કલ્પના કરો કે તમને જેમને મળવાનું ગમે છે એવા મિત્ર તમારે ત્યાં મળવા આવે છે. પ્રસન્ન અને ખુશનુમા સવારે તમે દિલની વાતો શરૂ કરો છો. ત્યાં જ તેઓ તમારા અને એમના કૉમન એવા મિત્રો-પરિચિતોનું વાટવાનું શરૂ કરી દે છે. વાતાવરણ ઝેરીલું થઈ રહ્યું છે. આવી નેગેટિવ વાતોની એમની પાસેથી તમે અપેક્ષા રાખી નહોતી. આ મિત્રને કારણે અત્યારે તમારામાં પણ નરી નકારાત્મકતા પ્રસરી રહી છે. શું કરશો તમે?
કોઈ અંગત મિત્ર બાર વર્ષે શુભ તહેવાર પ્રસંગે તમને બોલાવે છે અને તમે હોંશે હોંશે લાંબો, કંટાળાજનક પ્રવાસ કરીને પણ એમને ત્યાં જાઓ છો, પણ ગયા પછી ખબર પડે છે કે તમે જે લોકોને વર્ષભર ટાળો છો, જેમનાથી દૂર રહેવાનું પસંદ કરો છો, જેમનો બધી જ બાબતનો નેગેટિવ એટિટ્યૂડ તમારા મિજાજને રાસ નથી આવતો, તે આખી એમની મિત્રમંડળી પણ એ જ સમયે ઘરે આવી ચડે છે. આવું એક કરતાં વધારે વાર બને છે. અંગત મિત્રને ત્યાં શુભ પ્રસંગે જવું તમને ગમતું હોય છે, ખૂબ ઉમળકાથી તમે જતા હો છો, પણ અચૂક પેલી ટોક્સિક પ્રજા ત્યાં હાજર જ હોય અને તમારા કડક કાંજી કરેલા મૂડ પર પાણી ફરી જાય અને તમારે લોચા જેવા મન સાથે ઘરે પાછા ફરવું પડે. આવી પરિસ્થિતિ ટાળવા તમે શું કરો?
આ દુનિયા છે અને અહીં તમને ગમતા માણસો જ મળે એવું જરૂરી નથી. તમારે સ્વીકારવું જ પડે કે ડગલે ને પગલે તમને નેગેટિવ પ્રકૃતિના, ટોક્સિક સ્વભાવવાળા, પંચાતિયા, નિંદાખોર અને બીજાઓને ઉતારી પાડીને પોતે મોટા બનવાની કોશિશ કરનારા લોકો મળવાના જ છે. આવા લોકો માટે તમે જેવા સાથે તેવા નથી થઈ શકવાના. કૂતરો તમને કરડે એટલે તમે સામે કૂતરાને બટકું ભરવા જાઓ તો મૂર્ખા તમે પુરવાર થવાના.
શાંત ચિત્તે, જરા પણ અકળાયા વિના તમારે તમારી પ્રકૃતિને તમારા સ્વભાવને સહેજે ડિસ્ટર્બ કર્યા વિના આવી સિચ્યુએશન્સ ટેકલ કરવાની હોય.
ઉત્તમ એ છે કે આવા લોકોથી દૂર જ રહો. સીધા કે આડકતરા તમામ સંપર્કો કાપી નાખો. વોટ્સએપ કે ફેસબુક જેવાં માધ્યમો દ્વારા પણ એમની કોઈ વાતો તમારા સુધી ન પહોંચે એની તકેદારી રાખો અને અંગત મિત્રના શુભ પ્રસંગે તેઓ મળવાના જ છે એવી ખાતરી થઈ ગયા પછી એવા પ્રસંગે હાજરી આપવાનું છોડી દો. કકળાટને સામે ચાલીને મળવા જવામાં કોઈ ડહાપણ નથી હોતું. એના બદલે એવા મિત્રોના શુભ પ્રસંગે જાઓ જ્યાં સમયના અભાવે જઈ શકતા નહોતા અને જ્યાં એકઠી થતી એ મિત્રની મંડળીમાં તમારો પરિચય અપાયા બાદ સૌ કોઈ અડધા અડધા થઈ જતા હોય. તમારી આગતાસ્વાગતા, સરભરા મન મૂકીને થતી હોય અને વિદાય વખતે કમને છૂટા પડતા હોય એમ છેક નીચે સુધી તમને વળાવવા આવતા હોય.
ટોક્સિક લોકો જ્યાં જમા થતા હોય ત્યાં જવાનું ટાળવાનો નિર્ણય લેવો એ કંઈ બહુ મોટી અઘરી વાત નથી, પણ તમારા જ આંગણે આવીને કોઈ એવી ઝેરીલી વાતો શરૂ કરે ત્યારે તમારે શું રિસ્પોન્સ આપવો? એક તો, એમની એવી વાતોમાં હાએ હા ન કરવી. અન્યથા તેઓ બીજી ચાર જગ્યાએ જઈને કહેશે કે તમે પણ એમની આવી વાતોને સમર્થન આપ્યું. દાખલા તરીકે બે મિત્ર તમારી સાથે ગપ્પાં મારતાંકહે કે ફલાણા જાણીતા કવિ પાસે તો તમારા જેવું અગાધ વાંચન છે જ ક્યાં? ત્યારે તમારે આવાં વચનોને તમારા માટેનાં વખાણ છે એવું માની લઈને એમને સમર્થન આપવાને બદલે કહેવાનું : `અરે ભાઈ, એ કવિને તો આજકાલ જે ટેલેન્ટેડ યુવાન કવિઓ લખી રહ્યા છે એ બધાની શ્રેષ્ઠ કવિતાઓ કંઠસ્થ છે. આપણું તો ગજું જ નહીં એવું.' આવું સાંભળીને તે ચૂપ થઈ જશે અને તે ફરી કદાચ વાત ઉખેડે કે ફલાણા પબ્લિશર આ સ્વર્ગસ્થ લેખકનાં ચિક્કાર પુસ્તકો વેચે છે, પણ એમના વારસદારોને રોયલ્ટી આપતા હશે ખરા? તમારે તરત જ આ મુદ્દો ડાયવર્ટ કરવાનો અને કહેવાનું : સો ટકા આપતા હશે, પણ જો ન આપતા હોય તો તમારા કે મારા પિતાનું શું જતું રહેવાનું છે? એમ કહીને કૃત્રિમ રીતે ખડખડાટ હસીને વાત બીજે વાળીને કોઈ સરસ મુદ્દા સાથે સાંકળી લેવાની. અમુક મિત્રો સમજુ હોય છે ક્યાં કઈ વાત કરવી એવું ઈશારામાં જ સમજી જતા હોય છે, પણ ઈશારો કરવાની તસ્દી તમારે
લેવી પડે.
નેગેટિવ માણસોથી બચવું. એમની વાતોથી તમારું માનસિક વાતાવરણ ખોરવાઈ ન જાય તે જોવું. આ બધું એટલા માટે જરૂરી છે કે તમે રોજેરોજ, પ્રત્યેક પળે જીવનમાંથી શીખવા મળે એવી વાતો શોધતા રહો છો. એને તમારામાં ઉતારવાની કોશિશ કરતા રહો છો. તમારા નિર્મળ અને શાંત જળમાં કોઈ કાંકરી નાખવાનો ચાળો કરે ત્યારે સર્જાતાં વલયો તમારી આ પ્રત્યેક પળની મહેનત પર પાણી ફેરવી દે છે.
આવી નકારાત્મકતાથી ઘેરાઈ જવાને બદલે થોડીક શક્તિ ખર્ચીને એનાથી દૂર રહેવું સારું. તમને પોતાને પણ ક્યારેક આવા ટોક્સિક વિચારો આવે તો એમાંથી
ફંટાઈ જવાનું.
વચ્ચે મિત્રોના આગ્રહથી એમની સાથે એક હિંદી નાટક જોવા માટે `પૃથ્વી' થિયેટરમાં ગયા. અતિ નબળું નાટક. છૂટ્યા પછી જમવા જતાં હતા ત્યારે એ નાટકનાં છોતરાં ફાડી નાખવાનું મન થતું હતું, પણ મારે એવી વાતો કરીને વાતાવરણને વધારે દૂષિત કરવું નહોતું. ત્યાં જ મિત્રપત્નીએ આ નાટક વિશે કંઈક ટિપ્પણ કરી અને મેં એક વાક્યમાં એનો એવો જવાબ આપ્યો જેમાં અમારા સૌનું ફસ્ટ્રેશન વ્યક્ત થતું હતું અને અમે સૌ હસી પડ્યાં. ખરાબ નાટક જોવાનો ભાર હળવો થઈ ગયો અને પછી જલસાથી સાથે જમ્યાં.
ક્યારેક બહુ હોંશથી બહાર ક્યાંક જમવા ગયા હોઈએ અને ન ભાવે, ક્યારેક ઘણી આશા રાખીને જોયેલી ફિલ્મ
સાવ કચરો નીકળે કે ક્યારેક અતિ ઉત્સાહથી ખરીદેલું પુસ્તક વાંચ્યા પછી તદ્ન ખોખલું નીકળે ત્યારે `ઠીક છે, મારા ટેસ્ટનું નથી' એમ કહીને આવા બેડ એક્સપીરિયન્સને તમારે તમારી પાછળ છોડી દેવાનો હોય. ભૂલથી કાદવમાં પડ્યા પછી તરત જ નહાઈ લેવાનું હોય, તમે કેવા દેખાઓ છો એ જોવા માટે અરીસા સુધી જવાનું હોય કે સેલ્ફી લઈને બધાને ફોરવર્ડ કરવાની ન હોય.
સાયલન્સ પ્લીઝ!
લખાઈ ચૂકેલો દરેક શબ્દ તમારા માનસિક મૃત્યુ સામેની તમારી જીત છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો