પક્ષી એટલે નાજુક નમણાં એવી આપણી કલ્પના હોય છે. તેના રંગ અને કલરવથી તો આપણને આકર્ષે જ છે, પણ સાથે સાથે તેનું ઉડ્ડયન માનવીને આદિકાળથી આકર્ષતું આવ્યું છે અને એમાંથી માનવીને ઊડવાની ઈચ્છા રહી છે. જોકે, પંખીઓ વજનમાં હળવા હોવાને કારણે જ પાંખ વીંઝીને ઊડી શકે છે, પરંતુ બધાં જ પક્ષીઓ વજનમાં હળવાં હોતાં નથી. કેટલાંક પક્ષીઓ ભારેખમ હોય છે. પંખીઓની દુનિયામાં સૌથી વજનદાર ટોપ ફાઈવ પક્ષીઓમાં 156 કિલોગ્રામથી માંડીને 40 કિલોગ્રામનું પક્ષી પણ હોય એ અચંબો પમાડનારું અવશ્ય લાગે.
પંખીઓનું જગત સાવ અનોખું છે. રંગ અને તેના કલરવ ઉપરાંત તેનું ઉડ્ડયન માનવીને આકર્ષતું રહે છે. તેની ઉડાનને કારણે જ આકાશમાં ઊડવાની માનવીની ઝંખના થઈ અને તેમાંથી જ વિમાનની શોધ થઈ. જોકે, પંખી વજનમાં હળવા હોવાને કારણે જ તે પાંખો વીંઝીને ઊડી શકે છે, પરંતુ તેનો અર્થ એ પણ નથી કે બધાં જ પક્ષીઓ વજનમાં હળવાં હોય છે. કુદરતે પક્ષીઓમાં પણ એવી કેટલીક પ્રજાતિઓ સર્જી છે, જેમનું વિશાળ શરીર તેમને ઊડવા કરતાં જમીન પર ચાલવા અને દોડવા માટે વધુ અનુકૂળ બનાવે છે. કેટલાંક પક્ષીઓનું વજન તો 100 કિલોગ્રામથી પણ
વધારે હોય છે.
સૌથી વજનદાર પક્ષીઓની યાદીમાં પ્રથમ સ્થાન શાહમૃગનું છે. આફ્રિકામાં જોવા મળતા શાહમૃગ વિશ્વના સૌથી ભારે અને સૌથી ઊંચાં પક્ષી છે. મોટા નરનું વજન આશરે 156 કિલોગ્રામ સુધી હોઈ શકે છે, જ્યારે તેની ઊંચાઈ લગભગ 2.75 મીટર સુધી હોય છે. વિશાળ શરીર હોવા છતાં શાહમૃગ અત્યંત ઝડપી દોડી શકે છે. તેના લાંબા અને શક્તિશાળી પગ તેને આશરે કલાકે 70 કિલોમીટરની ઝડપે દોડવામાં મદદ કરે છે. આ ઝડપ તેને વિશ્વનું સૌથી ઝડપી દોડતું પક્ષી બનાવે છે. જ્યારે બીજા ક્રમે કાસોવરી નામનું કાગડાના મોટા ભાઈ હોય એવું પક્ષી આવે છે. તે ઉત્તરપૂર્વીય ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ગિનીનાં ગાઢ વરસાદી જંગલોમાં જોવા મળે છે. માદા દક્ષિણ કાસોવરીનું વજન આશરે 80થી 85 કિલોગ્રામ સુધી હોઈ શકે છે અને તે નર કરતાં મોટી હોય છે. તેની ઓળખ તેની આકર્ષક વાદળી અને લાલ ગરદન, કાળાં પીંછાં અને માથા ઉપર આવેલી હેલ્મેટ જેવી રચના `કાસ્ક'થી થાય છે. આ વિશાળ પક્ષી પણ ઊડવાને બદલે જમીન પર જ જીવન વિતાવે છે.
જ્યારે 50થી 55 કિલોગ્રામ વજન ધરાવતું ઓસ્ટ્રેલિયાનું સૌથી મોટું પક્ષી ઇમુ સૌથી વધુ વજનવાળાં પક્ષીઓમાં ત્રીજા ક્રમે આવે છે. નર ઇમુ કરતાં માદાનું વજન તેના કરતાં આશરે પાંચ કિલોગ્રામ વધુ હોઈ શકે છે. તેની સરેરાશ ઊંચાઈ લગભગ 1.75 મીટર હોય છે. ઇમુ ઊડી શકતું નથી, પરંતુ તેના લાંબા પગ તેને આશરે કલાકે 50 કિલોમીટરની ઝડપે દોડવાની ક્ષમતા આપે છે. એ જ રીતે બર્ફીલા અને અત્યંત ઠંડા એન્ટાર્કટિકામાં જોવા મળતું પેંગ્વિનની તમામ પ્રજાતિઓમાં સૌથી મોટું સમ્રાટ પેંગ્વિન છે. 45 કિલોગ્રામ સુધીનું વજન ધરાવતું સમ્રાટ પેંગ્વિન વધુ વજન ધરાવતાં પક્ષીઓમાં ચોથા ક્રમે આવે છે. જોકે, તેના વજનમાં ઋતુ અને સંવર્ધન ચક્ર પ્રમાણે નોંધપાત્ર ફેરફાર થાય છે. તે આકાશમાં ઊડી શકતું નથી, પરંતુ પાણીમાં અત્યંત કુશળતાથી તરી શકે છે.
દક્ષિણ અમેરિકાનું સૌથી મોટું પક્ષી ગ્રેટર રિયા વધુ વજન ધરાવતું પાંચમા ક્રમનું પક્ષી છે. દક્ષિણ અમેરિકાના વિવિધ વિસ્તારોમાં જોવા મળતા આ પક્ષીનું સામાન્ય વજન 15થી 30 કિલોગ્રામ વચ્ચે હોય છે, જ્યારે મોટા નરનું વજન આશરે 40 કિલોગ્રામ સુધી પહોંચી શકે છે. શાહમૃગ અને ઇમુની જેમ ગ્રેટર રિયા પણ ઊડી શકતું નથી. આ પાંચ પક્ષીઓ દર્શાવે છે કે પક્ષી હોવાનો અર્થ માત્ર આકાશમાં ઊડવું નથી. કુદરતી પસંદગી અને પર્યાવરણ પ્રમાણે પક્ષીઓની શારીરિક રચનામાં અદ્ભુત વિવિધતા જોવા મળે છે. કોઈએ ઝડપ માટે પાંખોની જગ્યાએ શક્તિશાળી પગ વિકસાવ્યા છે, કોઈએ બર્ફીલા પ્રદેશમાં ટકી રહેવા શરીરમાં વિશેષ અનુકૂલન મેળવ્યું છે, તો કોઈ વરસાદી જંગલના જીવન માટે અનુકૂળ બન્યું છે, તેથી આ પક્ષીઓ તેમની વિવિધતા અને કુદરતની સર્જનાત્મકતાનું જીવંત ઉદાહરણ છે.
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો