પત્નીની હત્યા કરનાર પોઝ્નીશેફ (ટોલ્સ્ટોયની લઘુનવલ `ક્રોત્ઝર સોનાટા'નો નાયક) એક ટ્રેનયાત્રા દરમિયાન કોઈ અજાણ્યા સહયાત્રીને આખી ખૂનકથા કહેતી વખતે પોતાના લગ્નસંબંધમાંની ઇર્ષ્યાનું વર્ણન કરતી વખતે કહે છે કે પારકો પુરુષ એની પત્ની સાથે હસીને વાત કરે ત્યારે એને એવું લાગતું જાણે (પોતે જે રીતે લગ્ન પહેલાં સ્ત્રીઓને જોતો એ રીતે) પેલો લંપટ પુરુષ એની પત્નીના શરીરને જોવાનું સુખ માણી રહ્યો હોય.
ખૂનીનું આગળનું બયાન
`આ જલન અસહ્ય હોય છે. એકવાર મને એવી શંકા જાય કે આ માણસ મારી પત્નીને વાસનાભરી નજરે જોઈ રહ્યો છે ત્યાર પછી જિંદગીમાં ક્યારેય એ માણસને હું એક સામાન્ય મનુષ્ય તરીકે જોઈ શકતો નથી.
`રહી વાત પત્નીની. હું જ્યારે જ્યારે ઇર્ષ્યા અનુભવું ત્યારે ત્યારે એ મારી નજરમાં ઊતરતી જાય. હું એને વધુ ને વધુ ગંદી ગણવા લાગું અને મારી પત્ની જાણે પેલી `એક હજાર એક રાત્રિ'ની વાર્તાની રાણીની માફક મારા જ ચાકરો સાથે સંબંધ બાંધીને મારી જ સામે હસતી હોય એવી કલ્પનાઓ હું કરવા લાગતો. (ફરી કહીશ, આ બધી જ પાયાવિહોણી ઇર્ષ્યાના કિસ્સા હતા, વાસ્તવમાં મારી પત્ની કોઈ પુરુષ સાથે સંકળાઈ નહોતી).
આવું જ પત્નીના પક્ષે થતું. ઇર્ષ્યા અનુભવવાનાં મારી પાસે જેટલાં કારણો હતાં એના કરતાં મારી પત્ની પાસે હજાર ગણાં વધુ કારણો હતાં, કારણ કે એ મારો ભૂતકાળ જાણતી હતી (લગ્ન પહેલાંના મારા રંગીન અને વ્યભિચારી ભૂતકાળ વિશે હું એને કહી ચૂક્યો હતો) અને એ જ્યારે ઇર્ષ્યા અનુભવતી ત્યારે એનું વર્તન મારા કરતાં વધુ ખરાબ રહેતું. એની ઇર્ષ્યાને કારણે મારે આકરી પીડા વેઠવી પડતી.
એ પરિસ્થિતિનું વર્ણન હું કંઈક આવી રીતે કરી શકું. અમારી વચ્ચે બધું મહદંશે સમુંસૂતરું ચાલતું હોય. હું ખુશ અને સંતુષ્ટ હોઉં અને અચાનક કોઈ સાવ સામાન્ય વાતે, જેમાં અગાઉ અમારી વચ્ચે સહમતિ હોય એવા કોઈ મુદ્દે એ મારી સાથે અસહમત થાય. ખાસ તો એ ચિડાઈ જાય. પછી હું વિચારું કે યા તો એનું મગજ ફટકી ગયું છે અથવા તો ખરેખર હવે એનો અભિપ્રાય બદલાયો છે (જે તે મુદ્દે હવે એ ખરેખર મારી સાથે અસહમત છે). પછી અમે વાતને વાળી લઈએ. બીજા કોઈ મુદ્દાની વાત શરૂ કરીએ, પણ એ ફરી ચિડાય. હું ગૂંચવાઉં. હું એની નારાજગીનું કારણ શોધું. મને સમજાય જ નહીં કે એ મારાથી નારાજ શા માટે છે. એ કશું બોલે નહીં. ખાલી હા-નામાં જ જવાબો આપે. મેં કોઈ ભૂલ કરી હોવાના સંકેતો આપે. પછી ધીમેધીમે છેવટે મને સમજાય કે આ આખી વાતના મૂળમાં એ વાત છે કે હું એની કોઈ પિતરાઈ બહેન સાથે બગીચામાં ચાલવા ગયેલો. એની એ બહેન સાથે મારે કશી જ લેવાદેવા ન હોય અને છતાં હું પત્નીને એવું પણ પૂછી ન શકું કે હું પેલી જોડે બગીચામાં ગયેલો એટલે તું ભડકેલી છે કે શું? જો હું આ વાત પૂછું તો એની શંકા વધુ મજબૂત બને. હું એને ફેરવી ફેરવીને પૂછું, પણ એ જવાબ ન આપે. એને અંદરખાને સમજાઈ જાય કે એની પિતરાઈ બહેન સાથે હું ફરવા ગયેલો એને કારણે એ નારાજ છે એ આખી વાત હું સમજી રહ્યો છું. એની નારાજગીનું કારણ હું સમજું છું એવું વિચાર્યા બાદ એની શંકા વધુ દૃઢ બને.
`શું થયું છે તને?' હું પૂછું.
એ કહે, `મને કશું નથી થયું. હુ મજામાં જ છું.' પછી અચાનક જાણે એ કોઈ પાગલ સ્ત્રી હોય એમ સાવ મોંમાથા વિનાની વાત કરે અને મારા પ્રત્યે ભયંકર ધિક્કાર વ્યક્ત કરે.
ઘણીવાર હું ધીરજપૂર્વક એને સાંભળી લઉં, પરંતુ ક્યારેક હું વળતો ગુસ્સો કરું. પછી એ મારા માટે અત્યંત અપમાનજનક વાતો કહે અને એણે ધારી લીધેલા મારા `ગુનાઓ' વિશે બેફામ-બેહદ વાતોનું પૂર છૂટે એના મુખમાંથી. પછી હીબકાં, આંસુ અને એ ઘરના કોઈ ખૂણામાં ભરાઈ જાય. મારે એને શોધવી પડે. લોકો સામે, બાળકો સામે હું ક્ષોભજનક સ્થિતિમાં મુકાઉં, પણ હું કંઈ ન કરી શકું. મને એવું લાગે કે એ કંઈ પણ કરી બેસશે. હું દોડાદોડી કરું અને છેવટે એને શોધી કાઢું. પછી અનેક રાતો સુધી અમે ત્રાસ વેઠીએ, અમારાં મગજની નસો ખેંચાઈ જાય, અમે એકમેક સામે અત્યંત ભયંકર આક્ષેપોનો મારો કર્યા બાદ અમે એકબીજાને મનાવીએ.
ઇર્ષ્યા, હા, કારણ વિનાની ઇર્ષ્યા અમારા લગ્નજીવનમાં પહેલેથી જ કાયમી સંગાથી રહી. એમાં પણ બે તબક્કે આ ઇર્ષ્યાએ મને બહુ પીડ્યો. પહેલો તબક્કો આવ્યો પ્રથમ સંતાનના જન્મ પછી. થયું એવું કે ડોક્ટરે કહી દીધું કે મારી પત્ની સ્તનપાન કરાવી શકે તેમ નથી. પછી મારામાં જાગી ઇર્ષ્યા. એનું પહેલું કારણ એ કે મારી પત્ની અચાનક ચંચળ બની ગઈ. એણે એવું માની લીધું કે જિંદગીમાં અચાનક રૂટિન બદલાઈ જાય ત્યારે આવું થવું, બેચેની અનુભવવી, ચંચળ બની જવું એ તો સહજ ગણાય. એથી વધુ ઇર્ષ્યા મેં એ વાતે અનુભવી કે સ્તનપાન ન કરાવવા બાબતે મારી પત્ની તરત માની ગઈ. અસલમાં એ તંદુરસ્ત જ હતી અને સ્તનપાન કરાવી જ શકે તેમ હતી. પછીનાં બધાં સંતાનોને એ સ્તનપાન કરાવી જ શકેલી, પણ પ્રથમ સંતાનના જન્મ બાદ જે ઝડપથી અને સહજતાથી એ સ્તનપાન અટકાવી દેવા તૈયાર થઈ ગઈ, એ જોઈને મારા મનમાં એ વાતે ઇર્ષ્યા જાગી કે આ તો જે રીતે સ્તનપાનની જવાબદારી ફગાવી શકી એટલી જ સહજતાથી વૈવાહિક ફરજો પણ ફગાવી શકે. આ જે લોચો પડ્યો એના પાયામાં હતા ડોક્ટર.'
`મને એવું લાગે છે કે ડોક્ટરો પ્રત્યે તમને દુર્ભાવ છે.' મેં (અજાણ્યા સહયાત્રીએ પોઝ્નીશેફને) પૂછ્યું.
`ભાવ-દુર્ભાવનો સવાલ નથી. મુદ્દો એ છે કે ડોક્ટરોએ અન્ય હજારો લોકોની જેમ અમારી જિંદગી પણ બરબાદ કરી. એમને પૈસા કમાવામાં રસ હોય છે.
એ જો અમારા વૈવાહિક જીવનથી છેટા રહે તો હું મારી અડધી આવક એમને આપી દેવા તૈયાર છું. મારી જેમ બીજાઓ પણ એમને છેટા રહેવા માટે પૈસા આપવા તૈયાર થઈ જાય. ડોક્ટરો કરે શું? બાળક જન્મી શકે તેમ હોય તો પણ એમને જરા પણ શંકા જતાં તરત ગર્ભપાત કરાવવાની સલાહ આપી દે. આવી રીતે કેટલી બધી (ભ્રૂણ) હત્યાઓ એમણે કરી હશે એનો કોઈ હિસાબ જ નથી. ડોક્ટરોને ચોતરફ જીવાણુ જ દેખાય. એમનું ચાલે તો એ બધા લોકોને ચેપથી બચાવવા એકમેકથી અળગાં રાખે અને સૌનાં મોંમાં ફેનિક એસિડની સિરિંજ ખોસેલી રાખે. સૌથી વધુ તો એમણે બગાડી છે સ્ત્રીઓને. (ડોક્ટરોના પ્રભાવને કારણે) હવે તો કોઈને એવું પણ નથી કહી શકાતું કે તમારી જીવનશૈલી ખોટી છે, પહેલાં એ તો સુધારો. ડોક્ટરો તો બસ સીધા 35 કૉપેકની ફી ચાર્જ કરે અને લખી આપે દવા. તમારે દવાઓ ગળ્યા કરવાની. તમારી હાલત વધુ બગડે. એટલે વધુ દવાઓ. મસ્ત ધંધો છે ડોક્ટરોનો, પણ છોડો, ડોક્ટરોને છોડીને મૂળ વાત પર આવીએ. (ક્રમશઃ)
***
ડોક્ટરો વિશેના નાયકના અને ખાસ તો લેખક ટોલ્સટોયના આકરા વિચારો પાછળ એમના અંગત અનુભવો તથા એમની આત્યંતિક ફિલોસોફી કામ કરતી હોઈ શકે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
