એક ઘરમાં ઊંચા અવાજે થતી કાળઝાળ વઢવેડ સાંભળી નરસિંહને ભારે સનેપાત ઊપડ્યો હતો.

ગામના પાદરના ઓટલા પર બેઠલા બે-પાંચ નવરા માણસોની સામે તે ખોડાઈને ઊભો રહી ગયો. કોઈ કંઈ પૂછે, કહે એ અપેક્ષાએ પોતાના તૂટી ગયેલા ગજવાને સચવાળતો તે સૌ સામે જોતો રહ્યો. કઢીના વિસળેલા પાટિયા જેવા મોં પર ચિત્ર-વિચિત્ર મનોભાવને અરીસા માફક ઝબકાવતો રહ્યો, પણ કોઈએ ભાવ દીધો નહીં એટલે તે સામેથી બકી ગયો: `એ કજિયાનું મોં કાળું.' કહી સામેના ઘર પરના માળે મેલીધાણ નજરનો પીછડો ફેરવી લઇને આગળ બક્યો: `એમાંય પાછી કાળાષ્ટમી છે, ભુક્કા કાઢી નાખે.' ત્યાં સામે કોઈના મોંએ આવી ગયું: `કોના?' પછી મનોમન કહે: `જે હોય તે, આપણે શું લેવાદેવા. આંયા તો ભલભલી આઠમ અંગૂઠા પકડે એમ છે.' આ વક્રવાણી પણ અસ્થાને નહોતી.

 વાતોથી ડહોળાઈ રહેલા પાણીમાં મોં ભરાણ ધુબાકો મારવાનું માંડી વાળીને તે ઢીલા પગે ચાલતો થયો. સામેના ઘરમાં સાસુ-વહુ વચ્ચે ધડબડાટી બોલતી હતી. એકબીજીની જીભાજોડીના બબ્બે કટકા ફાગ ને ફટાણાંની જેમ રમઝટ બોલાવતા હતા, પણ એક જણે એ તરફ કાન માંડ્યા ને ધ્યાન દીધા પછી હૈયાની ડાયરીમાં બરાબર નોંધ્યું: `ઝઘડો પણ એક ગતિ ને રિધમમાં ચાલે છે.' પછી જાતે સમાધાન સાધી લીધું હતું: `ભણેલી-ગણેલી બાઈઓનો ઝઘડો તો આવો પદ્ધતિસરનો જ હોયને.' આવું વિચાર્યા બાદ તેને હસવું કે ખિન્ન થવું એ નક્કી થઇ શક્યું નહીં.

`એ ન્યાં આવું બાધણું દરરોજનું છે.' એક જણે લાંબો હાથ કરી સૌ કોઈને આવું કહી રીતસરના ટાઢાં ટોર્યાં. ઘટનાને સહજ રીતે લીધે. નવરાઓનાં મોં સિવાઈ ગયાં.

સૂરજ રાશવા ઊંચે ચઢી ગયો હતો. ઠંડી અને ગરમીનો સંધિકાળ હતો. મહેનતુ મનેખ ધંધા-રોજગાર અર્થે ઘર અને ગામ છોડી બહાર નીકળી ગયું હતું. ઘરમાં સ્ત્રીઓ અને બાળકો રહ્યાં હતાં. આ સિવાય નવરા લોકો ઓટલા ભાંગતા હતા. જો જીભની ઝપટમાં આવે તો કોઈનું હર્યું ભર્યું ઘર પણ ભાંગે.

`એ સાસુ-વહુ ન બાધે તો જ નવાઇ.' કોઈએ વાતનું જોડાણ કરતાં કહ્યું: `ઘરે ઘરે માટીના ચૂલા છે.' સામે વળતો જવાબ આપવાનો હતો: `ઘરે ઘરે માટીના નહીં, ગેસના ચૂલા છે એવું કહો.' પણ ત્યાં સાવ અચાનક જ બુમરાણ થઇ: `એ ભાગજો, બાકી મર્યા સમજો.' બે આખલા સામસામે શિંગડાં ભરાવી, વાવંટોળ જેમ ધસી આવ્યા. એટલે આખી બેઠક જીવ મુઠ્ઠીમાં લઈને નાઠી.

આ બાજુ નરસિંહને ભારે સળવળિયો ઊપડ્યો હતો. કામ કર્યું ન કર્યું કરીને વળતા પગે પાછો ફર્યો હતો. ત્યાં રસ્તામાં મદમસ્ત આખલાઓ રમણે ચઢ્યા હતા. કોઈ માણસ હડફેટમાં આવી જાય તો તેનો કચ્ચર ઘાણ નીકળી જાય. ધૂળની ડમરી વચાળે જીવ બચાવતો તે એક બાજુ ઊભો રહ્યો હતો, પણ મનમાં તો પેલી સાસુ-વહુની જીભાજોડી ગરબે ઘૂમતી હતી. તેના મોંએ આવી ગયું હતું: `ભાઇ, આવા કજિયા-કંકાશથી મારું ઘર ભાગ્યું એમ કોઈનું નો ભાંગે એવું અંતરથી ઈચ્છું છું.' ત્યારે પોતાની સૂડી વચ્ચે સોપરી જેવી હતી. મા કે ઘરવાળી બેઉમાંથી એક પણ વગર સંસાર ચાલે એમ નહોતો. પછી તો ન બનવાનું બન્યું હતું. તે ઊંડો કે ભૂંડો નિસાસો નાખે તે પહેલાં એક ધણખૂટ ધસી આવતો લાગ્યો ને તે ભાગ્યો.

પછી આખલાયુદ્ધે વિરામ લીધો, પણ નરસિંહના મનમાંથી યુદ્ધ ઓછર્યું નહીં. એક જ વાત ઘુમરાતી હતી: `કજિયાનું મોં હંમેશાં કાળું જ હોય.' અત્યારે પોતે સાવ એકલો ભૂતની જેમ ઘરમાં ભાટકે છે.

પણ ત્યાં રસ્તામાં વહુ-સાસુના કંકાશવાળું ચનાનું ઘર આવતાં તેના પગ અટકી ગયા. જોયું તો ચનો સામે ઊભો હતો. નરસિંહને ભારે ગુસ્સો આવ્યો: `ચના, તને શરમ નથી આવતી.' પછી કહી દેવું હતું: `ઘરમાં કંઇક નવાજૂની થશે પછી રોવા-રડવાના દાડિયા કરેય પાર નહીં વળે.'

`નરસિંહભાઇ ચા પીવા આવો.' નરસિંહના મોંએ ઊગેલું જ હતું: `નથી આવવું. સળગતા ઘરમાં પગ મૂકે દાઝવાનું જ થાય.' પણ ચનાના આગ્રહવશ તે ઘરમાં ગયો. યુદ્ધ પછીની શાંતિ જેવો માહોલ હતો. નરસિંહે નક્કી કર્યા મુજબ કહ્યું: `થોડુંક ઘરમાં ધ્યાન આપતો જા, નહિતર મારા જેવી

હાલત થશે.'

પણ નરસિંહથી રહેવાયું નહીં: `ઝઘડવાનું પૂરું થઇ ગયું લાગે છે.' ચનો હસવા લાગ્યો. ત્યાં કહે: ઘેલસાગરા, રાંડેલી છાંડેલી કભારજા જેમ હસે છે શેનો.' વળી ઉમેર્યું: `લાજશરમ આવવી જોઈ.' ચનાને સંદેહ આવી ગયો હતો, પણ નરસિંહ બોલવાનો વારો આવવા દે એમ નહોતો:

`કંઈ કામધંધા વગર આવો કંકાશ જ થાય!' નરસિંહને થયું, આ પોદળો જેવો ચનો કોઈને કંઈ કહી શકતો લાગતો નથી.

ત્યાં ચનાએ ચોખવટ કરતાં કહ્યું: `નરસિંહભાઈ, તમે ધારો છો એવું ઘરમાં નથી.' સામે નરસિંહ રીતસરનો તાડૂક્યો: `એલા ડફોળ. આમાં ધારવા નો ધારવા જેવું

કંઈ નથી.'

ચનાએ જણાવ્યું: `એ સાસુ-વહુ દરરોજ નવી નવી વાતે ખોટા ઝઘડા ઊભા કરી, મોબાઈલમાં એની રીલ ઉતારે છે ને એમાંથી પૈસા કમાય છે.' આખી વાત નરસિંહને સમજાયા પછી ઊભા થવું ભારે પડ્યું.