પેરેન્ટિંગ એ દુનિયાનું સૌથી પડકારજનક કાર્ય છે, પરંતુ એની ટ્રેનિંગની ન તો કોઈ સ્કૂલ છે કે ન તો પેરેન્ટ્સ બનવા માટે કોઈ નિર્ધારિત લાયકાતની આવશ્યકતા. શિક્ષણ, સંપત્તિ, સલામતી, સંસ્કાર કે સમજણ જેવા કોઈ ક્રાઈટેરિયા પોતાની ધારણાઓ અને માન્યતાઓ મુજબ બાળકને ઉછેરે છે. પેરેન્ટ્સનો પ્રેમ અને લાગણી સાચી હોઈ શકે, પરંતુ એમની ધારણાઓ હંમેશાં સાચી નથી હોતી. એમની કેટલીક ભ્રામક ધારણાઓ જે બાળક માટે નુકસાનકારક છે એ જાણવી જરૂરી છે.

પેરેન્ટ્સની બાળક માટેની પ્રથમ ખોટી ધારણા છે આજ્ઞાકારિતાની. બાળક પેરેન્ટ્સનો પડ્યો બોલ ઝીલે અને ગમે કે ન ગમે એને પેરેન્ટ્સની વાત માનવી જોઈએ. પેરેન્ટ્સની આજ્ઞા માનનારું બાળક ડાહ્યું, સમજદાર, લાગણીશીલ અને સંસ્કારી છે એવી ભ્રામક ધારણા પેરેન્ટ્સની જ નહીં સમાજની પણ છે, પરંતુ આજ્ઞાકારિતા એ હંમેશાં સદ્ગુણ નથી હોતો. પેરેન્ટ્સ જે કહે તે ન કરવાની બાળકની ઈચ્છા હોય તો બાળક પોતાની વાત પેરેન્ટ્સને સમજાવી શકે એ બુદ્ધિચાતુર્ય અને સમજણનું કામ છે. પોતાનો અભિપ્રાય રજૂ કરવા માટે હિંમત જોઈએ. પોતાનો રસ્તો જાતે પસંદ કરવા માટે નિર્ણયશક્તિ જોઈએ. આત્મવિશ્વાસ જોઈએ, જે અતિ આજ્ઞાકારી બાળક ગુમાવી દે છે.

અલગ મત હોવો કે માતા-પિતાની વાત ગળે ન ઊતરવી એ ગુનો નથી. માતા-પિતાના વિચારો સાથે ક્યારેય અસહમતિ ન દર્શાવનાર બાળક પોતાની ઈચ્છાને પરાણે દબાવે છે અને બાળકનાં આત્મસન્માન, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની ભાવનાના વિકાસમાં અડચણ ઊભી કરે છે.

બીજી ધારણા એવી છે કે બાળક જેવું વર્તે છે એવું જ એ છે. વાસ્તવમાં આ ધારણા પણ હંમેશાં સાચી નથી હોતી. ઘણી વખત બાળકનું અનિચ્છનીય વર્તન અજ્ઞાનતા, અણઆવડત, ભાવનાત્મક અશાંતિ, ધ્યાન ખેંચવાની વૃત્તિ કે પ્રત્યાઘાતનું પરિણામ પણ હોઈ શકે છે. ઘણીવાર પેરેન્ટ્સ સમય ન આપે કે બાળકની ભાવનાત્મક જરૂરિયાત પૂરી ન થાય તો પણ ખરાબ વર્તન કરે છે. ખરાબ વર્તન કરનાર બાળક ખરાબ જ હોય એ જરૂરી નથી. બાળકને જજ કરતાં પહેલાં પેરેન્ટ્સે પરિણામનાં કારણો જાણવાં જોઈએ.

ત્રીજી ધારણા એ છે કે બાળક પેરેન્ટ્સની ભાવનાને સહજતાથી ઠેસ પહોંચાડી શકે છે. દુઃખી કરી શકે છે, પણ બાળકનું હૃદય કોઈ ખાસ અને અતિ કઠોર કારણ વિના પેરેન્ટ્સને હર્ટ નથી કરી શકતું. મોટાભાગે તે પેરેન્ટ્સના ઈમોશનલ વર્તનને શરણે થઈ જ જાય છે. પેરેન્ટ્સનું દુઃખ બાળકને પણ વ્યથિત કરે જ છે, તેથી તે પેરેન્ટ્સ હર્ટ થાય એવું વર્તન ટાળે જ છે. પેરેન્ટ્સના મનના અને ચહેરાના ભાવ બાળક પણ વાંચી શકે છે, તેથી બાળકનું કોઈ વર્તન પેરેન્ટ્સને હર્ટ કરે તો એમાં બાળકની આક્રમકતા કે ઉદ્ધતાઈ કરતાં પેરેન્ટ્સનો દૃષ્ટિકોણ જ એમને આહત કરે છે. બાળકના વ્યવહારને સાચા અર્થમાં ન જોઈ શકનારાં પેરેન્ટ્સ બાળકને ખોટી રીતે મૂલવે છે.

ચોથી ધારણા એ છે કે બાળકના ખોટા વર્તન માટે સજા કે દંડ કરવામાં આવે તો જ તેઓ સુધરે છે અને ખોટા વર્તનનું પુનરાવર્તન કરતાં નથી. આ ધારણા એવું બતાવે છે કે બાળકને નિયંત્રિત કરવા માટે સજા, દોષારોપણ અને ગીલ્ટ ફીલ કરાવવું એ અસરકારક રીત છે, પરંતુ પેરેન્ટ્સ એ વાત ભૂલી જાય છે કે સજાથી બાળક સુધરતું નથી, પરંતુ એ વ્યવહારને થોડા સમય માટે દબાવી દે છે. સજા મેળવનાર બાળકમાં નકારાત્મકતા ધીરે-ધીરે વધે છે. સજા પામનાર પ્રત્યે ધિક્કાર જન્મે છે. વારંવારની સજા બાળકના મન પર ભૂંસી ન શકાય એવી નકારાત્મક અસર છોડે છે.

પાંચમી ખોટી ધારણા છે કે બાળકનાં વખાણ કરવાથી બાળક બગડે છે. હવામાં ઊડે છે કે ખુદને વધારે હોશિયાર માનવા માંડે છે, તેથી બાળકના સારા માર્ક્સથી લઈને સારા વર્તન માટે પેરેન્ટ્સ ઠંડો પ્રતિસાદ આપે છે અથવા તો એને ખૂબ જ સહજતાથી લે છે. પેરેન્ટ્સનું આવું વર્તન બાળકને ભાવનાત્મક રૂપથી ઠંડા અને ઉદાસીન બનાવે છે.  

છઠ્ઠી ધારણા એ છે કે બાળકની નિષ્ફળતા કે નિરાશાજનક વ્યવહારમાં પેરેન્ટ્સની પરેશાની, ઉદાસી કે આક્રમકતા સ્વાભાવિક છે. બાળક નિષ્ફળ જાય કે ભૂલ કરે ત્યારે એને સૌથી વધુ જરૂર પેરેન્ટ્સના આશ્વાસન અને સ્વીકારની હોય છે, પરંતુ એવા સમયે પેરેન્ટ્સ ખુદ પરેશાન થઈ બાળકને એના હાલ પર છોડી દે તો એ યોગ્ય નથી. વાસ્તવમાં પ્રત્યેક નિષ્ફળતાને સ્વાભાવિક માની એમાંથી કશુંક શીખવા માટે બાળકને પ્રેરવાં જોઈએ. ગમે તેવી પરિસ્થિતિમાં પેરેન્ટ્સ એમની સાથે છે એ અહેસાસ વિના બાળકમાં સલામતીની ભાવના નથી.

પેરેન્ટ્સમાં એક ધારણા એવી પણ છે કે બાળકે પેરેન્ટ્સ જે કરે તે નહીં, પણ જે કહે તે કરવું જોઈએ, કારણ કે પેરેન્ટ્સનાં જે-તે વર્તનનાં કારણો-સંજોગો જવાબદાર હોઈ શકે, તેથી એનું અનુસરણ ન કરવું જોઈએ. હા, કેટલાક સમય સુધી બાળક પેરેન્ટ્સની પ્રશંસા કે કારણોને માની લે છે, પરંતુ સમય જતાં તે પેરેન્ટ્સના વર્તનને જ અનુસરે છે. આચાર અને વિચારમાં અસંગતિ જ્યારે સપાટી પર આવે ત્યારે બાળક આચારને જ અનુસરશે, તેથી ચાવવાના અને બતાવવાના દાંત જુદા રાખી પેરેન્ટ્સ બાળક પાસે પોતાને અનુકૂળ વર્તનની અપેક્ષા રાખી શકે નહીં. મતલબ કે આજના સમયમાં પેરેન્ટ્સે પરંપરાગત ધારણાઓને બદલે બાળકોની માનસિકતા સમજીને પોતાના વર્તનની રૂપરેખા નિયત કરવી પડશે.  


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો