2021ના ઑક્ટોબરનો મહિનો હતો અને સિનેમાગૃહો તથા નાટ્યગૃહો ખૂલી રહ્યાં હતાં. આગલા દોઢ વર્ષમાં વચ્ચે એકવાર અડધાંપડધાં ખૂલેલાં, તરત ફરી પાછાં બંધ કરી દેવાં પડ્યાં. ફરી ક્યારેય સિનેમાઘરો બંધ ન થાય એવી ભગવાનને પ્રાર્થના.
કોરોના નહીં તો એના કઝિન્સ આવ્યા જ કરવાના છે આ નવી દુનિયામાં. એક અનિવાર્ય દૂષણ તરીકે સ્વીકારી લેવાની આ પરિસ્થિતિને. વૈજ્ઞાનિકો, આયુર્વેદાચાર્યો અને સરકારો આ પ્રકારની મહામારીઓનો સામનો કરવા જે કંઈ નવાં-જૂનાં પગલાં લે તેને સમજપૂર્વક સ્વીકારતાં જવાનું. દરમ્યાન શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે-ઇમ્યુનિટી વધે એ માટે જે કંઈ કરવું પડે તે કરતા રહેવાનું અને પેન્ડેમિકમાં માસ્ક, સેનેટાઇઝેશન તથા ફિઝિકલ ડિસ્ટન્સિંગના ત્રણ નિયમોનું ચુસ્ત પાલન કરવાનું. બાકીનું હરિ ઇચ્છા પર છોડીને અગાઉ જે રીતે જીવતા હતા તે રીતે જીવવાનું શરૂ કરી દેવાનું.
અગાઉ કેવી રીતે જીવતા હતા? સારાં-નઠારાં, ખૂબ સારાં પિક્ચરો-નાટકો જોવા જતા. એ બધા કાર્યક્રમો પણ કોરોના પછી શરૂ થઈ ગયા.
એ સમયે સિનેમાનાં થિયેટરોમાં નવી ફિલ્મો રિલીઝ કરવા માટે પ્રોડ્યુસરોની લાંબી લાઇન લાગી હતી. થિયેટરો ખૂલ્યાં પછી અઠવાડિયાં-બે અઠવાડિયાંમાં બધું રાબેતા મુજબ થઈ ગયું હતું. 2021ના બેસતા વર્ષે 5 નવેમ્બરના શુક્રવારે, અક્ષયકુમારની `સૂર્યવંશી' રિલીઝ થવાની હતી. કોરોના પહેલાં તૈયાર થઈ ચૂકેલી આ ફિલ્મ રિલીઝ થવાની તૈયારી હતી અને લૉકડાઉન એનાઉન્સ થયું. દોઢેક વર્ષ રાહ જોયા પછી છેવટે રિલીઝ થઈ.
હૉલિવૂડમાં છેલ્લા દોઢેક દાયકામાં ટેલેન્ટનો દુકાળ પડ્યો હોય એવું લાગે છે. નવો ફાલ નવી ફિલ્મો લઈને આવતો જ હશે. દરમ્યાન જૂની ને જાણીતી જેમ્સ બૉન્ડ ફ્રેન્ચાઇઝની નવી ફિલ્મ `નો ટાઇમ ટુ ડાય' (મરવાની ફુરસદ કોને છે?) કોરોના પહેલાંની તૈયાર થઈને પડી હતી. એ પણ ભારતમાં આવી ગઈ. ડેનિયલ ક્રેગની નોટ નોટ સેવન તરીકેની આ પાંચમી અને છેલ્લી ફિલ્મ હતી. શોન કોનેરી પછી અડધો ડઝન ટેલેન્ટેડ તેમજ નોટ-સો ટેલેન્ટેડ અભિનેતાઓ આવી ગયા. ક્રેગ પછી કોઈ ઔર જેમ્સ બૉન્ડ બનશે. કલ ઔર આયેંગે નગ્મોં કી ખિલતી કલિયાં ચુનને વાલે, મુઝસે બેહતર કહને વાલે તુમસે બેહતર સુનને વાલા, સાહિર લુધિયાનવીએ ગાયું હતું.
ઓટીટી પર અને ઘરમાં સીડી/ડીવીડી/બ્લૂ રે જોઈને મન મનાવીએ કે ફિલ્મો જોઈએ છીએ, પણ થિયેટરમાં જઈને મોટા પડદા પર, પ્રોફેશનલ પ્રોજેક્શન અને સાઉન્ડ સિસ્ટમ સાથે મિત્રોની સંગતમાં અને અજાણ્યાઓની ભીડ વચ્ચે બેસીને નવી રિલીઝ થયેલી ફિલ્મો જોવાની મજા કંઈક જુદી જ હોય છે. તમે જ કહો તમને નાનપણથી અત્યાર સુધીમાં થિયેટરોમાં જઈને જોયેલી ફિલ્મો વધારે યાદ છે કે પછી દૂરદર્શન પર કે બીજી ટીવી ચેનલો પર જોયેલી ફિલ્મો કે ઘરમાં વીસીઆર સીડી પ્લેયર વગેરે પર જોયેલી ફિલ્મો વધારે યાદ છે?
કોરોના શરૂ થયા બાદ દોઢેક વર્ષથી નવી હિન્દી ફિલ્મો જોવાની એવી તલબ લાગી હતી કે ન પૂછો વાત. વચ્ચે થિયેટરો ખૂલ્યાં કે તરત જ ઠેઠ જુહૂ પીવીઆર જઈને `રામપ્રસાદ કી તેરહવી' જોઈ આવ્યા હતા બસ એ જ. એ પછી `સૂર્યવંશી' જોઈ. બેસતા વર્ષે ફિલ્મ જોવાની મજા આવે. યશ ચોપરાની છેલ્લી ફિલ્મ `જબ તક હૈ જાન' 2012માં બેસતા વર્ષે રિલીઝ થઈ ત્યારે મૉર્નિંગ મૉર્નિંગમાં દસ વાગ્યાના શોમાં પહોંચી ગયા હતા, પણ ક્યારેક આવા ઉત્સાહ પર પાણી ફરી વળે. અતિ નાની ઉંમરે, અતિ ટેલેન્ટસભર ફિલ્મો બનાવનાર સૂરજ બડજાત્યાની સલમાન ખાનવાળી `પ્રેમ રતન ધન પાયો' એક બેસતા વર્ષે સવારના શોમાં જોઈ ત્યારે આખો દિવસ મૂડ ખરાબ રહ્યો હતો. જોઈએ, 2025ના બેસતા વર્ષે શું થાય છે.
વચ્ચે થોડા વખત પહેલાં નવી હિન્દી ફિલ્મોના વિરહમાં જૂની જૂની ફિલ્મો ઘરમાં જોવાનું શરૂ કર્યું ત્યારે થયું કે હિન્દી ફિલ્મોના ગમતા ટૉપ ટેન દિગ્દર્શકોની યાદી બનાવીએ. ગુરુદત્ત, બિમલ રૉય, રાજ કપૂર, ઋષિકેશ મુખર્જી, વિજય આનંદ, રમેશ સિપ્પી, યશ ચોપરા, રામગોપાલ વર્મા, ઇમ્તિયાઝ અલી, રાજકુમાર હીરાની. દસ થઈ ગયા પણ આ યાદી તો સાવ અધૂરી લાગે. પછી ઉમેરતા ગયા, ઉમેરતા ગયા તો ટૉપ ટેનમાંથી ટૉપ ટ્વેન્ટી ફાઇવ અને ફિફ્ટી પર પહોંચી જવાશે એવું લાગ્યું. કોઈ જાતના ક્રમ વગર જેમ જેમ યાદ આવતા જાય એમ નામ લખાતાં ગયાં. કોઈ ડિરેક્ટરની એકાદ બે ફિલ્મો ગમી હોય, કોઈની લગભગ બધી જ, તો કોઈ ડિરેક્ટર પોતે જ વન ફિલ્મ વન્ડર જેવા હોય. ફિલ્મો ગમી કે નહીં એ જ ક્રાઇટેરિયા. આ માપદંડને આધારે બીજાં ઘણાં નામ ઉમેરાયાં. નીતિન બોસ, શ્યામ બેનેગલ, સંજય લીલા ભણસાલી, આદિત્ય ચોપરા, અનુરાગ કશ્યપ, કરણ જોહર, આશુતોષ ગોવારિકર, કુંદન શાહ, ગોવિંદ નિહલાણી, મણિરત્નમ, પ્રિયદર્શન, ડેવિડ ધવન, ગુલઝાર, શેખર કપૂર, મહેશ ભટ્ટ, પ્રકાશ મહેરા, કે. આસિફ, મહેબૂબ ખાન, બી.આર. ચોપરા, શક્તિ સામંત, રવિ નાગાઇચ, મનમોહન દેસાઈ, સુભાષ ઘાઈ, વી. શાંતારામ, મનોજકુમાર, સત્યેન બોસ, બાસુ ચેટર્જી, દેવ આનંદ, બાસુ ભટ્ટાચાર્ય. હજુ બીજાં પાંચ-પચીસ નામ ઉમેરીશું.
હિન્દી સિનેમાને 3 મે, 2025ના દિવસે 112 વર્ષ પૂરાં થયાં. સૌ પ્રથમ ભારતીય ફીચર ફિલ્મ `રાજા હરિશ્ચંદ્ર' 1913ની 3જી મેએ રિલીઝ થયેલી. દાદાસાહેબ ફાળકેએ બનાવેલી. દાદાસાહેબ ફાળકેની સ્ટ્રગલ અને પૅશન વિશે દસેક વર્ષ ઉપર મરાઠીમાં એક સરસ ફિલ્મ આવેલી `હરિશ્ચંદ્રાંચી ફૅક્ટરી'. જોવા જેવી છે. બહુ અઘરી મરાઠી ભાષા નથી. શતાબ્દી નિમિત્તે ભારતના ટપાલખાતાએ એક સારું કામ કર્યું. આમ તો અન્ય ક્ષેત્રોના મહાન સર્જકો-કળાકારો વિશેની ટપાલ ટિકિટો બહાર પડતી જ રહે છે અને ફિલ્મ ક્ષેત્રને પણ એમાં આવરી લેવાતું જ હોય છે. 2013નું વર્ષ સ્પેશિયલ વર્ષ હતું, શતાબ્દિ વર્ષ હતું. એટલે 60 જેટલી ફિલ્મી હસ્તીઓના કુલ મળીને છ સેટ એકસાથે બહાર પાડ્યા.
હિન્દી સિનેમા અને એનાં ગીતોમાં દરેકને પોતપોતાની પસંદગી હોવાની. અમે તો શંકર જયકિશન, નૌશાદ અને મદન મોહનથી માંડીને બપ્પી લહરી અને પ્રીતમ સુધીના સંગીતકારોનાં ઘણાં બધાં ગીતોના આશિક છીએ. આર.ડી. બર્મનના તો પૂજારી જ છીએ.
ફિલ્મ દિગ્દર્શકોમાં કોણ સૌથી વધારે ગમે એ વિશે હજુ પણ અવઢવ છે. ટૉપ ટેનની યાદી બનાવતાં પણ મૂંઝાઈ જવાયું છે. આજકાલ ઘરેબેઠાં યશ ચોપરાનો ફિલ્મ ફેસ્ટિવલ યોજ્યો છે. એમની ઘણીખરી ફિલ્મો કલેક્શનમાં છે. જેમાંની બ્લૂ રે ડિસ્કનાં ખોખાંઓમાં ફિલ્મ સાથે સ્પેશિયલ ફીચર્સની ડીવીડી છે, જેમાં બીજા બધા મસાલા ઉપરાંત યશ ચોપરાએ ફિલ્મની રિલીઝનાં પાંચ-પંદર વર્ષ પછી એ ફિલ્મ વિશે આપેલા સ્પેશિયલી રેકોર્ડેડ લાંબા ઇન્ટરવ્યૂઝ છે. યશ ચોપરાની એક-બે સિવાયની બધી જ ફિલ્મો ફરી ફરી જોવાઈ ગઈ અને ખ્યાલ આવ્યો કે 21મી ઑક્ટોબર એમની પુણ્યતિથિ છે. તેર વર્ષ પહેલાં, 2012માં આયુષ્યના 80મા વર્ષે એમણે વિદાય લીધી.
કોરોના પછી થિયેટરો ખૂલી જાય તો પહેલી ફિલ્મ કઈ જોવા જઈશું એનો ડાયલેમા નહોતો. મરાઠા મંદિરમાં મૅટિનીમાં યશરાજ ફિલ્મ્સની `દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' ચાલતી હતી. પાંચેક વર્ષ પહેલાં ખાસ થિયેટ્રિકલ અનુભવ માટે મરાઠા મંદિરમાં જઈને જોઈ હતી. ત્રીસ વર્ષથી રોજ `મરાઠા મંદિર'માં ડીડીએલજેનું પ્રોજેક્શન થાય છે.
દરેક સિનેમાપ્રેમીએ આ અનુભવ અત્યારના જમાનામાં લઈ લેવો જોઈએ. પચીસ-પચાસ રૂપિયાની બાલ્કનીની ટિકિટ અને કેન્ટિનમાં દસ-વીસ રૂપિયાનાં સમોસાં, પૉપકૉર્ન વગેરે. અઢી દાયકાનો જમાનો 2025માં તાજો થઈ જાય.
સદ્નસીબે કોરોના મહામારીનો ભય હવે ખતમ થઈ ગયો છે. બીજી કોઈ મહામારી ન આવે એવી પ્રાર્થના કરીએ. દરમિયાન એટલું તો સમજાય છે કે સિનેમા વિના અમારી જિંદગી અધૂરી છે. તમારું કેમનું છે?
સાયલન્સ પ્લીઝ!
જે પિક્ચર જોતાં તમે ભૂલી જાઓ કે તમે થિયેટરમાં બેઠા છો એ પિક્ચર શ્રેષ્ઠ કહેવાય.
- રોમન પોલન્સકી
