તે કેવી રીતે બને છે?

ફેશનમાં વિવિધ પ્રકારના ટ્રેન્ડ જોવા મળે છે. પછી તે કપડાં હોય કે જ્વેલરી. આજકાલ `બ્લડ પ્રિઝર્વ્ડ જ્વેલરી'નો ઘણો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ ઘરેણાંમાં કોઈ વ્યક્તિના લોહીના થોડાં ટીપાં લઈને તેને રેઝિન અથવા પારદર્શક મટીરિયલમાં સીલ કરવામાં આવે છે. ઘણા લોકો તેને ભાવનાત્મક યાદગીરી તરીકે બનાવડાવે છે

ફેશનની દુનિયામાં દરરોજ કોઈ ને કોઈ નવો ટ્રેન્ડ આવતો રહે છે. ક્યારેક ડાયમંડ જ્વેલરીનો ક્રેઝ હોય છે, તો ક્યારેક પર્સનલાઇઝ્ડ ગિફ્ટ્સનો. આજકાલ બ્લડ પ્રિઝર્વ્ડ જ્વેલરી ખૂબ ચર્ચામાં છે. લોકો તેને પોતાના સંબંધોની ઊંડાઈ, ભાવનાત્મક બંધન અથવા યાદના પ્રતીક તરીકે પહેરે છે. સોશિયલ મીડિયા પર અનેક કપલ્સ આ ટ્રેન્ડને ફોલો કરતાં જોવા મળે છે, પરંતુ શું આ ખરેખર સુરક્ષિત છે? શું તેની કોઈ નકારાત્મક અસર પણ થઈ શકે?

શું છે બ્લડ પ્રિઝર્વ્ડ જ્વેલરી?

બ્લડ પ્રિઝર્વ્ડ જ્વેલરીમાં કોઈ વ્યક્તિનું લોહી લેવામાં આવે છે અને તેને રેઝિન અથવા ગ્લાસમાં સીલ કરી દેવામાં આવે છે જેથી તે બગડે નહીં. તેને વીંટી, પેન્ડન્ટ, બ્રેસલેટ કે એરિંગના રૂપમાં બનાવવામાં આવે છે. દેખાવમાં આ જ્વેલરી સુંદર અને અનોખી લાગે છે, પરંતુ તેની બનાવવાની પ્રક્રિયા અને સુરક્ષા ખૂબ જ મહત્ત્વની છે.

શું બ્લડ પ્રિઝર્વ્ડ જ્વેલરી પહેરવી સુરક્ષિત છે?

ફેશનના દૃષ્ટિકોણથી આ જ્વેલરી અનોખી છે, પરંતુ તે જૈવિક સામગ્રી(Biological Material)માંથી બનેલી હોય છે. જો તેને યોગ્ય રીતે સીલ કરવામાં ન આવે, તો તે ધીમે ધીમે સડી શકે છે. જો યોગ્ય સ્ટિરિલાઇઝેશન (Sterilization) અને પ્રિઝર્વેશન ટેક્નિકથી બનાવવામાં આવે, તો તેમાં ચેપ કે કોઈ જોખમની શક્યતા ઘણી ઓછી રહે છે. યોગ્ય પ્રક્રિયા અપનાવવામાં આવે તો આ જ્વેલરી નુકસાનકારક હોતી નથી, પરંતુ જો સાવધાની રાખવામાં ન આવે તો ઘણી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે.

આ રીતે બને છે જ્વેલરી

સૌ પ્રથમ કોઈ વ્યક્તિના લોહીના થોડાં ટીપાં લેવામાં આવે છે. ત્યારબાદ તેને ખાસ કેમિકલ્સ અને ફ્રીઝિંગ ટેક્નિક દ્વારા પ્રિઝર્વ (સુરક્ષિત) કરવામાં આવે છે, જેથી તે બગડે નહીં. પછી તેને રેઝિન અથવા ગ્લાસમાં સીલ કરીને ડિઝાઇન મુજબ ઢાળવામાં આવે છે.

વિશેષજ્ઞોના મતે આ પ્રક્રિયા દેખાવમાં સરળ લાગી શકે છે, પરંતુ તેમાં સ્વચ્છતા અને સુરક્ષાના કડક નિયમોનું પાલન જરૂરી છે. જો આ જ્વેલરી કોઈ અકુશળ વ્યક્તિ દ્વારા અથવા અસ્વચ્છ વાતાવરણમાં તૈયાર કરવામાં આવે, તો ચેપનું જોખમ વધી જાય છે. સ્વાસ્થ્યનાં જોખમો

પણ રહેલાં છે

ચેપનું જોખમ : જો લોહીને યોગ્ય રીતે સ્ટિરિલાઇઝ ન કરવામાં આવે, તો તેમાં રહેલા બેક્ટેરિયા અથવા વાઇરસ સક્રિય રહી શકે છે. આ સંપર્કમાં આવવાથી ચેપ ફેલાવી શકે છે.

ત્વચાની એલર્જી અને બળતરા : જો રેઝિન અથવા પ્રિઝર્વેશનમાં વપરાતા કેમિકલ્સ ઉચ્ચ ગુણવત્તાનાં ન હોય અથવા સીલિંગ બરાબર ન થયું હોય, તો તેનાથી ત્વચા પર ખંજવાળ, લાલાશ અથવા ચકામાં (Rashes) થઈ શકે છે. સંવેદનશીલ ત્વચા ધરાવતા લોકોને એલર્જીની શક્યતા વધુ રહે છે. વધુ સારું છે કે આવી જ્વેલરી હાઈપો એલર્જેનિક મટીરિયલમાંથી બનેલી હોય.

લાંબા સમય સુધી પહેરવાનું જોખમ: જો જ્વેલરી લાંબા સમય સુધી શરીરના સંપર્કમાં રહે છે, ખાસ કરીને પરસેવા કે ભેજવાળા ભાગમાં, તો બેક્ટેરિયલ ગ્રોથનું જોખમ વધી જાય છે, તેથી તેને નિયમિતપણે સાફ રાખવી જરૂરી છે.

કાયદાકીય કે આરોગ્યના નિયમોનું પાલન જરૂરી છે? : બ્લડ પ્રિઝર્વ્ડ જ્વેલરી માટે હાલમાં ભારત સહિત મોટાભાગના દેશોમાં કોઈ ચોક્કસ કાયદાકીય માર્ગદર્શિકા (Guidelines) નથી. જોકે, માનવ જૈવિક સામગ્રીના ઉપયોગ પર બાયો-સેફ્ટી અને નૈતિક નિયમો લાગુ પડે છે. લોહી સાથે જોડાયેલી કોઈ પણ પ્રક્રિયામાં નૈતિકતા અને સુરક્ષા બંને અનિવાર્ય છે. જ્વેલરી બનાવનારને એ સમજ હોવી જોઈએ કે તેઓ કોઈ બાયોમેડિકલ વેસ્ટ અથવા હેલ્થ લો (આરોગ્ય કાયદા)નું ઉલ્લંઘન ન કરે. ગ્રાહકની પણ જવાબદારી છે કે તેઓ ખાતરી કરે કે પ્રોડક્ટ હાઈજિન અને બાયો-સુરક્ષાના માપદંડો પર ખરી ઊતરે છે.

બાયો-વેસ્ટનું જોખમ : લોહી એક જૈવિક પ્રવાહી છે. તેને સામાન્ય રીતે હેન્ડલ કરી શકાતું નથી. ખોટી રીતે હેન્ડલિંગ કે નિકાલ કરવાથી તે `બાયો-હેઝાર્ડ' (જૈવિક જોખમ) બની શકે છે, જે પહેરનાર અને બનાવનાર બંને માટે જોખમી સાબિત થઈ શકે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો