સેફ્ટી પિન કોણે શોધી હતી?

29 જુલાઈ, 1796માં જન્મેલી વોલ્ટર હંટ નામની અમેરિકન વ્યક્તિ કે જેમના માથે ઘણા લોકોનું દેવું હતું. જેને ચૂકવવા માટે તે રોજ નવી-નવી શોધો કરતા રહેતા હતા.

10 એપ્રિલ, 1849ના રોજ વોલ્ટર હંટે સેફ્ટી પિન જેવી નાની, પરંતુ ખૂબ જ કામની વસ્તુની શોધ કરી હતી. ત્યારબાદ તેમણે તેની પેટન્ટ કરાવી હતી. દેવું ચૂકવવા માટે તેમણે પોતાની પેટન્ટ માત્ર 400 ડોલરમાં વેચી દીધી હતી અને કંપનીએ તેમાંથી ખૂબ જ નફો રળ્યો હતો. વોલ્ટર હંટે બીજી પણ ઘણી નાની-નાની પણ બહુ ઉપયોગી વસ્તુઓ શોધી હતી, જેમાં રિપીટિંગ રાઈફલ, ફ્લેક્સ સ્પિનર, ફાઉન્ટેન પેન, ચપ્પાનું શાર્પનર, આઈસ પ્લો અને અણીદાર સોય સાથે દુનિયાનું પહેલું સિલાઈ મશીન વગેરેનો સમાવેશ થાય છે. હંટના સિલાઈ મશીન બાબતે અન્ય એક સંશોધક એલિયાસ હોવેની સાથે પેટન્ટ બાબતે વિવાદ થયો હતો. હંટનું મૃત્યુ 8 જૂન, 1859ના રોજ થયું હતું.

સેફ્ટી પિન આમ તો ખૂબ જ સામાન્ય વસ્તુ છે, પરંતુ આ જ નાની વસ્તુ તમારા કપડાંને વ્યવસ્થિત રાખવામાં ખૂબ જ મહત્ત્વની છે. ખાસ કરીને સ્ત્રીઓ સાડી પહેરે ત્યારે તો તેની ખૂબ જ જરૂર પડે છે. પુરુષો પણ કોલર ટાઈટ રાખવા માટે તેનો ઉપયોગ કરે છે. જોકે, સ્ત્રીઓની સરખામણીમાં પુરુષો તેનો ઉપયોગ ઓછો કરે છે. સ્ત્રીઓ ક્યાંક બહાર જવાનું હોય તો પણ પેકિંગમાં સેફ્ટી પિન સાથે લેવાનું ભૂલતી નથી. તે ગમે ત્યારે કામ આવી શકે છે. તેનો ઇચ્છો તે રીતે ઉપયોગ કરી શકાય છે. આવી દેખાવમાં નાની પણ કામમાં મોટી એવી સેફ્ટી પિનનો ઇતિહાસ ખરેખર રસપ્રદ છે

કેવી રીતે થઈ સેફ્ટી પિનની શોધ?

આ બાબતે અનેક વાતો પ્રચલિત છે, પરંતુ સૌથી વધારે ચર્ચિત છે તે બાબત વોલ્ટર હંટની પત્ની સાથે જોડાયેલી છે. વાસ્તવમાં એક દિવસ હંટની પત્ની કોઈ કામથી હંટની સાથે બજાર જઈ રહી હતી અને એ દરમિયાન તેના ડ્રેસનું બટન તૂટી ગયું અને તે મુશ્કેલીમાં મુકાઈ. વોલ્ટરને કંઈ સમજાયું નહીં કે શું કરવું. ત્યારે તેમણે તારના ટુકડાથી એક પિન જેવી વસ્તુ બનાવી અને તેને બટનની જગ્યાએ લગાવી દીધી. આ રીતે વોલ્ટર હંટના મગજમાં પહેલીવાર સેફ્ટી પિન વિશે વિચાર આવ્યો.

સેફ્ટી પિન સાથે જોડાયેલી રસપ્રદ બાબતો

ઈ. પૂર્વે 1100માં ગ્રીસની માઈસિનિયન સભ્યતામાં સેફ્ટી પિન જેવી જ એક વસ્તુ ફાઈબુલાનો ઉપયોગ કપડાંને વ્યવસ્થિત રાખવા માટે કરાતો હતો.

વોલ્ટરે 8 ઈંચ લાંબા તારથી એક પિન બનાવી હતી, જેમાં બક્કલ પણ લાગેલું હતું.

તેનું નામ શરૂઆતમાં `ન્યૂ એન્ડ યૂઝફુલ ઇમ્પ્રૂવમેન્ટ ઈન ધ મેક ઓફ ફોર્મ ઓફ ડ્રેસ પિન' રાખવામાં આવ્યું હતું. જોકે, લોકો તેને ડ્રેસ પિન જ કહેતા.

વોલ્ટરે પોતાની પેટન્ટ ડબ્લ્યુ આર ગ્રેસ એન્ડ કંપનીને 400 ડોલરમાં વેચી હતી. કંપનીએ સેફ્ટી પિનના બિઝનેસમાં ખૂબ પૈસા બનાવ્યા હતા.

યુરોપમાં પેટન્ટ ઓફિસમાં સેફ્ટી પિનની કુલ 755 પેટન્ટ છે.

કલાત્મક પ્રવૃત્તિના લોકો સેફ્ટી પિનથી નેકલેસ, બેલ્ટ જેવી સુંદર વસ્તુઓ પણ બનાવી લે છે. સમયની સાથે ડિઝાઈનવાળી સેફ્ટી પિનો પણ બજારમાં આવવા લાગી છે.

સેફ્ટી પિન નામ આ રીતે પડ્યું

વોલ્ટર હંટે જ્યારે સેફ્ટી પિનની શોધ કરી ત્યારે લોકો તેને ડ્રેસ પિન કહેતા હતા. જોકે, શરૂઆતમાં સેફ્ટી પિન અત્યારે જેવી છે તેવી દેખાતી નહોતી. પછી વોલ્ટર હંટે એવી પિન બનાવી જેને લગાવતી વખતે હાથમાં કોઈ ઈજા ન થાય અને કપડાંને નુકસાન કર્યા વગર સારી રીતે સેટ પણ કરી દે. આવી પિન બની પછી તેને લોકો સેફ્ટી પિન કહેવા લાગ્યા. જોકે, કેટલાક લોકોનું માનવું છે કે તેનું નામ સેફ્ટી પિન એટલા માટે પડ્યું, કેમ કે જ્યાં સુધી તે શોધાઈ નહોતી ત્યાં સુધી પુરુષો પોતાના શર્ટનો કોલર ઊભો રાખવા માટે અણીદાર પિનનો ઉપયોગ કરતા હતા, પરંતુ ઘણી વાર તે પિન તેમની ગરદનમાં ઘૂસી જતી, જ્યારે વોલ્ટરે પિન શોધી ત્યારે કોલર પણ ઊભો રહેતો અને તેના ઘૂસી જવાનો ડર પણ નહોતો રહેતો. આને કારણે તેનું નામ સેફ્ટી પિન પડી ગયું.