માથે આવી પડતી કોઇ પણ આપત્તિનો અનુભવ સુખદ તો ક્યાંથી હોવાનો, પણ એવી પરિસ્થિતિઓમાંથી માણસ કેટલાક એવા પાઠ શીખી જાય છે, જે એને જિંદગીભર કામ લાગતા રહે છે.
વિપરીત પરિસ્થિતિનો સૌથી મોટો ફાયદો એ કે એવા જ સમયે માણસને પોતાની ખરેખરી જાતને નજીકથી જોવાની તક મળે છે. એ વખતે એ એકલો પડી ગયો હોય છે. એની આસપાસનું પ્રસંશકોનું ટોળું વિખેરાઇ ચૂક્યું હોય છે. જીતવાની જીદમાં હારની મજા માણવાનું ચૂકી જવાય છે. હાર એટલે નવા અને વધુ સારા જીવનની દિશામાં એક ડગલું આગળ વધવાનો અવસર.
આવા અવસરને એક તક તરીકે ઝડપી લેવાને બદલે ઘણા લોકો સલામતીનો ખ્યાલ રાખીને બેસી રહે છે. સતત દરેક પાસે સલામતી મેળવવા ઇચ્છનારાઓનું જીવન ચારેબાજુથી બંધિયાર બની જાય છે. લાગણીની, આર્થિક, સામાજિક વગેરે અનેક સલામતીઓ પાછળ ભાગતા માણસો મૃત્યુ કરતાં વધારે જીવનથી ડરતા થઇ જાય છે. કોઇકે સાચું કહ્યું છે કે જહાજ કિનારા પર હોય ત્યારે તે સૌથી સલામત હોય છે, પણ એ જ શું એનો હેતુ છે?
હાથમાં આવેલી અનેક તક સરી જવા બદલ અફસોસ કર્યા કરતા લોકોને તમે મળ્યા છો? જે દૂધ ઢોળાઇ ચૂક્યું છે એમાંથી પોતે કેવી રીતે દહીં, છાશ, માખણ કે ઘી બનાવ્યાં હોત એની કથા રસપ્રદ વાણીમાં કહેતાં એમને આવડે છે. એમને માત્ર એટલી જ ખબર નથી કે ગુમાવેલી અનેક તક વિશે રંજ વ્યક્ત કરવામાં આવનારી બીજી અનેક તક તેઓ ગુમાવી બેસતા હોય છે. આવી કોઇ તક ચાલી જતી નથી, તમારે બદલે બીજું કોઇક એને ઝડપી લે છે. આવી તક ભૂતકાળના અફસોસો અને ભવિષ્યનાં સપનાંઓની વચ્ચે રહેલી વર્તમાનની ક્ષણમાં જ છુપાઈને પડી હોય છે. રેશમી આવરણ ઓઢીને સૂતેલી આ તક માણસના જીવનની સૌથી નિકટ આવી ગઇ હોય ત્યારે આસપાસનું દરેક જણ તમે એ તકનો લાભ લો એની વિરુદ્ધમાં હોય છે. માણસે નક્કી કરી લેવાનું કે એણે આસપાસના લોકોનું સાંભળવું છે કે એકલા એના પોતાનું.
લક્ષ્યો રાખી શકાય જીવનમાં, રાખવાં જ જોઇએ. લાઇફમાં કેટલાક હેતુઓ તથા ઉમદા અને ઊંચા ગોલ્સ હોવા જોઇએ. તકલીફ એક જ હોય છે કે મોટાભાગના લોકો નિશાનને એકીટશે તાકીને બેસી રહે છે. એને સર કરવા તીર છોડવું અનિવાર્ય છે એવું ભાગ્યે જ કોઇક સમજે છે. સપનાં રાખવાનો શોખ ઘણાને હોય છે, પણ એ સપનાં સાકાર થવાની શક્યતા હોય તે જ ઘડીએ તેઓ નાહિંમત થઇને ભાંગી પડે છે.
આગળ વધવાની પ્રક્રિયાને જેઓ મનની ચંચળતા ગણે છે તેઓ પોતાની સ્થગિતતાને, પોતાના બંધિયારપણાને સ્થિરતામાં, અડગતામાં ખપાવી દેવા આતુર હોય છે. એક જ સ્થળે અવિચળ બની પડી રહેવામાં એમને સલામતી લાગે છે. આવી સલામતીઓ પર કરોળિયા જાળાં બનાવે છે. એ જાળાંમાં વ્યક્તિ એ હદ સુધી ગૂંથાઇ જાય છે કે સ્થગિત થઇ જવાની ભૂલ સમજાયા પછી પણ એ કશું જ કરી શકતી નથી. લાચાર બનીને બેસી રહે છે, હાથ પર હાથ જોડીને પોતાના નસીબને કોસ્યા કરે છે.
નસીબ પર દોષ ઢોળવો આસાન છે. આ તકદીર બિચારું કેટકેટલાના દોષના ટોપલા પોતાના માથે ઓઢતું રહેશે? અને ક્યાં સુધી? વધુ ને વધુ પ્રયત્ન કરવાથી નસીબને નજીક ખેંચી શકાય છે એવું સમજવા કેમ કોઇ તૈયાર નથી? પ્રયત્નો પછી પણ નસીબ આડેનું પાંદડું હટતું ન હોય તો એમાં પૂર્વજન્મનાં કર્મનો કોઇ ફાળો નથી એવું કેમ કોઇ સમજતું નથી?
પોતે સારા હોવા છતાં પોતાની સાથે ખરાબ ઘટનાઓ શા માટે બનતી રહે છે એ વાત માણસ સમજી શકતો નથી. કોઇનુંય ક્યારેય કશું બગાડ્યું ન હોય છતાં પોતાનું શા માટે કશું સુધરતું નથી એવી મૂંઝવણ અનુભવનારાઓને સાંત્વન આપવા માટે એવું કહી દેવું બહુ આસાન છે કે આ તો તમારા પૂર્વજન્મનાં કર્મનાં ફળ છે, પણ હકીકતમાં એવું કશું હોતું નથી. જૂના નાણાકીય વર્ષના અંતે બેલેન્સ કેરી ફોરવર્ડ થાય અને નવા વર્ષના આરંભે બેલેન્સ બ્રોટ ફોરવર્ડ થાય. માણસના જન્મની બાબતમાં કે એના કર્મની બાબતમાં પણ આવું માનવું એ મૂઢતાની નિશાની ગણાય.
પરિશ્રમ, કામ, વર્ક જીવનની સૌથી મોટી, સૌથી સાત્ત્વિક અને સૌથી ઉપયોગી પલાયનવૃત્તિ આ જ છે. કામમાં ગળાડૂબ થઇ ગયા પછી અનેક સમસ્યાઓ આપોઆપ છૂ થઇ જાય છે. એકાગ્રતાપૂર્વક કામ નથી થતું એવી ફરિયાદનો એકમાત્ર ઇલાજ પણ કામ કરવાના પ્રયત્નોને ખંતપૂર્વક વળગી રહેવામાં છે.
વધારે કામ કરવાથી વધારે સ્ફૂર્તિવાન બનાતું હોય છે. ઓછું કામ કરવાથી આળસાઇ જઇએ છીએ. કામ ન કરવાનાં અનેક બહાનાં મળી રહેવાનાં. કામ કરવા માટે એક જ કારણ પૂરતું છે: મારે જો આજીવન તાજાંમાજાં રહેવું હશે, મારી આસપાસ પ્રફુલ્લિત વાતાવરણ મારે જોઇતું હશે, મારા સર્કલમાં તરવરિયા માણસો જોઇતા હશે તો મારે કામ કરવું પડશે, સતત કામ કરવું પડશે, ભરપૂર માત્રામાં કામ કરવું પડશે અને કોઇ એક લક્ષ્ય આંખ સામે રાખીને આ બધું કરવું પડશે.
સાયલન્સ પ્લીઝ!
જિસ રફ્તાર સે તૂ નિકલ રહી હૈ ઝિંદગી,
એક ચાલાન તેરા ભી બનતા હૈ.
- અજ્ઞાત
