એરપોર્ટ્સ અને મેગા-એરપોર્ટ્સ, અત્યારના સમયમાં એરપોર્ટ વિકાસ સાથે પ્રતિષ્ઠાનો પણ મુદ્દો છે, તેમ છતાં આખા વિશ્વના પાંચ સ્વતંત્ર દેશો પાસે કોઈ એરપોર્ટ નથી, જે હવાઈ મુસાફરી માટે પડોશી દેશો પર આધાર રાખે છે. જે દેશ પાસે એરપોર્ટનો અભાવ છે તે બધા અવિકસિત અર્થતંત્ર ધરાવે છે, વિશ્વના અતિશય પછાત દેશો છે કે પછી સૌથી ગરીબ રાષ્ટ્રો છે?

એન્ડોરા : યુરોપનું છઠ્ઠું સૌથી નાનું રાજ્ય છે, જેનું ક્ષેત્રફળ 468 ચોરસ કિલોમીટર અને વસ્તી આશરે 87000 છે. એરપોર્ટ નથી પરંતુ ત્રણ ખાનગી હેલિપોર્ટ છે, જેમાંથી એક હોસ્પિટલ હેલિપેડ છે. વસ્તી અને જમીન ક્ષેત્રફળ બંનેની દૃષ્ટિએ તે એરપોર્ટ ન ધરાવતો સૌથી મોટો દેશ છે. નજીકના મુખ્ય એરપોર્ટમાં સ્પેનનું જોસેપ ટેરાડેલાસ બાર્સેલોના-એલ પ્રાટ એરપોર્ટ અને ફ્રાન્સનું ટુલૂઝ-બ્લેગ્નેક એરપોર્ટ છે, જે એન્ડોરાની લાંબા અંતરની મુસાફરી માટે સૌથી સામાન્ય પસંદગી છે.

લિક્ટેંસ્ટાઇન : એરપોર્ટ નથી, પરંતુ દક્ષિણ શહેર બાલ્ઝર્સ ખાતે હેલિપોર્ટ છે. નજીકના એરપોર્ટમાં સેન્ટ ગેલેન-અલ્ટેનરહેઇન એરપોર્ટ (સ્વિટ્ઝર્લૅન્ડ) અને ફ્રેડરિકશાફેન એરપોર્ટ (જર્મની) છે. જ્યાં ઓછી ફ્લાઇટ્સ સુનિશ્ચિત છે. નજીકના મુખ્ય એરપોર્ટમાં સ્વિટ્ઝર્લૅન્ડનું ઝુરિચ એરપોર્ટ છે, જ્યાં બુચ્સ અને સરગન માટે રેલ સેવાઓ છે. યુરોપનો ચોથો સૌથી નાનો દેશ છે, જેનો વિસ્તાર 160 ચોરસ કિલોમીટરથી થોડો વધારે છે અને વસ્તી આશરે 40000 છે.

મોનાકો : એરપોર્ટ નથી, પરંતુ ફોન્ટવિલે જિલ્લામાં મોનાકો હેલિપોર્ટ છે. નજીકનું મુખ્ય એરપોર્ટ ફ્રાન્સમાં નાઇસ કોટ ડી'અઝુર એરપોર્ટ છે. ત્યારબાદ ટૂંકી ડ્રાઇવ અથવા ટેક્સી સવારી દ્વારા પહોંચી શકાય છે. 2.08 કિમી વિસ્તારમાં 38000 જેટલા લોકોની વસ્તી સાથે વિશ્વનું બીજું સૌથી નાનું સાર્વભૌમ રાજ્ય છે.

સાન મેરિનો : કોઈ એરપોર્ટ નથી, પરંતુ બોર્ગો મેગીઓરમાં એક હેલિપોર્ટ અને ટોરાસિયા; ટોરાસિયા એરફિલ્ડ નામનું એક નાનું એરફિલ્ડ છે જેનો રનવે 680 મીટર (2230 ફૂટ) છે. સૌથી નજીકના એરપોર્ટમાં ઇટાલીનું રિમિનીમાં ફેડેરિકો ફેલિની ઇન્ટરનેશનલ એરપોર્ટ અને બોલોગ્ના ગુગ્લિએલ્મો માર્કોની એરપોર્ટ છે. સાન મેરિનો વિશ્વનો પાંચમો સૌથી નાનો દેશ છે, જેનો ભૂમિ વિસ્તાર 61 કિમી.થી થોડો વધારે છે અને વસ્તી આશરે 34000 છે. સામાન્ય રીતે નજીકના ઇટાલીના એરપોર્ટ જેમ કે, રિમિની અથવા બોલોગ્ના પર ઉડાન ભરે છે અને પછી રોડ માર્ગે સાન મેરિનો જાય છે.

વેટિકનસિટી : એરપોર્ટ નથી, પરંતુ પશ્ચિમ ખૂણામાં વેટિકન સિટી હેલિપોર્ટ છે, જેનો ઉપયોગ મુલાકાતી રાષ્ટ્રના વડાઓ અને વેટિકન અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે. ક્ષેત્રફળ અને વસ્તી બંને રીતે વિશ્વનું સૌથી નાનું સાર્વભૌમ રાજ્ય છે. હોલી સીના 0.44 ચોરસ કિમી જમીન વિસ્તારમાં એરપોર્ટ ફિટ કરવું અશક્ય હશે. ઇટાલીના સૌથી નજીકના મુખ્ય એરપોર્ટ ફિયુમિસિનો અથવા સિઆમ્પિનો એરપોર્ટ પર ઉડાન ભરે છે અને પછી કાર દ્વારા અથવા પગપાળા વેટિકન સિટીની મુસાફરી કરે છે.

તેમની સીમાઓમાં કોઈ એરપોર્ટ ન ધરાવતા દેશો ન તો પછાત છે, ન તો ગરીબ છે કે ન તો અવિકસિત અર્થતંત્ર ધરાવે છે.

નાણાકીય, પર્યટન અને આંતરરાષ્ટ્રીય વેપાર, માર્ગ, રેલ અથવા સમુદ્ર દ્વારા પરિવહન માટે અનુકૂળ સ્થાન જેવાં પરિબળોને કારણે સમૃદ્ધ છે. જોવાની ખૂબી છે કે પાંચેય યુરોપિયન દેશો છે.

એન્ડોરા તેના સ્કી રિસોર્ટ અને પર્યટન માટે જાણીતું, તે આઉટડોર અને રમતગમતના ઉત્સાહીઓ માટે એક લોકપ્રિય સ્થળ છે. લિક્ટેંસ્ટેઇન એક ઉત્તમ ઉદાહરણ છે, જે દર્શાવે છે કે મહાનતા કદ દ્વારા માપવામાં આવતી નથી. તેના વિશિષ્ટ શાસન, મજબૂત અર્થતંત્ર અને સુમેળભર્યા સમાજ સાથે જીવનની પ્રભાવશાળી ગુણવત્તા વિકસાવી છે. જ્યાં સમૃદ્ધિ, શાંતિ, મનોહર સુંદરતા અને નવીન સામાજિક નીતિઓ સહેલાઇથી ભળી જાય છે, વૈશ્વિક પ્રશંસાને આકર્ષિત કરે છે અને વિશ્વભરનાં નાનાં રાષ્ટ્રોને પ્રેરણા આપે છે. મોનાકો એક મહત્ત્વપૂર્ણ પ્રવાસન ઉદ્યોગ અને ટેક્સ હેવન તરીકેનો દરજ્જો મુખ્ય આર્થિક પરિબળો છે. સાન મેરિનો પર્યટન અને સ્થિર નાણાકીય ક્ષેત્ર દ્વારા સંચાલિત મજબૂત અર્થતંત્ર છે. વેટિકન સિટી, સેન્ટ પીટર્સ બેસિલિકા અને સિસ્ટાઇન ચેપલની આસપાસ કેન્દ્રિત પર્યટન પર આધાર રાખે છે.