એક મોડી સાંજે પિક્ચર જોઈને તમે પાછા વળી રહ્યા છો. ઘરની નજીક પાન ખાઈને સિગારેટ સળગાવીને રસ્તા પર ચાલો છો ત્યાં જ પાછળથી એક કાર આવે છે.

એનો રિયરવ્યૂ મિરર તમારા હાથ સાથે અથડાયો. કાર આગળ નીકળી ગઈ. ટક્કરને કારણે તમારા હાથમાંની સિગારેટ નીચે પડી ગઈ. તમને ગુસ્સો આવ્યો. કાર વનવે સ્ટ્રીટમાં ખોટી રીતે ઘૂસી હતી. ધીમે ચાલતી હતી. એટલે તમે દોડીને એને રોકી શક્યા હોત અને ઝઘડો કરી શક્યો હોત. કાર ડ્રાઈવર અનાડી હોત તો પોતાની ભૂલ કબૂલ કરીને સોરી કહેવાના બદલે તમારા પર બગડ્યો હોત: રસ્તા પર શું કામ ચાલે છે, આટલી મોટી ફૂટપાથ તો છે. સામે તમે દલીલ કરી હોત: એક તો વનવે સ્ટ્રીટમાં ખોટી રીતે ઘૂસવું છે અને ઉપરથી દાદાગીરી કરવી છે? લાંબી જીભાજોડી થઈ હોત. સિગારેટ પીવાની મજા તો બગડી જ હતી,

`સૈયારા' જોવાની મજા પણ કિરકિરા થઈ ગઈ હોત.

વાંક એનો જ હતો. તમારા કોઈ વાંક વિના એણે તમારી સિગારેટની મજા બગાડી હતી.

જિંદગીમાં નાની-મોટી અનેક બાબતોમાં આવું બનતું રહેતું હોય છે. તમારો વાંક ન હોય તે છતાં કોઈ તમને હેરાન કરી જાય. શું કરવું આવા વખતે? વર્ષોની મથામણ પછી તમે એવી કોશિશ કરો છો કે આવું કંઈ બને ત્યારે બહુ મન પર નહીં લેવાનું. સામાન્ય રીતે આપણે જો સાચા હોઈએ તો `હું શું કામ સહન કરું?' એવું માનીને આપણે વાતનું વતેસર કરતા હોઈએ છીએ, પણ અનુભવે સમજાય છે કે આ વતેસર તમારા ઈગોને કારણે સર્જાય છે, વાતને પ્રેસ્ટિજ ઈશ્યૂ બનાવી દેવાને કારણે વતેસર થાય છે.

 તમારા કોઈ વાંક વિના કોઈ તમને નડવાની કોશિશ કરતું હોય ત્યારે તમારે એને સામો જવાબ આપવાને બદલે એ પરિસ્થિતિમાંથી દૂર હટી જવાનું હોય એવું હું માનતો થયો છું. ગણવા જ બેસશો તો તમારી આસપાસ એવી પચાસ વ્યક્તિઓ/ પરિસ્થિતિઓ દેખાશે જે તમને વગર વાંકે નડતી હશે. સિનેમામાં ટિકિટ કાઉન્ટર પર તમે પાંચસોની નોટ આપી અને પેલાએ દસ દસની થોડીક નોટો તમને પાછી આપી, પણ સો-સોની ન આપી. કદાચ જાણીજોઈને નહીં આપી હોય. તો પણ તમારે એનું ધ્યાન દોરીને પૂરા પૈસા પાછા લઈ લેવાના, એની સાથે ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી.

થિયેટરમાં કોઈનું બાળક રડતું હોય તો એક વખત એનું ધ્યાન દોરીને ચૂપચાપ ફિલ્મ જોવામાં મન પરોવી લેવાનું. પછી પણ બાળક રડતું રહે તો `કેવી જાહિલ, ગંવાર પ્રજા છે' એવો બળાપો કાઢતા રહેશો તો નુકસાન કોનું થવાનું છે? તમારું જ. પેલા યંગ પેરેન્ટ્સનો વાંક છે કે નાના છોકરાને તેઓ થિયેટરની બહાર લઈ જવાના બદલે બીજા સેંકડો લોકોની મજા બગાડે છે, તમારી મજા પણ બગાડે છે. શું કરશો? તમે એને પેરેન્ટિંગના પાઠ ભણાવવા જશો? તમારો હેતુ અહીં પિક્ચર માણવાનો છે કે બીજાઓને પેરેન્ટિંગના પાઠ ભણાવવાનો છે? થાય એવું, ક્યારેક કોઈનું બાળક રડે પણ ખરું. તમારે અકળાવાનું ચાલુ રાખીને બાકીના પિક્ચરની તમારી મજા શું કામ બગાડવાની?

 આ જ વાત છે. જિંદગીમાં તમારો હેતુ શો છે? મારા હિસાબે દરેક વ્યક્તિનો હેતુ એનું પોતાનું કામ છે, જે કામ હોય તે. ફેક્ટરી ચલાવવાથી માંડીને લખવા સુધીનાં હજારો કામ છે. આમાંથી તમારું જે કામ છે એની આડે કોઈ આવે છે? બહુ જ બારીકીથી જોશો તો કોઈ તમારા કામની આડે નથી આવતું. ફેક્ટરીમાં કોઈ સ્થાનિક મવાલી તહેવારની ઉજવણી વખતે ચંદો માગવા આવે કે સરકારનાં ડઝન ખાતાંઓના નોકરિયાતો તમારી પાસે હપ્તો માગવા આવે તો ઈટ્સ અ પાર્ટ ઑફ યૉર બિઝનેસ. તમે એ બધાને પાઠ ભણાવવા જશો તો ફેક્ટરી ક્યારે ચલાવશો? એને બદલે એ બધાને તમારી રીતે ટેકલ કરતા રહેશો તો પ્રોડક્શન પર, માર્કેટિંગ પર, ફાઈનાન્સ પર, લેબર પ્રોબ્લેમ્સ પર સારી રીતે ધ્યાન આપી શકશો.

 કૌટુંબિક પ્રશ્નોને લીધે ઘણાની વ્યાવસાયિક જિંદગી ખોરવાઈ જાય છે એવી ફરિયાદ છે. કુટુંબ છે તો પ્રશ્નો રહેવાના. સમાજમાં રહો છો તો સમાજના પ્રશ્નો રહેવાના અને શહેરની કોર્પોરેશન સામે, સરકાર સામે તમારી અસંખ્ય ફરિયાદો રહેવાની. આ ફરિયાદો જ ડિસ્કસ કરતા રહીશું, એમાં જ સમય-શક્તિ રેડતા રહીશું તો કામ માટે ટાઈમ-એનર્જી ક્યાંથી બચશે? રસ્તા પર ક્યાંક ખાડાઓ છે તો છે, સિસ્ટમમાં કોઈ ભ્રષ્ટ છે તો છે, શાકવાળાઓ મોંઘા ભાવે માલ વેચે છે અને રિક્ષાવાળાઓ ટૂંકા અંતરે આવવાની ના પાડવાનીય દરકાર નથી લેતા, સીધું મોઢું જ ફેરવી લે છે. મનમાં કેટલી ફરિયાદો સંઘરીશું?

 મને એમ લાગે છે કે આપણને જ્યારે આપણા પોતાના કામમાં બહુ રસ નથી પડતો ત્યારે આપણે પારકી પંચાત વધારે કરીએ છીએ. કામમાં ઓતપ્રોત હોઈએ ત્યારે અર્જુનને માત્ર પંખીની આંખ દેખાતી એમ આપણને બીજું કશું નથી દેખાતું. કોઈ મારા કામની આડે આવે છે એવું માનવું એક બહુ મોટું બહાનું છે. આપણે આપણી નાકામી ઢાંકવા બીજાનો વાંક કાઢીએ છીએ ત્યારે નુકસાન અંતે તો આપણું જ થાય છે, કારણ કે આપણી નાકામીનું ખરું કારણ આપણે જાણી શકતા નથી.

 કોઈને નડે નહીં એવું નૈતિક અને કાયદેસરનું કામ કરવું હોય ત્યારે તમારી જિંદગીની આડે કોઈ આવતું નથી. આવે છે એવું લાગે તો એ તમારો દૃષ્ટિભ્રમ છે. નાની-મોટી વાતોમાં વિઘ્નો આવતાં હોય ત્યારે એ તમામ વિઘ્નોને ટેકલ કરતાં કરતાં, ક્યારેક અવગણીને કે ક્યારેક એને શરણે થઈને કે ક્યારેક એની સાથે ડીલ કરીને તમે તમારા ચોક્કસ લક્ષ્ય તરફ આગળ વધી જ શકો છો, એમાં કોઈ શંકા નથી.

 આપણી પ્રગતિની આડે કોઈ આવતું હોય તો આપણી પોતાની જ જાત છે. આપણી અણઆવડત અથવા તો અશિસ્ત અથવા તો વધુ પડતી આકાંક્ષા અથવા તો કામચોરી અથવા તો ઓછું આપીને વધુ લઈ લેવાની વૃત્તિ અથવા તો બીજાઓ સાથેની સરખામણી અથવા તો આપણી ઈન્ફ્રિરિયોરિટીને કારણે સર્જાતું સુપિરિયોરિટી કૉમ્પ્લેક્સ અથવા તો પ્રતિષ્ઠા અંગેના ખોટા ખ્યાલો અથવા તો... ઘણું ઉમેરી શકાય એમાં. આ બધું જ વત્તેઓછે અંશે આપણામાં હોય છે, જે પગમાંની બેડીની જેમ આપણને આગળ વધતા રોકે છે. બેડી ખોલવાને બદલે આપણે બીજાઓનો વાંક કાઢ્યા કરીએ છીએ.

સાયલન્સ પ્લીઝ!

મારી પાટી કોરી છે. મારે જે કામ કરવું હતું તે કર્યું છે. હવે જો મૃત્યુ આવે તો વાંધો નથી. મેં પૂરા દિલથી કામ કર્યું અને સારું કર્યું. - અજ્ઞાત