આજકાલ જો કોઈ સૌથી ઝડપથી ડિગ્રી આપતી સંસ્થા હોય તો એ છે, `વોટ્સએપ યુનિવર્સિટી'. અહીં એડમિશન માટે કોઈ લાયકાત નહીં, ફી નહીં અને પરીક્ષા તો બિલકુલ નહીં. સવારે ઊઠો વોટ્સએપ પર આવેલા મેસેજો વાંચો અને તમે એક દિવસમાં ડૉક્ટર, સાયન્ટિસ્ટ, અર્થશાસ્ત્રી, રાજકીય વિશ્લેષક, ક્રિકેટ એક્સપર્ટ બની જશો!
વોટ્સએપ પર આવેલા તમામ મેસેજોને એકદમ સાચા માનનારાઓની એક આખી જમાત ઊભી થઈ ગઈ છે.
અમારા પાડોશમાં રહેતા એક ભાઈ તો આ યુનિવર્સિટીના ગોલ્ડ મેડલિસ્ટ છે. એક દિવસ સવારે એ મળ્યા અને બોલ્યા, `રોજ ખાલી પેટે ગરમ પાણીમાં લીંબુ નાખીને પીવાથી સાત દિવસમાં પેટની બધી ચરબી ગાયબ થઈ જાય છે.' મેં પૂછ્યું, `તમે આ અજમાવ્યું?' તો બોલ્યા, `ના, પણ મેસેજમાં લખ્યું હતું એટલે સાચું જ હશેને!'
મારા એક જ્ઞાતિબંધુ સવારે પચીસ મેસેજ ફોરવર્ડ કર્યા વગર નાસ્તો પણ કરતા નથી. એક વખત એમણે જ્ઞાતિના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કર્યો કે, `કાલે રાત્રે 12 વાગ્યે પૃથ્વી પર ભયંકર કોસ્મિક રેડિએશન આવશે, તેથી મોબાઈલ બંધ રાખજો.' બીજા દિવસે ખબર પડી કે એ બુદ્ધિનો બારદાન આ મેસેજ દર મહિને ફોરવર્ડ કરે છે!
રાજકારણના મેસેજોમાં તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એવો વિશ્વાસ હોય છે કે એ સીધા ન્યૂઝ ડિબેટના એક્સપર્ટ બની જાય છે
`મારી પાસે પાક્કી માહિતી છે કે કેબિનેટની સિક્રેટ મીટિંગમાં પેટ્રોલની ગાડીઓ બંધ કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે એટલે બધા ગાડીઓ વેચી દેજો.' પછી ખબર પડી કે એ પોતે તો બધે સાઇકલ પર ફરે છે.
બોલિવૂડની તો મજા જ અલગ છે. અમારી સોસાયટીના વોટ્સએપમાં એક વીરાંગના બેન રોજ નવો ખુલાસો કરે. `ફલાણો એક્ટર છૂટાછેડા લેવાનો છે', `જે એક્ટરને આપણે કુંવારો માનીએ છીએ એ તો વર્ષોથી પરણેલો છે', `ફલાણી એક્ટ્રેસ સ્ત્રી નથી, એ તો એક પુરુષ છે'. એમની આવી ઉટપટાંગ વાતો વાંચી એક દિવસ મેં પૂછ્યું, `આ બધું તમે ક્યાંથી શોધી લાવો છો?' તો બોલ્યા, `મારા અંકલ મુંબઈની ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે વર્ષોથી જોડાયેલા છે. એ મને કાયમ વોટ્સએપ કરી આવી ખુફિયા બાતમી આપે છે' ટૂંકમાં, કાકો ભત્રીજી બંને છટકેલાં હતાં.
ક્રિકેટમાં તો વોટ્સએપ યુનિવર્સિટીવાળા `બીસીસીઆઈ'ને પણ હલાવી નાખે છે. મેચ શરૂ થાય એ પહેલાં મેસેજ આવે છે, `આ મેચની ટીમ પહેલેથી જ નક્કી છે અને મેચનું રિઝલ્ટ પણ નક્કી છે. બધું ફિક્સ થયેલું છે.' આપણે પૂછીએ `તમને કેવી રીતે ખબર?' તો કહે `કંટ્રોલ બોર્ડમાંથી વોટ્સએપ પર મને મેસેજ આવી ગયો છે.' પછી એમનું કહેલું બધું ખોટું નીકળે તો તરત જ નવો મેસેજ કરે `મેસેજ આવેલો કે છેલ્લી મિનિટે આખો પ્લાન બદલાઈ ગયો હતો.'
થોડા દિવસ પહેલાં `પેટ્રોલ નહીં મળે' એવા મેસેજો ફેરવી આવા `અક્કલમઠ્ઠાઓ'એ જ અફડાતફડીનો માહોલ સર્જી દીધો હતો.
આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો નિયમ છે, `વિચારો નહીં, ફોરવર્ડ કરો'. મેસેજ આવે કે તરત ફોરવર્ડ થાય. `ફોરવર્ડેડ મેની ટાઈમ્સ' લખેલું જોઈને તો એમને વધારે વિશ્વાસ આવે કે, `અલ્યા, આટલા બધા લોકો મોકલે છે એટલે સાચું જ હશે!' ફેક્ટચેક નામનો એવો શબ્દ તો એમની ડિક્શનરીમાં જ નથી આવતો.
મજાની વાત એ છે કે જો તમે એ બાહુક શૂરા, શૂરીઓને એમ કહો કે, `આ બધું ખોટું છે', તો તરત જ એ વોટ્સએપ પર આવેલા બાણું મેસેજ દેખાડવા માંડે અને તમને ખોટા ઠેરવી નાખે.
અંતે વાત એટલી જ છે કે વોટ્સએપ ખોટું નથી, પણ એના પર આવેલા બધા મેસેજ સાચા છે એવું માનવું ખોટું છે. મેસેજ આવે તો એ વાંચો, અક્કલનો ઉપયોગ કરો. દરેક વાતને સાચી ન માનો. વોટ્સએપ યુનિવર્સિટીમાં અભ્યાસ કરો, પણ સાથે સાથે સમજણની શાળામાં અને કોમનસેન્સની કૉલેજ પણ જવાનું રાખો. નહીં તો તમે પણ એક દિવસ એવા વોટ્સએપિયા એક્સપર્ટ બની જશો, જેને દુનિયા સલાહ માટે નહીં, મજાક માટે યાદ રાખશે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
