ટોલ્સ્ટોયના ઝંઝાવાતી લગ્નજીવનની વાત ચાલી રહી હતી.

એમના લગ્નજીવનમાં જે જે તકલીફો જોવા મળી એનાં બીજ આરંભથી જ જોવા મળ્યાં હતાં.

પહેલી મુશ્કેલી એ હતી કે પતિ-પત્ની વચ્ચે ઉંમરનો 16 વર્ષનો ફેર હતો. અલબત્ત, એ જમાનામાં રશિયામાં 50 વર્ષનો અમીર માણસ પણ અત્યંત લાયક મુરતિયો ગણાતો, પણ 34 વર્ષના ટોલ્સ્ટોયને 18ની ઉંમરે પરણનાર સોફિયાને `પતિ બહુ મોટા ને હું બહુ નાની' એ સિન્ડ્રોમ જીવનભર સતાવતો રહ્યો.

ઉંમરમાં સોફિયા ભલે ટોલ્સ્ટોયથી બહુ નાનાં હતાં, પણ એ એક મોટા ઘરની દીકરી હતાં. સોફિયાના નાનાજીએ રશિયન ઇતિહાસમાં પ્રથમ શિક્ષણમંત્રીનો હોદ્દો ભોગવેલો. સોફિયાના પિતા શાહી પરિવારના તબીબ હતા. મૉસ્કો જેવા મહાનગરનાં શહેરી સોફિયા લગ્ન પછી ગ્રામીણ વિસ્તારમાં આવેલી ટોલ્સ્ટોયની જાગીર પર રહેવા લાગ્યાં. એ અનુભવ આકરો હતો. લગ્નના બે મહિના પછી 18 વર્ષની કિશોરી નવવધૂ સોફિયાએ એની ડાયરીમાં નાદાન ભાષામાં, લખ્યું: `(અહીં) જાગીર પર મારા માટે કંઈ જ કામ નથી. એ (પતિ ટોલ્સ્ટોય) નસીબદાર છે, કારણ કે એ તો પ્રતિભાશાળી અને હોશિયાર છે. મારામાં તો એવું કંઈ છે નહીં. માણસ કંઈ એકલા પ્રેમના જોરે ન જીવી શકે, પણ હું એટલી મૂરખ છું કે આખો દિવસ બેસી રહું છું અને એમના (પતિ) વિશે વિચાર્યા કરું છું. એ જરાક પણ માંદા પડે તો મને એવી ચિંતા ઘેરી વળે છે કે એ મરી જશે તો! પછી કલાકો સુધી આ વિચાર મને બહુ પીંખે. એ બહુ મૂડમાં હોય ત્યારે મને એવી ચિંતા થાય કે થોડા સમય પછી એમનો મૂડ ઓસરી જશે.'

પતિ પ્રચંડ પ્રતિભા ધરાવે છે અને પોતે સામાન્ય સ્ત્રી છે એવી સોફિયાની આ ગ્રંથિના પરિણામે આગળ જતાં ઘણાં કોમ્પ્લિકેશન્સ થયાં, પરંતુ એનાં બીજ લગ્નના આરંભિક મહિનામાં રોપાઈ ચૂક્યા હતા તે આ ડાયરી-નોંધ પરથી સમજી શકાય છે.

ટોલ્સ્ટોય સાથેના લગ્નજીવનમાં સોફિયાએ જીવનભર અનુભવેલી બીજી એક અકળામણ ટોલ્સ્ટોયના અન્ય સ્ત્રી સાથેના સંબંધને લગતી હતી. લગ્ન થયું એ પહેલાં ટોલ્સ્ટોય એમની જાગીર પર કામ કરતી એક્સિનિયા નામની ગુલામ સ્ત્રી સાથે દેહસંબંધ બાંધી ચૂકેલા અને એ સંબંધથી એક દીકરો પણ જન્મેલો. અલબત્ત, લગ્ન પછી સોફિયાના લગ્નજીવનમાં એક્સિનિયા વચ્ચે નહોતી આવતી. છતાં સોફિયાએ સ્વીકારેલું કે એક્સિનિયા પ્રત્યેની અકળામણ એમણે મરતાં સુધી વેઠી.

એમના લગ્નજીવનમાં આ બંને મુશ્કેલીઓ હતી ખરી, પણ એ બહુ મોટી નહોતી. બહુ મોટી મુશ્કેલીરૂપ એક બાબત હતી, `લોકો'. ટોલ્સ્ટોયને પરિવાર સિવાયની દુનિયામાં ખૂબ જ રસ હતો. એ દુનિયાભરના લોકોના તો સંપર્કમાં રહેતા જ, તે ઉપરાંત પોતાની જ જાગીર પરના ગુલામોના કલ્યાણમાં ટોલ્સ્ટોયને ખૂબ રસ પડતો (બાદમાં ગુલામીપ્રથા નાબૂદ થતાં ગુલામો સેવકો બની રહ્યા). સોફિયાને આખેઆખા પતિ જોઈતા હતા, પરંતુ પતિ અડધા પરિવારમાં અને અડધા સમાજમાં ખૂંપેલા હતા. લગ્નના બીજા મહિને સોફિયાએ પોતાની ડાયરીમાં લખ્યું: `એ (પતિ) લોકો વિશે વાતો કર્યા કરે છે એની સામે મને બહુ દાઝ ચડે છે. મને લાગે છે કે (એમના જીવનમાં) કાં તો હું હોવી જોઉં, એટલે કે પરિવાર હોવો જોઈએ અને કાં તો લોકો હોવા જોઈએ જે એમને બહુ પ્યારા છે. હું સ્વાર્થી લાગું તો ભલે લાગું, પણ હું એમનામાં ડૂબેલી રહું છું અને હું ઇચ્છું કે એ પણ મારામાં ડૂબેલા રહે. બાકી તો આ જગ્યા (ગ્રામીણ જાગીર પર) મારા માટે ગૂંગળામણ સિવાય બીજું છે શું?'

ટૂંકમાં. પતિની મોટી ઉંમર, પ્રચંડ પ્રતિભા, વ્યભિચારી ભૂતકાળ અને બહિર્મુખતા સોફિયાને પહેલેથી જ અકળાવતાં હતાં.

અને છતાં એક આદર્શ ગૃહિણી અને પ્રેમાળ પત્ની તરીકે સોફિયાએ એનું લગ્નજીવન બહુ જ સુંદર રીતે સજાવ્યું. સોફિયા સોળ વાર પ્રેગ્નન્ટ થયાં. એમાંથી ત્રણ વાર કસૂવાવડ થઈ. તેર સંતાનોને એમણે જન્મ આપ્યો. એમાંથી પાંચ બાલ્યાવસ્થામાં અવસાન પામ્યાં.

જોકે, સોફિયા કેવળ ગૃહિણી ન બની રહ્યાં. ગયા લેખમાં નોંધ્યું તે મુજબ, દિવસભર પતિ ટોલ્સ્ટોયે ઝીણા અને ગરબડિયા અક્ષરોમાં જે કંઈ લખ્યું હોય તેને સોફિયા રાતે મીણબત્તીના અજવાળે ફરી લખી આપતાં. આમ ને આમ સોફિયાએ પતિની પાછળ પાછળ કમ સે કમ છાપેલાં દસ હજારથી પણ વધુ પાનાં જેટલું લખ્યું.

કેવળ ગૃહિણીની જેમ સોફિયા કેવળ અનુલેખિકા પણ ન બની રહ્યાં. ટોલ્સ્ટોયનાં લખાણો છપાવવાં, પ્રકાશકો સાથે રોયલ્ટીની વાટાઘાટો કરવી, હિસાબો રાખવા વગેરે કાર્યોમાં પણ ટોલ્સ્ટોયનાં એકદમ કાર્યકુશળ સચિવ તરીકે કરેલી કામગીરી શાનદાર રહી. ટોલ્સ્ટોયની હજારો એકરમાં ફેલાયેલી જાગીરના કારોબારમાં પણ સોફિયાની સક્રિય સામેલગીરી રહી.

ટોલ્સ્ટોય-સોફિયાના ઘરમાં મહેમાનો ખૂબ આવતા. દેશવિદેશથી ચાહકો, બૌદ્ધિકો, કલાકારો, ઉમરાવો, ક્રાંતિકારીઓ, મજૂરો ટોલ્સ્ટોયને મળવા આવતા. એ બધા મહેમાનોની સગવડો સાચવવાની અતિ મોટી જવાબદારી સોફિયા સારી રીતે નિભાવતાં.

આ બધાં કામો જાણે ઓછાં હોય તેમ, સોફિયા પોતાના અંગત શોખથી પ્રેરાઈને ડાયરીલેખન, ફોટોગ્રાફી, અનુવાદ અને દાનપ્રવૃત્તિનું ઘણું કામ કરતાં. સોફિયાની ડાયરીનાં લખાણોમાં એમની બુદ્ધિ અને લાગણીનું ઊંડાણ સુંદર રીતે ઊભરે છે. એ ડાયરીમાં ટોલ્સ્ટોયના મૂડસ્વિંગ્ઝ અને વિરોધાભાસો વિશેનાં લખાણો પણ મળી રહે છે.

સોફિયા અને ટોલ્સ્ટોયના લગ્નજીવનનો શરૂઆતનો દોઢેક દાયકો સુંદર, સક્રિય અને ભરચક્ક રહ્યો. ટોલ્સ્ટોયે સોફિયા સાથેના સુખી, રૉમેન્ટિક, હૂંફાળા સંબંધને નજર સામે રાખીને પોતાની નવલકથા અન્ના કેરેનિનામાં લેવિન અને કિટ્ટીનાં પાત્રોનું આલેખન કર્યું. આ આલેખન અત્યંત સુંદર છે અને ટોલ્સ્ટોય-સોફિયાને ઓળખનારાઓનું માનવું છે કે એ દંપતીનું લગ્નજીવન પણ ખરેખર નવલકથાના લેવિન-કિટ્ટીના સંબંધ જેવું જ સુંદર હતું.

પછી ટોલ્સ્ટોય બદલાયા. પચાસની ઉંમરે પહોંચેલા ટોલ્સ્ટોય તીવ્ર હતાશાના તબક્કામાંથી પસાર થયા. છેવટે શ્રદ્ધાના જોરે એ હતાશામાંથી બહાર તો આવ્યા, પરંતુ ત્યાં સુધીમાં એ આખા બદલાઈ ચૂક્યા હતા. એ બદલાયેલા ટોલ્સ્ટોય સાથે પનારો પાડવાનું સોફિયાને બહુ અઘરું પડ્યું. સોફિયા હજુ તો 40 વર્ષનાં પણ નહોતાં થયાં, ત્યાં સુધીમાં પતિ ટોલ્સ્ટોયે બ્રહ્મચર્યનો આગ્રહ શરૂ કરી દીધો. (ક્રમશઃ)