હિન્દી સિનેમાના `શો મેન' તરીકે જાણીતા ફિલ્મકાર સુભાષ ઘઈએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એક રસપ્રદ ખુલાસો કર્યો છે કે 1983માં આવેલી તેમની હિટ ફિલ્મ `હીરો'ને `વીડિયો પાયરસી'નું દૂષણ એવું નડી ગયું હતું કે દર્શકોને પાછા થિયેટરોમાં લાવવા માટે તેમણે મલ્ટિ-સ્ટારર ફિલ્મ `કર્મા'નું નિર્માણકર્યું હતું.
દિલીપ કુમાર, નૂતન, જેકી શ્રોફ, અનિલ કપૂર, નસીરુદ્દીન શાહ, શ્રીદેવી, પૂનમ ધિલ્લોન, અનુપમ ખેર, દારા સિંહ, બિંદુ અને શક્તિ કપૂર જેવાં કલાકારોને ચમકાવતી `કર્મા' 1986માં જ્યારે રિલીઝ થઇ, ત્યારે તેનાં પોસ્ટરો અને ટ્રેડ પેપર્સની જાહેરખબરોમાં મોટા અક્ષરે લખવામાં આવ્યું હતું; બિગ સ્ક્રીન એન્ટરટેઇનમેન્ટ.
સુભાષ ઘઈએ `કર્મા' બનાવી હતી જ એવી રીતે કે તેને મોટા પડદા પર જ જોવી પડે. તેમનો એ જુગાર સફળ રહ્યો હતો. કમાણીની દૃષ્ટિએ, `કર્મા'એ તે વર્ષે ભારતમાં 7 કરોડનો અને પરદેશમાં થઇને 15 કરોડનો વકરો કર્યો હતો. `કર્મા' એ દાયકાની અગિયારમી સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ પણ સાબિત થઇ હતી.
આ સફળતા પાછળ ફિલ્મની કહાની, એક્શન-ડ્રામા અને સંગીત તો કારણભૂત હતાં જ, ફિલ્મનિર્માતા તરીકે સુભાષ ઘઈની માર્કેટિંગ રણનીતિનું પણ તેમાં યોગદાન હતું. 80ના દાયકામાં ભારતમાં વીડિયો કેસેટ અને વીડિયો પાર્લરનું પૂર આવ્યું હતું. તેણે સિનેમા જોવાની રીત બદલી નાખી હતી. સિનેમાના ચાહકો થિયેટરોમાં જવાને બદલે 10-15 રૂપિયામાં ઘરે બેસીને અથવા વીડિયો પાર્લરોમાં જઈને ફિલ્મો જોઈ આવતા હતા. સિનેમાઘરો ખાલી થવા લાગ્યાં હતાં અને ડિસ્ટ્રિબ્યૂટર્સમાં ડરનો માહોલ હતો.
સુભાષ ઘઈએ `કર્મા' ફિલ્મથી એ ડર કાઢી નાખ્યો કે સિનેમા ખતમ થઇ જવાના છે. `કર્મા' ફિલ્મે દર્શકોને મોટી સંખ્યામાં થિયેટરમાં જવા મજબૂર કર્યાં. થયું એવું કે 1983માં આવેલી ઘઈની મ્યુઝિકલ-એક્શન ફિલ્મ `હીરો' (જે જેકી શ્રોફની પહેલી ફિલ્મ હતી) મોટી હિટ તરીકે ઘોષિત થઇ હતી, પરંતુ ઘઈ કહે છે કે અમને તેના પૈસા મળ્યા નહોતા. ઘઈએ તેમના ડિસ્ટ્રિબ્યૂટર્સને પૂછ્યું કે ફિલ્મનાં વખાણ તો બહુ થાય છે, પણ કમાણી કેમ આવતી નથી? જવાબ મળ્યો કે લોકો સિનેમાઘરોમાં નથી આવતા, ઘરે પાયરેટેડ કેસેટ્સમાં ફિલ્મ જુએ છે.
વાત સાચી હતી. ઘણી ફિલ્મોની આ હાલત હતી. તે વખતે મોટાભાગના નિર્માતાઓ અને ડિસ્ટ્રિબ્યૂટર્સ બૂમો પાડતા હતા કે વીડિયોની ટેક્નોલોજીએ સિનેમાઘરોને સૂનાં કરી નાખ્યાં છે. ઘઈ ત્યારે બીજી ફિલ્મ(કર્મા)ની તૈયારીમાં હતા. કહાની અને કલાકારો તૈયાર હતાં, પણ આ વીડિયોના ભૂતનું શું કરવું? તેમને ફિલ્મ તો બનાવવી હતી, પણ લોકો તેને થિયેટરમાં જુએ તો જ પૈસા આવે અને તો જ તેની સાથે જોડાયેલા લોકો ધંધામાં ટકી રહે.
ઘઈએ એક તરકીબ શોધી. ફિલ્મ એવી રીતે બનાવવી કે તેને ટીવી સ્ક્રીન પર જોઈ જ ન શકાય! ઘઈ કહે છે, `મોટા પડદા અને નાના પડદાનો અનુભવ અલગ હોય છે. મારે દર્શકોને એ સમજાવવું હતું કે એક મહેલને કાણામાંથી જુઓ અને દરવાજો ખોલીને તેની અંદર જઈને જુઓ તેની મજા જુદી હોય છે.'
એટલે તેમણે જ્યારે `કર્મા' ફિલ્મની સ્ક્રિપ્ટ લખી, ત્યારે દૃશ્યો લખ્યાં જ એવી રીતે કે તેના ફિલ્માંકન વખતે કેમેરામાં કેવળ લોંગ શોટ્સ અને ટાઈટ ક્લોઝઅપ્સ જ લેવાય. એનો અર્થ એ થાય કે લોંગ શોટ્સ ટીવી સ્ક્રીન પર ફિટ જ ન થાય! અને જે કહાની કહેવાની હતી તે ટાઈટ ક્લોઝઅપ્સમાં કહેવાઈ જાય.
જે દર્શકોએ `કર્મા' જોઈ હશે તેમને કદાચ યાદ હશે કે ફિલ્મ જ્યારે શરૂ થાય છે, ત્યારે નાનકડો સ્ક્રીન દેખાય છે અને થોડો સમય એક સીન એમાં ચાલે છે. દર્શકો એમ માની લે છે કે ફિલ્મ આવી નાની જ હશે. પછી તે સ્ક્રીન પહોળો થાય છે અને 70 એમએમ સુધી ફેલાય છે. ત્યાંથી છ ટ્રેકનો સાઉન્ડ ખૂલે છે. એ સાથે જ લોકો તાળીઓ પાડવા લાગે છે. ઘઈએ એક જ સીનમાં દર્શકોને નાના સ્ક્રીન અને મોટા સ્ક્રીનનો ફર્ક સમજાવી દીધો.
તે સમયની ફિલ્મો સામાન્ય રીતે 35 એમએમની બનતી હતી, પણ ઘઈએ દર્શકોને વીડિયો સામે વિશાળ સ્ક્રીનનો અનુભવ કરાવવા માટે 70 એમએમમાં ફિલ્મ શૂટ કરી હતી. એ ફિલ્મને તમે ટીવી સ્ક્રીન પર જુઓ તો અડધી કપાઈ જાય.
એ જ રીતે તેનો સાઉન્ડ હતો. ઘરોમાં ઉપલબ્ધ ટીવીમાં ફક્ત એક સ્પીકર (મોનો સાઉન્ડ) હોય છે. ઘઈએ `કર્મા'માં 6-ટ્રેક સ્ટીરિયોફોનિક સ્ટેરિયો સાઉન્ડનો ઉપયોગ કર્યો, જેના કારણે થિયેટરમાં ગોળીઓ અને ધમાકાઓના અવાજ ગુંજતા હતા. ઘરમાં આવો અનુભવ કરવો શક્ય નહોતો.
ઘઈ કહે છે, `આપણી ફિલ્મોનો જાદુ થિયેટરના અંધારામાં, પિન ડ્રોપ સાઈલન્સ વચ્ચે માણવાનો હોય. કર્મા ખાલી ફિલ્મ જ નહોતી, તે પાયરસી સામે સિનેમાની લડાઈ હતી.' તેના વિખ્યાત સંવાદો અને યાદગાર ગીતો માટે જાણીતી `કર્મા'ને 2થી 8 ફેબ્રુઆરી વચ્ચે 19 શહેરોનાં 43 થિયેટરોમાં રિલીઝ કરવામાં આવી હતી અને દર્શકોએ તેને વધાવી લીધી હતી.
આજે પણ સિનેમાચાહકોની તે ગમતી ફિલ્મ છે. દિલીપ કુમારે પહેલી વાર નૂતન સાથે આ ફિલ્મમાં કામ કર્યું. તે પછી તેઓ સાથે દેખાયાં નથી. દૂરદર્શન પર દર્શાવવામાં આવતી ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસની વિશેષ ફિલ્મોમાં `કર્મા' એક મુખ્ય ફિલ્મ હતી.
એક ટેલિવિઝન શોમાં સુભાષ ઘઈએ કહ્યું હતું કે, `દિલીપ કુમાર મારા પ્રિય અભિનેતા હતા. તે એક સંપૂર્ણ અભિનેતા અને એક શાનદાર કલાકાર હતા અને મારી પ્રિય અભિનેત્રી નૂતન હતી. તે એકદમ પ્રોફેશનલ હતાં. તેઓ વ્યવહારકુશળ હતાં અને અભિનયની સૂક્ષ્મતાને જાણતાં હતાં. ફિલ્મોમાં તેમને જોવાની મજા આવતી હતી.'
`કર્મા' જેલર વિશ્વનાથ પ્રતાપસિંહ(દિલીપ કુમાર)ની આસપાસ ફરે છે. તેમણે એક આતંકવાદી વડા ડૉ. માઈકલ ડેંગ(અનુપમ ખેર)ને તેની બદતમીજી માટે થપ્પડ મારી હોય છે. ડૉ. ડેંગ તેનો બદલો લેવાનું નક્કી કરે છે અને તે પછી સિલસિલેવાર દુ:ખદ ઘટનાઓ આકાર લે છે. ડેંગના ગુંડાઓ જેલરના બે પુત્રો અને પુત્રવધૂની ક્રૂર હત્યા કરી દે છે, જેના કારણે તેની પત્ની આઘાતમાં મૂંગી થઇ જાય છે. વાર્તા ત્યારે વધુ તીવ્ર બને છે જ્યારે ડેંગ જેલમાં વિસ્ફોટ કરાવીને ફરાર થઇ જાય છે અને વિશ્વનાથ પ્રતાપસિંહ ત્રણ નવજવાન અપરાધીઓની મદદમાં ડેંગને પાઠ ભણાવવા અને પકડવાનું મિશન હાથ ધરે છે.
ઘઈનો કૉન્સેપ્ટ રસપ્રદ હતો, કારણ કે `કર્મા' ફક્ત કટ્ટર રાષ્ટ્રવાદ પર આધારિત નહોતી. ફિલ્મમાં દેશભક્તિનો ભાવ હતો, પરંતુ તેની વાર્તા એ હકીકત પર પણ ભાર આપતી હતી કે મોટાભાગના ગુનેગારો ભ્રમિત હોય છે અથવા પોતાની પરિસ્થિતિઓના શિકાર હોય છે. તેમને સુધારી શકાય છે.
