કોઈ પણ ગામની પોતાની રૂઢિ અને માન્યતા હોય છે. એક વાત તો પાક્કી કે જ્યાં લોકો રહેતા હોય એ પોતાની સુવિધા પ્રમાણે મકાન બનાવી લેતા હોય છે.
આર્થિક સગવડ હોય અને પરિવારના સભ્યોની સંખ્યા વધુ હોય એ પ્રમાણે સહજ રીતે લોકો પોતાનું મકાન એક બે કે ત્રણ માળનું પણ બનાવી લેતા હોય અથવા તો કોમર્શિયલ બિલ્ડિંગ હોય તો તો વધુ માળની ઈમારત પણ જોવા મળે, પરંતુ આપણા દેશમાં એક એવું ગામ છે, જ્યાં એક પણ મકાન બે માળનું જોવા મળતું નથી.
માણસને સુખી રહેવું ગમે છે. આનંદથી રહેવાતું હોય એવું બધા જ ઈચ્છતા હોય છે. કોઈને પણ દુઃખ ગમતું ન હોય. એ કારણે જ લોકો વિવિધ અંધશ્રદ્ધામાં માનતા હોય છે. ખરેખર તો વિકાસની સીડીનું પહેલું પગથિયું તો વૈજ્ઞાનિક અભિગમ હોય છે. છતાં લોકો જ્યારે દુઃખથી ઘેરાતા હોય ત્યારે આસ્થા કે શ્રદ્ધા પ્રમાણે જ વર્તતા હોય છે. એમાં વળી કાગનું બેસવું અને ડાળનું પડવું થાય ત્યારે એ માન્યતા દૃઢ થઈ જતી હોય છે. એ માન્યતા ધીરે ધીરે ઘર કરી જતી હોય છે. એવી ઘટના વારંવાર પુરવાર થાય ત્યારે સ્વાભાવિક રીતે એ અંધશ્રદ્ધા પર ભરોસો થઈ જતો હોય છે. એવી જ એક અંધશ્રદ્ધાને કારણે જ ઉદસર નામના ગામમાં એક પણ મકાન બે માળનું જોવા મળતું નથી!
આપણી નજીક આવેલા રાજસ્થાનના ચુરુ જિલ્લાના સરદાર શહેર તાલુકામાં ઉદસર ગામ આવેલું છે. આ ગામ પણ સદીઓથી વસેલું છે. ઇતિહાસ પ્રમાણે તો 700 વર્ષ જૂના આ ગામમાં અત્યાર સુધી એક પણ ઘર બે માળનું બન્યું નથી. એ પાછળ કોઈ મોટું રહસ્ય નથી, પણ લોકો એમ માને છે કે તેમના ગામને શાપ મળેલો છે, તેથી જે બે માળનું મકાન બનાવે તે ક્યારેય સુખી થતા નથી. એવો શાપ કોઈએ આપ્યો હોય અને એ શાપ સાચો સાબિત થાય એવું આજના વિજ્ઞાન યુગમાં માની શકાય નહીં.
એવી વાયકા છે કે આ ગામને 700 વર્ષ પહેલાં શાપ મળ્યો હતો. લોકો માને છે કે સાત સદી પહેલાં ગામમાં ભેમિયા નામની એક વ્યક્તિ આવી હતી. તેને એક દિવસ ખબર મળી કે ગામમાં ચોરો આવ્યા છે. જોકે, એ સમયે તો લોકો પાસે હોય પણ શું? ખાસ કરીને પશુધન દરેક પાસે હોય અને એ જીવનનિર્વાહનું મુખ્ય સાધન પણ હોય, એ કારણે જ ચોરે ગામમાં ઢોર ચોરવાનું શરૂ કર્યું હતું. ચોરો ગામમાંથી ઢોર ચોરી જતા હતા, એ જોઈને ભેમિયાએ તેમને પડકાર્યા. સ્વાભાવિક રીતે ગામનું પશુધન ચોરાઈ જાય તો લોકો કઈ રીતે જીવી શકે? એ વિચારની સાથે જ ભેમિયાએ પશુધન બચાવવા માટે ચોરોનો સામનો કર્યો. ચોરો વધુ અને ભેમિયા એકલા છતાં ખૂબ બહાદુરીપૂર્વક તેઓ લડ્યા. જોકે, લોહીલુહાણ થઈ જતાં ભેમિયાએ જીવ બચાવવા માટે ત્યાંથી ભાગી જઈને સાસરિયાના ઘરે જઈને બીજા માળે છુપાઈ ગયા. ભાગી ગયેલા ભેમિયાને પકડવા માટે ચોર પાછળ દોડ્યા. પીછો કરીને ચોરો પણ ભેમિયો જ્યાં છુપાયો હતો, ત્યાં પહોંચીને તેને પકડી લીધો.
ચોરોએ ભેમિયા અને તેનાં સાસરિયાંઓને પણ ખૂબ માર માર્યો. ઘાયલ થયા પછી પણ ભેમિયાએ ચોરોનો સામનો તો કર્યો, પણ લડાઈમાં છેલ્લે ચોરોએ ભેમિયાનું ગળું કાપી નાંખ્યું. એમ છતાં ભેમિયો લડતો લડતો ગામની સીમ નજીક આવી ગયો. ત્યાં જ ભેમિયાનું ધડ ઉદસર ગામમાં પડી ગયું. જ્યારે ભેમિયાની પત્નીને આ વાતની ખબર પડી, ત્યારે તે ગુસ્સે થઈ ગઈ અને તેણે ગામલોકોને શાપ આપ્યો કે જો આ ગામમાં કોઈ તેનું ઘર બીજા માળ સુધી બનાવશે, તો તેનો પરિવાર નાશ પામશે.
એ ઘટના પછી ગામલોકોએ ભેગા થઈને ભેમિયાનું મંદિર બનાવ્યું. આજે પણ ચુરુના ઉદસર ગામમાં ભેમિયાનું મંદિર છે. લોકો આજે પણ એ શાપથી ડરીને બે માળનું મકાન બનાવતા નથી. જોકે, આ વાયકા જ છે, એ અંગે કોઈ સત્તાવાર પુરાવો નથી. સાતસો વર્ષ જૂની ઘટનાનો કોઈ પુરાવો હોઈ પણ ન શકે, પણ લોકો જે ઘરેડમાં જીવતા હોય એ જ પ્રમાણે જીવતા હોય છે. એ જ ડરથી કદાચ કોઈ અપશુકનિયાળ ઘટના ઘટી ન જાય એ માટે લોકો આજે પણ બે માળનું મકાન બાંધતા નથી.
