ટોલ્સ્ટોયે આત્મકથા કબૂલાત લખી તો લીધી, પણ પછી એ ત્રણ વર્ષ સુધી એમની પાસે છપાયા વિના પડી રહી.

છેવટે એને એક સામયિકમાં પ્રકાશન માટે મોકલવાનું નક્કી થયું ત્યારે ટોલ્સ્ટોય એક દિવસ શાંતિથી બેસીને આત્મકથાનું આખું લખાણ ફરી વાંચી ગયા. ત્યારબાદ એ તંદ્રામાં સરી ગયા અને એમને એક સપનું આવ્યું. આ સપનું શ્રદ્ધા તરફની એમની આખી યાત્રાના સાર જેવું હતું એટલે એ સપનાની વાત ટોલ્સ્ટોયે આત્મકથાના અંતિમ પ્રકરણ તરીકે ઉમેરી દીધી. આવું હતું એ સપનું, ટોલ્સ્ટોયના જ શબ્દોમાં...

હું જોઉં છું કે હું એક ખાટલામાં ચત્તો સૂતો છું. હું બહુ મજામાં પણ નથી કે બહુ દુઃખી પણ નથી. મને વિચાર આવે છે કે આવી રીતે સૂઈ રહેવું જોઈએ કે નહીં. મને એવું લાગે છે કે મારા પગમાં કંઈક તકલીફ છે. યા તો બેય પગ ટૂંકા છે અથવા એક પગ લાંબો અને બીજી ટૂંકો છે. મને કશુંક ઑકવર્ડ લાગે છે. હું પગ હલાવું છું ત્યારે મને સવાલ થાય છે કે હું શેના પર અને કઈ રીતે સૂતો છું. પછી હું મારી આજુબાજુમાં જોઉં છું ત્યારે મને સમજાય છે કે હું દોરડીની જાળીવાળા ખાટલા પર છું. મારી એડીઓ એક દોરડી પર અને બાકીના પગ બીજી દોરડી પર ટેકવાયેલા છે. મને સમજાય છે કે ઢીલી દોરડીઓ સરકી શકે એવી છે. એટલે એક પગથી હું એક દોરડીને છેક એક તરફના છેડા તરફ ખસેડું છું, પણ એને લીધે બીજી દોરડી ખસી જાય છે અને મારા પગ નીચેની તરફ લટકી પડે છે. હું આખું શરીર હલાવીને એવી રીતે એડજસ્ટ થાઉં છું જેથી હું ખાટલામાં સરખી રીતે ગોઠવાઈ જાઉં, પણ મારી એ હિલચાલને લીધે તો સ્થિતિ વધુ વણસે છે, કારણ કે મારું શરીર હલવાને લીધે બીજી દોરડીઓ સરકી જાય છે અને હવે મારા શરીરનો નીચલો ભાગ દોરડીની જાળીના આધાર વિના નીચેની તરફ નમીને લટકી પડે છે અને મારા પગ ફર્શને નથી અડકી રહ્યા. હવે મારા શરીરના ઉપરનો ભાગ જ દોરડીઓના ટેકે છે અને નીચલો ભાગ નિરાધાર છે. મને બહુ અકળામણ થાય છે. હું એકદમ ડરી જાઉં છું. મને વિચાર આવે છે કે હું છું ક્યાં?

મારી નીચે આધાર શેનો છે? મારું આખું શરીર હવે થોડી જ પળોમાં સરકીને જ્યાં નીચે પડવાનું છે એ દિશામાં હું જોઉં છું અને મને મારી આંખ પર વિશ્વાસ નથી બેસતો. હું કોઈ પર્વતની ટોચથી પણ વધુ ઊંચાઈ પર છું. નીચે કશું દેખાતું જ નથી. નીચે છે તળિયા વગરની ખીણ. મારું હૈયું થંભી જાય છે. હું અત્યંત ડરી જાઉં છું. નીચે જોવાની હવે મારામાં હિંમત નથી રહી. મને લાગે છે કે નીચેની તરફ જોઈશ તો હું તરત સરકીને નીચે પડી જઈશ અને મારો નાશ થશે, પણ નીચે ન જોવાથી તો મારી હાલત વધુ ખરાબ થઈ. મને ડર લાગ્યો કે હું જેના ટેકે છું એ દોરડીઓ તૂટી રહી છે અને છેલ્લી દોરડી તૂટતાંની સાથે જ હું નીચે ખાબકીશ. મને એવું લાગે છે કે ભયને કારણે મારું શરીર બધી જ શક્તિ ગુમાવી રહ્યું છે અને મારી પીઠ વધુ ને વધુ નીચે સરકી રહી છે. બસ, હવે પળવારમાં છેલ્લી દોરડી તૂટી જશે અને હું ગયો કામથી. પછી મને વિચાર આવે છે કે કદાચ આ સપનું હોઈ શકે. હું જાગવા મથું છું, પણ જાગી નથી શકતો. હું શું કરું? હું શું કરું? આવા સવાલો સાથે હું ઉપરની તરફ જોઉં છું. ઉપર પણ જાણે એક (ઊંધી) ખીણ છે. આકાશની એ ઊંચી ખીણ તરફ નજર રાખીને હું નીચેની ખીણને ભૂલવા મથું છું. મારી મથામણ સફળ નીવડે છે.

હવે હું નીચેની ખીણ ભૂલીને ઉપરના અવકાશને તાકી રહું છું. નીચેની ખીણ મારામાં ત્રાસ અને ભય ઉપજાવે છે, ઉપરની ખીણ મને આકર્ષે છે, મને બળ પૂરું પાડે છે. આવી રીતે હવે હું છેલ્લી બચેલી એક માત્ર દોરડીના ટેકે નીચલી ખીણની ઉપર લટકેલી હાલતમાં છું. એ છેલ્લી દોરડી તૂટતી નથી. એ ટકી રહી છે. મને ખબર છે કે મારો આધાર હવે એક જ દોરડી છે, પણ ઉપરની દિશામાં નજર ટકાવી રાખવાને કારણે હવે મને ડર નથી લાગતો. હું વધુ ઝીણી નજરે ઉપરના આકાશને જોઉં છું. એ સાથે હું વધુ ને વધુ શાંતિ અનુભવું છું. મને આખી વાત યાદ આવે છે કે કઈ રીતે મેં પગ હલાવ્યા, કઈ રીતે હું લટકી પડ્યો, હું કેવો ડરી ગયો અને છેવટે ઉપર જોવાથી હું કઈ રીતે ભયમુક્ત થયો. હવે હું ચારેકોર જોઉં છું. મને સમજાય છે કે હું લટકી નથી રહ્યો કે પડી નથી રહ્યો. મારી નીચે એક મજબૂત ટેકો છે. એ એકમાત્ર દોરડી છે, જેના પર બરાબર સંતુલન જાળવીને હું સૂતો છું. પહેલેથી એ જ એક દોરડી હતી જેના જોરે હું ટકેલો હતો.

મને આ આખી ગોઠવણ એક દોરડી પર શાંતિથી ટેકો લઈને સૂવાની સ્થિતિ એકદમ સ્વાભાવિક, સમજી શકાય એવી લાગે છે. સપનામાં આવું બની શકે, બાકી જાગૃત અવસ્થામાં આ સ્થિતિ કોઈ રીતે મારા ભેજામાં ન ઊતરી હોત. સપનામાં તો હવે મને ઊલટાનું એવું લાગી રહ્યું છે કે આ સમગ્ર ગોઠવણ હું અગાઉ કેમ ન જોઈ શક્યો. મેં જોયું કે મારી બાજુમાં એક સ્તંભ છે. એ સ્તંભની નીચે કોઈ ટેકો નથી, પણ એ એકદમ ટટ્ટાર, સોલિડ સ્તંભ છે અને એની સાથે સરસ રીતે બંધાયેલી એક દોરડી લંબાઈને (એનો બીજો છેડો ક્યાંય બંધાયેલો ન હોવા છતાં) મારા શરીરને મજબૂત ટેકો આપી રહી છે. જો હું એ દોરડી મારા શરીરની બરાબર વચ્ચે રહે એ રીતે એના પર સૂતો રહું અને ઉપર જોતો રહું તો પછી પડી જવાની કોઈ શક્યતા જ રહેતી નથી. આ વાત મને બરાબર સમજાઈ ગઈ છે. હવે હું ખુશ છું. શાંત છું અને કોઈ જાણે મને કહી રહ્યું છે, `જોજે હોં, આ ભૂલી ન જતો.' અને હું જાગી જાઉં છું. (સમાપ્ત).

***

જીવન માત્ર હવા-પાણી-રોટી-કપડા-મકાન અને પૈસા-ખ્યાતિના ટેકે નથી ટકી શકતું એવું સમજાયા બાદ ટોલ્સ્ટોય કઈ રીતે શ્રદ્ધા-સાર્થકતાના ટેકે જીવવાનું શીખ્યા એ વિશેની આ કથા અહીં પૂરી થાય છે.