કેરળના કોચી શહેરમાં રહેતા અમારા એક ગુજરાતી મિત્રે અમને એક વાત જણાવી છે. એમનું વતન સૌરાષ્ટ્રના એક જાણીતા શહેરમાં આવેલું છે. વરસો પહેલાં એ નગરમાં રસ્તા પહોળા કરવા માટેની યોજનાનો આરંભ થયો. આ મિત્રના દૂરના સગાના બંગલાની જમીન પરનાં બે વૃક્ષ હટાવવાનાં હતાં. દૂરના સગા પોતાની વગ વાપરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે પહોંચી ગયા અને બે ઝાડ બચાવવા માટે રસ્તાનો નકશો બદલાવી નાખ્યો જેને લઈને લાખો રૂપિયાનો ખર્ચ વધી ગયો અને વાહનચાલકોએ લાંબુ અંતર કાપવા માટે વધારે સમય અને વધુ ઈંધણ વાપરવું પડ્યું. એ સગા પોરસાય છે કે સૌરાષ્ટ્રના કાળઝાળ ઉનાળામાં પણ અમને આ બે ઝાડને લીધે બેડરૂમમાં ઠંડો ઠંડો પવન માણવા મળે છે.
બેચાર જણને ઉનાળાના ચાર મહિના દરમિયાન ઠંડો ઠંડો પવન માણવા મળે એ માટે દર વર્ષે હજારો વાહન ચાલકોએ લાંબો રસ્તો લઈને સમય બરબાદ કરવો પડે છે અને દેશના મૂલ્યવાન ઈંધણના લાખો રૂપિયાનો વેડફાટ થાય છે.
ભારતમાં જે કેટલીક સંસ્થાઓ જેન્યુઈનલી સેવાનું કામ કરે છે એ તમામ સંસ્થાઓને સાષ્ટાંગ દંડવત્ અને તમારા જેવી બીજી ઘણી સંસ્થાઓ ઊભી થાય અને આસપાસના સમાજનો અને એ રીતે દેશનો ઉદ્ધાર થાય એવી પ્રભુને પ્રાર્થના. હું જ્યારે જ્યારે સેવાસંસ્થાઓ કે એન. જી. ઓઝની વાત કરતો હોઉં છું ત્યારે આવી સંસ્થાઓ વિશે નહીં પણ પોતાના અંગત સ્વાર્થ માટે, વેસ્ટેડ ઈન્ટરેસ્ટ સિદ્ધ કરવા માટે, કમાણી કરવા માટે અને દેશનું - સમાજનું નુકસાન કરવા માટે ચાલતી સંસ્થાઓ મારા નિશાના પર હોય છે એ તમે જાણો જ છો, અને ભવિષ્યમાં પણ આ વાત યાદ રાખવા મહેરબાની કરશો.
2014માં નવી સરકારે આવતાંની સાથે જ, પાંચેક મહિનામાં જ - 16 ઑક્ટોબર 2014ના રોજ દેશની 10,343 નૉન ગવર્ન્મેન્ટલ ઑર્ગેનાઈઝેશન યાને કિ એન.જી.ઓ. યાને કી સેવાસંસ્થાઓને ઝપટમાં લીધી. (આવી એન. જી. ઓઝ કઈ કઈ રીતે દેશનું અહિત કરે છે અને એમની પાછળ કોનો કોનો દોરીસંચાર હોય છે એની જાણકારી સૌ કોઈને છે). સરકાર તરફથી કુલ દસ હજાર ત્રણસો તેંતાલીસ સંસ્થાઓને નોટિસ મોકલવામાં આવી હતી કે તમે 2009-10, 2010-11 અને 2011-12 - આ ત્રણ વર્ષનાં ઍન્યુઅલ રિટર્ન્સ ફાઈલ નથી કર્યાં તો મહિનામાં ફાઈલ કરો. 10,343માંથી માત્ર 299 એન.જી.ઓ.એ જવાબ આપ્યો. જે સેવાસંસ્થાઓના જવાબ ન આવ્યા એમાંની 510 સંસ્થાઓની તો નોટિસ પણ ડિલિવર થયા વિના પાછી આવી. કાં તો એમનાં સરનામાં બદલાઈ ગયાં હતાં, કાં એમણે નોટિસ સ્વીકારી નહીં, કાં પછી એ સંસ્થાઓ માત્ર કાગળ પર અસ્તિત્વ ધરાવતી હતી. આ બધી જ (10,343) સંસ્થાઓને વિદેશથી દાનધર્માદારૂપે ફન્ડિંગ મળતું હતું. ફોરેન કૉન્ટ્રિબ્યૂશન રેગ્યુલેશન ઍક્ટ (એફ.સી.આર.એ.) હેઠળ આ સંસ્થાઓએ પોતાની વિદેશી આવકોનો સોર્સ, કયા હેતુ માટે આ ફંડ આપવામાં આવ્યું છે, કઈ કઈ પ્રવૃત્તિઓમાં એ રકમ વપરાઈ છે એની વિગતો સરકારને જણાવવી અનિવાર્ય છે. છેવટે 299 પ્લસ 510 સિવાયની - 9,000 કરતાં વધુ સંસ્થાઓનાં લાયસન્સ ગયા મહિનાના અંતમાં કૅન્સલ કરી નાખ્યાં. સારું કર્યું.
આ કામગીરી પહેલાં સરકારે ‘ગ્રીનપીસ ઈન્ડિયા’ નામની અતિ જાણીતી પર્યાવરણના નામે વિવિધ પ્રકારનાં વિકાસનાં કામો આડે રોડાં નાખનારી સેવાસંસ્થા પર ફોરેનથી ફંડ મગાવવા / લાવવા / લેવા પર પ્રતિબંધ મૂકીને કેટલાક કાયદાઓનો ભંગ કરવા બદલ એનાં સાત બૅન્ક ખાતાંઓ સ્થગિત કરી નાખ્યાં હતાં. એટલું જ નહીં, એપ્રિલમાં જ, સરકારે અમેરિકાના ફૉર્ડ ફાઉન્ડેશનને પણ કહી દીધું કે તમારી ભારતની હોમ મિનિસ્ટ્રીની પરવાનગી વિના કોઈ પણ બૅન્ક દ્વારા એક પણ ડૉલર ભારતીય સેવાસંસ્થાઓને મોકલવો નહીં.
ગ્રીનપીસ ઈન્ડિયાએ એક વખત એવું નિવેદન કર્યું હતું કે અમારું 70 ટકા કરતાં વધુ ફન્ડિંગ તો ભારતમાંથી મિસેલિનિયસ દાતાઓ તરફથી આવે છે. ગ્રીનપીસ ઈન્ડિયા પર વિદેશી ફંડ મેળવવા બાબતે પાબંદી આવી ગયા પછી એ સંસ્થાના ભારતીય ચીફે સંસ્થાના ત્રણસો જેટલા કર્મચારીઓને કહ્યું કે હવે મહિનામાં જ તમને છૂટા કરવા પડશે, અમારી પાસે નાણાં નથી.
સવાલ એ થાય કે જો 70 ટકા ફંડિંગ ભારતીય દાનવીરો આપતા હોય તો આવો કકળાટ કરવાની શું જરૂર છે? વિદેશથી નાણાં ભલે ન આવે, બૅન્ક અકાઉન્ટ પણ ભલે ફ્રીઝ થઈ ગયાં હોય તો આ 70 ટકા ભારતીય દાતાઓ શું આવી ‘ઉમદા હેતુ’થી ચાલતી સંસ્થાના પાવન કર્મચારીઓને સાચવી ન શકે?
ગ્રીનપીસ આંતરરાષ્ટ્રીય પર્યાવરણવાદી સંસ્થા છે. ભારતની આર્થિક પ્રગતિ રોકવાનાં કારસ્તાન આવી સંસ્થાઓ કેવી રીતે કરે છે અને ભારતની સામાજિક બાબતોમાં માથું મારીને મુસ્લિમોને-દલિતોને બીજી સંસ્થાઓ કે ઉશ્કેરે છે.
વૃક્ષ બચાવવાની ઝુંબેશ કરનારાઓની મેન્ટાલિટી એવી હોય છે કે પોતે વૃક્ષપ્રેમી અને જેઓ પોતાની ઝુંબેશમાં સાથ નથી આપતા એ બધા કે જેઓ એમનો વિરોધ કરે છે તેઓ વૃક્ષશત્રુ.
આ પર્યાવરણવાદીઓ એવા વહેમમાં રાચતા હોય છે કે પોતે ન હોત તો આ દુનિયા ક્યારની ઉજ્જડ થઈ ગઈ હોત, માનવજાતનું ધનોતપનોત નીકળી ગયું હોત અને ધારો કે માણસો જીવતા હોત તો સૌ કોઈ ઑક્સિજન માસ્ક પહેરીને ફરતું હોત.
પ્રદૂષણને નિયંત્રણ કરવું જરૂરી છે. ઉદ્યોગો તેમ જ માનવવસાહતો જે કચરો, ધુમાડો, ગંદું પાણી વગેરે ક્રિયેટ કરે છે તેનો પ્રોપર નિકાલ થાય એવી વ્યવસ્થા અનિવાર્ય છે, પણ તમે કહેશો કે ના, આ ઉદ્યોગો સ્થાપવા નહીં દઈએ, કે અણુવિદ્યુત મથકો કે નદી પરનાં બંધ નહીં જોઈએ. કારણ કે એને કારણે પર્યાવરણને નુકસાન થાય છે તો એ વાત સાથે સહમત થઈને દેશની આર્થિક પ્રગતિ રોકી ન દેવાય. પહાડો જેવી જગ્યાઓએ આડેધડ બાંધકામ ન થાય એ જરૂરી છે, પણ જ્યાં અનિવાર્ય છે ત્યાં બાંધકામ કરવાં જ પડે.
અગાઉ રેલવે લાઈન કે જાહેર માર્ગો માટે ખાનગી જમીનો સરકારે લીધી જ છે. ઈવન આજની તારીખે મુંબઈ-અમદાવાદ જેવાં મહાનગરોમાં કે દાહોદ જેવાં નાનાં શહેરોમાં રસ્તો પહોળો કરવાની યોજના હોય કે ફ્લાયઓવર વગેરે બાંધવાનાં હોય ત્યારે વૃક્ષો હટાવવાની કામગીરી શરૂ કરીને કે ક્યારેક આપણાં બિલ્ડિંગોનાં કમ્પાઉન્ડની દીવાલો તોડાવીને પણ સરકાર વધારાની જગ્યા લેતી જ આવી છે.
પર્યાવરણનું પૂંછડું પકડીને ગુજરાતની નર્મદા યોજનાને નિષ્ફળ બનાવવા માટે નીકળી પડેલા દેશના દુશ્મનોને હવે તો બધા ઓળખી ગયા છે.
ભારતને પર્યાવરણના રક્ષણ માટે કોઈએ સલાહ આપવાની જરૂર નથી. આપણા દેશના સંસ્કાર સાથે પર્યાવરણનો મુદ્દો જોડાયેલો છે.
આયુર્વેદની ઔષધિ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના છોડનાં પાંદડાં ચૂંટતાં પહેલાં આપણે શ્લોક ઉચ્ચારીએ છીએ. સવારે પથારીમાંથી ઊઠીને જમીન પર પગ મૂકીએ તે પહેલાં ધરતી માતાની માફી માગીએ છીએ. પીપળો, વડ, તુલસી અને અન્ય વૃક્ષોની સંભાળ રાખવી આપણા લોહીમાં છે, આપણે એમની પૂજા કરીએ છીએ. શુભ પ્રસંગોની ઉજવણી કરવા વૃક્ષારોપણ કરીએ છીએ.
પર્યાવરણનું જતન કરનારા આ દેશમાં પંચ મહાભૂતોનું મહત્ત્વ કેટલું છે તે આપણને પરદેશીઓ શિખવાડશે? પરદેશથી આવેલા પૈસાના જોરે ચાલતી એનજીઓની બહેનજીઓ આપણને કહેશે કે પર્યાવરણ શું કામ અને કેવી રીતે જાળવવું જોઈએ?
પર્યાવરણ બચાવવાના નામે ચર્ચામાં રહેવા માગનારાઓની જમાતમાં અને નવટાંકનો પીને પાશેરની ધમાલ કરનારાઓમાં કોઈ ફરક નથી હોતો.
સાયલન્સ પ્લીઝ!
બ્રેકિંગ ન્યૂઝ. ગ્લોબલ વૉર્મિંગને કારણે આપણી નવી પેઢીઓ ક્યારેય વાઘ નહીં જોઈ શકે...
...તો?
... અમે પણ ક્યારેય ડાયનોસોર નથી જોયા. ફરિયાદ કરી ક્યારેય!
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
