યે દૌલત ભી લે લો, યે શોહરત ભી લે લો સાંભળીને સેન્ટિમેન્ટલ થઈ જતા લોકોમાં સ્મશાન વૈરાગ્ય જરૂર આવી જતો હશે, પણ ગીત પૂરું થતાં કોઈ સાચે જ પ્રપોઝલ લઈને આવે અને કહે કે ભઈ, લે, તારી અરજી મંજૂર થઈ ગઈ છે અને આ રહ્યું તારું બાળપણ, તારી કાગઝની કશ્તી અને એટ્સેટેરા; હવે લાવ તારી દોલત, શોહરત પાછી આપી દે.


તમે શું કરો?

બીજી જ પળે તમે આવી સેન્ટિમેન્ટી વાતો છોડીને તમારું બૅન્ક બૅલેન્સ તપાસી લો, ક્યાંક ખરેખર કોઈએ બધું પાછું તો લઈ લીધું નથી ને. કારણ કે તમને ખબર છે કે રોજિંદા જીવનને આવી કવિ કલ્પના સાથે કોઈ નિસબત નથી. મનને બહેલાવવા ખાતર આવું કંઈ સાંભળીએ ત્યારે `વાહ! વાહ!' અને `ક્યા બાત હૈ!' કરી લઈએ એ ઠીક છે. જિંદગી કવિતાથી નથી ચાલતી, પૈસાથી ચાલે છે. ખુદ કવિની જિંદગી પણ એની કવિતાથી નહીં, પણ એ કવિતામાંથી મળતા રોકડા રૂપિયા વડે ચાલે છે (જો મળતા હોય તો). રોકડા રૂપિયા જેવી ઈમોશનલ સિક્યુરિટી બીજી કોઈ નથી.

જે વ્યક્તિના ઉછેરનો પાયો કવિ કલ્પનાના પલાયનવાદમાં રોપાયેલો હોય તે વ્યક્તિઓ મોટપણે ખૂબ દુ:ખી થાય છે. કલ્પનાની અને વ્યવહારની જિંદગી તદ્દન સામસામેના છેડાની જોવા મળે ત્યારે માણસ મૂંઝાઈ મરે છે. જેને કામ કરવું છે તેને કવિ કલ્પનાઓમાં રાચવું પોસાય નહીં. મેઘધનુષ, ચાંદની અને ભીની માટીની ખુશબૂને યાદ કરીને ન તમે રિક્શા ચલાવી શકો, ન ફેક્ટરી, ન સરકાર. જમીન પર પગ રાખીને જ કામથઈ શકે.

એક બીજી વાત. કવિ કલ્પના જેવું જ એક બીજું દૂષણ છે નીતિમત્તા અને સિદ્ધાંતોનું. ઉફ્ફ, તારા આ આદર્શ, આ ઉસૂલ જેને ગુંદીને એક વક્તની રોટી પણ નહીં બનાવી શકાય એવું ભાઈ વિજયે પોતાના લઘુબંધુ રવિને કહ્યું હતું તે સાચું જ છે. અહીં ભાઈ વિજયના માર્ગને જસ્ટિફાય કરવાની કોઈ વાત નથી. વાત જુદી જ છે. જરા ગંભીરતાથી સમજીએ.

નીતિમત્તા અને સિદ્ધાંતોનાં હથિયારો સૌથી વધારે કોને કામ લાગે છે, ખબર છે? જે નીતિવાન નથી, જે સિદ્ધાંતોમાં માનતા નથી એ લોકોને. તેઓ તમને નીતિમત્તાની હાથકડી લગાવીને પોતાનાં તમામ અનૈતિક કામો કરી તમારાથી ક્યાંય આગળ નીકળી જાય છે. સિદ્ધાંતો અને નીતિમત્તાની શોધ કદાચ આવા લોકોએ જ કરી હશે, જેથી અમુક લોકો પોતાનાં ગુણગાન ગવાય, પોતે સારા દેખાય, પોતાની વાહ વાહ થાય એ માટે નીતિમત્તા જાળવવામાં અને સિદ્ધાંતનિષ્ઠ બનીને જીવવામાં રચ્યાપચ્યા રહે.

સમાજનો જે બળવાન વર્ગ છે, જે સત્તાશાળી, ધનવાન કે પ્રસિદ્ધ છે, તે તમામ લોકો તમારાથી આગળ નીકળી જવા તમને નીતિમત્તાની બાળાગોળી આપીને સુવડાવી દે છે. ઘેનમાંથી જાગીને તમે જુઓ છો ત્યારે ખબર પડે છે કે તમારી સિદ્ધાંતપ્રિયતાને બિરદાવનારા માણસો તો તમામ સિદ્ધાંતો નેવે મૂકીને સડસડાટ આગળ વધી ગયા છે અને તમે નીતિમત્તાનું પૂંછડું પકડીને હતા ત્યાંના ત્યાં જ રહ્યા છો. અહીં તમને અનૈતિક ધંધા કરવાની પ્રેરણા આપવાનો આશય નથી. આશય છે તમારી આંખો ઉઘાડવાનો, આશય છે તમને બેડીઓ પહેરાવીને તમારાથી આગળ નીકળી જવાનો પ્રયત્ન કરનારા બદમાશોને ખુલ્લા પાડવાનો.

દુનિયાનો કોઈ પણ માણસ પોતાને બદમાશ, હલકટ કે ગામનો ઉતાર નહીં માને. છતાં આવા લોકો ડગલે ને પગલે તમને ભટકાવાના. તમે એમના કરતાં વધુ પ્રતિભાવંત, વધુ મહેનતુ અને વધુ નસીબદાર હશો તો પણ એ તમારા કરતાં આગળ નીકળી જવાના. તમને કોઈ કહેવા આવતું નથી કે, `બકા, હું તો નિર્વસ્ત્રને નહાવું શું ને નિચોવવું શું વાળી કહેવતને આધારે તરી ગયો છું.' એ તો હંમેશાં નીતિ-સિદ્ધાંતોની મોટી મોટી વાતો જ કરશે અને તમને પણ બિરદાવશે. તમારા જેવા સિદ્ધાંતપ્રિય લોકો હવે દુનિયામાં રહ્યા જ નથી એવું કહીને તમને ફુલાવશે અને તમે ભોળા માની લેશો કે નીતિમય જીવન ગાળવાથી જિંદગીમાં બધું જ મળી શકે છે. જુઓને, આમને તો મળ્યું જ છે, મને પણ મળશે, બસ નસીબ આડેનું પાંદડું હટે એટલી જ વાર છે.

સારા હોવું અને સારા દેખાવું, આ બે જ વાત આપણને ખબર છે. ત્રીજી એક વાત છે પોતે પોતાને સારા લાગવું. તમે અંદરથી સારા હો કે ન હો કોઈ ફરક નથી પડતો, કારણ કે કોણ કહેશે કે સારા હોવું એટલે કેવા હોવું. સારાપણાનાં તમામ લક્ષણો બિલકુલ સાપેક્ષ છે. દુનિયા કે સમાજ તમારી સમક્ષ જે માપદંડો મૂકે છે તે તમારા માટે, આગળ કહ્યું તેમ, હાથકડી સમાન કે પગબેડી જેવા પુરવાર થાય છે.

તમે કહેશો કે સારાપણા અર્થાત્ નીતિમૂલ્યો વગેરેનો સાવ છેદ ઉડાડી દેશો તો દુનિયા કેવી રીતે ચાલશે? આવો સવાલ તમારી નિર્દોષતાની, તમારા ભોળપણની નિશાની છે. તમે માની લીધું છે કે આ દુનિયા સારા માણસોને લીધે ચાલે છે. તમે એ પણ માની લીધું છે કે દુનિયામાં નીતિમત્તાની જેમ કાયદો અને વ્યવસ્થા સૌના ભલા માટે છે. તમે ખરેખર ભોળા છો.

નીતિની જેમ કાયદો પણ તમને જ લાગુ પડે છે.

જેઓ ખરેખર બળવાન છે તેઓ તો કાયદાઓ પોતાની રીતે ઘડાવે છે અથવા એનું અર્થઘટન પોતાની રીતે કરાવે છે અને એ જ અર્થઘટન સાચું છે એવું અદાલતોમાં પુરવાર પણ કરાવી શકે છે. કાયદો ક્યારેય બધા માટે એક સમાન નથી હોતો. ન્યાયની દેવી માટે સૌ કોઈ એકસરખાં છે અને એના ત્રાજવાનાં બેઉ પલ્લાં સીધાં રહે છે એ માત્ર આદર્શની અને કવિ કલ્પનાની વાત છે. વ્યવહારો તદ્દન જુદા છે.

આ દુનિયા ખોટા માણસોના હાથમાં છે, ખરાબ માણસોના હાથમાં છે. એમની મરજી મુજબ અને એમની પદ્ધતિ મુજબ જ આ જગત આખું ચાલવાનું છે, પણ તમારે નિચોવાઈ જઈને પણ મક્કમ રહેવું પડશે, અડગ રહેવું પડશે.

તમારે ખોટા, ખરાબ અને એમના જેવા બનવું હોય તો તમારી મરજી. એવા બની ગયા તો પણ લોકોમાં તો તમે સારા જ દેખાશો, કારણ કે તમે બહારથી તો પેલાઓની જેમ જ નીતિમત્તા-સિદ્ધાંતોની વાતો કરવાના જ છો. માટે લોકોમાં તમે એમના જેટલા જ સારા પણ દેખાવાના છો. રહી વાત ખોટું કામ કરતાં પકડાઈ જવાના ડરની. તો એક આશ્વાસન મનમાં બાધી રાખજો કે આવા લોકો ધીમે ધીમે એટલા પાવરફુલ બની જતા હોય છે કે કોઈ એમને પકડવાની કે બદનામ કરવાની હિંમત કરતું નથી. આમ છતાં ન કરે નારાયણ ને કંઈ થાય તો તમારી પાસે પૈસા એટલા આવી ગયા હશે કે તમે એમાંથી થોડાક વેરશો કે તરત તમારું કામ થઈ જશે.

પણ તમારી પાસે ડંખી શકે એવો અંતરાત્મા હોય તો રહેવા દો. આ લાઈનમાં તમારું કંઈ કામ નથી. તમે નીતિપ્રિય, મૂલ્યનિષ્ઠાવાળું અને સિદ્ધાંતમય જીવન જ જીવતા રહો એમાં જ તમારું ભલું છે.

સાયલન્સ પ્લીઝ!

જગતની બધી ટીકાને સોનું જોખવાનાં કાટલાંથી ન તોળીએ, પણ લોખંડ કે પથરા જોખવાનાં કાટલાં વાપરીએ. તેમાં મણ-અધમણનો તો હિસાબ સરખોય ન હોય.

- ગાંધીજી (`આશ્રમનો પ્રાણ' પુસ્તકમાં)


  • Follow us on: