સંબંધો એ જિંદગી નથી, પરંતુ જિંદગીનો મહત્ત્વનો ભાગ છે. સંબંધોમાં આવતી કડવાશ અને મીઠાશ જિંદગીનો સ્વાદ બદલી શકે છે, તેથી સંબંધોના સાગરમાં ઝંપલાવતા પહેલાં તમે એમાંથી શું ઈચ્છો છો એ અંગે સ્પષ્ટતા જરૂરી છે. ધ્યેય વિનાના સંબંધો લાગણી, સમય અને શક્તિ બધાને ગૂંચવે છે. લવઅફેર, રોમાન્સ કે મેરેજ આ સંબંધોનાં જ અલગ-અલગ રૂપ છે, પણ સંબંધ એટલે કોઈની સાથે બંધાવું એ તો ચોક્કસ છે, તો આ બંધાવાનાં કારણો જાણી લેશો તો મંજિલ સુધી પહોંચવામાં સરળતા રહેશે. જ્યારે વ્યક્તિ પોતાની ઈચ્છા,

ગમા-અણગમા અંગે સ્પષ્ટ ન હોય ત્યારે થોડા જ સમયમાં ગૂંચવણો ઊભી થાય છે. બંને વ્યક્તિ દિલથી પ્રયત્નો કરતી હોય તો પણ એનાં ધાર્યાં પરિણામ મળતાં નથી. સો અપેક્ષાની અને અપેક્ષા પૂરી થવાની શક્યતાઓની ચર્ચા-વિચારણા આવશ્યક છે. અહીં એકબીજાને મદદ કરવાની ના નથી, પરંતુ જે કામ તમે ખુદ કરી શકો છો એ કામની બીજા પાસે અપેક્ષા રાખવી અને પૂરી ન થાય તો દુઃખી થવું એ ખોટું છે.

તમે એકબીજાની સાથે જીવો છો, પરંતુ તમારી જિંદગી તમારી પોતાની છે. લગ્નમાં કે રિલેશનશિપમાં સાથે રહેવાનો મતલબ એ નથી કે તમે ચોવીસ કલાક એકબીજાની સાથે ને સાથે જ રહો છો અને એકબીજાની લાઈફને ફોલો કરો છો. બે વ્યક્તિ સાથે રહીને પણ પોતાની જિંદગી જીવે છે, કારણ કે દરેકનું કામ, શોખ, રસ, મિત્રો, પરિવાર અલગ રહેવાના. અહીં એકબીજાના પૂરક બની શકાય, પરંતુ આજના સમયમાં ખુદને આખી બદલી ન શકાય, તેથી કેટલાંક સુખો અને ખુશીઓ સાથે માણવાની છે, કેટલીક ફરજો અને જવાબદારીઓ સાથે વહેંચવાની છે છતાં કોઈ એક વ્યક્તિ તમને સઘળી ખુશી આપી દેશે એ માનવું ભૂલભરેલું છે. પાર્ટનરે પોતાની ખુશીનો રસ્તો જાતે પણ શોધવાનો છે. અગર પાર્ટનર પર વધારે પ્રેશર આપવામાં આવશે તો પ્રોબ્લેમ ઊભા થશે. પરસ્પર પરાવલંબી બન્યા વિના એકબીજાની સાથે જીવવાની કળા એ આધુનિક સમયની માંગ છે. સુખી સહજીવનનું પગથિયું છે. તમે કોઈને દિલ ફાડીને પ્રેમ કરો છો એટલે જીવનની બધી ખુશીઓ મળી જશે એની ગેરંટી નથી. જીવનસાથી તમને દરેક ખુશી ઈચ્છે તો પણ ન આપી શકે, એટલે પોતાની રીતે ખુશ થવાના રસ્તા જેને આવડતા હશે એ સંબંધ લાંબો જીવશે, કારણ કે અહીં અપેક્ષાઓનો બોજ ઓછો રહેશે એટલે વધુ નિખાલસતા, વધુ સહજતા અને સરળતા આવશે, જે સંબંધોને કડવા થતા બચાવશે.

સાથે રહીને પોતાની પર્સનલ સ્પેસ જાળવવાનું કામ થોડુ પડકારજનક છે. ઓછી સ્પેશ સંબંધોને ગૂંગળાવે છે અને વધારે સ્પેસ એકબીજાથી દૂર કરી શકે, તેથી બંને વ્યક્તિ પોતાનાં સંબંધને પ્રાયોરિટી આપે એ જરૂરી છે. જ્યારે તમને એકબીજાની જરૂર છે ત્યારે તો બધું છોડીને સાથે ઊભા રહેવાનું જ છે, પરંતુ બંને વચ્ચે સમજણ અને સ્નેહ ઘટવાને બદલે વધતા રહે એ માટે બંને પોતાની વ્યસ્તતા વચ્ચે પણ એકબીજાને સમય, સપોર્ટ આપી પાર્ટનરનું લાઈફમાં મહત્ત્વ પુરવાર કરે એ જરૂરી છે, તેથી સાથે કરવાનાં કામો, સાથે ફરવાનો સમય અને પરસ્પર ઈચ્છિત સહાય અંગેની રૂપરેખા તૈયાર કરવી જરૂરી છે.

* હંમેશાં જવાબદારીની, કામની કે ગંભીર ચર્ચાઓ સાથે માણવાનાં સમયના મૂલ્યને નષ્ટ કરે છે. સાથે સમય પસાર કરવો એટલે માત્ર ઈમોશનલ મોમેન્ટનું સર્જન નહીં, પરંતુ બધાં ટેન્શન ભુલાવી ખડખડાટ હસાવે એવી પળોનું સર્જન. પીલો ફાઇટ, જોક્સ, વિચિત્ર ભૂલોને યાદ કરવી કે સાથે કોઇ ઈનડોર-આઉટડોર ગેમ્સ રમવી. અનાયાસે સર્જાતી હાસ્યની પળો સંબંધોમાં તાજગી લાવે છે. છેલ્લે કંઇ ન બને તો કોમેડી સીરિયલ કે મૂવી જોતાં-જોતાં સાથે હસો. તન-મનની સાથે સંબંધો પણ ફ્રેશ થશે. જે સંબંધોમાં સાથે હસી ન શકાય એવા સંબંધો ધીરે-ધીરે બોજ બને છે.

* બંને વ્યક્તિને સમાન ઈન્ટેલેક્ચ્યુઅલ બાબતોમાં રસ ન હોય શકે, પરંતુ જીવનસાથીને જે બાબતમાં રસ છે એ બાબત મુરઝાઈ ન જાય કે તમારા અણગમાને કારણે એનાં રસ-રુચિ અભિવ્યક્ત જ ન કરે એવું ન બનવું જોઈએ. પરસ્પરના ભિન્ન રસોને આદર આપવો અને પાર્ટનરની ખુશી માટે એમાં થોડે-ઘણે અંશે રસ લેવો એ પણ સહજીવનનું એક ધ્યેય છે. બંને વ્યક્તિ પોતાની સમજ બહારના વિષયો અંગે પાર્ટનર પાસેથી નોલેજ મેળવે અને સપોર્ટ કરે તો સાથે જીવવાની મજા બમણી આવે.

* લગ્નજીવનમાં શારીરિક સંબંધો અતિ અગત્યના છે. સેક્સ એ માત્ર તનને નહીં મનને પણ જોડે છે, પરંતુ આજે વ્યસ્તતા અને તણાવ સેક્સલાઈફને નીરસ બનાવી રહી છે, તેથી ગેરસમજ અને વિવાદો વધ્યાં છે. બંને પાર્ટનર સેક્સ અંગેની રુચિ-અરુચિ અને પોતાની માન્યતાઓ અંગે નિખાલસતાથી ચર્ચા કરે એ જરૂરી છે. બંનેની આ અંગેની મર્યાદાઓ જાણી ઈમોશનલી હર્ટ કર્યા વિના વ્યવહારમાં આગળ વધવું જોઈએ.

જે કપલ એકબીજાની લવ-લેંગ્વેજને સમજે છે એમને સમસ્યાઓ ઓછી નડે છે. જેમ કે, પ્રેમ વ્યક્ત કરવા માટે ગિફ્ટ આપવી એ ખૂબ સામાન્ય બાબત છે, પણ ઘણા લોકો આ બાબત સમજતા નથી. હસબન્ડ પત્નીને શોપિંગ કરવા માટે અઢળક પૈસા આપશે, પરંતુ જાતે ગિફ્ટ લાવીને ક્યારેય નહીં આપે. પતિ ગિફ્ટ લાવીને આપે એ પ્રેમની નિશાની ગણાય છે. એ જ રીતે એકબીજાની સારી વાત જણાવવી, એની પ્રશંસા કરવી તથા પ્રોત્સાહન આપવું એ પણ લવ લેંગ્વેજ છે. જ્યારે જરૂર પડે ત્યારે સલાહ આપવાને બદલે ખુદ એક્શનમાં આવી સલામતી ફીલ કરાવવી તથા શારીરિક સ્પર્શ દ્વારા પ્રેમ, લાગણી, સાંત્વના તથા વિશ્વાસની અભિવ્યક્તિ કરવી એ પણ લગ્નજીવનનું ધ્યેય છે.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો