માણસ જે બોલે છે એના દ્વારા એના વ્યક્તિત્વની ઓળખ થાય છે, પરંતુ ગુસ્સો, પ્રેમ, આવેશ કે અહમ્ માણસની બોલવાની શૈલીને અસર કરે છે. અમુક લાગણીઓ કે સ્થિતિ માણસને ભડકાવે, બહેકાવે કે શાંત કરે છે. જેમ ગેરી ચેપમેન દ્વારા પ્રેમની પાંચ ભાષા વર્ણવવામાં આવી હતી, એવી જ રીતે મનોવૈજ્ઞાનિકોએ ઝઘડાની પણ અનેક ભાષા અને શૈલી બતાવી છે. ઝઘડો સામાન્યતઃ મનને અશાંત કરે છે. તણાવની ક્ષણોમાં આપણે જે પ્રતિક્રિયા આપીએ છીએ તે આપણી ભાવનાત્મક ટેવને દર્શાવે છે. આપણી ઝઘડાની સ્ટાઈલને સમજવાથી ખોટી ગેરસમજ દૂર કરી સંબંધોને મજબૂત બનાવી શકાય છે.  

ઝઘડાની પ્રથમ શૈલી છે ધ રિફ્લેક્ટર.જો કોઈની આદત, ઊંડો શ્વાસ લઈને ઊંડાણથી વિચારવાની છે તો રિફ્લેક્ટર છે. રિફ્લેક્ટરને કોઈ પણ સ્થિતિમાં વિચારવાનો સમય જોઈએ છે. જે તરત પ્રતિક્રિયા આપવાનું પસંદ નથી કરતા. આવા લોકો મનમાં જેમ આવે તેમ બોલીને બગાડતા નથી, પરંતુ વિચારવામાં અને વાતને સમજવામાં સમય લે છે. જે લોકો તરત સમાધાન ઈચ્છે છે એમને આ વલણ નહીં ગમે. અગર આવી વ્યક્તિ સામી વ્યક્તિને પ્લીઝ મને થોડો સમય જોઈશે એવું કહીને વિચારવાનો સમય લેશે તો વાંધો નહીં આવે, પરંતુ કશું જણાવ્યા વિના ચૂપ થઈ જશે તો ચુપકીદી સાઇલન્ટ ટ્રીટમેન્ટ સાબિત થઈ છે.

બીજી સ્ટાઈલ છે ધ અવોઈડર. ઝઘડાની જેવી શરૂઆત થાય એટલે અવોઈડર ટકરાવથી બચવા માટે ઝઘડાને ટાળશે. કોઈ દલીલ કરવાને બદલે ઠીક છે, વાતને અહીં જ પતાવીએ અથવા તો આ વિષય પર આપણે અત્યારે વાત નથી કરવી એવું કહીને ઝઘડાના ટોપિક પર પૂર્ણવિરામ મૂકે છે. ઘણીવાર વાતને બીજા પાટે ચઢાવવાનું કે મજાકમાં લેવાનું વલણ પણ અપનાવે છે. પ્રથમ દૃષ્ટિએ સહમત થવું કે ડ્રામા ન કરવા એ સારી વાત લાગે, પરંતુ જ્યારે વ્યક્તિ મનમાં પોતાના સાચા વિચારો અને લાગણીઓને દબાવે છે ત્યારે અંદર ને અંદર જ કડવાહટ જમા થાય છે. મન હંમેશાં દુઃખી રહે છે અને સામી વ્યક્તિ તમારું મન જાણતી નથી એટલે એમના તરફથી સમસ્યાના ઉકેલનો કોઈ પ્રયાસ નથી થતો.

ત્રીજો પ્રકાર છે પીપલ પ્લીઝરનો. આવા લોકો ગમે તેવા ઝઘડા થાય, પણ બાજી બગાડવા નથી ઈચ્છતા અને પોતાનો વાંક ન આવે એટલે મનની વાત મનમાં દબાવીને થોડી જ વારમાં પલટી મારી સારી-સારી વાત કરે છે. તેઓ ગમે તેવા ગંભીર મુદ્દાના ઝઘડા સમયે સામી વ્યક્તિને ચોટ લાગે એવું નથી બોલતા.

લડાઈની ચોથી શૈલી કન્ફ્રોન્ટેશન છે. જે રિફ્લેક્ટર અને અવયાકેરથી એકદમ ભિન્ન છે. તેઓ ઝઘડામાં આડીઅવળી દલીલ કરવાને બદલે સીધા મુદ્દા પર આવીને વાતનો ઉકેલ લાવશે. અગર કોઈ વાત બગડે છે દા.ત., મહેમાનના આવવાનો સમય થઈ ગયો અને રસોઈ તૈયાર નથી. બચાવમાં કારણો રજૂ થાય છે. થોડી તીખી દલીલો થાય છે, પરંતુ બીજી જ ક્ષણે કોન્ફ્રોન્ટર વ્યક્તિ બહારથી ઓર્ડર કરવાને કે તાત્કાલિક જે બની શકે એ બનાવવાનો ઓર્ડર કરશે. કારણને અવગણી પરિણામ પર ધ્યાન આપશે. એમની વાત આક્રમક અથવા જોહુકમીથી ભરેલી લાગી શકે. એમાં સામી વ્યક્તિને બોલવાની તક નથી અપાતી, તેથી તેઓ લો ફીલ કરે છે. જો આવા લોકો સામી વ્યક્તિનું માન જાળવીને સમસ્યાનું સમાધાન શોધશે, તો ઝઘડો ટળશે અને કારણ પણ દૂર થશે.

ઝઘડાખોરનો પાંચમો પ્રકાર ફિક્ચરનો છે. તેઓ કોને કેવું લાગશે? ગમશે કે નહીં? એવી વાતનો વિચાર કરવાને બદલે તાર્કિક સમાધાન શોધે છે. દાખલા તરીકે પતિ પત્નીની બર્થડે ભૂલી જાય છે અને પત્ની ઝઘડો કરે છે. તો ફિક્ચર પતિ પત્નીની લાગણીને અવગણીને કોઈ પણ ખોટું બહાનું શોધીને વાત પૂરી કરશે. એમ કરવાથી પતિ માને છે કે એમણે પત્નીની લાગણી બહાનું બતાવી સાચવી લીધી, પરંતુ એ એમનો ભ્રમ હોય છે. આવા લોકો ઝઘડામાં ભાવનાને અવગણીને તર્કને પ્રાધાન્ય આપે છે.

કેટલાક લોકો વિશ્લેષક હોય છે. તેઓ ઝઘડામાં નાની-મોટી, જૂની-નવી કે પોતાની-બીજાની દરેક બાબતોને ઝઘડાની વચ્ચે લઈ આવે છે. એટલું જ નહીં દરેક ઘટનાઓનું પોસ્ટમોર્ટમ કરે છે, તેથી વાત સુધરવાને બદલે બગડે છે. આવા લોકોએ યાદ રાખવું જોઈએ કે કોઠીને ધોવામાં સાર કાદવ જ છે. લડાઈ કરનારનો એક પ્રકાર ડિફેન્ડરનો પણ છે. તેઓ હંમેશાં પોતાનો બચાવ કરે છે અને દોષનો ટોપલો બીજાના માથે નાખે છે. મેં આમ કર્યું તો તેં પણ એવું જ કર્યું હતુંને? આવી વ્યક્તિ ક્યારેય પોતાની ભૂલ કબૂલતી નથી. વાત બગડી જાય, પરિણામ નુકસાનકારક જણાય તો પણ એમનો ઈગો ભૂલ સ્વીકારવા દેતો નથી. આવા લોકો પર કોઈ ભરોસો નથી કરતું અને ઇગ્નોર કરી એક મૌનની દીવાલ ચણે છે, જેથી સંબંધોમાં અદૃશ્ય અંતર સર્જાય છે. ઝઘડાની શૈલી-સ્ટાઈલ કે ભાષા સંબંધો, વિશ્વાસ અને સન્માનને અસર કરે છે, તેથી એવી જ શૈલી અપનાવવી જોઈએ કે ઝઘડો ઝડપથી ખતમ થાય. અગર પાર્ટનરની શૈલીને તમે ઓળખી-જાણી ગયા છો તો થોડા ઉદાર બનો તથા ઝઘડો શાંત થાય પછી પાર્ટનરને સાચી વાત સમજાવો.  

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો