જેબનો તે સારા બનો, જે બનો તે સાચા બનો, શ્રેષ્ઠતાનો કોઇ વિકલ્પ નથી. એવું આપણે ઘણીવાર સાંભળીએ છીએ. દરેકની સારા અને શ્રેષ્ઠ બનવાની વ્યાખ્યા અલગ હોઈ શકે. સફળતા, સારપ, વિવેક, ગુણદૃષ્ટિ, પુરુષાર્થ કે પરોપકાર જેવા ગુણો માણસને આગળ વધારે. છતાં અનેક સમર્થ અને ગુણવાન લોકો જિંદગીમાં હારી જાય છે. એમની પાસે બધું હોવા છતાં પાછળ રહી જાય છે, કારણ કે નાની-નાની પરંતુ રાઇના દાણા જેવી બાબતો તેઓ વિસારે પાડી દે. કેટલીક કુટેવો આત્મઘાતક બની સારી ટેવો પર પાણી ફરેવી દે છે. બીજા માટે નહીં, પરંતુ ખુદ માટે ખુદના સારા વર્ઝન માટે કેટલાંક આત્મઘાતી પરિબળોથી બચીએ.

પહેલી વાત એ છે કે કોઇ પણ કામ કે સમસ્યાને ટાળવાને બદલે વહેલામાં વહેલી તકે એનો ઉકેલ લાવીએ. અરે! આ કામ તો ચપટીમાં થઇ જશે એવા વધારે પડતા આશાવાદથી બચીએ. સ્પર્ધા અને સરખામણીના સમયમાં અનેક લોકો તમારી નબળાઇનો લાભ લેવા માટે તૈયાર જ હોય છે. સો, ઝડપી સમસ્યાનો નિકાલ નહીં લાવનારે મોં વકાસીને બેસી રહેવું પડે છે. બીજા ક્રમે ટાળવા જેવી બાબત છે કમ્પ્લેન બોક્સ જેવા માણસની સંગત. મારું કોઇ કશું સાંભળતા જ નથી કે પેલી વ્યક્તિને કશું સમજણ જ નથી પડતી વગેરે. જેઓ ફરિયાદ કરે છે તેઓ કામ નથી કરતા, ઉકેલ નથી શોધતા, પરંતુ નકારાત્મકતાને ફેલાવે છે.

આત્મઘાતક વસ્તુઓમાં ત્રીજા ક્રમે આવે છે બહાનાબાજી. જેમની કામ કરવાની દાનત નથી હોતી, જેમને કામ આવડતું નથી અને જેને ખુદ પર ભરોસો નથી હોતો એવા લોકોએ બહાનાં બનાવવામાં પીએચ.ડી કરી હોય છે. પોતાની નિષ્ફળતાને ઢાંકવા એટલાં બધાં કારણો એમની પાસે હોય છે કે સફળતા માટેનું કારણ તેઓ શોધી શકતા નથી, તેથી હોશિયારી હોય તો પણ વેડફાય છે. એમને કોઇ નાનકડી જવાબદારી પણ સોંપતું નથી. કોઇવાર તેઓ સામેથી કામ કરવા ઇચ્છે તો પણ લોકો તેમને અવગણે છે. જોઇને મોં ફેરવે છે.

ચોથું, આવા લોકો ખુદના અને બીજાના પાક્કા ક્રિટિક હોય છે. તેઓ સારું જોવાને બદલે ભૂલ જોઇને ટીકા કરે છે. ભૂલ અને અપરાધ વચ્ચેની ભેદરેખા ભૂલીને ભૂલ અપરાધ હોય એટલી હદે એનું વિશ્લેષણ કરે છે. દરેક માણસની લાયકાત અને સ્વભાવ અલગ હોય છે અને કોઇ અલગ હોય એ ખરાબ કે ખોટું નથી હોતું એટલી સીધી-સાદી સમજણ એમનામાં નથી હોતી. ભૂલ કે મતભેદને ખેલદિલીથી જોવાને બદલે આવા લોકો નકારાત્મકતા ફેલાવે છે, તેથી એમનો કોઇ અભિપ્રાય નથી લેતું. નિર્ણયોમાં ભાગીદાર નથી બનાવતું. કોઇક વાર તેઓ સાચા હોય તો પણ એમને ગણવામાં નથી આવતા. તેઓ બધાને ટીકાનો ટીકો એવી રીતે લગાવે છે કે લોકો એમનાથી દૂર ભાગે છે. આવા લોકો માત્ર બીજાની જ ટીકા નથી કરતા, પરંતુ પોતાની પણ કરે છે. એમને ખુદ પર ભરોસો નથી હોતો. એમનો સેલ્ફ-એસ્ટીમ એટલો ઓછો હોય છે કે પોતાના કામની ક્રેડિટ તેઓ બીજાને આપે છે. ખુદની ટીકા, ખુદનું અવમૂલ્યન, ખુદ પર અવિશ્વાસ કે ખુદના અસ્તિત્વને નકારવું એ આત્મઘાતક પગલાંઓ છે. એવી વ્યક્તિઓને ખુદને પીડા આપવામાં અને રોદણાં રડવામાં મજા આવે છે. લાચાર, વાંકદેખા, બહાનાખોર, ફરિયાદી અને સ્વપીડક-પરપીડક બનીને ફરતા લોકોની એક એવી ટોળી હોય છે કે તેઓ ન તો સુખથી જીવે છે અને ન બીજાને જીવવા દે છે. બધું બરાબર ચાલતું હોય ત્યાં જ તેઓ કંઇ નવી અભિપ્રાય-ટીકાની કે અનિર્ણયાત્મકતાની ઉપાધિ લાવી દે છે.

આવા લોકો પરફેક્શન જેવી બાબતે ઓબ્સેશન ધરાવે છે. જો તેઓ કામ કરવાનો નિશ્ચય કરશે તો પરફેક્શન સાથે કરશે, પણ એમનો આ આગ્રહ દુરાગ્રહમાં ફેરવાય એવું પણ બને, કામની સમયમર્યાદા પૂરી થઇ જાય. વધારે સમયને કારણે નુકસાન થાય કે બીજી વ્યક્તિએ હેરાન થવું પડે, પણ આ બધા સાથે એમને કોઇ લેવાદેવા નથી હોતી. એમના આવા સ્વભાવને કારણે તેઓ વારંવાર તક ગુમાવે, હારે, નિરાશ થાય અને હતાશામાં આવી એકલતાની ખાઇમાં ધકેલાય છે. ક્યારેક ખુદને નુકસાન પણ કરી બેસે. આવાં આત્મઘાતક પરિબળો પાછળ એમના ભૂતકાળના અનુભવો, ગુણવત્તાનાં ઊંચાં ધોરણો, સામાજિક દબાણ અને સરખામણી જેવાં કારણો જવાબદાર છે. એમનું આવું વર્તન વ્યવસાય, સંબંધો અને સ્વાસ્થ્યને અસર કરે છે.

આવા આત્મઘાતક વિચાર અને સ્વભાવથી બચવા માટે

આવી વ્યક્તિએ પોતાના વિચારોનું વિશ્લેષણ કરવું જોઇએ કે કયા સંજોગોમાં અને કેવા લોકો સાથે તેઓ નકારાત્મક વર્તે છે? કોની સામે એમનો વિશ્વાસ ડગી જાય છે? જ્યારે ખુદને નુકસાન કરતાં વિચારો આવે, ફરિયાદ જન્મે, બહાનાં મનમાં આવે ત્યારે થોડી ક્ષણો માટે રિએક્શન આપતા અટકી જાવ. આ ક્ષણ તમને ખોટું રિએક્શન આપતા બચાવશે. ખુદની ભૂલ બતાવશે. કોઇ પણ કામ કરવા માટે મોટું પ્લાનિંગ કરવાને બદલે નાના-નાના ટુકડાઓમાં એનું વિભાજન કરો. કૃતજ્ઞતા અને આભારની લાગણી આપણને ઘણાં અનિષ્ટોથી બચાવશે. જે લોકોએ આપણી જિંદગીમાં અર્થપૂર્ણ કશું ઉમેર્યું છે એને યાદ કરીએ, એમનો આભાર માનીએ. ભગવાને આપણને જે કંઇ સારું આપ્યું છે એના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ. આભાર અને કૃતજ્ઞતાનો ભાવ ટીકા, દોષારોપણ અને બિચારાપણાના ભાવથી બચાવશે.   

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો