જૌનપુરના એક નાનકડા ગામ કિલ્લાપુરનાં શાંત ખેતરોમાં જ્યારે 1967માં પ્રેમચંદ શર્માના ઘરે એક બાળકનો જન્મ થયો, ત્યારે કોઈએ કલ્પના પણ નહોતી કરી કે આ બાળક એક દિવસ આખા ઉત્તર પ્રદેશના પોલીસ તંત્ર અને રાજકારણ માટે માથાનો દુખાવો બની જશે. પ્રેમચંદે પોતાના દીકરાનું નામ પ્રેમપ્રકાશ રાખ્યું હતું, જે પાછળથી ગુનાખોરીની દુનિયામાં `મુન્ના બજરંગી' તરીકે કુખ્યાત થયો. મુન્નાના બાળપણમાં કોઈ ખાસ વિલક્ષણતા નહોતી, પણ તેના લોહીમાં એક અજીબ પ્રકારની ઉતાવળ અને સત્તા મેળવવાની લાલસા હતી. પાંચમા ધોરણ સુધી માંડ ભણેલા મુન્નાએ પુસ્તકો છોડીને નાની ઉંમરે જ હથિયારો પકડી લીધાં હતાં. જૌનપુરના એ પછાત વિસ્તારોમાં એ સમયે ગરીબી અને બેરોજગારી વચ્ચે બાહુબલીઓનો પ્રભાવ વધી રહ્યો હતો અને કિશોરાવસ્થામાં રહેલો પ્રેમપ્રકાશ આ ચમકદમકથી અંજાઈ ગયો હતો. માત્ર 14 વર્ષની ઉંમરે જ્યારે બાળકો રમતગમતમાં વ્યસ્ત હોય, ત્યારે મુન્ના પર મારપીટ અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો પ્રથમ ગુનો નોંધાયો હતો. આ તો માત્ર શરૂઆત હતી, કારણ કે જૌનપુરની ગલીઓ તેને નાની પડતી હતી અને તેની નજર વારાણસી અને પૂર્વાંચલના એ સત્તાકેન્દ્રો પર હતી, જ્યાં બંદૂકની ગોળીથી કિસ્મત લખાતી હતી. તેના શરૂઆતના ગુનાઓએ પોલીસ ડાયરીમાં તેની હાજરી નોંધાવી દીધી હતી, પણ હજુ મોટું મેદાન બાકી હતું.
મુન્ના બજરંગીના ગુનાહિત સફરનો અસલી વળાંક ત્યારે આવ્યો, જ્યારે તે 1980ના દાયકામાં તે સમયના બાહુબલી ગજરાજ સિંહના સંપર્કમાં આવ્યો. ગજરાજ સિંહ એ સમયે પૂર્વાંચલના ગુનાખોરીના બેતાજ બાદશાહ ગણાતા હતા. તેમની છત્રછાયા હેઠળ મુન્નાએ અપરાધની દુનિયાની એ બારીકીઓ શીખી, જે તેને આગળ જઈને એક મોટો શાર્પશૂટર બનાવવાની હતી. તે સમયે ગેંગ્સ વચ્ચે ટેન્ડરો અને કોન્ટ્રાક્ટ મેળવવાની હોડ જામતી હતી, જેમાં મુન્નાની રાઈફલ સૌથી વધુ અવાજ કરતી હતી. 1984માં મુન્નાએ પહેલી મોટી હત્યા કરી. એક જમીન વિવાદમાં એક જાણીતા વેપારીની હત્યા કરીને તેણે સાબિત કરી દીધું કે તેના હાથ લોહીથી ખરડાતા ધ્રૂજતા નથી. આ એક ખૂન બાદ તો લાશોનો એવો સિલસિલો શરૂ થયો કે પોલીસ રેકોર્ડમાં મુન્ના બજરંગી નામ લાલ અક્ષરે લખાવા લાગ્યું, પરંતુ મુન્ના માત્ર એક ગુંડો બનીને રહેવા નહોતો માંગતો, તેને જોઈતું હતું એક મજબૂત રાજકીય પીઠબળ અને સંગઠિત ગેંગ. એ સમયે પૂર્વાંચલમાં બ્રિજેશ સિંહ અને મુખ્તાર અંસારી વચ્ચે વર્ચસ્વની લડાઈ ચરમસીમાએ હતી. મુન્નાએ મુખ્તાર અંસારીનો હાથ પકડવાનું નક્કી કર્યું, કારણ કે મુખ્તાર પાસે માત્ર પૈસા જ નહીં, પણ રાજકીય વગ પણ હતી. મુખ્તાર અંસારી સાથેની આ જુગલબંધીએ ઉત્તર પ્રદેશના અપરાધ ઇતિહાસમાં સૌથી ભયાનક અને રક્તરંજિત પ્રકરણની શરૂઆત કરી, જેમાં મુન્ના મુખ્ય `શૂટર' તરીકે ઊભરી આવ્યો.
90ના દાયકાના અંત સુધીમાં મુન્ના બજરંગી પૂર્વાંચલનો સૌથી મોટો શાર્પશૂટર બની ચૂક્યો હતો. પૂર્વાંચલના રેલવે ટેન્ડરો, કોલસાની ખાણો અને સરકારી પ્રોજેક્ટ્સ પર મુખ્તાર અંસારીની ગેંગનું એકહથ્થુ શાસન સ્થાપિત કરવામાં મુન્નાની ગોળીઓનો મોટો ફાળો હતો. તેના નામે સરકારી કોન્ટ્રાક્ટરો, કોલસાના વેપારીઓ અને રેલવેના ટેન્ડરોમાં ખંડણી ઉઘરાવવાનું કામ ચાલતું હતું. મુખ્તાર અંસારીના કહેવા પર મુન્નાએ અનેક વિરોધીઓને રસ્તામાંથી હટાવ્યા હતા, જેના કારણે તેના વિરોધીઓની યાદી પણ લાંબી થતી જતી હતી, પરંતુ મુન્ના બજરંગીના જીવનની સૌથી ચકચારી અને હૃદયદ્રાવક ઘટના 29 નવેબર, 2005ના રોજ બની, જેણે ભારતની સંસદ સુધી પડઘા પાડ્યા. ગાઝીપુરના ભાજપના ધારાસભ્ય કૃષ્ણાનંદ રાય મુન્ના અને મુખ્તાર માટે મોટી મુસીબત બની રહ્યા હતા, કારણ કે તેમણે અંસારી ગેંગના વર્ચસ્વને પડકાર્યું હતું.
29 નવેમ્બરની એ સાંજે જ્યારે કૃષ્ણાનંદ રાય એક કાર્યક્રમમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા, ત્યારે લખનૌના હાઈ-પ્રોફાઈલ વિસ્તારમાં અંસારી અને મુન્ના બજરંગી તથા તેના સાથીઓએ એકે-47 જેવી આધુનિક રાઈફલોથી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું. એવું કહેવાય છે કે આ હુમલામાં 400થી વધુ રાઉન્ડ ગોળીબાર થયો હતો, જે ઉત્તર પ્રદેશના ઈતિહાસમાં અભૂતપૂર્વ હતો. રસ્તા પર લોહીની નદીઓ વહી હતી અને ગાડીમાં સવાર સાત લોકોનાં સ્થળ પર જ મોત થયાં હતાં. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ માત્ર કૃષ્ણાનંદ રાયના શરીરમાંથી જ 67 ગોળીઓ મળી આવી હતી, જે દર્શાવતું હતું કે હુમલાખોરોમાં કેટલી નફરત અને ક્રૂરતા ભરેલી હતી. આ હત્યાકાંડે આખા દેશને હચમચાવી દીધો હતો અને મુન્ના બજરંગી રાતોરાત ભારતનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ અને પોલીસ માટે સૌથી મોટો પડકાર બની ગયો.
કૃષ્ણાનંદ રાયની હત્યા બાદ મુન્ના બજરંગી પર સાત લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું, જે એ સમયે કોઈ પણ ગુનેગાર પરનું સૌથી મોટું ઈનામ હતું. ઉત્તર પ્રદેશ પોલીસ અને એસટીએફ (STF)ની હજારો ટીમો તેને શોધી રહી હતી, પણ મુન્ના ખૂબ જ શાતિર હતો. તે મુંબઈ ભાગી ગયો અને ત્યાં મલાડ વિસ્તારમાં વેશપલટો કરીને એક મધ્યમવર્ગીય નાગરિકની જેમ રહેવા લાગ્યો. તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતું અને તે સોફ્ટવેર એન્જિનિયર કે વેપારી જેવો દેખાવ કરીને ફરતો હતો. વર્ષો સુધી પોલીસ તેને શોધી શકી નહીં, કારણ કે તે કોઈની સાથે ફોન પર વાત કરવામાં પણ સાવચેતી રાખતો હતો, પરંતુ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આખરે 2009માં ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેને ટ્રેસ કર્યો.
ઓક્ટોબર 2009માં મુંબઈના એક અપાર્ટમેન્ટમાંથી જ્યારે મુન્નાની ધરપકડ કરવામાં આવી, ત્યારે તે એક સામાન્ય નાગરિક જેવો દેખાતો હતો, પણ તેની આંખોમાં હજુ પણ એ જ ખૂંખાર ચમક અને સિસ્ટમ સામેની અવગણના હતી. ધરપકડ બાદ તેને જેલમાં મોકલવામાં આવ્યો, પણ જેલના સળિયા મુન્નાના ગુનાહિત સામ્રાજ્યને રોકી શક્યા નહીં. જેલની અંદર બેઠાં બેઠાં પણ તે સ્માર્ટ ફોન અને ઈન્ટરનેટની મદદથી ખંડણીના નેટવર્કને ચલાવતો રહ્યો. 2012માં જેલમાં રહીને જ તેણે પોતાની રાજકીય પકડ સાબિત કરવા માટે ચૂંટણી લડવાનો પ્રયાસ પણ કર્યો, જોકે જનતાએ તેને સ્વીકાર્યો નહીં. તેના ભયનો આલમ એવો હતો કે જેલની બહાર રહેલા મોટા મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ તેના એક ફોન કોલ પર લાખો રૂપિયાની રકમ પહોંચાડી દેતા હતા.
મુન્ના બજરંગીના જીવનનો અંત પણ એટલો જ ફિલ્મી અને લોહિયાળ રહ્યો, જેટલું તેનું જીવન હતું. 9 જુલાઈ, 2018ની એ સવાર બાગપત જેલના ઈતિહાસમાં ક્યારેય ન ભુલાય તેવી સાબિત થઈ. મુન્નાને એક ખંડણીના કેસની સુનાવણી માટે ઝાંસી જેલથી બાગપત જેલ લાવવામાં આવ્યો હતો. તેની પત્ની સીમા સિંહે થોડા દિવસ પહેલાં જ એક પત્રકાર પરિષદમાં આશંકા વ્યક્ત કરી હતી કે તેના પતિનું જેલમાં એન્કાઉન્ટર કે હત્યા થઈ શકે છે. જેલના સખત પહેરા વચ્ચે, સવારના સમયે જ્યારે મુન્ના જેલના અંદરના ભાગમાં ચા પીવા માટે નીકળ્યો હતો, ત્યારે બીજા એક કુખ્યાત ગેંગસ્ટર સુનીલ રાઠીએ તેને અટકાવ્યો.
બંને વચ્ચે થોડી વાતચીત થઈ અને અચાનક સુનીલે છુપાવી રાખેલી પિસ્તોલ કાઢીને મુન્ના પર ગોળીઓ ચલાવી દીધી. જેલના અંદરના સુરક્ષિત કહી શકાય તેવા એરિયામાં દસ ગોળીઓ મુન્નાના શરીરમાં ધરબી દેવામાં આવી, જેમાંની મોટાભાગની તેના માથા અને છાતીમાં વાગી હતી. પૂર્વાંચલનો એ ડોન જેણે આખી જિંદગી બીજાની છાતીમાં ગોળીઓ મારી હતી, તેનું મૃત્યુ પણ ગોળીઓથી જ થયું. મુન્નાના મૃત્યુ બાદ જેલ પ્રશાસન, પોલીસ અને તત્કાલીન સરકાર પર અનેક સવાલો ઊઠ્યા. જેલની અંદર હથિયાર કેવી રીતે પહોંચ્યું? સીસીટીવી કેમેરા કેમ બંધ હતા? આવા અનેક પ્રશ્નો હજુ પણ વણઉકલ્યા છે. એવું મજબૂતપણે માનવામાં આવે છે કે મુન્નાની હત્યા પાછળ મોટાં રાજકીય ષડ્યંત્રો અને આંતરિક ગેંગવોર જવાબદાર હતાં, કારણ કે મુન્ના પાસે એવાં ઘણાં રહસ્યો હતાં, જે અદાલતમાં બહાર આવે તો પૂર્વાંચલના અનેક મોટા રાજકારણીઓની કરિયર ખતમ થઈ શકે તેમ હતી.
મુન્ના બજરંગીની વાર્તા એ માત્ર એક ગુનેગારની વાર્તા નથી, પણ એ એક આખી સડેલી સિસ્ટમની નિષ્ફળતાની કથા છે. એક સામાન્ય ખેડૂતનો દીકરો કેવી રીતે હથિયારોના દમ પર રાજ્યની સત્તાને પડકારી શકે છે અને કેવી રીતે રાજકારણ અને અપરાધનું અશુભ ગઠબંધન લોકશાહીને કલંકિત કરે છે, તે મુન્નાના જીવન પરથી સમજાય છે. જૌનપુરની કાળી માટીમાંથી શરૂ થયેલી એ સફર બાગપત જેલની લોહીથી ભીંજાયેલી ફર્સ પર પૂરી થઈ. મુન્નાએ પોતાના 20 વર્ષના ગુનાહિત જીવનકાળમાં જેટલું સન્માન અને સત્તા હથિયારોથી મેળવી હતી, અંતે એ જ હથિયારોએ તેનું નામોનિશાન મિટાવી દીધું.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો