેસરથી જીવન શરૂ કરી શકે, પરંતુ અમેરિકામાં છૂટાછેડાની પ્રક્રિયા જટિલ અને આર્થિક રીતે મોંઘી હોય છે. જો તેઓ છૂટાં પડે તો હનુમંતે ભરણપોષણ અને બાળકની કસ્ટડી માટે મોટી રકમ ચૂકવવી પડે તેમ હતી. શશિકલાના ભારતસ્થિત પરિવારજનો, ખાસ કરીને તેનાં માતા-પિતાએ વિજયવાડાથી આક્રંદ કરતાં મીડિયાને જણાવ્યું હતું કે હનુમંત શશિકલાને માનસિક ત્રાસ આપતો હતો. તેમનો દાવો હતો કે હનુમંતે દહેજ માટે પણ દબાણ કર્યું હતું અને હવે તે રસ્તાના કાંટા સમાન પત્ની અને બાળકની હત્યા કરીને આઝાદ થવા માંગતો હતો. પોલીસને એ પણ જાણવા મળ્યું કે શશિકલા અને અનિશના નામે મોટી રકમના જીવનવીમા પોલિસીઓ હતી, જેનો લાભાર્થી હનુમંત હતો. આર્થિક લાભ, વાસના અને આઝાદી - આ ત્રણ મુખ્ય કારણો હનુમંતને મુખ્ય શંકાસ્પદ બનાવવા માટે પૂરતાં હતાં.
પરંતુ અમેરિકન ન્યાયતંત્રએ લાગણીઓ પર નહીં, પુરાવાઓ પર ભાર મૂક્યો. પોલીસે હનુમંતની કલાકો સુધી પૂછપરછ કરી. તેને એક નાના રૂમમાં બેસાડીને આકરા સવાલો કરવામાં આવ્યા, પણ હનુમંત પોતાની વાત પર અડગ રહ્યો કે તે નિર્દોષ છે. તેની પાસે એક મજબૂત `એલીબી' હતી. હત્યા થઈ તે સમયે તે ઓફિસના સહકર્મીઓ સાથે પાર્ટીમાં હતો. સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓનાં નિવેદનો પણ તેની વાતને સમર્થન આપતા હતા. સૌથી મહત્ત્વની વાત એ હતી કે ફોરેન્સિક રિપોર્ટમાં હનુમંતનાં કપડાં કે શરીર પર લોહીનું એક પણ ટીપું મળ્યું ન હતું. જો કોઈ વ્યક્તિએ આટલી ક્રૂરતાથી બે લોકોની હત્યા કરી હોય, તો તેનાં કપડાં લોહીથી ખરડાયેલાં હોવાં જોઈએ. જો તેણે કપડાં બદલ્યાં હોય, તો પણ ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ પુરાવા રહી જાય, પણ અહીં કશું જ મળ્યું નહીં. પુરાવાના અભાવે પોલીસ હનુમંતની ધરપકડ કરી શકી નહીં. હનુમંત મુક્ત તો રહ્યો, પણ સમાજની, ખાસ કરીને તેલુગુ સમુદાયની નજરમાં તે એક હત્યારો બનીને રહી ગયો. ભારત અને અમેરિકા બંને જગ્યાએ તેની થૂ-થૂ થઈ. શશિકલા અને અનિશના અંતિમ સંસ્કાર વખતે પણ બે પરિવારો વચ્ચેનો તણાવ સ્પષ્ટ દેખાતો હતો. વર્ષો વીતતાં ગયાં, ફાઈલો પર ધૂળ જામતી ગઈ અને મેપલ શેડનો આ કેસ એક `કોલ્ડ કેસ' બનીને રહી ગયો. ન્યાયની આશા ધૂંધળી થવા લાગી હતી.
આઠ વર્ષના લાંબા સમયગાળા સુધી ફોક્સ મિડો એપાર્ટમેન્ટનો એ ફ્લેટ અનેક રહસ્યો દબાવીને બેઠો હતો, પણ સત્યને લાંબો સમય છુપાવી શકાતું નથી. 2024-2૫ના અરસામાં વિજ્ઞાન અને ટેક્નોલોજીએ તપાસ એજન્સીઓના હાથમાં એક નવું સાધન આપ્યું. એ સાધન હતું અદ્યતન ડીએનએ (DNA) પૃથક્કરણ. બર્લિંગ્ટન કાઉન્ટી પ્રોસિક્યૂટરની ઓફિસે હાર માની ન હતી. તેમણે જૂના પુરાવાઓ ફરીથી ખોલ્યા. ઘટનાસ્થળેથી મળેલા લોહીના નમૂનાઓની અત્યંત ઝીણવટભરી તપાસ કરવામાં આવી. આ તપાસમાં એક ચોંકાવનારી વિગત સામે આવી. લોહીના નમૂનામાં એક એવું ડીએનએ પ્રોફાઇલ મળ્યું જે ન તો શશિકલાનું હતું, ન અનિશનું હતું અને સૌથી નવાઈની વાત એ હતી કે તે હનુમંતનું પણ ન હતું. તો પછી હત્યાના સમયે ઘરમાં ચોથું વ્યક્તિ કોણ હતું?
તપાસના તાણાવાણા જોડતાં પોલીસ એક એવા નામ સુધી પહોંચી જેણે સૌને સ્તબ્ધ કરી દીધા - નઝીર હમીદ. આ નામ તપાસ અધિકારીઓ માટે નવું ન હતું, પણ શંકાના દાયરામાં ક્યારેય મુખ્ય ન હતું. નઝીર હમીદ માત્ર હનુમંતનો ઓફિસનો સહકર્મી જ ન હતો, પણ તે જ ફોક્સ મિડો એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં રહેતો તેમનો પાડોશી પણ હતો! કલ્પના કરો કે હત્યારો તમારી બાજુમાં જ રહેતો હોય, તમારી સાથે કામ કરતો હોય અને રોજ તમારી સામે સ્મિત કરીને પસાર થતો હોય. આ ખુલાસાએ ડરનું એક નવું લખલખું પસાર કરી દીધું. તપાસમાં બહાર આવ્યું કે નઝીર હમીદ હત્યાના થોડા સમય બાદ અમેરિકા છોડીને ભારત જતો રહ્યો હતો. આ ભાગી છૂટવાની પ્રવૃત્તિએ શંકાને વધુ દૃઢ બનાવી.
અમેરિકન તપાસ એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ શરૂ કરી. ભારતીય તપાસ એજન્સીઓ અને સીબીઆઈના સહયોગથી નઝીર હમીદનાં જૂનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને સામાન જપ્ત કરવામાં આવ્યાં. ફોરેન્સિક લેબમાં જ્યારે નઝીરના લેપટોપ અને અન્ય વસ્તુઓ પરથી મળેલા ડીએનએને ઘટનાસ્થળના અજાણ્યા લોહી સાથે સરખાવવામાં આવ્યા, ત્યારે તે પરફેક્ટ મેચ સાબિત થયા. વિજ્ઞાને તે સાબિત કરી દીધું જે માણસો જોઈ શક્યા ન હતા. આખરે આઠ વર્ષ પછી શશિકલા અને અનિશના અસલી હત્યારાનો ચહેરો બેનકાબ થયો. જે પતિને સમાજ વર્ષોથી રાક્ષસ માનતો હતો, તે હત્યાના ગુનામાં નિર્દોષ સાબિત થયો. હનુમંત ભલે એક ખરાબ પતિ હતો, ભલે તેણે શશિકલા સાથે દગો કર્યો હતો, પણ તે હત્યારો ન હતો.
આ ખુલાસા સાથે નવા પ્રશ્નોનો પહાડ ઊભો થયો છે. શા માટે? એક પાડોશી અને સહકર્મીને શશિકલા અને અનિશની હત્યા કરવામાં શું રસ હોઈ શકે? શું નઝીર હમીદ કોઈના ઈશારે કામ કરતો હતો? શું આ કોઈ કોન્ટ્રાક્ટ કિલિંગ હતું?
શું નઝીર હમીદને શશિકલા પ્રત્યે કોઈ એકતરફી ઝનૂન હતું કે પછી હનુમંત સાથેની કોઈ ઓફિસની દુશ્મનાવટનો બદલો તેણે માસૂમ પરિવાર પર કાઢ્યો? પ્રોસિક્યૂટર્સની થિયરી હજુ સંપૂર્ણપણે જાહેર થઈ નથી, પણ તેમણે નઝીર હમીદ પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો આરોપ મૂક્યો છે. સાથે જ તેના પર ૫0 હજાર ડોલરનું ઇનામ પણ મૂક્યું છે. હાલમાં અમેરિકન સરકાર તેને ભારતથી અમેરિકા પ્રત્યાર્પણ કરવા માટે કાયદાકીય પ્રક્રિયા કરી રહી છે. નઝીર હમીદ ભારતમાં ક્યાં છે અને તેની ધરપકડ ક્યારે થશે, તેના પર સૌની નજર છે.
આજે પણ જ્યારે મેપલ શેડની એ સાંજ યાદ આવે છે, ત્યારે લોકોનું હૃદય કંપી ઊઠે છે. શશિકલા અને અનિશનો આત્મા હજુ પણ ન્યાયની રાહ જોઈ રહ્યો છે. હનુમંત રાવ માટે આ `નિર્દોષ' સાબિત થવું એ એક વિચિત્ર જીત છે. તેણે જે ગુમાવ્યું છે તેની ભરપાઈ કોઈ કોર્ટ કરી શકે તેમ નથી. તેનો પરિવાર વિખેરાઈ ગયો, તેની પ્રતિષ્ઠા ધૂળમાં મળી ગઈ અને તેનો દીકરો કાયમ માટે જતો રહ્યો. આ સત્યઘટના સાબિત કરે છે કે વાસ્તવિક જીવન કોઈ પણ કાલ્પનિક વાર્તા કરતાં વધુ ક્રૂર અને રહસ્યમય હોઈ શકે છે.
આવીજ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો