દિલ્હીના જંતર મંતર પર તબીબી વિદ્યાશાખામાં પ્રવેશ માટેની પરીક્ષાના પેપર લીક થવા નિમિત્તે શિક્ષણમાં સુધારાની માંગ સાથે યુવા આક્રોશ જાગ્યો હતો. તેને ઠારવા કેન્દ્ર સરકારે પરીક્ષા પ્રણાલીમાં સુધારાની દિશામાં મહત્ત્વપૂર્ણ પહેલ કરીને નંદન નીલેકણીના અધ્યક્ષસ્થાને છ સભ્યોના હાઈ પાવર્ડ ટાસ્ક ફોર્સની રચના કરી છે. દેશની પરીક્ષા પ્રણાલીને વિશ્વસનીય, પારદર્શી, સંપૂર્ણ સુરક્ષિત અને લીકમુક્ત બનાવવા આ સમિતિ ભલામણો કરશે. ટાસ્ક ફોર્સ સરકારી નોકરીઓ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ, મેડિકલ, એન્જિનિયરિંગ અને બીજી વિદ્યાશાખાઓની પ્રવેશ પરીક્ષાઓ તથા જાહેર પરીક્ષાઓમાં થતી ગરબડો કે અનિયમિતતાઓને રોકવા અને પરીક્ષાઓના સંચાલન તંત્રને મજબૂત બનાવવા વિચારણા કરશે.   

વર્તમાન પરીક્ષા પ્રણાલીમાં કેવા કેવા સુધારા આવશ્યક છે તે માટે સમિતિએ લોકો પાસેથી સૂચનો પણ માંગ્યાં હતાં. પરીક્ષા વ્યવસ્થાને વધુ સમાવેશી, ગોપનીય, ન્યાયસંગત, પારદર્શી અને ભવિષ્ય ઉન્મુખ બનાવવા માટેના ધ્યેયને પરિપૂર્ણ કરવા સમિતિ કાર્ય કરશે. વિદ્યાર્થીઓમાં રહેલા ટીકાત્મક, રચનાત્મક વિચારોમાં વૃદ્ધિ થાય તથા તેમની જિજ્ઞાસા વિકસે તેવી શિક્ષણ અને પરીક્ષણ વ્યવસ્થા માટે નંદન નીલેકણી કમિટી રાષ્ટ્રીય વિમર્શ પણ યોજશે.  

મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામ નીટમાં 22 લાખ અને એન્જિનિયરિંગની એન્ટ્રન્સ એક્ઝામ જેઈઈમાં 16 લાખ વિદ્યાર્થીઓ બેસે છે. કેન્દ્ર અને રાજ્યોની સરકારી નોકરીઓ માટેનાં પબ્લિક સર્વિસ કમિશનોની પરીક્ષાઓમાં પણ હજારો વિદ્યાર્થીઓ ઉમેદવારો હોય છે. હવે જો આ બધી પરીક્ષાઓના પેપર લીક થાય તો તેનાથી લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર માઠી અસર પડે છે. એટલે પરીક્ષાઓનાં પેપર્સ ફૂટવાનાં કારણો શોધી તમામ પરીક્ષાઓ કઈ રીતે લીકમુક્ત, પવિત્ર અને વિશ્વસનીય બને તે માટે સરકાર અને સમાજ બંને એ પ્રયત્નો કરવાના છે.   

ઈજનેરી વિદ્યાશાખાઓની પ્રવેશ પરીક્ષાઓ ઓનલાઈન કે કમ્પ્યૂટર બેઝ્ડ હોય છે. તે જ રીતે મેડિકલની પ્રવેશ પરીક્ષા કેમ ઓનલાઈન નથી લેવાતી તેવો સવાલ છે. પરીક્ષા પદ્ધતિમાં સૌથી પહેલો અને મહત્ત્વનો સુધારો તો એન્જિનિયરિંગની જેમ મેડિકલની પ્રવેશ પરીક્ષા પણ ઓનલાઈન કે કમ્પ્યૂટર બેઝ્ડ હોવી જોઈએ. તેને કારણે તેમાં માનવ હસ્તક્ષેપનું પ્રમાણ ઘટશે, તેથી પેપર લીક કે ગરબડોની શક્યતાઓ ખૂબ જ ઓછી થશે.  

નીટની એક્ઝામ વર્ષમાં એક જ વખત લેવામાં આવે છે. ધોરણ 12 સાયન્સની પરીક્ષાના થાક અને ભારમાંથી વિદ્યાર્થી જરાય મુક્ત થયો ન હોય ત્યાં જ તેના માથે નીટની પરીક્ષાનો બોજ આવી ગયો હોય છે. દક્ષિણ ભારતનાં રાજ્યો લાંબા સમયથી નીટની એક્ઝામ રદ કરવાની માંગણી કરી રહ્યા છે. અગાઉની જેમ બારમા ધોરણના મેરિટના આધારે પ્રવેશ આપવો જોઈએ, જેથી વિદ્યાર્થી, વાલી અનેક પરીક્ષા તંત્ર વધુ એક પરીક્ષાથી બચી શકે.   

જો એમ ન થઈ શકે તો નીટની પરીક્ષા વર્ષમાં એક કરતાં વધુ વખત લેવી જોઈએ એવું સૂચન કરવામાં આવ્યું છે. જો દક્ષિણ ભારતનું દબાણ વધે તો કદાચ નીટ નાબૂદીની દિશામાં સરકારને વિચારવું પડે. નીટની પરીક્ષા એક કરતાં વધુ વખત લેવામાં જોખમ એ છે કે આપણું પરીક્ષા તંત્ર વર્ષમાં એક વખત પણ સરખી રીતે નીટની પરીક્ષા લઈ શકતું નથી તો તે બે કે ચાર વખત લેવા જેટલું સક્ષમ છે તેમ માની શકાતું નથી. વળી, તેના કારણે પ્રવેશની પ્રક્રિયા લગભગ આખું વર્ષ ચાલુ રહે. પહેલી નીટથી ચોથી નીટ સુધીમાં કેટલી બેઠકો માટે પરીક્ષા છે તે સ્પષ્ટ કરી શકાય નહીં, તેથી એકથી વધુ નીટ એક્ઝામનું સૂચન વ્યવહારુ પણ નથી અને અમલ પણ થઈ શકે તેમ નથી  

શું આપણું સરકારી તંત્ર કશું જ ગોપનીય રાખી શકે તેમ છે જ નહીં? જો એમ હોય તો જ પરીક્ષાઓનાં પેપર્સ ફૂટે છે. જો તંત્ર ગોપનીય રાખી શકે તેમ હોય તો પેપર્સ ફૂટવા અશક્ય છે. કેન્દ્ર અને રાજ્યોના બજેટ દર વર્ષે તૈયાર થાય છે અને આઝાદીનાં 75 વર્ષોમાં તે ફૂટ્યા હોવાની ફરિયાદો ભાગ્યે જ સાચી સાબિત થઈ છે. 

જે તંત્ર બજેટ લીકને રોકી શકતું હોય તે પેપર્સ લીકને પણ રોકી જ શકે. પેપર્સ લીકમાંથી મુક્તિનું ઉદાહરણ નજર સામે જ છે. એટલે પરીક્ષાઓનાં પેપર્સ ફૂટતા રોકવા માટે બજેટ જેવી જ વ્યવસ્થા વિચારવામાં આવે તો તે લીક થવાની શક્યતા ઘટી જાય છે.   

હાલની પરીક્ષા પદ્ધતિમાં જે ગરબડો જોવા મળે છે અને તેને કારણે સમગ્ર રાષ્ટ્ર શરમમાં મુકાય છે તેનું કારણ પરીક્ષા પ્રબંધન જેટલું જ પૂંજીમાં રહેલું છે. અમીરો પોતાનાં સંતાનોને ખાસ કશી મહેનત વિના ડોક્ટર બનાવવા માંગે છે, તેથી તેઓ પૈસાના જોરે પેપરો ફોડે છે અને પોતાનાં સંતાનોને મેડિકલમાં પ્રવેશનો માર્ગ મોકળો કરે છે. કહે છે કે 1990માં જે નવી અર્થનીતિ અમલી બની અને આર્થિક ઉદારીકરણ આવ્યું તેણે ખાનગી ક્ષેત્રો માટે બધા જ દરવાજા ખુલ્લા મૂક્યા છે. શિક્ષણના ખાનગીકરણને કારણે પૈસાદારોનાં સંતાનો ખાનગી મેડિકલ કોલેજોમાં અઢળક રૂપિયા ખર્ચીને પ્રવેશ મેળવે છે. તેમાં નીટ અવરોધરૂપ છે એટલે તેઓ નીટના પેપર ફૂટે અને તેમનાં બાળકો ખાસ મહેનત, આવડત વિના કે સામાન્ય તેજસ્વિતા છતાં ડોક્ટર બની જાય તે માટે પેપર લીકના માર્ગો અપનાવે છે, તેથી પરીક્ષા તંત્રને ચુસ્તદુરસ્ત કરવાની જરૂર છે.   

પરીક્ષા પદ્ધતિમાં સુધારા માટે પરીક્ષાના પ્રશ્નપત્રો તૈયાર કરવા, તેના એકથી વધુ સેટ પરથી ફાઈનલ પ્રશ્નપત્ર બનાવવું, તેની છપામણી, તેને પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવા જેવા તબક્કા હોય છે. આ બધા જ તબક્કાઓમાં સંપૂર્ણ ઈમાનદાર માણસો અને એકદમ ચુસ્ત વ્યવસ્થા જ હોય તેમ માની શકાતું નથી. વળી, પૈસાના બળે તો ગમે તે ખરીદી શકાય છે તો પરીક્ષાના પેપર્સ ખરીદવા થોડા અઘરા છે? આ દૃષ્ટિએ વિચારતાં અમીરો પરીક્ષા વ્યવસ્થાની કોઈ પણ નબળી કડીનો લાભ લે છે અથવા તો નાણાં ખર્ચીને ગમે તેવી મજબૂત વ્યવસ્થાને પણ નબળી કરે છે એટલે પરીક્ષાના પ્રબંધનની સાથે જ અતિ સક્રિય મૂડીના રોલને અવગણી શકાય નહીં. વળી, બધા જ સરકારી કર્મચારી-અધિકારીઓ ઈમાનદાર જ હોતા નથી, તેથી નબળી કડીનો લાભ લઈને પેપર લીક કરી શકાય છે.   

અગાઉ ઈસરોના પૂર્વ ચેર પર્સન ડો. કે. રાધાકૃષ્ણનના અધ્યક્ષસ્થાને સરકારે આ જ હેતુસર સમિતિની રચના કરી હતી. રાધાકૃષ્ણનની સમિતિએ 2024માં પરીક્ષા પ્રણાલી અને શિક્ષણ સુધારણા માટે 101 ભલામણો સાથેનો અહેવાલ સરકારને આપ્યો હતો, પરંતુ તેમાંથી અડધોઅડધ ભલામણો સરકારે લાગુ જ પાડી નથી. એટલે નીલેકણી કમિટીની રચના વર્તમાન આગને બુઝાવવા પૂરતી જ સરકારે કરી હશે તો તેના હાલ પણ તેની પુરોગામી કમિટી જેવા થઈ શકે છે અને પરીક્ષા પ્રણાલીનાં દૂષણો ચાલુ જ રહી શકે છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો