આયુર્વેદમાં કહેવાયું છે કે, `સ્મૃતિ-શક્તિ' મગજની એક મોટી અને પ્રબળ શક્તિ છે, જે અન્ય પ્રાણીઓથી મનુષ્યને વિશિષ્ટ બનાવે છે. જોવાથી (દૃષ્ટિ દ્વારા), સાંભળવાથી (શ્રુતિ દ્વારા) જે જ્ઞાન થાય તેને પોતાનું બનાવી લેવું અને ફરી જરૂર પડે ત્યારે તેને એ જ રીતે કહેવું, તેને `સ્મૃતિ -શક્તિ' કહેવામાં આવે છે.

સ્મૃતિ-શક્તિ મગજની એક વિશિષ્ટ શક્તિ છે. જ્યાં સુધી શરીર સ્વસ્થ અને હૃષ્ટપુષ્ટ રહે છે, ત્યાં સુધી મગજની આ શક્તિ પણ ઠીક રહે છે. એટલે જ સ્મૃતિ શક્તિની વૃદ્ધિ માટે શરીરને મૃદુ-હળવો વ્યાયામ અને ઉચિત પૌષ્ટિક આહાર દ્વારા સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.

વાંચેલું કે સાંભળેલું વાક્ય મનથી અનેક વાર ફરી ફરીને યાદ કરવામાં આવે કે બોલવામાં આવે તો સ્મૃતિ દૃઢ બને છે. વિદ્યાર્થીઓએ એ વાતનું ધ્યાન રાખવું કે કોઈ પણ મુદ્દાને બરાબર સમજી લીધા પછી તેમાં મન પરોવવામાં આવે તો સ્મૃતિ દૃઢ બને છે. વાંચી લીધા પછી 15 મિનિટ બાદ ફરી તેનું જોયા વગર સ્મરણ કરવું જોઈએ. યાદ ન આવે તો ત્રણ-ચાર મિનિટ પ્રયત્ન કરવો જોઈએ. આમ છતાં યાદ ન આવે તો વાંચી-સાંભળીને ફરી તેનું સ્મરણ કરવું જોઈએ અથવા પ્રાતઃકાળે ઊઠીને તેનું સ્મરણ કરવું જોઈએ કે જેથી તે બરાબર યાદ રહી જાય.

મગજની સ્મરણ શક્તિ પ્રાતઃકાળથી બપોર સુધી શ્રેષ્ઠ રહે છે. પછી બપોરે 2થી 6 કલાક સુધી પણ સારી રહે છે. શ્લોકો, કાવ્ય, પ્રાર્થના વગેરેને યાદ કરતા રહેવાથી તથા રુચિપ્રદ વિષયોનું વાંચન, મનન, મંથન કરવાથી સ્મૃતિ શક્તિ વધે છે.

વાંચેલું, સાંભળેલું, જોયેલું કે પાંચે ઇન્દ્રિયો દ્વારા અનુભવેલું જ્ઞાન અથવા શક્તિ કે જેને `મેધા' કહેવામાં આવે છે, તે સ્વાભાવિક રીતે 40 વર્ષની ઉંમર સુધી પરાકાષ્ઠાએ હોય છે. 50 વર્ષ પછી તેમાં મંદતા આવે છે અને 60 વર્ષ પછી તેમાં ઘટાડો થવા લાગે છે.

મગજ એ શરીરનો માત્ર 2% ભાગ જ છે, પણ આરોગેલા આહારનો 20% ભાગ મગજના કાર્ય પાછળ ખર્ચાય છે. મગજના પોષણ માટે એક તો ગ્લુકોઝ આવશ્યક છે. બીજા ઉત્તમ પ્રકારના એમિનો એસિડ, વિટામિન બી-1, બી-6, બી-12 અને ઉત્તમ પ્રકારની ચરબી-ફેટ પણ આવશ્યક છે.

આયુર્વેદમાં બુદ્ધિમાંદ્ય અથવા સ્મૃતિમાંદ્ય માટે અનેક ઉપચાર પ્રયોગ દર્શાવાયા છે, જેમાંથી ઉપયોગી એવા થોડા ઉત્તમ ઉપચારો જણાવું છું. આમાંથી કોઈ પણ એક ઉપચાર જરૂરિયાત પ્રમાણે પ્રયોજવાથી સ્મૃતિશક્તિ દૃઢ બને છે.

સારસ્વતારિષ્ટ : બેથી ત્રણ ચમચીની માત્રામાં તેમાં એટલું જ પાણી ઉમેરી સવારે અને રાત્રે પીવો.

જ્યોતિષ્મતિ રસાયન : ચણાના દાણા જેટલું રોજ રાત્રે જમ્યા પછી, દૂધ સાથે એકથી દોઢ મહિનો લેવું.

બ્રાહ્મીવટી : એક-એક ગોળી સવારે અને રાત્રે જમ્યા પછી દૂધ સાથે લેવી.

સીરપ શંખપુષ્પી : બેથી ત્રણ ચમચી જેટલું રાત્રે સૂતી વખતે પીવું.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો