મહાભારતના શાંતિપર્વમાં બાણશય્યા પર સૂતેલા પિતામહ ભીષ્મે યુધિષ્ઠિરને જે રાજધર્મનો ઉપદેશ આપ્યો, તે આજે પણ લીડર માટે માર્ગદર્શક દીવાદાંડી સમાન છે.

ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહ્યું હતું કે જો તેને એક સારા અને સફળ લીડર બનવું હોય, તો તેણે `અનાર્ય વર્તન'થી દૂર રહેવું પડશે. અહીં `અનાર્ય વર્તન'નો અર્થ કોઈ જાતિ કે સમુદાયના આચરણથી નથી, પરંતુ લીડરશિપ માટે અયોગ્ય, અધાર્મિક અને નીતિ વિરુદ્ધના આચરણથી છે, જે ઉત્તમ લીડરના ગુણોથી વિરુદ્ધ હોય છે. લીડર માટે અનાર્ય વર્તન એટલે સત્ય, ન્યાય અને ધર્મથી વિચલિત થવું.

પિતામહ ભીષ્મ મુજબ સૌથી પહેલું અને મુખ્ય અનાર્ય વર્તન છે પ્રમાદ અને અકર્તવ્યતા. એક લીડરનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે કે તે હંમેશાં જાગૃત અને સજ્જ રહે. જે લીડર આળસ, બેદરકારી કે પ્રમાદમાં ડૂબેલો રહે છે, તે તેની કંપની અથવા સંસ્થાની સુરક્ષા અને પ્રગતિ જાળવી શકતો નથી. ભીષ્મના મતે પ્રમાદીપણું એ લીડર માટે મૃત્યુ સમાન છે, કારણ કે જે પ્રમાદી છે એ લીડર સમયસર નિર્ણયો લેવામાં નિષ્ફળ જાય છે અને તેના કારણે તેની સંસ્થાના અન્ય લોકો કે તેમની સાથે કામ કરતા અન્ય પાર્ટનર્સ હેરાન થાય છે. પિતામહ માને છે કે લીડરનું કામ રાઉન્ડ ધ ક્લોક તો હોવું જ જોઈએ, પરંતુ આ સાથે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કે કામ પતાવી દેવું પણ તેના માટે એટલું જ જરૂરી છે.

બીજું મોટું અનાર્ય વર્તન છે ક્રોધ, દંભ, ઈર્ષ્યા અને દ્વેષ. એક સારો લીડર ક્યારેય ક્રોધ, અહંકાર કે અંગત દ્વેષથી પ્રેરિત થઈને નિર્ણય લેતો નથી. અનાર્ય લીડર પોતાના અંગત લાભ કે સ્વાર્થ ખાતર નીતિમત્તાને છોડી દે છે. આવા લોકો ઈર્ષ્યા અને લોભથી પ્રેરાઈને પોતાના સહકર્મચારીઓ કે હરીફો પ્રત્યે અન્યાયી વર્તન કરે છે. ભીષ્મએ અહીં સ્પષ્ટ કર્યું છે કે લીડરનું હૃદય વિશાળ હોવું જોઈએ. સંકુચિત મનવાળો લીડર હંમેશાં `આ મારું, આ પારકું'ના ભેદભાવમાં અટવાયેલો રહે છે, જ્યારે ઉત્તમ લીડર (ઉદાર ચરિત્રવાળો) સમગ્ર જગતને પોતાના પરિવાર સમાન માને છે. આ ભેદભાવવાળું વર્તન એ જ અનાર્ય લીડરશિપનું લક્ષણ છે.

આ ઉપરાંત દંડનીતિનો દુરુપયોગ પણ અનાર્ય વર્તન ગણાય છે. લીડરનું કર્તવ્ય છે કે તે દુષ્ટોને શિક્ષા કરે અને સજ્જનોને પુરસ્કાર આપે, પરંતુ તેણે ક્યારેય વગર તપાસે કોઈને સજા કરવી જોઈએ નહીં. જે લીડર માત્ર પોતાના પદના જોરે કે ક્રોધમાં આવીને કે પછી પોતાને કેટલાક વિશેષાધિકારો મળ્યા છે એટલા માટે થઈને નિર્દોષ લોકો પર અત્યાચાર કરે છે, તે અનાર્ય ગણાય છે. શક્તિનો ઉપયોગ દયા અને ન્યાયના પાલન માટે થવો જોઈએ, ક્રૂરતા માટે નહીં. ક્રૂરતા વિનાનું પરાક્રમ એ જ સાચા લીડરની નિશાની છે, જ્યારે ક્રૂરતા સાથેનું પરાક્રમ અનાર્ય લીડરનું લક્ષણ છે. આવું હું નહીં, પરંતુ પિતામહ ભીષ્મ કહે છે.

વળી, અસત્ય, કપટ અને વિશ્વાસઘાત એવા ગુણો છે જે લીડરને નષ્ટ કરી નાખે છે. ભીષ્મના ઉપદેશ મુજબ સત્ય એ રાજાની સૌથી મોટી સંપત્તિ છે, કારણ કે સત્ય વિના કોઈ લીડર તેના લોકોનો વિશ્વાસ જીતી શકતો નથી. જે લીડર વારંવાર પોતાનાં વચનો તોડે છે, કપટની નીતિથી કાર્ય કરે છે, કે પોતાના સહાયકો સાથે વિશ્વાસઘાત કરે છે, તે લીડરશિપના ક્ષેત્રમાં અનાર્ય ગણાય છે. સારો લીડર હંમેશાં મન, વચન અને કર્મથી પવિત્ર હોય છે.

ગેરવાજબી સંપત્તિનો સંચય અને પ્રજાનું શોષણ પણ અનાર્ય વર્તન છે. લીડરનું કામ છે કે તે ધનનો સંચય કરે, પરંતુ તે સંપત્તિ પ્રજાના કલ્યાણ માટે હોવી જોઈએ અને તેનો સંગ્રહ અત્યાચાર કે કઠોરતા વિના થવો જોઈએ. જે લીડર પ્રજાને પીડીને, અત્યાચાર કરીને કે ખોટા કરવેરા લાદીને ધન ભેગું કરે છે, તે ધર્મનું પાલન કરતો નથી અને અનાર્ય કહેવાય છે. લીડર તો પ્રજાનો સેવક છે, જે તેના કલ્યાણ માટે જીવે છે.

તો અજ્ઞાનતામાં કાર્ય કરવું અને પશ્ચાત્તાપ કરવો પણ અનાર્ય વર્તનની નિશાની છે. ભીષ્મએ કહ્યું કે લીડરે ક્યારેય અજ્ઞાનતામાં કોઈ કાર્ય કરવું ન જોઈએ. તેણે બુદ્ધિ ને અનુભવ દ્વારા વિવિધ સ્રોતોમાંથી જ્ઞાન મેળવવું. જ્યારે કોઈ લીડર ધર્મને અનુસરીને, પૂરતો વિચાર કરીને નિર્ણય લે, પછી તેણે તેના પર પશ્ચાત્તાપ કરવો ન જોઈએ. વારંવાર પશ્ચાત્તાપ કરતો લીડર નિર્ણાયકતા ગુમાવે છે. આત્મવિશ્વાસનો અભાવ અને યોગ્ય વિચાર કર્યા વિના નિર્ણયો લેવા, આ બંને અનાર્ય લીડરશીપના ઘટકો છે. આમ, સારાંશમાં, લીડર માટેનું અનાર્ય વર્તન એ છે જે ધર્મ, ન્યાય, સત્ય, વિશાળતા અને પ્રજાના કલ્યાણથી વિમુખ હોય. યુધિષ્ઠિરને આપેલો આ ઉપદેશ દરેક લીડર માટે કલ્યાણકારી છે.