થોડા દિવસ પહેલાં, `ઇન્ડિયન આઇડલ'માં આવેલી એક્ટ્રેસ જયાપ્રદાએ 1979ની તેમની ફિલ્મ `સરગમ'ના મશહૂર ગીત `ડફલી વાલે ડફલી બજા' બાબતે એક દિલચસ્પ વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, આ ગીત છેલ્લી ઘડીએ ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યું હતું. ફિલ્મ અને તેનાં છ ગીતોનું શૂટિંગ પૂરું થઇ ગયું હતું અને વધુ ગીત માટે જગ્યા નહોતી રહી. એટલે ફિલ્મના લેખક-નિર્દેશક કે. વિશ્વનાથે `ડફલી વાલે' ગીતને બાકાત રાખવાનું નક્કી કર્યું હતું.

જયાજીના કહેવા પ્રમાણે ફિલ્મના નિર્માતા એન. એન. સિપ્પીને લાગ્યું હતું કે આ ગીત ખરાબ નથી અને તેનું રેકોર્ડિંગ પણ થઇ ગયેલું હતું એટલે તેમણે અને ટીમના સભ્યોએ આગ્રહ કર્યો કે આપણે તેને શૂટ કરી જ લઈએ. ફિલ્મનું શૂટિંગ પૂરું પણ થઇ ચૂક્યું હતું અને છેક છેલ્લા દિવસે ઉતાવળે (એક જ દિવસમાં) આ ગીત શૂટ કરવામાં આવ્યું હતું.

અંતત: આ જ ગીત `સરગમ'નું સૌથી લોકપ્રિય ગીત સાબિત થયું. ત્યાં સુધી કે થિયેટરમાં દર્શકો ફિલ્મને અટકાવીને આ ગીતને ફરીથી બતાવવા માટે આગ્રહ કરતા હતા. વર્ષો પછી સંગીતબેલડી વિશાલ-શેખરે ફિલ્મ `સ્ટુડન્ટ ઓફ ધ યર'ના ગીત `રાધા'માં અંતરાલ તરીકે `ડફલી વાલે' ગીતનો ઉપયોગ કર્યો હતો. આજે પણ આ ગીત એટલું જ તાજું અને

લોકપ્રિય છે.

લક્ષ્મીકાંત-પ્યારેલાલ અને આનંદ બક્ષીની જોડીએ `સરગમ'માં બહેતરીન ગીતો બનાવ્યાં હતાં (ફિલ્મની કથામાં જ ગીત-સંગીત કેન્દ્રમાં હતું), પણ આ ગીતની વિશેષતા તેની ડફલી હતી. લોકવાદ્ય હોવાથી ડફલી આપણી અંદર અનેક ઉત્સવો, મેળાઓ અને પ્રદર્શનોની સ્મૃતિઓને જગાડી દે છે. ફિલ્મમાં લોકસંગીત અને મુખ્ય ધારાની ફિલ્મી ધૂનનો એવો સંગમ છે, જે ગામ અને શહેર બંનેની સંવેદનાઓને એકસાથે સ્પર્શે છે.

લતા મંગેશકર અને મોહમ્મદ રફીની જોડીનો અવાજ આ ગીતને સુંદર બનાવે છે. રફીની ચંચળતા અને લતાની મધુર ગરિમા સાથે મળીને માત્ર ગીત જ નથી ગાતી, પરંતુ એક હળવી છેડછાડ ભરેલી વાતચીત પણ રચી દે છે. ગીતનો રોમાન્સ ભારે કે દુ:ખદ નથી, તેમાં નિર્દોષ શરારત છે, પ્રેમની સહજ સાર્વજનિક અભિવ્યક્તિ છે, જે તેને લગ્ન, ઉત્સવો અને મંચ પરથી પ્રસ્તુત કરવા માટે સરળતાથી યોગ્ય બનાવી દે છે.

ગીત જયાપ્રદા અને રિશિ કપૂર પર ફિલ્માવાયું છે. બંને આ ગીતમાં એટલાં સહજ છે કે લાગે નહીં કે અભિનય કરી રહ્યાં છે. તેમના પર્ફોર્મન્સમાં એક એવો સ્વાભાવિક આનંદ દેખાય છે, જેમ કોઈ સડકના કિનારે યુગલ લોકગીત ગાતું હોય. ઇન ફેક્ટ, રિશિ કપૂરે એટલી તલ્લીનતાથી ડફલી વગાડી હતી કે ઘડીભર દર્શકોને લાગે પણ નહીં કે લક્ષ્મી-પ્યારેની ટીમમાંથી કોઈએ વગાડી છે.

`સરગમ' રિલીઝ થઇ ત્યારે પોસ્ટરો પર ડફલીની જ તસવીર હતી, જેના પર રિશિનો હાથ અને જયાના માથું ટેકવેલું હતું. જયા પ્રદાની આ પહેલી હિન્દી ફિલ્મ. `સરગમ' મૂળ તેલુગુ ફિલ્મ `સિરિ સિરિ મુવ્વા'ની રિમેક હતી. જયાએ તેલુગુમાં પણ આ જ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.

રિશિ ત્યારે બહુ મોટો સ્ટાર હતો. નિર્માતા એન. એન. સિપ્પીએ એક નવોદિત હિરોઈન સાથે સ્થાપિત સ્ટારને લઈને જુગાર જ ખેલ્યો હતો. વધારામાં ફિલ્મમાં છોકરી (હેમા) મૂંગી છે અને છોકરો (રાજુ) ડફલી વગાડીને ટાઈમ પાસ કરતો એક ગામડિયો. ગામડાંનાં પ્રેમીઓ પર પહેલાં પણ ફિલ્મો બની છે, પણ અહીં રિશિ કપૂર કોઈ રીતે ગામડિયો ન લાગે અને સામે તદ્દન નવી હિરોઈનનું જોખમ હતું. દર્શકો આ જોડીને ન સ્વીકારે તો?

કે. વિશ્વનાથને તેમની કહાની અને તેના સંગીતમાં વિશ્વાસ હતો અને એટલે જ `સરગમ' સિત્તેરના દાયકાની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઇ. કહાનીના સ્તરે એમાં કશું નવું નહોતું. એક નિરાશ છોકરી, તેની અત્યાચારી સાવકી મા, તેનો બિચારો પણ નૈતિક રીતે સશક્ત પિતા અને એક ગામડિયો ભાઈબંધ. આવી અનેક વાર્તાઓ આવી ગઈ હતી.

નવું હતું છોકરીના મૂંગા હોવું અને તેની નૃત્ય કળા. સિનેમા મોટાભાગે ડ્રામાનું માધ્યમ છે અને એટલે તેમાં સંવાદોની ભૂમિકા મોટી હોય છે. આપણે તેને પૈસા વસૂલ ડાયલોગ કહીએ છીએ, પણ અહીં તો હિરોઈન બોલતી નહોતી અને કોઈ બોલે તે સાંભળતી પણ નહોતી, પણ નિર્દેશકે તેને કમજોરી તરીકે નહીં, પરંતુ તેની સંવેદનશીલતા અને અાંતરિક શક્તિ તરીકે પ્રસ્તુત કરી હતી. હેમા તેની લાગણીઓને તેના નૃત્ય મારફતે વ્યક્ત કરતી હતી. દર્શકો તેના દુ:ખને શબ્દો મારફતે નહીં, પણ તેની આંખો, હાવભાવ અને નૃત્ય દ્વારા અનુભવે છે. આ ચુપ્પી દર્શકો અને હેમા વચ્ચે એક ગહન ભાવનાત્મક પુલ બનાવી દે છે.

અને એટલે જ કહાનીનું નામ `સરગમ' રાખવામાં આવ્યું હતું. સંગીત તેનો આત્મા હતો. લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત ફક્ત બેકગ્રાઉન્ડમાં નહોતું, તે કહાનીનો સક્રિય હિસ્સો હતું. `ડફલી વાલે', `હમ તો ચલે પરદેશ', `રામજી કી નિકલી સવારી', `મુઝે મત રોકો, મુઝે ગાને દો', `પરબત કે ઉસ પાર', `કહાં તેરા ઇન્સાફ હૈ' અને `કોયલ બોલી' જેવાં ગીતોએ એક સાધારણ કહાનીને ઊંચાઈ પર લઇ જવાનું કામ કર્યું હતું.

`સરગમ'ની હેમા બહેરી-મૂંગી હોવા છતાં બિચારી નહોતી. તે તેની ભાવનાઓમાં દૃઢ હતી. તેને કોઈની (દર્શકોની પણ નહીં) દયા જોઈતી નહોતી. એક દૃશ્યમાં તે કૃષ્ણ ભગવાનની મૂર્તિ પરથી માળા ઉઠાવીને તેના મિત્ર રાજુ સમક્ષ વિવાહનો પ્રસ્તાવ મૂકે છે તે તેની આંતરિક શક્તિનું પ્રતીક છે. મજાની વાત એ છે કે દિવ્યાંગ પાત્રોવાળી બાકી ફિલ્મોમાં કહાનીના અંતે તે તેમની સાંભળવાની કે બોલવાની કે જોવાની શક્તિ પાછી મેળવતા હોય છે, પણ `સરગમ'ની હિરોઈન છેક સુધી એવી જ રહે છે, જે બતાવે છે કે નિર્દેશક તેની નૃત્ય કળાના આધારે જ તેને સશક્ત બતાવવા માંગતા હતા.

હેમા પરંપરાગત હિરોઈન નહોતી. ફિલ્મની શરૂઆતમાં તેને પ્રકૃતિ સાથે સંવાદ કરતી બતાવી હતી. તે તેના મૌન વડે પક્ષીઓને બોલાવતી હતી અને તે ઉત્તર આપે એટલે આનંદથી નૃત્યમાં લીન થઇ જતી હતી. થોડી ક્ષણો પછી તે ઘરકામ કરતી, કીચડમાં ફસાયેલી અને લયાત્મક રીતે ઝૂમતી, પગને તાલીમ આપતી નજર આવે છે. હેમા દિવ્યાંગ છે,

છતાં નિર્દેશકે તેને એવી રીતે પેશ કરી હતી જાણે વિવાહ માટે સૌથી આદર્શ હોય, સુંદર, સુશીલ અને ઘરેલું.

હેમા માટે તેનાં ઘુંઘરૂ સર્વસ્વ છે. હિન્દી ફિલ્મોમાં ઘુંઘરૂનો સંબંધ તવાયફો સાથે રહ્યો છે - બંધનનો, મજબૂરીનો અને દુ:ખનો. `સરગમ' એવી દુર્લભ ફિલ્મ છે જ્યાં હિરોઈન માટે ઘુંઘરું તેની સ્વતંત્રતા અને શક્તિનું સાધન છે (દેવ આનંદની `ગાઈડ' ફિલ્મમાં વહીદા રહેમાન માટે ઘુંઘરુંનો અર્થ મુક્તિ હતો). ઘુંઘરુંની ગુંજ સાચે જ હેમાનો અવાજ બની જાય છે.

નૃત્ય કરતાં જ તે જાણે જીવંત થઇ જાય છે. ફૂલ ખીલી ઊઠે છે. સૂરોથી આકાશ ગુંજી ઊઠે છે અને હેમા એક આધ્યાત્મિક ઊંચાઈ પર પહોંચી જાય છે. એટલા માટે જ `સરગમ' જોવાની, મહેસૂસ કરવાની ફિલ્મ હતી.

આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો