યુરોપનું ઇટાલી આમ તો પોતાનાં રમણીય શહેરો અને અદ્ભુત આર્કિટેક્ચર માટે જાણીતું છે. આ જ ઇટાલીના પાર્મા પ્રાંતના નાનકડા ગામ નોવેલારામાં 30મી એપ્રિલ, 2021ની એ રાત, એક એવી ઘટનાની મૂક સાક્ષી બની, જેણે આખા ઇટાલી અને વિશ્વભરના લોકોને હચમચાવી દીધા. 18 વર્ષની પાકિસ્તાની મૂળની યુવતી સમન અબ્બાસ અચાનક જ ગાયબ થઈ ગઈ. આ કોઈ સામાન્ય ગુમ થવાનો કેસ નહોતો; આ એક સુનિયોજિત, ઠંડા કલેજે કરવામાં આવેલી ઓનર કિલિંગની ઘટના હતી.

સમન ઇટાલીમાં જન્મી નહોતી, પરંતુ ઇટાલિયન શાળા અને સમાજના સંપર્કમાં આવતાં તેણે આઝાદીના મૂલ્યને ઓળખી લીધું હતું. તેનાં પાકિસ્તાની માતા-પિતા શબ્બાર અબ્બાસ અને નાઝિયા શાહીને પોતાનો દેશ છોડ્યો અને યુરોપમાં વિસ્તરણ કર્યું, પરંતુ તે પોતાની માનસિકતાને વિસ્તૃત બનાવી શક્યાં નહીં. તેઓ તેમની પરંપરા અને સાંસ્કૃતિક નિયમોમાં કટ્ટરપણે માનતાં હતાં. જ્યારે સમનને પાકિસ્તાનમાં રહેતા તેના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવા દબાણ કરવામાં આવ્યું, ત્યારે તેણે હિંમતભેર તેનો વિરોધ કર્યો, પરંતુ પરિવાર દ્વારા અરેન્જ મેરેજ કરવા માટેનું દબાણ એક સમયે હદ પાર કરી ગયું અને આખરે વર્ષ 2020ના આ અંતરાલમાં સમન તેના પરિવારના કડક નિયંત્રણમાંથી છટકી ગઈ એટલે કે તે પોતાનું ઘર અને પરિવાર છોડીને ઈટાલિયન સરકારના શરણે ગઈ. તેને એક રહસ્યમય સ્થળે તેના પરિવારથી બચાવીને સુરક્ષિત રાખવામાં આવી હતી, જ્યાં તે કાયદાની છત્રછાયા હેઠળ જીવન જીવવાનાં સપનાં જોઈ રહી હતી. તે જ અરસામાં તે એક યુવકના પ્રેમમાં પડી, જેની સાથે તે પોતાનું ભવિષ્ય બનાવવા માંગતી હતી.

જોકે, ભાગ્યની રેખાઓ કંઈક જુદી જ લખાયેલી હતી. એપ્રિલ, 2021માં સમન અબ્બાસને પાછી નોવેલારાના એ જ ફાર્મ પર આવવાની ફરજ પડી હતી જ્યાં તેનો પરિવાર રહેતો હતો અને કામ કરતો હતો. તેનું એકમાત્ર લક્ષ્ય તેના કાગળો, ખાસ કરીને તેનો પાસપોર્ટ તેનાં માતા-પિતા પાસેથી પરત મેળવવાનું હતું, જેથી તે કાયમ માટે ઇટાલી છોડીને તેના બોયફ્રેન્ડ સાથે જઈ શકે. જોકે, આ મુલાકાત તેની જીવલેણ ભૂલ સાબિત થઈ. પરિવારના સભ્યો, જેમાં તેના કાકા દાનીશ હસનૈન અને બે પિતરાઈ ભાઈઓ, ઇકબાલ અમજદ અને નૌમાનૌલકનો સમાવેશ થતો હતો. તેઓ તેની સ્વતંત્રતાના નિર્ણયથી ભયંકર રીતે નારાજ હતા. તેમના મતે સમનનું આ કૃત્ય તેમના પરિવારના સન્માન પર કલંક હતું.

30મી એપ્રિલ, 2021ની એ રાત. નોવેલારાના એ ખેતરની આસપાસના સીસીટીવી કેમેરાએ જે ફૂટેજ કેદ કર્યા, તે જ આખા કેસનો આધારસ્તંભ બન્યા. રાત્રે લગભગ 9:50 વાગ્યે સમન અબ્બાસ તેનાં માતા-પિતા, શબ્બાર અને નાઝિયા સાથે ખેતરમાંથી ચાલતી જોવા મળે છે. તેમના ચહેરા પરની અભિવ્યક્તિઓ અંધારાને કારણે સ્પષ્ટ નહોતી, પરંતુ આ ત્રણેયની અંતિમ જાહેર હાજરી હતી. એવું માનવામાં આવે છે કે માતા-પિતાએ જ સમનને કોઈક બહાને બહાર બોલાવી હતી કે કોઈક વાતચીતમાં તેને ફસાવી હતી. આ દૃશ્ય પછી સમન કાયમ માટે અદૃશ્ય થઈ જાય છે. ફૂટેજમાં નોંધાયેલા સમય મુજબ આ ઘટનાના લગભગ એક કલાક પછી રાત્રે 11:00 વાગ્યાની આસપાસ ત્રણ પુરુષોની છાયા સ્પષ્ટપણે દેખાય છે. આ ત્રણેય સમનના સંબંધીઓ - દાનીશ હસનૈન, ઇકબાલ અમજદ અને નૌમાનૌલક હોવાનું તપાસકર્તાઓએ સ્થાપિત કર્યું. તેઓ કોદાળી જેવાં સાધનો લઈને ખેતરની દિશામાં આગળ વધ્યા, જ્યાં સમન ગાયબ થઈ હતી. થોડા સમય પછી ત્રણેય પુરુષો ખાલી હાથે પાછા ફરતા જોવા મળ્યા. તેમની ચાલમાં એક પ્રકારનો સંતોષ કે પછી ગભરાટ વર્તાતો હતો, જેણે પાછળથી પોલીસની શંકાઓને વેગ આપ્યો.

બીજા જ દિવસે 1 મે, 2021ના રોજ શબ્બાર અબ્બાસ અને નાઝિયા શાહીન ઉતાવળમાં નોવેલારા છોડીને પાકિસ્તાન જવા માટે ઇટાલીમાંથી ભાગી ગયા. આ ઝડપી પ્રસ્થાન એ વાતનો પુરાવો હતો કે તેઓ કોઈક ગંભીર ઘટનાને છુપાવવા માંગતા હતા. સમનનો બોયફ્રેન્ડ, જે દૂર હતો, તેણે સમન સાથે સંપર્ક ગુમાવ્યો. તેની ચિંતા વધતી ગઈ અને તેણે 5મી મે, 2021ના રોજ ઇટાલિયન પોલીસનો સંપર્ક કર્યો, જેનાથી એક ગુમ થયેલી વ્યક્તિની તપાસ શરૂ થઈ. પોલીસની ટીમ જ્યારે ફાર્મ પર પહોંચી, ત્યારે તેમને માત્ર એક ખાલી મકાન અને આસપાસનો વિસ્તાર મળ્યો, પરંતુ સમનનો કોઈ પત્તો નહોતો.

તપાસ અધિકારીઓએ ગુમ થયેલી વ્યક્તિના કેસને તરત જ હત્યાના કેસમાં બદલી નાખ્યો, કારણ કે સંજોગો સ્પષ્ટપણે હત્યા તરફ ઇશારો કરી રહ્યા હતા. અહીંથી જ કેસમાં સૌથી મહત્ત્વપૂર્ણ અને રહસ્યમય વળાંક આવ્યો: ફોન ઇન્ટરસેપ્શન્સ. ઇટાલિયન પોલીસે પરિવારના ભાગેડુ સભ્યોના ફોન કોલ્સ પર નજર રાખી. આ કોલ રેકોર્ડિંગ્સમાંથી જ સમનના કાકા દાનીશ હસનૈનનો અવાજ રેકોર્ડ થયો, જેમાં તે અન્ય સંબંધીઓ સાથે વાતચીત કરી રહ્યો હતો. આ વાતોમાં તેઓ સમનની હત્યાને અંજામ આપવા અને તેના શરીરને ગુપ્ત રીતે છુપાવવા વિશે ચર્ચા કરી રહ્યા હતા. આ વાતચીતોમાં દાનીશે કથિત રીતે ઉલ્લેખ કર્યો હતો કે મૃતદેહને `ખેતરની અંદર ભૂગર્ભમાં' દફનાવવામાં આવ્યો છે. આ પુરાવાએ સ્પષ્ટ કર્યું કે સમન હવે આ દુનિયામાં નથી અને તેના પરિવારના સભ્યોએ જ તેની હત્યા કરી છે.

હત્યાના મુખ્ય શંકાસ્પદ વ્યક્તિઓ દાનીશ હસનૈન અને બે પિતરાઈ ભાઈઓ ઇટાલીમાંથી ભાગી ગયા હતા. પોલીસની આંતરરાષ્ટ્રીય શોધખોળ ટીમે દાનીશ હસનૈનને ફ્રાન્સમાં પકડી પાડ્યો, જ્યારે અન્ય પિતરાઈ ભાઈઓ પણ યુરોપના અન્ય દેશોમાં પકડાયા અને તમામને ઇટાલી પ્રત્યાર્પણ કરવામાં આવ્યા. દાનીશને ઇટાલી લાવવામાં આવ્યો અને કડક પૂછપરછ શરૂ થઈ. શરૂઆતમાં તેણે હત્યામાં પોતાની ભૂમિકાનો સંપૂર્ણપણે ઇન્કાર કર્યો, પરંતુ જ્યારે તેની અને અન્ય સંબંધીઓ વચ્ચેના ફોન ઇન્ટરસેપ્શન્સ અને સીસીટીવી ફૂટેજના પુરાવાઓ તેની સામે મૂકવામાં આવ્યા, ત્યારે તે તૂટી ગયો.

દાનીશ હસનૈને તપાસકર્તાઓને જે માહિતી આપી તે ભલે અધૂરી હતી, પરંતુ તે નિર્ણાયક સાબિત થઈ. તેણે સ્વીકાર્યું કે સમનની હત્યા થઈ હતી અને તેના શરીરને નોવેલારાના એ જ ફાર્મની આસપાસ ક્યાંક દફનાવવામાં આવ્યું છે. તેણે મૃતદેહને છુપાવવામાં મદદ કરી હોવાની કબૂલાત પણ કરી. તેની માહિતીના આધારે મે 2021થી ચાલી રહેલી તપાસમાં એક નવો અધ્યાય ઉમેરાયો. પોલીસ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે નોવેલારાના વિશાળ ખેતીવાડી વિસ્તારમાં માઇક્રો-લેવલ પર ખોદકામ શરૂ કર્યું. આ શોધખોળ મહિનાઓ સુધી ચાલી, દરેક ઇંચ જમીનની તપાસ કરવામાં આવી. આખરે 18 નવેમ્બર, 2022ના રોજ દાનીશના ઇશારા પર ત્યજી દેવાયેલા મકાનની નજીક આવેલા એક જૂના ચિકન કૂપ પાસેના વિસ્તારમાં સઘન ખોદકામ દરમિયાન એક મૃતદેહ મળી આવ્યો. મૃતદેહની આસપાસની માટી અને પુરાવાઓ સાચવવા માટે અત્યંત કાળજી લેવામાં આવી.

મૃતદેહની ફોરેન્સિક તપાસમાં તરત જ પુષ્ટિ થઈ કે તે ગુમ થયેલી સમન અબ્બાસનો જ હતો.

મૃતદેહની સ્થિતિ જોઈને નિષ્ણાતોએ તારણ કાઢ્યું કે સમનનું મૃત્યુ ગળું દબાવવા કે શ્વાસ રૂંધવાને કારણે થયું હતું, જે `ઓનર કિલિંગ'માં શારીરિક હિંસાની પ્રમાણભૂત પદ્ધતિઓ પૈકીની એક હતી. આ શોધથી ઇટાલીની જનતામાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ. હવે ગુમ થયેલી વ્યક્તિનો કેસ સંપૂર્ણપણે સ્થાપિત હત્યા કેસમાં પરિવર્તિત થઈ ચૂક્યો હતો.

આ કેસનો સૌથી મોટો પડકાર સમનનાં માતા-પિતા, શબ્બાર અને નાઝિયાને પાકિસ્તાનથી ઇટાલી પાછાં લાવવાનો હતો. ઇટાલિયન સરકારે પાકિસ્તાની સરકાર સમક્ષ શબ્બાર અબ્બાસના પ્રત્યાર્પણ માટે સતત દબાણ કર્યું. લાંબી કાયદાકીય અને રાજદ્વારી લડાઈ પછી ઓગસ્ટ, 2023માં પાકિસ્તાની સરકારે શબ્બાર અબ્બાસના પ્રત્યાર્પણને મંજૂરી આપી. શબ્બારને ઇટાલી લાવીને રેજિયો એમિલિયાની જેલમાં રાખવામાં આવ્યો, જ્યાં તેના પર ટ્રાયલ ચાલવાની હતી. જોકે, માતા નાઝિયા શાહીન પાકિસ્તાનમાં જ ફરાર થવામાં સફળ રહી અને ઇટાલિયન કાયદા મુજબ તેની ગેરહાજરીમાં જ તેના પર ટ્રાયલ શરૂ થઈ.

આ હત્યા કેસની સુનાવણી રેજિયો એમિલિયાની અદાલતમાં શરૂ થઈ. આ કેસમાં સમનનાં માતા-પિતા, કાકા અને બંને પિતરાઈ ભાઈઓ સહિત પાંચ વ્યક્તિઓ આરોપી હતાં. સમગ્ર ટ્રાયલ દરમિયાન પબ્લિક પ્રોસિક્યૂટરે સીસીટીવી ફૂટેજ, ફોન ઇન્ટરસેપ્શન્સ, દાનીશ હસનૈનની કબૂલાત અને ફોરેન્સિક પુરાવાઓના આધારે સાબિત કર્યું કે આ હત્યા સમનની સ્વતંત્રતાની ઇચ્છાને દબાવવા માટે પરિવારના સન્માનના નામે આચરવામાં આવેલું ગુનાહિત કૃત્ય હતું. આખરે ડિસેમ્બર, 2023માં અદાલતે પોતાનો ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનના નામે થતી હિંસા સામે એક મજબૂત સંદેશો આપ્યો:

સમનના પિતા શબ્બાર અબ્બાસને સમનની હત્યા કરવાના અને મૃતદેહ છુપાવવાના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. કોર્ટે માન્યું કે શબ્બાર અબ્બાસે જ આ કૃત્યની યોજના બનાવી અને તેને અંજામ આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સમનના કાકા દાનીશ હસનૈન અને પિતરાઈ ભાઈ ઇકબાલ અમજદને પણ હત્યામાં સક્રિય ભાગીદારી અને મૃતદેહ છુપાવવાના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યા અને બંનેને 14-14 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી. જોકે, અન્ય પિતરાઈ ભાઈ નૌમાનૌલકને આ કેસમાં પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો. માતા નાઝિયા શાહીન જે હજી પણ ફરાર છે. કોર્ટે તેને પણ હત્યાના ગુનામાં દોષિત ઠેરવી, પરંતુ તે ફરાર હોવાથી તેની સજાનો અમલ મુલતવી રાખવામાં આવ્યો. ઇટાલિયન સત્તાવાળાઓ હજુ પણ નાઝિયાને ઇટાલી લાવવાના પ્રયાસો કરી રહ્યા છે.