એક વાત સ્પષ્ટ છે કે, કબજિયાત ઉત્પન્ન થવાનાં અનેક કારણો હોય છે. આમ છતાં ‘અસંયમિત જીવન’ એક કબજિયાતનું મૂળ કારણ છે.

શરીરનાં પોષણને માટે જેમ પ્રાકૃતિક રીતે શુદ્ધ વાયુ, શુદ્ધ જળ, શુદ્ધ ઘી, દૂધ, ફળો, શાકભાજી, ગ્રીન સલાડ, અનાજ વગેરે તથા શારીરિક પરિશ્રમની આવશ્યકતા રહે છે અને તેની જો યોગ્ય રીતે પૂર્તિ ન થાય તો તે શરીરમાં ધીમે ધીમે કબજિયાત ઉત્પન્ન કરવામાં સહાયક બને છે.

અસંયમી અને સતત વ્યસ્ત જીવન તથા અયોગ્ય-અશુદ્ધ કે અતિશય અલ્પ માત્રામાં આહાર લેવાથી ઉદરમાં ‘વાયુ’નો પ્રકોપ થાય છે. આ પ્રકુપિત થયેલો વાયુ મળના જલીય અંશનું શોષણ કરી લે છે, જેથી મળ શુષ્ક બનતાં કબજિયાતની તકલીફ ઉત્પન્ન થાય છે.

આ સિવાય આ કબજિયાત ઉત્પન્ન કરતાં કારણોમાં અલ્પાહાર, શુષ્ક આહાર, ઉપવાસ, એકટાણાં, આહારમાં લીલાં શાકભાજીનો અભાવ, અતિ રુક્ષ અને શુષ્ક દ્રવ્યોનું સતત કે વધારે પડતું સેવન, કડવાં, તીખાં, તૂરાં અને રુક્ષ દ્રવ્યોનો દૈનિક આહારમાં ઉપયોગ, બેઠાડુ અને પરિશ્રમ વગરનું જીવન, લાંબા સમયની બીમારી એટલે કે ક્રોનિક ડિસીઝ, કૃશતા, રક્તાલ્પતા, માનસિક ટેન્શન, કેટલાંક માદક વ્યસનો, યકૃતની વિકૃતિઓ તથા આંતરડાંની ક્રિયામાં શિથિલતા આવવાથી કબજિયાત ઉત્પન્ન થાય છે.

કબજિયાતનાં લક્ષણોમાં અનિયમિત અને શુષ્ક મળપ્રવૃત્તિ, શરીરમાં આળસ, ગૌરવ, શિરઃશૂળ, મોળ આવવી, શ્વાસમાં, દુર્ગંધ, ગ્લાનિ, જીભની મલિનતા, ભૂખ ન લાગવી, અનિદ્રા વગેરે ગણાવાય છે.

લાંબા સમય સુધી જો કબજિયાત રહે તો તેનાથી વાયુનો પ્રકોપ થવાથી પ્રજનન તંત્રના રોગો, વંધ્યત્વ, શુક્રાલ્પતા, રક્તાલ્પતા, કૃશતા, આફરો, ગેસ, અરુચિ, મંદાગ્નિ, ઓડકાર, પિત્ત વગેરે ઉત્પન્ન થાય છે. આમ, કબજિયાત સામાન્ય વ્યાધિ હોવા છતાં પણ ઘણી વખત તે મોટી વ્યાધિઓ પણ ઉત્પન્ન કરી શકે છે.

કબજિયાતનો ઉપચાર કરતી વખતે સૌ પ્રથમ તેને ઉત્પન્ન કરનારાં મૂળભૂત કારણોને જાણી લેવાં જોઈએ. આ મૂળભૂત કારણો જાણ્યા પછી જો તેનો મૂળગામી ઉપચાર કરવામાં આવે તો કબજિયાતને ધીમે ધીમે મટાડી શકાય છે.

કબજિયાતના ઉપચારમાં દ્રાક્ષાસવ અને આમલકી રસાયનનો ઉચિત ઉપયોગ ખૂબ જ સારું પરિણામ આપે છે અને તેનો નિયમિત રીતે લાંબા સમય સુધી ઉપયોગ કરવો જોઈએ.

કબજિયાતને દૂર કરવા માટે ફળો અને ગ્રીન સલાડનો વધારે ઉપયોગ કરવો જોઈએ તથા રાત્રે સૂતી વખતે અને ઊંઘ ઊડી જાય તો મધ્યરાત્રિએ અને સવારે ઊઠીને દોઢથી બે ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ તથા માનસિક અને શારીરિક શ્રમ, ઉજાગરા, ઉપવાસ, એકટાણાં, ટેન્શન-ચિંતા, ભય, શોક વિષાદ-અવસાદ વગેરેથી બચવું જોઈએ.

કબજિયાતવાળાએ મળ, મૂત્રના વેગને અટકાવવો જોઈએ નહીં. તેના બદલે નિયમિત ઝાડે જવાની ટેવ પાડવી, પૂરતાં પોષક તત્ત્વોવાળો આહાર લેવો, દ્રવ પદાર્થો વધારે લેવા, હળવો પરિશ્રમ કે કસરત અને યોગાસન કરવાં અથવા ચાલવા જવું તથા જરૂરિયાત પ્રમાણે ઔષધોપયોગ કરવામાં આવે તો કબજિયાત જરૂર મટાડી શકાય છે.