કરીબ ઇતના રહો કિ રિશ્તોં મેં પ્યાર રહે,

દૂર ભી ઇતના રહો કિ આને કા ઇન્તજાર રહે,  

રખો ઉમ્મીદ રિશ્તોં કે દરમિયાન ઇતની,

કિ તૂટ જાયે ઉમ્મીદ મગર રિશ્તે બરકરાર રહે.

 

સંબંધોમાં આટલી દૃઢતા, પ્રેમ, વિશ્વાસ ત્યારે જ જન્મે કે જ્યારે વ્યક્તિનો એટિટ્યૂડ જ હકારાત્મક-આશાવાદી અને પ્રેમસભર હોય, પરંતુ આપણે જોઇએ છીએ કે લગ્નસંબંધોમાં પતિ-પત્નીએ કેટકેટલા મોરચે લડવાનું હોય છે. પ્રેમ, લાગણી, કાળજી, પૈસો, પ્રતિષ્ઠા, કામકાજ, વડીલોની સંભાળ, બાળકોનો ઉછેર અને સામાજિક વ્યવહારો. સાથે વ્યક્તિ તરીકેની પસંદ-નાપસંદ. આ બધું પરસ્પર એકબીજા સાથે અથડાતું રહે ત્યારે ચહેરા પર સ્મિત સજાવીને ગમતી પરિસ્થિતિને સ્વીકારી લેવાનો એટિટ્યૂડ શક્ય છે ખરો? આમ જુઓ તો એટિટ્યૂડ એ તમારી જે તે વ્યક્તિ કે વસ્તુ બાબતે વિચારવાની સ્ટાઇલ છે. તમારું દૃષ્ટિબિંદુ છે અને લગ્નમાં આ દૃષ્ટિબિંદુને માત્ર હકારાત્મક નથી રાખવાનું. સાથીની ખુશી માટે બદલવાનું પણ છે અને બદલીને ખુશ રહેવાનું છે. જનરલી એટિટ્યૂડ પોઝિટિવ અને નેગેટિવ એમ બે પ્રકારના હોય. પોઝિટિવ એટિટ્યૂડ ત્યારે જ શક્ય બને કે જ્યારે વ્યક્તિને જીવનસાથી પાસેથી શું જોઇએ છે? એને શું આપવા ઇચ્છે છે? અને સહજીવનને કઇ રીતે ધબકતું રાખવા ઇચ્છે છે? એ અંગે વ્યક્તિ માત્ર સ્પષ્ટ જ નહીં આશાવાદી અને આત્મવિશ્વાસુ હોય. પરસ્પરના સાથ દ્વારા મળતી હૂંફ-આનંદ અને વિકાસ દરેક વ્યક્તિ લગ્નમાં ઇચ્છે છે, રાઇટ? અને આ ત્રણેય વસ્તુ હકારાત્મક એટિટ્યૂડથી જ મળે છે. એ વાત સ્વીકાર્યા વિના છૂટકો છે ખરો?

પત્નીનાં પિયરિયાંના પ્રોબ્લેમમાં પતિ ખભેખભા મિલાવીને પત્ની સાથે ઊભો રહે છે અને પતિને ધંધામાં દેવું થાય ત્યારે પત્ની ચૂપચાપ પિયરના દાગીના વેચીને પતિને સપોર્ટ કરે છે. અહીં ગમે તેવી મુશ્કેલીમાં સાથે રહેવાનો એટિટ્યૂડ છે, પછી ભલે એ માટે ભવિષ્યની સલામતી છીનવાઇ જાય. પત્નીની ભૂલ થાય છે તો પતિ માફ જ નથી કરતો, પરંતુ દોષનો ટોપલો પોતાના માથે ઓઢી લે છે. પતિ પત્નીની આંખમાં આંસુ નથી જોઇ શકતો અને પત્ની પતિની ઉદાસી નથી સહી શકતી. સાથીના ચહેરા પર સુખની સુરખી જોવા માટે તેઓ પોતાનો ઇગો અને પોતાની પસંદ-નાપસંદ નેવે મૂકી સમાધાન અને સંઘર્ષના આ રસ્તામાં જે મુશ્કેલી આવશે તે સહન કરવા માટે તૈયાર છે. આ છે `હમ સાથ સાથ હૈ'નો એટિટ્યૂડ. સાથ-સહકાર દ્વારા હૃદયની હૂંફ આપવાનો અને પામવાનો એટિટ્યૂડ. સાથીને પોતાના વર્તન દ્વારા એવું બતાવવાનો ઉમળકો કે...

`શોભી રહ્યો છું હું તો ફક્ત તારી પ્રીતથી,

મારા જીવનમાં કોઇ બીજી ઝાકઝમક નથી.'

ઘણાની દૃષ્ટિએ લગ્નનાં થોડાં જ વર્ષોમાં તારો સાથ હોય તો જંગલમાં પણ હું ખુશ રહી શકું એવી ફિલસૂફી વરાળ બનીને ઊડી જાય છે. વાસ્તવિકતાની ગરમી સામે લાગણીભીનો એટિટ્યૂડ સૂકોભઠ્ઠ બરછટ બની જાય છે અને ફરિયાદોના કાંટા વાગવા માંડે છે, પણ માણસ એક વખત નક્કી કરી લે કે મારા સાથીનું જીવન હું ખુશીઓથી ભરી દઇશ. જીવનના નાના આનંદો દ્વારા અમારા સહજીવનને રોમાંચિત અને તરોતાજા બનાવી રાખીશ, તો વ્યક્તિ એના સાથીને દુઃખી નથી થવા દેતો. બની શકે કે સામા પાત્ર તરફથી આટલો ઉત્કટ પ્રતિસાદ ન પણ મળે, પરંતુ સાચી ભાવના અને પ્રામાણિક પ્રયત્નો ગમે તેવા કઠોર કે કર્કશ વ્યક્તિને પીગળાવી દે.

હું મારા સોમેશની વાત કરું. પિતાની ઇચ્છાને કારણે ગામડાની સામાન્ય ભણેલી યુવતી સાથે લગ્ન કર્યાં. પોતે ડૉક્ટર, કઇ રીતે સાથે રહેશે એ પ્રશ્ન માત્ર સોમેશને જ નહીં સૌને હતો. એની પત્ની દેખાવમાં સામાન્ય, પરંતુ રસોઇ અને ક્રાફ્ટની સૂઝબૂઝ સરસ. સોમેશે નક્કી કર્યું કે જો મેં મારી મરજીથી લગ્ન કર્યાં છે તો પત્નીને દિલથી અપનાવવી. પત્નીને શહેરી રીતરસમ મુજબ જાતે ટ્રેઇન કરી. કોઇ પણ જાતનાં મેણાંટોણાં કે ફરિયાદ વિના. બોમ્બે મોકલીને પહેલાં કૂકિંગ ક્લાસ કરાવ્યા અને પછી પત્ની પાસે ક્લાસીસ શરૂ કરાવ્યા, એની અલગ આઇડેન્ટિટી ઊભી કરાવી. આત્મવિશ્વાસ વધાર્યો. પતિના આવા ઉમદા વલણને બેવડો પ્રતિસાદ કઇ પત્ની તરફથી નહીં મળે?

સોમેશ પોતાની વ્યસ્તતાની વચ્ચે પત્નીને સાચવે છે, દિલથી ચાહે છે, બંને એકબીજાની એટલાં નજીક છે કે એમની ખુશી એકબીજા પ્રત્યેનું માન-કાળજી સહજપણે વર્તનમાં છલકાયા કરે. પરિચયથી પ્રેમ તો જન્મે છે, પરંતુ એ પ્રેમની સાથે સાથે ડગલાં ભરવાની તમન્ના, એકબીજાના વિકાસની ઉત્કટ ઝંખના અને એ માટેના પ્રયાસો જરૂરી છે. સાથીને સલામતીની લાગણીનો અહેસાસ કરાવી આનંદિત રાખવા માટે જીવનસાથીનો સરળ, સદ્ભાવનાભર્યો એટિટ્યૂડ જ કામ કરે છે. માત્ર પ્રેમ નહીં, પ્રેમને પળ પળ વ્યક્ત કરતો એટિટ્યૂડ જ સુખી આનંદિત લગ્નજીવનની સીડી નથી?  



આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો