સંસારમાં તો સુખ-દુઃખ બંને છે, પણ સોશિયલ મીડિયા પર, ખાસ તો ઇન્સ્ટાગ્રામ જેવી એપ પર લોકો હસી-ખુશી, ટ્રાવેલ, ફૂડ, વસ્ત્રો, સંતાનોનાં એવા એવા ફોટા-વીડિયો મૂકે કે જોનારને એવી શંકા જઈ શકે કે લોકો તો સુખી છે, એકલો/એકલી હું જ દુઃખી છું.
અલબત્ત, વાસ્તવિકતા આપણે સૌ જાણીએ છીએ કે સંસાર હૈ ઇક નદિયા, દુઃખ-સુખ દો કિનારે હૈ. ક્યારેક જીવનની નદી સુખના કાંઠાને અડીને વહે, ક્યારેક દુઃખના કાંઠાને.
ઉપર નોંધી એ પંક્તિ `સંસાર હૈ ઇક નદિયા' `રફ્તાર' (1975) ફિલ્મના ગીતની છે. ફિલ્મી ગીતોમાં માનવ જીવનની લગભગ બધી જ લાગણીઓને આવરી લેતાં ગીતો છે. ફિલ્મો, ગીતોનું ખાતું પણ જીવન જેવું છે. જીવનમાં સુખ-દુઃખ હોય, એમ ફિલ્મી ગીતોમાં પણ વાહિયાત-ક્લાસિક હોય. વાહિયાત વધુ, ક્લાસિક ઓછાં.
ગીતોમાં વાહિયાત-ક્લાસિક ઉપરાંત બીજું પણ એક વિભાજન હોયઃ પ્રેમ અને આનંદનાં ગીતો એક તરફ અને બીજી તરફ વિરહ અને માયૂસીનાં ગીતો.
પ્રેમગીતોની તો મજા છે જ, પરંતુ ગ્લાનિનાં ગીતો પણ જબરાં સુંદર હોય છે. અંગ્રેજ કવિ શેલીની પંક્તિને હિન્દી ફિલ્મીગીતમાં ઢાળીને શૈલેન્દ્રએ લખેલું પેલું ગીત તમે સાંભળ્યું જ હશેઃ હૈ સબસે મધુર વો ગીત જિન્હેં હમ દર્દ કે સુર મેં ગાતે હૈં. માધુર્ય માત્ર સુખ અને પ્રેમમાં જ નથી હોતું. દર્દના સૂરમાં પણ મીઠાશ હોય છે,
જબરી મીઠાશ.
આજે વાત કરીએ એક એવા દર્દીલા ગીતની, જેના મુખડાનો બે અલગ અલગ કવિઓએ અલગ અલગ રીતે ઉપયોગ કર્યો. બેઝિકલી એ બે અલગ ગઝલના અલગ મતલા(પ્રથમ શેર)ની સમાન પંક્તિ છે. પંક્તિ તમે સાંભળી જ હશેઃ ન તૂ ઝમીં કે લિયે હૈ ન આસમાં કે લિયે.
આ જ પંક્તિથી શરૂ થતું એક ફિલ્મી ગીત સાહિર લુધિયાનવીએ પણ લખ્યું અને આ જ પંક્તિથી શરૂ થતી એક ગઝલ અલ્લામા ઇકબાલે પણ લખી.
સાહિરે ગીત લખ્યું ફિલ્મ `દાસ્તાન' માટે. ટ્રેજેડી કિંગ ગણાતા દિલીપ કુમાર પર એ અત્યંત નકારાત્મક, માયૂસ મિજાજનું ગીત ફિલ્માવાયેલું. શબ્દો આ પ્રમાણે છે :
ન તૂ ઝમીં કે લિયે હૈ ન આસમાં કે લિયે,
તેરા વજૂદ હૈ અબ સિર્ફ દાસ્તાં કે લિયે.
હવે તારું કંઈ થવાનું નથી. હવે તું કંઈ કરી શકવાનો નથી. ન તું જમીન પર છવાઈ શકીશ કે ન તું આભને આંબી શકીશ. હવે તું આઉટ ઓફ ડેટ થઈ ગયો છે. તું જીવતોજાગતો હોવા છતાં હવે જાણે ઇતિહાસ થઈ ગયો છે. લોકો બહુ બહુ તો હવે તને એક કથા તરીકે યાદ કરશે.
થોડી ઘણી સફળતા મેળવ્યા પછી માણસ ગુમનામીમાં ફંગોળાય એવી નાટ્યાત્મક પરિસ્થિતમાં આ ગીત ખાસ લાગુ પડે છે.
પાંત્રીસેકની ઉંમર પછી પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવવા મથતો બુઝર્ગ ક્રિકેટર પોતે અંદરખાને જાણતો જ હોય છે કે હવે એના આંટા આવી ચૂક્યા છે, અગાઉ જેટલી ક્ષમતા એનામાં નથી રહી. છતાં, એ પોતાની કારકિર્દીને શક્ય તેટલી વધુ ખેંચવાના પ્રયાસોમાં ઘણી વાર અગાઉની ખ્યાતિને ધૂળમાં મેળવીને વિદાય લેતો હોય છે. મહેન્દ્ર સિંહ ધોનીએ એક વિચારપ્રેરક વિધાન કરેલું: `ક્રિકેટની રમતમાં સૌથી અઘરી બાબત છે કેન્દ્રથી દૂર રહેવું (સ્ટેઇંગ અવે ફ્રોમ ધ સેન્ટર).'
માત્ર ક્રિકેટમાં જ શા માટે? કોઈ પણ ક્ષેત્રમાં કેન્દ્રસ્થાને રહી ચૂકેલા, દબદબો ભોગવી ચૂકેલા માણસ માટે આ વાત સાચી ઠરે છે કે એક સરખા દિવસ સુખના કોઈના જતા નથી. ભગવાન શ્રી કૃષ્ણથી માંડીને ગાંધી જેવી અનેક મહાન હસ્તીઓના જીવનના અંતિમ દિવસો ટ્રેજિક હતા.
અને મોટા માણસોની વાત છોડો. સામાન્ય માનવી જુવાનીમાંથી બુઢાપામાં પ્રવેશે ત્યારે એને પણ લાગુ પડી શકે એવી આ પંક્તિ છે, જે કહેવા એવું માગે છે કે હવે તખ્તા પરથી આઘો ખસ, નવી પેઢી આવી ચૂકી છે, તારો ખેલ હવે ખતમ થઈ ગયો છે. એક સાવ સામાન્ય માણસ આખી જિંદગી સૌથી નીચલી પાયરીની સરકારી નોકરીમાંથી અઠ્ઠાવન કે સાઠની ઉંમરે નિવૃત્ત થાય ત્યારે એને પણ એવું લાગી શકે કે સાહિરે આ શબ્દો તો મારા માટે લખ્યા છેઃ ન તૂ ઝમીં કે લિયે હૈ ન આસમાં કે લિયે.
કોઈ પણ માણસ કોઈ પણ પ્રવૃત્તિ કરતો હોય એમાંથી એ નિવૃત્ત થાય કે એણે પરાણે નિવૃત્તિ લેવી પડે, ત્યારે એને એવી અનુભૂતિ થઈ શકે કે હવે હું કશા કામનો નથી? મારું વજૂદ શું છે? આ અફાટ બ્રહ્માંડમાં મારા અસ્તિત્વનું કોઈ `વજન' જ નથી?
અને જ્યાં હું હતો ત્યાં હવે પાછો ફરી જ નહીં શકું?
આ વેદના સાહિરે અંતરામાં, ગઝલના બીજા શેરમાં કહી છેઃ
પલટ કે સૂ-એ-ચમન દેખને સે ક્યા હોગા,
વો શાખ હી ન રહી જો થી આશિયાં કે લિયે.
પાછા ફરીફરીને બગીચાનો માર્ગ જોવાનો શો મતલબ? એ ડાળી જ હવે નથી રહી જેના પર આશિયાના-માળો બાંધી શકાય. હવે બગીચામાં, પ્રવૃત્તિમાં, ધમધમતી દુનિયામાં તારું કોઈ સ્થાન જ નથી. માટે નીકળ અહીંથી.
આવી વ્યાપક વેદનાની વાતો કર્યા બાદ બીજા અને અંતિમ અંતરામાં કવિ અચાનક પ્રેમનો મુદ્દો છેડે છે, કદાચ ફિલ્મની સિચ્યુએશનને ધ્યાનમાં રાખીને કવિ લખે છેઃ
ગરઝ-પરસ્ત જહાં મેં વફા તલાશ ન કર,
યે શય બની થી કિસી દૂસરે જહાં કે લિયે.
આ સ્વાર્થી-તકવાદી દુનિયામાં પ્રેમ ન શોધ, કારણ કે આ ચીજ, નામે પ્રેમ, બીજી જ કોઈ દુનિયા માટે બનેલી જણસ છે.
અહીં સાહિર કડવાશના અતિરેકમાં સરી જતા લાગી શકે. વાસ્તવમાં દુનિયા એટલી બધી ખરાબ પણ નથી હોતી. દુનિયામાં પ્રેમ નામની ચીજ છે જ નહીં એ વાત ખોટી હોવાની સૌથી મોટી સાબિતી નવજાત શિશુની માતાની આંખો છે. એ આંખોમાં ભારોભાર પ્રેમ હોય જ છે. અને બીજી વાત. માણસના જીવનમાં દુઃખો આવે એ વાત સાચી, પણ બધા માણસોની હાલત બધા જ સમય માટે દુઃખદ પણ નથી હોતી. માણસે સાવ લાચાર પણ બની રહેવા જેવું નથી.
મજાની વાત એ છે કે સાહિરે જે પંક્તિનો ઉપયોગ એક ભયંકર નકારાત્મક ગીત લખવા માટે કર્યો એ જ પંક્તિનો અલ્લામા ઇકલાબે એમની મૂળ ગઝલમાં ભારે ખુમારી વ્યક્ત કરવા માટે ઉપયોગ કરેલો. એ મૂળ ગઝલનો પહેલો શેર આ પ્રમાણે છેઃ
ન તૂ ઝમીં કે લિયે હૈ ન આસમાં કે લિયે,
જહાં હૈ તેરે લિયે તૂ નહીં જહાં કે લિયે.
તું જમીન કે આસમાન માટે નથી. આ આખી દુનિયા તારા માટે છે, તું દુનિયા માટે નથી. હે માનવી, દુનિયાના કેન્દ્રમાં તું છે. સંસારની આ આખી લીલા તમે અને હું અનુભવી-સંવેદી શકીએ એના માટે છે. ઇકલાબ આવું કહે છે. તમારું શું કહેવું છે? તમે દુનિયા માટે છો કે દુનિયા તમારા માટે છે?
આવી જ પોસ્ટ વાંચવા માટે ક્લિક કરો
