આજે પણ વિશ્વમાં કેટલાંક રહસ્યો વણઉકેલ્યાં જોવા મળે છે. જેમાં હવે એક સૂવરના પેઇન્ટિંગનો સમાવેશ થાય છે.

થોડા દિવસ પહેલાં જ ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર વૈજ્ઞાનિકોએ સૂવરના પેઇન્ટિંગની શોધ કરી હતી. આ પેઈન્ટિંગ એક ગુફામાં જોવા મળ્યું હતું, જે લાલ રંગથી બનાવવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગ અંદાજિત ચાર ફૂટ પહોળું બનાવવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગ કેલ્શિયમ કાર્બોનેટની પરતને કારણે હજી સુધી સુરક્ષિત જોવા મળ્યું હતું. આ પરત અંદાજિત 51,200 વર્ષ જૂનું માનવામાં આવે છે. તેથી આ ચિત્ર અત્યાર સુધીનાં મળેલાં ચિત્રોમાં સૌથી પુરાણું માનવામાં આવે છે. જોકે, આ પેઇન્ટિંગને લઇને આશ્ચર્યની વાત એ છે કે, આ પેઈન્ટિંગ કોણે બનાવ્યું હશે? અલબત્ત, વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આ પેઇન્ટિંગનું નિર્માણ નિએન્ડરથલે કર્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે, કારણ કે નિએન્ડરથલ માનવ હોમો વંશના વિલુપ્ત સદસ્યો પૈકીના એક ગણાય છે. નોંધનીય છે કે, સ્પેનની ગુફામાં પણ આવા પ્રકારનું પેઇન્ટિંગ જોવા મળ્યું હતું. જેની યુરેનિયમ-થોરિયમ ડેટિંગથી ડેટ કાઢવામાં આવી હતી, જેનાથી તેની ઉંમર 64,800 વર્ષની જોવા મળી હતી!

0001 નંબર પ્લેટની ઓનલાઇન હરાજી લાખોમાં થઈ

ભારતમાં ઘણા લોકો પોતાનાં વાહનો માટે વીઆઇપી નંબર લેવા વાહનની કિંમત કરતાં પણ વધુ ખર્ચો કરી નાખે છે. થોડાં વર્ષો પહેલાં ચંદીગઢમાં એક વ્યક્તિએ પોતાના અંદાજિત 71,000 રૂપિયાના ટુ વ્હિલરની વીઆઇપી નંબર પ્લેટના નંબર 0001 માટે કુલ રૂપિયા 15 લાખ 44 હજાર ખર્ચ્યા હતા. આવી જ રીતે આ વર્ષે નોઇડામાં એક વ્યક્તિએ પોતાના ફોર વ્હિલરની વીઆઇપી નંબર પ્લેટ માટે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે. નોંધનીય છે કે, વીઆઇપી નંબર પ્લેટ માટે આરટીઓએ ઓનલાઇન હરાજી માટે નિયમોનુસાર 33,333 રૂપિયાની રકમ જમા કરાવવાનું જણાવ્યું હતું. જે માટે કેટલાક લોકો આ ઓનલાઇન હરાજીમાં સામેલ થયા હતા. જે માટે પાર્ટીઓમાં જોરદાર પ્રતિસ્પર્ધા જોવા મળી હતી. ઓનલાઇન બોલી 10 લાખ રૂપિયાથી 20થી 25 લાખ રૂપિયા સુધી પહોંચી હતી. અંતે એક પાર્ટીએ 0001 નંબરવાળી વીઆઇપી નંબર પ્લેટ માટે 27 લાખ 16,667 રૂપિયાની અંતિમ બોલી લગાવી હતી અને તે જ ફાઇનલ થઇ હતી. વીઆઇપી નંબર પ્લેટની ઘેલછા લોકોમાં એટલી બધી હોય છે કે તેઓ જે તે વાહનની મૂળ કિંમત કરતાં બમણી કિંમત માત્ર ને માત્ર વીઆઇપી નંબર પ્લેટ માટે ચૂકવે છે!

આ ઈંડાની કિંમત કરોડોમાં છે!

શિયાળામાં મોટાભાગના લોકો ઈંડાની વાનગી બનાવીને ખાતા હોય છે. આ ઈંડાની કિંમત 6 રૂપિયાથી માંડીને 10-15 સુધીની હોય છે. પરંતુ લંડનમાં એક એવા ઈંડાની હરાજી થઇ જેની કિંમત 1 કરોડ રૂપિયાથી પણ વધારે હતી! મૂળ રશિયાના શાહી પરિવારનું હીરાજડિત ક્રિસ્ટલ ફેબરગે ઈંડું લંડનમાં હરાજી માટે મૂકવામાં આવ્યું હતું. જેના કુલ 2.29 પાઉન્ડ એટલે કે અંદાજિત 273 કરોડ ઊપજ્યા હતા. આ ઈંડાને દુર્લભ ઈંડું ગણવામાં આવે છે. અંદાજિત 4,500 હીરાથી સજાવેલ આ ઇંડાને રશિયાના છેલ્લા શાસક સમ્રાટ જાર નિકોલસ દ્વિતીયે વર્ષ 1913માં પોતાની માતા મારિયા ફિયોદોરોવ્નાને ભેટમાં આપવા માટે બનાવેલ હતું. 3.2 ઈંચની હાઇટ ધરાવતું આ ઈંડું કાર્લ ફૈબર્જે દ્વારા બનાવવામાં આવ્યું હતું. વધુમાં આ ઈંડાને ક્રિસ્ટલ અને ગુલાબ આકારના હીરા દ્વારા વિશેષ રીતે સજાવવામાં આવ્યું હતું. ઈંડામાં પ્લેટિનમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ફૈબર્જે પરિવારે રશિયાના શાહી રોમાનોવ પરિવાર માટે આવાં 50 જેટલાં ઇંડાં બનાવ્યાં હતાં. જેમાંથી માત્ર 7 ઈંડાં અન્ય લોકો પાસે છે. અલબત્ત, આ ઇંડું કોણે ખરીદ્યું તેની ઓળખ જાહેર કરવામાં આવી નથી.