આપણા સમાજમાં શિરઃશૂળની જેમ ગેસની ફરિયાદ એ ખૂબ જ સામાન્ય, પરંતુ વ્યાપકરૂપે પરેશાન કરનારી વિકૃતિ છે. ગેસની સામાન્ય સ્વાસ્થ્ય, દૈનિક કાર્ય, વ્યવહાર, ઊંઘ, મળમૂત્ર પ્રવૃત્તિ અને આહાર-વિહાર વગેરે ઉપર ઊંડી અસર પડે છે.
અત્યધિક ગેસથી પીડિત વ્યક્તિ ખાવા-પીવાની બાબતમાં લાચાર બની જાય છે. ગેસથી વારંવાર પીડાતા દર્દીઓમાંથી કેટલાક કહેતા હોય છે કે, સર ખાવા-પીવામાં ખૂબ જ પરેજી રાખીએ છીએ. ગાંઠિયા, પૂરી, ભજિયાં, વાલ, વટાણા અને તળેલું કંઈ જ ખાતા નથી. બે-ત્રણ વર્ષથી તો અડદની દાળ, દહીંવડાં, ખમણ, પાત્રા પણ ખાતા નથી. છતાં પણ ગેસ ખૂબ જ થાય છે અને આ ગેસને લીધે તો પેટ ફૂલીને નગારા જેવું બની જાય છે.
આપણા પેટમાં ઉત્પન્ન થતો ગેસ છે શું? તેના ઉત્તરમાં કહી શકાય કે ગેસ એ એવી હવા છે જે આપણા આહાર અને પેય ચીજો સાથે અંદર જતી રહે છે અને બીજો વધારાનો ગેસ પચ્યા વગરના આહારની રાસાયણિક ક્રિયા જેવી કે આહારનો આથો અથવા ફર્મેન્ટેશન દ્વારા આંતરડાંમાં જ ઉત્પન્ન થાય છે.
નિયમિત રીતે થતી મળપ્રવૃત્તિ જો નિયમ પ્રમાણે ન થાય તો પેટમાં ગેસ રહી જાય છે. ત્યારે પણ ગેસની તકલીફ અનુભવાય છે, પરંતુ મળત્યાગ સાથે એ ગેસ નીકળી જાય તો હલકાપણું અથવા રાહત અનુભવાય છે.
આપણા આહારની કેટલીક ચીજો જેવી કે ખાંડની ભારે મીઠાઈઓ, મેંદાની ચીજો, ચણાની ચીજો, તળેલી ચીજો, વાલ, વટાણા, સાબુદાણા, અડદ, વડાં, પાંદડાંવાળી ભાજીઓ વગેરે સામાન્ય રીતે ગેસ ઉત્પન્ન કરે છે. આવી જ રીતે જો તમે ફાઇબરયુક્ત અથવા રેસા કે તાંતણાવાળાં આહારદ્રવ્યો જેવાં કે પાલખ, ડુંગળી, કોબી વગેરેનો વધારે પડતો કે દરરોજ ઉપયોગ કરતા હો તો પણ ગેસ વધારે થવાની પૂરી શક્યતા રહે છે.
પ્રૌઢ અને વૃદ્ધ લોકોમાં વ્યાયામ, પરિશ્રમ અને હરવા-ફરવાના અભાવે એ ગેસ ઉત્પન્ન થવાની શક્યતા વધારે રહે છે.
ગેસનો ઉપચાર
ગેસના મુખ્ય બે ઉપચાર છે.
(1) આહાર ઉપર નિયંત્રણ.
(2) ગેસનાશક ઔષધોનો ઉપયોગ.
ગેસનાશક ઔષધોમાં હિંગ્વાષ્ટક, શિવાક્ષાર પાચન કે લવણભાસ્કર જેવાં ઔષધ ચૂર્ણો ખૂબ જ સારું પરિણામ આપે છે. અત્યધિક ગેસ થતો હોય તો આવશ્યકતાથી વધારે આહાર ન લો અને આવશ્યકતાથી વધારે પેય-દ્રવ ચીજો પણ ન લો. ઉપર જણાવેલી ગેસ કરે એવી ચીજોની પરેજી પાળો.
આહાર લેતી વખતે નાના-નાના ટુકડા-કોળિયા લો અને ખૂબ જ ચાવીને ખાઓ અને ખાતી વખતે વાતો ઓછી કરો અને મોઢું બંધ રાખીને જમો-આહાર ઉતારો કે જેથી નકામી હવા આહાર સાથે પેટમાં ન જાય.
ગેસથી છુટકારો મેળવવા માટે દ્રાક્ષાસવનું સેવન પણ લાભકારક સિદ્ધ થાય છે. આ સિવાય ઔષધોમાં લસુનાદીવટી, પાચનવટી, વૈશ્વાનર ચૂર્ણ, એરંડભ્રષ્ટ હરિતકી વગેરે સારું અને ધાર્યું પરિણામ આપે છે.
વ્યાયામ અને યોગની ક્રિયાઓથી પણ ગેસમાં લાભ થાય છે.