ગાંધીની મજાક ઉડાવવા માટે એક વાક્ય કહેવાતું હોય છે કે એમની વકીલાત ન ચાલી, પણ સત્યાગ્રહ ચાલી ગયો. વાત સાવ પાયાવિહોણી નથી. મુંબઈમાં જો ગાંધીની વકીલાત ચાલી ગઈ હોત તો શક્ય છે કે તેઓ આજીવન મુંબઈના એક વકીલ તરીકે પ્રમાણમાં સામાન્ય જીવન જીવ્યા હોત. અથવા એ પણ શક્ય છે કે ટિળક, ભુલાભાઈ દેસાઈ, ફિરોજશા મહેતા, મુનશી અને ઝીણા જેવા `વકીલ-કમ-નેતા'ની જેમ ગાંધીએ પણ વકીલાત કરતાં કરતાં રાજકારણમાં ઝંપલાવ્યું હોત અને દક્ષિણ આફ્રિકાથી સત્યાગ્રહની શરૂઆત કરવાને બદલે એમણે સીધી ભારતમાં જ નેતૃત્વની શરૂઆત કરી હોય.   

ખૈર, યૂં હોતા તો ક્યા હોતા એવી કલ્પનાનો ઝાઝો મતલબ નથી હોતો, પણ આ તો ગાલિબના પેલા જાણીતા શેર પ્રમાણે આપણને પણ ક્યારેક `આવું થયું હોત તો કેવું થયું હોત' એવા વિચારો આવી જાય એટલે બે ઘડી ગાંધી વિશે કલ્પના કરી (ગાલિબનો શેરઃ હુઇ મુદ્દત કિ ગાલિબ મર ગયા પર યાદ આતા હૈ, વો હર ઇક બાત પર કહના કે યૂં હોતા તો ક્યા હોતા).   

તો વકીલાત ન ચાલી, પણ સત્યાગ્રહ ચાલી ગયો એ જે વાત છે એવી એક ઘટના ફિલ્મજગતમાં પણ ઘણી વાર જોવા મળતી હોય છે કે ફિલ્મ પોતે બહુ ન ચાલે, પણ એનું કોઈ ગીત બહુ ચાલી જાય. દા.ત., છૈયા છૈયા (દિલ સે), ચિટ્ટિયાં કલાઇયાં (રોય), બોલ ન હલકે હલકે (ફિલ્મઃ ઝૂમ બરાબર ઝૂમ), વક્ત ને કિયા ક્યા હસી સિતમ (કાગઝ કે ફૂલ), મન રે તૂ કાહે ના ધીર ધરે (ચિત્રલેખા). ફ્લોપ ફિલ્મનાં હિટ ગીતોની યાદીમાં સ્થાન પામે એવું આ એક ગીત છેઃ કારવાં ગુઝર ગયા ગુબાર દેખતે રહે. એ ગીત જેમાં સમાવાયેલું એ ફિલ્મનું નામ છે, નઈ ઉમ્ર કી નઈ ફસલ.   

તમે આ ફિલ્મનું નામ સાંભળેલું?   

મૂળ તો આપણે આ ગીત કારવાં ગુઝર ગયા વિશે ગયા લેખથી જ વાત શરૂ કરેલી, પરંતુ ગીતમાં ઊંડા ઊતરતાં પહેલાં આ ફિલ્મ વિશે પણ થોડી વાત થઈ જાય. આમ પણ, આ લખાણ ઝડપથી કોઈ તારણ કે મંજિલ પર પહોંચવા માટે નથી. ક્લાસિક કૃતિઓ વિશેની આ કૉલમ મૂળભૂત રીતે ક્લાસિકના જંગલમાં ઝરણાની જેમ વિહરવા માટેની છે.   

ખૈર, તો આ મહાફ્લોપ ફિલ્મ `નઈ ઉમ્ર કી નઈ ફસલ' વિશે મહાનાયક, દેશના ત્યારના વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ અલાહાબાદ (પ્રયાગરાજ) ખાતે આપેલા એક વક્તવ્યમાં વિગતે વાત કરેલી એ વાંચવા જેવી છે (હાલમાં વિદ્યાર્થીઓ દ્વારા ચાલી રહેલા વિરોધનો માહોલ છે ત્યારે તો ખાસ). દેશના અગ્રણી અખબારમાં પ્રગટ થયેલા શાસ્ત્રીજીના એ પ્રવચનનો એક અંશ આ પ્રમાણે છેઃ   

`આની (ફિલ્મ નઇ ઉમ્ર કી નઈ ફસલની) વાર્તા એક એવા વિદ્યાર્થીની છે, જે એની કારકિર્દીના સોનેરી કાળ દરમિયાન ઉત્તેજિત થઈ જાય છે, આવેગમાં આવી જાય છે અને વિશ્વવિદ્યાલયના શિસ્તનો ભંગ કરવાની દિશામાં આગળ વધે છે. એ વિદ્યાર્થીને અને એના ઉત્સાહી મિત્રોને બહારની એક સંસ્થા પોતાના અંગત સ્વાર્થ માટે બહેકાવે છે અને ગુમરાહ કરે છે. નાયકની મંગેતર જે આ જ વિશ્વવિદ્યાલયમાં ભણે છે અને એના ભાઈ સહિત કેટલાક વિદ્યાર્થીઓ આનો (સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ગુમરાહ કરવાની ઘટનાનો) વિરોધ કરે છે, પરંતુ વિદ્યાર્થીઓ વાત સમજે એ પહેલાં જ એમના સમુદાયની અને પરિવારોની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી ચૂકી હોય છે. છેવટે (વિદ્યાર્થીઓને) એ વાત સમજાય છે કે દેશભક્તિનો અર્થ રાજનીતિ એવો નથી થતો અને વિદ્યાર્થીઓ પોતે રાજનીતિજ્ઞ બન્યા વિના પણ દેશભક્ત બની જ શકે છે. તમે જ હજારો રીતે માતૃભૂમિની સેવા કરી શકે છે, શરત એટલી જ કે એ પોતાનું ભણતર ચાલુ રાખે. ભણતર પૂરું કર્યા પછી એમનું આખું જીવન એમની સામે પડ્યું હોય છે. જો વિદ્યાર્થીઓ અને એમનાં માતા-પિતાઓ આને (ફિલ્મને) સાચા પરિપ્રેક્ષ્યમાં સમજે તો એ (ફિલ્મ) પોતાનો હેતુ સિદ્ધ કરી ચૂકી ગણાય.'   

લાલબહાદુર શાસ્ત્રીએ આ પ્રવચન આપેલું 1965માં. એ વાતને આજે 61 વર્ષ થઈ ચૂક્યાં છે. ત્યારની અને આજની પરિસ્થિતિઓ જુદી છે. એ ફિલ્મની વાર્તા અને હાલના વિરોધ પ્રદર્શનના સંદર્ભો અને સંજોગો જુદા છે. છતાં શાસ્ત્રીજીની એ વાત બે રીતે ત્યારે પણ લાગુ પડે એવી હતી અને આજે પણ લાગુ પડે એવી છે. 1) વડાપ્રધા કક્ષાની વ્યક્તિ છાત્ર આંદોલન વિશેની એક ફિલ્મ વિશે આટલી વિગતે વાત કરે, દેશના યુવાધન સાથે વિરોધ પ્રદર્શનના મામલે સીધો સંપર્ક-સંવાદ કરે એ ત્યારે જરૂરી હતું અને આજે પણ છે. 2) દેશને ચાહવા માટે રાજકારણી હોવું જરૂરી નથી, દેશની સેવા હજાર રીતે થઈ શકે એ શાસ્ત્રીજીની વાત સાચી હતી, છે અને રહેશે.   

તો છાત્ર આંદોલન વિશેની એ જોશીલી ફિલ્મમાં ખતરનાક માયૂસીનું એક ગીત સમાવાયું. એ ગીત લખ્યું છે શાનદાર કવિ નીરજે. એને સંગીતમાં ઢાળ્યું છે જાનદાર સંગીતકાર રોશને અને એને ગાયું છે દમદાર ગાયક મોહમ્મદ રફીએ. આ છે ગીતઃ   

સ્વપ્ન ઝડે ફૂલ સે, મીત ચૂભે શૂલ સે   

લુટ ગયે સિંગાર સભી બાગ કે બબૂલ સે   

ઔર હમ ખડે-ખડે બહાર દેખતે રહે   

કારવાં ગુઝર ગયા ગુબાર દેખતે રહે.   

ફૂલની જેમ સપનાં ખરી પડ્યાં. મિત્રો કાંટાની જેમ ભોંકાયા. બાગના વૃક્ષોનો બધો શૃંગાર લૂંટાઈ ગયો. અમે બસ ઊભા ઊભા વસંત જોતા રહ્યા. જઈ રહેલા કાફલાને કારણે ઊડતી ધૂળને જોતા રહ્યા.   

ગીત જે ફિલ્મમાં સમાવાયું છે એ આ લખનારે જોઈ નથી, પણ ગીતના શબ્દો પરથી અને શાસ્ત્રીજીના પ્રવચનના અંશો પરથી એટલું સમજી શકાય કે જોશીલા યુવકોની હાર પછીની ગ્લાનિ વ્યક્ત કરતું આ ગીત હોઈ શકે.   

એનો પહેલો અંતરો આ પ્રમાણે છેઃ   

નીંદ ભી ખુલી ન થી કિ હાયે ધૂપ ઢલ ગઈ,   

પાંવ જબ તલક ઉઠે કિ ઝિંદગી ફિસલ ગઈ.   

પાત પાત ઝડ ગયે કિ શાખ શાખ જલ ગઈ,   

ચાહ તો નિકલ સકી, ન પર ઉમર નિકલ ગઈ.   

ગીત અશ્ક બન ગયે, છંદ હો દફન ગયે,   

સાથ કે સભી દીયે ધુઆં ધુઆં પહન ગએ.   

ઔર હમ ઝુકે ઝુકે, મોડ પર રુકે રુકે,   

ઉમ્ર કે ચઢાવ કા ઉતાર દેખતે રહે.   

કારવાં ગુઝર ગયા ગુબાર દેખતે રહે.   

કોઈ પણ સંવેદનશીલ ભાવકની છાતીમાં ચપ્પુ કે સોયની જેમ ખૂંપી શકે એવા છે આ શબ્દો. ફરી એક વાર શાંતિથી વાંચવા જેવી છે આ પંક્તિઓ.   


આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો