ગયા અઠવાડિયે આપણે જોયું કે દેવ આનંદ તેમના પુત્ર સુનિલને મળીને પાછા આવતા હતા, ત્યારે લંડનની ફ્લાઈટમાં તેમણે ભારતથી ઈંગ્લેન્ડમાં ગેરકાયદેસર ઘૂસતા ઇમિગ્રન્ટ્સ પર એક સમાચારપત્રમાં તંત્રીલેખ વાંચ્યો અને તેમને વિચાર આવ્યો કે આના પરથી તો ફિલ્મ બને તેવી છે. એ ફિલ્મ એટલે 1978માં આવેલી `દેશ પરદેશ.'
દેવ સાહેબે આ ફિલ્મ એ સમયે બનાવી હતી, જ્યારે ભારતના લોકોમાં વિદેશ (લંડન) જવાનું ઘેલું લાગેલું હતું. દેશમાં મોટી સંખ્યામાં નવજવાનો બહેતર જિંદગી, પૈસા, આધુનિકતા અને ખુલ્લી હવાની તલાશમાં બ્રિટન તરફ પ્રયાણ કરી રહ્યા હતા- યેનકેન પ્રકારેણ. આજે જ્યારે અવૈધ પ્રવાસીઓ અને શરણાર્થીઓનું સંકટ પૂરી દુનિયા પર છવાયેલું છે, ત્યારે લગભગ પચાસ વર્ષ જૂની એક આ ફિલ્મ આશ્ચર્યજનક રીતે સમકાલીન મહેસૂસ થાય છે.
આ એ જ સમય હતો જ્યારે મુખ્યધારાનો હિન્દી સિનેમા પ્રતિશોધ, પારિવારિક મેલોડ્રામા અને મસાલા મનોરંજનમાં વ્યસ્ત હતો. એવા સમયે ગેરકાયદેસર ઈમિગ્રેશનનો વિષય પસંદ કરવો દેવ આનંદના એક બહેતરીન ફિલ્મકાર હોવાનો પુરાવો છે. તે કેવળ એક સ્ટાર જ નહોતા; તેમની નજર સમાજની હલચલ અને હરકત પર રહેતી હતી.
એ કારણથી જ તેમણે `દેશ પરદેશ'માં લંડનને કોઈ સુંદર પોસ્ટકાર્ડ જેવું નહોતું બતાવ્યું. ત્યાંની સડકો પરની જિંદગી, પબમાં બિયરોની રેલમછેલ, સાંકડાં ઘરો અને અસુરક્ષિત માહોલમાં શોષણ મળીને `પરદેશ'ની એક છબી બનાવે છે, જેનો `દેશી' લોકોને અંદાજ નહોતો. ફિલ્મનું સૌથી મોટું સત્ય એ છે કે તેનો ખલનાયક કોઈ ગોરો વિદેશી નથી, બલકે આપણો પોતાનો જ માણસ છે. દેવ આનંદ બહુ સહજ રીતે કહી જાય છે કે દરેક દુઃખનું મૂળ કાયમ બહાર નથી હોતું; ઘણીવાર એ પોતાના જ લોકો તરફથી આવે છે.
ફિલ્મની વાર્તા પંજાબના એક સામાન્ય પરિવારથી શરૂ થાય છે. પરિવારનો એક સભ્ય, સમીર સાહની (પ્રાણ) પૈસા અને ઉજ્જ્વળ ભવિષ્યનું સપનું લઈને લંડન જાય છે, પરંતુ થોડા સમય પછી તેના વિશે કોઈ ખબર ન મળતાં તેનો નાનો ભાઈ વીર (દેવ આનંદ) તેને શોધવા લંડન પહોંચે છે. ત્યાં તેને ખબર પડે છે કે તેનો ભાઈ ગેરકાયદે ઘૂષણખોરી અને લાલચનો શિકાર બન્યો છે.
આ દરમિયાન તેની મુલાકાત ગૌરી (ટીના મુનીમ) સાથે થાય છે. પંજાબના ગામની નિર્દોષ યુવતી ગૌરી પણ સંજોગવશાત્ લંડન આવી પહોંચી છે અને જીવન નિર્વાહ માટે એક પબમાં કામ કરે છે. વીર અને ગૌરી મળીને ભાઈના ગુમ થવાનું રહસ્ય ઉકેલવાનો પ્રયાસ કરે છે. તપાસ દરમિયાન કાવતરું, હત્યા, છેતરપિંડી અને ગેરકાયદે ઇમિગ્રેશનના રેકેટનો પર્દાફાશ થાય છે. અંતે સત્ય બહાર આવે છે, ગુનેગારોને સજા મળે છે અને વીર તથા ગૌરી સહિયારું જીવન શરૂ કરે છે.
મુંબઈના ગુજરાતી પરિવારની દીકરી ટીના નંદકુમાર મુનીમ(આજે ટીના અંબાણી)ની આ પહેલી ફિલ્મ. એ પણ દિલચસ્પ વાત છે કે જે ફિલ્મનો વિષય આટલો કઠોર અને યથાર્થવાદી હોય, તેણે જ હિન્દી સિનેમાને તેની સૌથી તાજગીભરી એક્ટ્રેસ આપી (ટીના તે વખતે ઇન્ટરનેશનલ ટીન કોન્ટેસ્ટમાં મિસ ફોટોજેનિક અને મિસ બિકીની એવોર્ડ જીતી હતી). તેની કિશોર અવસ્થામાં આ જ ટીના એકવાર દેવ આનંદના ઓટોગ્રાફ લેવા પહોંચી હતી. ત્યારે તેને કલ્પના પણ નહીં હોય કે એક દિવસ તે તેમની જ ફિલ્મની હિરોઈન બનશે.
ફિલ્મમાં ટીનાનો કિરદાર દિલચસ્પ હતો. તે માટે દુપટ્ટો ઓઢેલી પંજાબી દુલ્હનના રૂપમાં લંડન પહોંચે છે અને ધીરે-ધીરે એ દુનિયાનો હિસ્સો બનીને પબમાં બિયર સર્વ કરવાનું કામ કરતી એક આત્મવિશ્વાસી યુવતી બની જાય છે. તેને જોઇને લાગે નહીં કે આ તેની પહેલી ફિલ્મ છે.
જેમ કે, `સામ એન્ડ નામ' નામના એક પબના ઉદ્ઘાટન વખતે, `તૂ પી ઔર જી' ગીતમાં છેક સુધી પંજાબી લુંગી ડ્રેસમાં નાચતી ટીનાને છેલ્લા અંતરામાં ખાલી બ્રા અને પેન્ટી પહેરીને બિયરના ડ્રમમાં નહાતી બતાવવી એ દેવ સાહેબની જ કમાલ હતી. આ આખું ગીત મુંબઈમાં પબનો સેટ ઊભો કરીને 45 દિવસની મહેનત પછી શૂટ કરવામાં આવ્યું હતું.
આ ગીત લંડનની ઝાકઝમાળ અને જીવંત નાઈટલાઈફનું પ્રતીક છે અને ફિલ્મની વાર્તામાં કેન્દ્રસ્થાને છે.
દેવ આનંદના લાંબા ગાળાના સહયોગી અમિત ખન્નાએ તેને માર્મિક રીતે લખ્યું હતું અને કિશોર કુમારે તેને તેમની અનઅનુકરણીય શૈલીમાં પ્રસ્તુત કર્યું હતું. અમિત ખન્ના
એમાં લખે છે,
યે ગુજરાતી વો બંગાલી, યે દિલ વાલા વો દિલ વાલી
મૈં દેસી હૂં તૂ પરદેસી, ફિર ભી ધડકન એક જૈસી
અરે! યે મદ્રાસી, વો પંજાબી, હર તાલે કી હૈ એક ચાભી
અરે વર્કર હો યા માલિક મિલ કા,
રાત કા પ્યાસા, ભૂખા દિન કા
આ તૂ આ ના ઘબરા, તૂ પી ઔર જી
વાસ્તવમાં `દેશ પરદેશ'ની કહાની જો તેનું મગજ હોય, તો તેનું સંગીત તેનું ધડકતું હૃદય હતું. રાજેશ રોશને આ ફિલ્મ માટે જે સંગીત રચ્યું હતું તે લોકપ્રિય તો છે જ, પણ ફિલ્મની કહાનીને અનુરૂપ માહોલ પણ બનાવે છે. જેમ કે, તેનું ટાઈટલ ગીત `જૈસા દેશ વૈસા ભેસ' કેવળ એક હલકુંફૂલકું ગીત જ નથી, તે પૂરી ફિલ્મનું ચિંતન પણ પ્રસ્તુત કરે છે. પરદેશમાં રહેવું હોય તો ત્યાંના રીતરિવાજ પણ ધારણ કરવા પડે. તેની અમુક પંક્તિઓ પ્રવાસી જીવનની દુવિધા પણ ઉજાગર કરે છે.
જેમ કે,
કૈસી યે નગરિયા કૈસે હૈ યે લોગ
હાય સબકો લાગા પ્રભુ બેશરમી કા રોગ
તે વર્ષે (અને પછી પણ) આ અને `નજર લગે ન સાથિયોં' તેમજ `નઝરાના ભેજા હૈ પ્યાર કા' જેવાં ગીતો રેડિયો અને કેસેટ સંસ્કૃતિનો હિસ્સો બની ગયાં હતાં. `આપ કહે ઔર હમ ન આયે'માં તો કિશોર કુમાર અને લતા મંગેશકરના અવાજે રોમાન્સને એવી ગરિમા આપી હતી કે તેનાથી ફિલ્મનો ભાવનાત્મક પક્ષ વધુ ઊંડો થઈ ગયો હતો.
રાજેશ રોશનનું સંગીત આ ફિલ્મમાં ખાલી જગ્યા નથી ભરતું, પણ કહાનીની સાથે ચાલે છે. એટલા માટે જ `દેશ પરદેશ'નાં ગીતોને આજે પણ ફિલ્મ સંગીતના ચાહકો ફિલ્મથી અલગ કરીને યાદ કરે છે. દેવ આનંદે પણ કહ્યું હતું કે તેમની આ ફિલ્મનું સંગીત પ્રેરણાદાયી છે અને તેમની આ ટિપ્પણી અસ્થાને નથી.
આજે જ્યારે હિન્દી સિનેમામાં પ્રવાસી ભારતીયો પર અનેક ફિલ્મો બની ચૂકી છે, ત્યારે `દેશ પરદેશ'ને ફરીથી જોતાં મહેસૂસ થાય છે કે દેવ આનંદે તેમના સમયથી બહુ પહેલાં એ કહાનીને ઓળખી લીધી હતી, જેને સમજતા દુનિયાને વાર લાગી. દેવ આનંદની જો કોઈ એક ફિલ્મની રિમેક કરવી હોય, તો તે `દેશ પરદેશ' છે. તેમાં અમુક જરીપુરાણી અને મસાલા શૈલીને બાદ કરીને.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
