કોઈ પણ સંસ્થા, સમાજ કે રાષ્ટ્રના શિખર પર બેઠેલો લીડર જ્યારે સફળતાના મદમાં અંધ બને છે, ત્યારે તે સૌથી પહેલો ભોગ પોતાના આત્મતત્ત્વ અને નૈતિક મૂલ્યોનો લે છે. એમાંય આજના અત્યંત સ્પર્ધાત્મક કોર્પોરેટ જગતમાં કે રાજકારણમાં શોર્ટકટ લેવા, નીતિ-નિયમોને નેવે મૂકવા અને ધર્મને બાજુ પર રાખીને માત્ર નફા કે સત્તા પાછળ દોડવું એ એક સામાન્ય પ્રવાહ બની ગયો છે. ઘણા લીડર્સ, મેનેજર્સ અને સીઈઓ એવું માને છે કે જો પરિણામ પક્ષમાં આવતું હોય, તો પ્રક્રિયા ગમે તેટલી દૂષિત હોય તો પણ ચાલે, પરંતુ સત્તા, સંપત્તિ કે કીર્તિનો ગ્રાફ ગમે તેટલો ઊંચો જતો દેખાય, જો તેની ઇમારત અનીતિ અને ભ્રષ્ટાચારના પાયા પર ચણાયેલી હશે તો તેનો ધ્વંસ નિશ્ચિત છે, પરંતુ પિતામહ ભીષ્મ આ બાબતે સમજાવે છે કે એક સાચા લીડરે શા માટે હંમેશાં નીતિ, સિદ્ધાંતો, નિયમો અને ધર્મના માર્ગે જ ચાલવું જોઈએ.
આ માટે પિતામહ ભીષ્મ બે દૃષ્ટાંત આપે છે. પ્રથમ દૃષ્ટાંત આપતાં પિતામહ કહે છે કે, નદીના કિનારે ઊભેલું એક વિશાળ વૃક્ષ ભલે આખું વર્ષ ગમે એટલું લીલુંછમ રહ્યું હોય, ગમે એટલું ઊંચું ગયું હોય અને તેના મૂળ જમીનમાં ગમે એટલાં ઊંડાં ઊતરેલાં દેખાતાં હોય, પણ એ તેની કાયમી સ્થિરતાની ગેરંટી નથી. નદીનો કિનારો એ અનિશ્ચિતતાનો પટ છે. જ્યારે વર્ષાઋતુ આવે છે અને નદીમાં ભયાનક પૂર ઊમટે છે, ત્યારે એ પૂરના પાણીના એક જ ધસમસતા પ્રવાહમાં એ અહંકારી અને ઊંચું દેખાતું વૃક્ષ મૂળ સમેત ઊખડીને ફેંકાઈ જાય છે. આ કોર્પોરેટ અને સામાજિક લીડરશિપનું બહુ મોટું સત્ય છે. અનીતિ, છેતરપિંડી કે અપ્રમાણિકતાથી સામ્રાજ્ય ઊભું કરનારા લીડરો કે મેનેજરો આ નદીકિનારાના વૃક્ષ જેવા છે. શરૂઆતમાં તેમનો વિકાસ ચમત્કારિક લાગે છે. તેમનું કદ, તેમની સત્તા અને તેમનો પ્રભાવ જોઈને આખી દુનિયા અંજાઈ જાય છે, પરંતુ તેઓ એ ભૂલી જાય છે કે બજારની પરિસ્થિતિઓ, કાયદાની મર્યાદાઓ અને સમયચક્ર ક્યારેય એકસરખાં નથી રહેતાં. જ્યારે કાળ ફરે છે, જ્યારે અર્થતંત્રમાં મંદીનું કે કાનૂની તપાસનું પૂર આવે છે, ત્યારે અનૈતિક માર્ગે ઊભા થયેલા લીડરો એક જ ઝાટકે જમીનદોસ્ત થઈ જાય છે. પૂર હંમેશાં નબળા પાયાવાળી ભવ્યતાને સૌથી પહેલા તાણી જાય છે.
બીજી બાજુ પિતામહ ભીષ્મ લીડરશિપના પતનની ક્રમિક પ્રક્રિયાને સમજાવવા માટે અન્ય એક અદ્ભુત વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક ઉદાહરણ આપે છે. તેઓ કહે છે કે, જ્યારે જમીનમાં કોઈ બીજ રોપવામાં આવે, ત્યારે તે રાતોરાત વિશાળ વટવૃક્ષ બનીને બહાર નથી આવી જતું. એ બીજ પૃથ્વીના પેટાળમાં અંધારામાં પડ્યું રહે છે. ધીમે ધીમે પોષણ મેળવે છે, અંકુરિત થાય છે અને કાળક્રમે ધરતી ફાડીને બહાર આવે છે. બરાબર આ જ રીતે લીડર દ્વારા આચરવામાં આવેલી અનીતિ, ભ્રષ્ટાચાર, પક્ષપાત કે ચીટિંગ ક્યારેય રાતોરાત છાપરે ચઢીને પોકારતા નથી. ખોટું કરનાર લીડર કે મેનેજરને શરૂઆતમાં એવો ભ્રમ થઈ જાય છે કે પોતે બહુ સ્માર્ટ છે, તેણે આખી સિસ્ટમને મૂર્ખ બનાવી દીધી છે અને તેનું પાપ કોઈ પકડી શકવાનું નથી. તે પોતાની આસપાસ સત્તા અને સફળતાનું એવું આભાસી કવચ તૈયાર કરી લે છે કે તેને પોતાના પતનનો અણસાર સુધ્ધાં નથી આવતો, પરંતુ પ્રકૃતિનો અને સમયનો નિયમ અફર છે. અનીતિનું એ પાપરૂપી બીજ અંદર ને અંદર મોટું થતું જાય છે અને જ્યારે તેનો સમય પાકે છે, ત્યારે તે એવા પ્રચંડ સ્વરૂપે સમાજ અને ન્યાયની સામે બહાર આવે છે કે લીડરને બચવાનો કોઈ માર્ગ નથી મળતો. જ્યારે કૌભાંડોના નકાબ ઊતરે છે, ત્યારે એ સત્તાધીશ લીડર ક્યાંયનો નથી રહેતો; તેની વર્ષોની કમાયેલી પ્રતિષ્ઠા, પદ અને ગરિમા પળવારમાં રાખ થઈ જાય છે.
એક મેનેજર કે લીડર માટે આ બે ઉદાહરણો માત્ર ધાર્મિક પ્રવચન નથી, પરંતુ સસ્ટેનેબલ ગ્રોથનો લાઈફ ટાઈમ મેનેજમેન્ટ પાઠ છે. શોર્ટકટથી મળેલી સફળતા હંમેશાં ભાડાના મકાન જેવી હોય છે, જેના પર તમારો કાયમી હક ક્યારેય નથી હોતો. જે લીડર ધર્મ અને નીતિના પાયા પર સંસ્થાનું નિર્માણ કરે છે, તેના મૂળ નદીના કિનારે નહીં પણ ખડક પર રોપાયેલા હોય છે, જેને સમયનાં ગમે તેવાં પૂર પણ હલાવી શકતાં નથી. તમારી ટીમ, તમારા ક્લાયન્ટ્સ અને તમારો સમાજ તમારી ક્ષમતા કરતાં તમારી વિશ્વસનીયતા પર વધુ ભરોસો મૂકે છે. જો લીડર જ સડો વહોરશે, તો આખી સિસ્ટમ અંદરથી ખોખલી થઈ જશે.
અને એટલે જ દરેક લીડરે ક્ષણિક નફા કે સસ્તી લોકપ્રિયતાના મોહથી પર થઈને કાયદા, નીતિ અને માનવીય મૂલ્યોના દાયરામાં રહીને જ નિર્ણયો લેવા જોઈએ. યાદ રાખવું જોઈએ કે કપટ અને અનીતિની ઊધઈ આખી લીડરશિપને ક્યારેય ન ભરાય તેવા ખાડામાં ધકેલી દે છે. પિતામહ ભીષ્મની આ શીખને જે લીડર પોતાના રોજિંદા વ્યવહાર અને વહીવટમાં ઉતારે છે, તે માત્ર એક સફળ મેનેજર જ નથી બનતો, પરંતુ ઇતિહાસમાં લાંબા સમય સુધી આદરપૂર્વક યાદ રાખવામાં આવતો એક સાચો અને યુગપ્રવર્તક લીડર બને છે. એટલે લીડરે હંમેશાં એ યાદ રાખવું કે પતનથી બચવાનો એક જ રાજમાર્ગ છે - નીતિ અને ધર્મનો પક્ષ ક્યારેય ન છોડવો.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો