એક વાત તો સાચી છે કે, દુનિયા તેલ પર ચાલે છે. અલબત્ત, જીવન જીવવા માટે વપરાતી વસ્તુઓમાં તેલનું વિશેષ મહત્ત્વ છે. વિશ્વના દેશો જેમ જેમ પોતાની પ્રગતિ ફેલાવતા રહે છે તેમ તેમ કાચા તેલનું ઉત્પાદન અને તેનો વપરાશ પણ ક્રમશઃ વધતો રહે છે.

ફાઇટર જેટ, ગાડીઓ, મશીનથી માંડીને રોકેટમાં તેલનો જ ઉપયોગ થાય છે. મૂળ તમામ તેલ માટે સૌથી પહેલાં કાચા તેલની વિશેષ જરૂર પડતી હોય છે. તેલ વિના કોઇ પણ ઉદ્યોગ કે અન્ય ઉદ્યોગનાં કામો અટકી પડે તે સ્વાભાવિક છે. મોટાભાગના લોકો એ વાત જાણતા જ હશે કે, કાચા તેલનું ઉત્પાદન નેચરલ રીતે થાય છે. ત્યારબાદ તેને રિફાઇન કરીને અલગ અલગ તેલ બનાવવામાં આવે છે, જેમાં પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે આરબના દેશોમાં કાચું તેલ પુષ્કળ પ્રમાણમાં મળે છે. જોકે, વિશ્વમાં આરબ દેશો સિવાય પણ અન્ય દેશો છે જે અધધ કાચું તેલ ઉત્પાદન કરે છે.

કાચા તેલના ઉત્પાદક દેશો

વર્ષ 2023ની યુએસ એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના એક રિપોર્ટ પ્રમાણે અમેરિકા દુનિયાનું સૌથી મોટું તેલ ઉત્પાદક કહેવાય છે. અમેરિકા દરરોજ 21.91 મિલિયન બેરલ કાચા તેલનું ઉત્પાદન કરે છે. અમેરિકા બાદ બીજા ક્રમાંકમાં સાઉદી અારબનો સમાવેશ થાય છે. સાઉદી આરબ દરરોજ 11.13 મિલિયન બેરલ કાચા તેલનું ઉત્પાદન કરે છે. કાચા તેલમાં અમેરિકા, સાઉદી અારબ બાદ રશિયાનો નંબર આવે છે. રશિયા દરરોજ 10.75 મિલિયન બેરલ કાચા તેલનું ઉત્પાદન કરે છે. આ બધાને બાદ કરતાં ક્રમશઃ કેનેડાનો નંબર આવે છે. કેનેડા દરરોજ 5.76 મિલિયન બેરલ કાચા તેલનું ઉત્પાદન કરે છે. કેનેડા પછી ચીન અને ચીન પછી ઇરાકનો નંબર આવે છે. આ બંને દેશો અંદાજિત દરરોજ 4.42 મિલિયન બેરલની આસપાસ કાચા તેલનું ઉત્પાદન કરે છે.

ઇરાક બાદ બ્રાઝિલનો નંબર આવે છે. બ્રાઝિલ પણ અંદાજિત 4.42 મિલિયન બેરલ કાચા તેલનું ઉત્પાદન કરે છે. યુએઇ પણ કાચા તેલ માટે વિશેષ જાણીતું છે. યુએઇ પણ 4.16 મિલિયન બેરલ કાચા તેલનું ઉત્પાદન દરરોજ કરે છે. અલબત્ત, ઇરાન 3.99 મિલિયન બેરલ, કુવેત 2.91 મિલિયન બેરલ કાચા તેલનું દરરોજ ઉત્પાદન કરે છે. ટૂંકમાં, દુનિયાના ટોપ ટેન દેશો મળીને દરરોજ અંદાજિત 101.81 મિલિયન બેરલ કાચા તેલનું ઉત્પાદન કરીને દેશના ખૂણે ખૂણે કાચું તેલ પહોંચાડી રહ્યા છે.

કાચા તેલના વપરાશકાર દેશો

ઉપરોક્ત દેશો કાચા તેલનું ઉત્પાદન તો કરી જ રહ્યા છે, પણ હવે પ્રશ્ન એ થાય છે કે, આ કાચા તેલના ઉપભોક્તા એટલે કે ગ્રાહક દેશો કયા કયા હશે? જેના જવાબમાં સૌથી મોખરે પણ અમેરિકા જ આવે છે. તે પોતે ઉત્પાદનમાં પણ પ્રથમ ક્રમાંકે આવે છે અને વપરાશ કરવામાં પણ પ્રથમ ક્રમાંકે આવે છે.

અમેરિકા દરરોજ 20.21 મિલિયન બેરલ કાચા તેલનો વપરાશ કરે છે. અમેરિકા બાદ કાચા તેલના વપરાશ કરવામાં ચીનનો નંબર આવે છે. ચીન પણ દરરોજ 15.15 મિલિયન બેરલ તેલનો વપરાશ કરે છે. આ બંને દેશો બાદ ત્રીજા ક્રમાંકમાં ભારતનો સમાવેશ થાય છે. ભારત દરરોજ 5.05 મિલિયન બેરલ કાચા તેલનો વપરાશ કરે છે. ભારત બાદ રશિયાનો નંબર આવે છે. આ બધા દેશો બાદ ક્રમશઃ રશિયા 3.68 બેરલ, સાઉદી આરબ 3.65, જાપાન 3.38, બ્રાઝિલ 3.03, સાઉથ કોરિયા 2.55, કેનેડા 2.41 અને જર્મની પ્રતિદિવસ 2.18 મિલિયન બેરલ કાચા તેલનો વપરાશ કરે છે.

વેનેઝુએલા પાસે પણ કાચા તેલનો સૌથી મોટો ભંડાર

 યુએસ એનર્જી ઇન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશનના એક રિપોર્ટ પ્રમાણે વેનેઝુએલા પાસે અંદાજિત 30,230 કરોડ બેરલ કાચું તેલ છે. એક રિપોર્ટ પ્રમાણે વેનેઝુએલા પાસે જે કાચું તેલ છે તેમાંથી 96 % આવક આ ક્રૂડ ઓઇલના વેચાણમાંથી આવે છે, પરંતુ આ દેશ ગરીબીરેખામાંથી પસાર થતો હોવાથી અહીંના મોટાભાગના લોકો વિદેશોમાં રહેતાં-નોકરી કરતાં પોતાનાં બાળકો પર નિર્ભર રહે છે. અહીં ગરીબી એ હદે વધી રહી છે કે લોકો પોતાનો દેશ છોડીને અન્ય દેશોમાં રોજગારી માટે અને સારું જીવન જીવવા માટે વસવાટ કરી રહ્યા છે.

વિશ્વમાં સૌથી મોંઘું પેટ્રોલ કયા દેશમાં મળે છે?

વિશ્વમાં સૌથી મોંઘું પેટ્રોલ હોંગકોંગમાં મળે છે. અહીં પેટ્રોલ 3.4 ડોલર એટલે કે અંદાજિત 294.18 રૂપિયે પ્રતિ લિટર મળે છે.

હોંગકોંગ બાદ સૌથી મોંઘું પેટ્રોલ સિંગાપોરમાં મળે છે. સિંગાપોરમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 2.89 ડોલર એટલે કે, અંદાજિત 250 રૂપિયા છે. ભારતમાં સૌથી સસ્તું પેટ્રોલ હાલમાં આંદામાન અને નિકોબાર ટાપુમાં મળે છે. અહીં પેટ્રોલની કિંમત અંદાજિત 82.46 રૂપિયા પ્રતિ લિટર છે. નોંધનીય છે કે, હાલમાં ભારતમાં પેટ્રોલની કિંમત અંદાજિત 94.77 રૂપિયાની આસપાસ રહે છે.

કાચા તેલને રિફાઇન કરતાં કયું તેલ અને સામગ્રી નીકળે છે?

વિશ્વભરમાં કાચા તેલની માંગ વધતી રહે છે, તેથી તેમાંથી નીકળતા તેલ અને અન્ય સામગ્રીના ભાવ પણ વધતા જતા રહે છે. જેમાં ખાસ કરીને પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ થાય છે. ત્યારબાદ એલપીજીનો પણ સમાવેશ થાય છે. નોંધનીય છે કે, કાચા તેલમાંથી આપણને કુલ 12 જેટલી મોંઘી વસ્તુ મળે છે, જેનો ઉપયોગ આપણે આપણા જાહેર જીવનમાં પણ કરતા હોઇએ છીએ. આ 12 વસ્તુઓ એલપીજી ગેસ, પેટ્રોલ-ડીઝલ અને એટીએફ, નેફ્થા, નેપામ, મોબિલ ઓઇલ, ગ્રીસ, પેટ્રોલિયમ જેલી, મીણ ઉપરાંત બિટ્યુમિન અને પ્લાસ્ટિક સામગ્રીનો સમાવેશ થાય છે.

આમ, કાચું તેલ દુનિયાભરના લોકોને વિશેષ રીતે પ્રભાવિત કરે છે અને તેની માંગ પણ વિશ્વભરમાં જોવા મળે છે.